August 16th, 2011
સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
સતી જ્યારે સ્વધામ ગયાં ત્યારે,
થયો પાનબાઈને અફસોસ રે ;
વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો,
મટી ગયો મનનો સર્વે શોક રે…
સતી…
અંતર બદલ્યું નિર્મળ થઈને બેઠાં,
સંકલ્પ સમાણો ચેતનમાંય રે ;
હાંણ ને લાભની મટી ગઈ કલ્પનાને,
બ્રહ્માનંદ ખીલી ગયો ચિત્તમાંય રે…
સતી…
જ્યાં રે જોવે ત્યાં હરિ ભાળ્યા,
રસ પીધો અગમ અપાર રે ;
એક નવધા ભક્તિને સાંધતાં,
મળી ગયો તુરીયામાં તાર રે…
સતી…
એટલામાં વજોભા આવિયા,
તેને કરાવ્યો સત્સંગ રે ;
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલિયાં ને,
હવે કોણ ચડાવે પૂરણ રંગ રે…
સતી…
August 16th, 2011
ઉલટ સમાવ્યા સૂલટમાં ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
ઉલટ સમાવ્યા સૂલટમાં ને,
સૂરતા ગઈ શૂનમાંય રે ;
ભાળી સ્વાર્મની ભોમકા ને,
હાર જોયા અખંડ મીટમાંય રે…
ઉલટ…
ભાઈ રે ! આવરણ ઉપાધિ મટી ગઈ ને,
હવે થયો છે આનંદ રે ;
બ્રહ્મ ભાવ્યા એકતારમાં ને,
ત્યારે તૂટયો પ્રપંચનો ફંદ રે…
ઉલટ…
ભાઈ રે ! અવિનાશી મેં અખંડ જોયા ને,
જ્યાં નામરૂપનો નાશ રે ;
સચ્ચિદાનંદ પૂરણ સદા સ્વામી ને,
તેને જોઈને થયો ઉલ્લાસ રે…
ઉલટ…
ભાઈ રે ! અવાચપદ અખંડ અનામી ને,
તેને જોઈ થયો ઉલ્લાસ રે ;
ગંગાસતી પ્રતાપે પાનબાઈ બોલ્યાં ને,
કીધો મૂળ અવિદ્યાનો નાશ રે…
ઉલટ…
August 16th, 2011
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને – પાનબાઈ – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને,
વાળ્યું પદ્માસન રે ;
મન, વચનને સ્થિર કરી દીધું ને,
ચિત્ત જેનું પ્રસન્ન રે…
એટલી…
ભાઈ રે ! ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને,
લાગી સમાધી અખંડ રે ;
મહાદશ પ્રગટી તે ઘડી ને,
હરીને જોયા તે પંડ બ્રહ્માંડ રે…
એટલી…
ભાઈ રે ! બાહરરૂપ જેની વરતી બની ગઈ ને,
અંતર રહ્યું નહિ લગાર રે ;
સૂરતાએ સૂરમાં જઈને વાસ કીધો ને,
થયા અરસપરસ એકતાર રે…
એટલી…
ભાઈ રે ! નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને,
વરતી લાગી ઈડથી પાર રે,
ગંગાસતીનું શરીર પડી ગયું ને,
મળી ગયો હરિમાં તાર રે…
એટલી…