March 18th, 2011
આનંદ ઘડી હેતે ભજવા હારી – રવિ સાહેબ – દલપત પઢિયાર
આનંદ ઘડી હેતે ભજવા હરિ, મારા સંતો !
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી..
પ્રેમના રે પિયાલા મારા, ગુરુજીએ પાયા રે ,
જોતાં રે જોતાં તો અમને વસ્તુ જડી.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
રૂદિયા કમળમાં હુવા અંજવાળા રે
તખત ત્રિવેણી ઉપર જ્યોતું જલી.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
સતનો શબદ મારા ગુરુએ સુણાવ્યો રે
નુરતે ને સુરતે મેં તો નીરખ્યા હરિ.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
કહે રવિરામ સંતો ! ભાણને પ્રતાપે રે
ગુરુના ભજનમાં મારી સુરતા ખડી.. મારા સંતો
અગમ આસન ઉપર સુરતા ચડી.. મારા સંતો
સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી…૦
March 18th, 2011
મૂળ રે વિનાનું કાયા ઝાડવું – રવિ સાહેબ – દલપત પઢિયાર
મૂળ રે વિનાનું કાયાં ઝાડવું જી રે, એ જી એને પડતાં નહીં લાગે વાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને પ્રેમનાં રે ખાતર પુરાવજો જી રે , એ એની પાળ્યો પહોંચી પિયાળ રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને સત્યનાં રે પાણીડાં સીંચાવજો જી રે,એ જી એની નૂરત સૂરત પાણીયારી રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
એ જી એને શીલ રે સંતોષ દોનું ફળ હુવા જી રે , એ જી ઈ તો અમર ફળ કહેવાય રે હાં..
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦
ગુરુ ભાણને પ્રતાપે રવિ બોલિયા જી રે , પ્રભુને ભજો તો ઉતરો ભવપાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી….૦