Archive

Posts Tagged ‘હેમંત ચૌહાણ’

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર… (દેવાયત પંડિત)

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર… દેવાયત પંડિત – આગમ – હેમંત ચૌહાણ

દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚

આપણા ગુરુએ સત ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚

ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‚

કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚

રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚

લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

જતિ રે સતી‚ ને સાબરમતી‚ તિયાં થાશે શૂરાના સંગ્રામ‚

કાયમ કાળિંગાને મારશે‚ નકલંક ધરશે નામ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં કુરાન‚

અસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ઓતર દિશાથી સાયબો આવશે‚ આવશે જુગ જૂનો વીર‚

કળજુગ ઉથાપી સતજુગ થાપશે‚ એવું બોલ્યા દેવાયત પીર…

લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…

એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ભગતી કરો તો હરજી અગમ ભેદ જાણો… (રામદેવપીર)

ભગતી કરો તો હરજી અગમ ભેદ જાણો… રામદેવ – હેમંત ચૌહાણ

ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚ અને કહું તે વચનું માં હાલો રે હાં

ધરમ જૂનો છે હરજી ! નિજારપંથ આદિરે‚ મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં…

જીત રે સતીનો હરજી ! ભેદ જાણો રે હાં‚ પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં…

મૂળ રે વચનનો હરજી ! મરમ સમજી લ્યો‚ તમે સાબીત રાખજો દાણો રે હાં…

જીત રે પુરૂષને મોહઝાળ નહીં વ્યાપે રે હાં‚ એવી સતી નારી પર પુરૂષનેં ત્યાગે રે હાં…

વિષયની રે વાસના એના અંગડામાં નાવે‚ એને મોહનાં બાણ નવ લાગે રે હાં…

કામનાનાં બીજને હરજી ! પેલાં બાળો રે હાં‚ પછી રજ ને વીરજને સંભાળો રે હાં…

કર્મ રહિત હરજી ! ક્રિયા રે કમાવો તમે ગુરુના વચન ને પાળો રે હાં…

જીત રે પુરૂષ વિના જામો નહીં જામે રે હાં‚ સતી વીનાનો ધરમ નહીં હાલે રે હાં…

આતમાને ઓળખી ને હરજી ! દેહ ભાવ મટાડો પછી મનડાને બાંધોને વેરાગે રે હાં…

લિંગ ને રે ભંગનો હરજી ! ભાવ મટાડો રે‚ એવી યોગની ક્રિયાને કમાવો રે હાં…

કરમ કરશો તો હરજી ! ધરમ જાશો હારી એવા અંતરે વચન સાંભળો રે હાં…

સતિયા રે થઈ ને તમે સતમાં ખેલો રે હાં‚ એવી સતની સદા છે સવાઈ રે હાં…

બાળ નાથ ચરણે બોલ્યાં સિદ્ધ રામદે‚ પછી સતની આગળ નથી બીજું કાંઈ રે હાં…

ઊઠત રણુંકાર અપરમપારા‚અખંડ આરતી બાજે ઝણુંકારા… (ભીમસાહેબ)

ઊઠત રણુંકાર અપરમપારા‚અખંડ આરતી બાજે ઝણુંકારા… ભીમસાહેબ – હેમંત ચૌહાણ

ઊઠત રણુંકાર અપરંપારા…

અખંડ આરતિ બાજે ઝણુંકારા…

આપે નર ને આપે નારી‚ આપે બાજીગર બાજી પસારી…

ઝલમલ જ્યોત અખંડ ઉજિયારા‚ નૂર નિરંતર તેજ અપારા…

સોળ વાલ પર રતિ સરદારા‚ ચૌદિશ બોલે વચન ચોધારા…

સદગુરુ ત્રિકમ સાહેબ હમારા‚ આપે બોલે ગુરુ બોલનહારા…

કહે ભીમદાસ ભવ સિંધુ સારા‚ બ્રહ્મ જળ ભરિયા ભીતરબારા…

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની… (દયાનંદ)

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની… દયો – પટોળી – હેમંત ચૌહાણ

એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

સત જુગમાં વણ વાવિયાં‚ ઊગ્યા ત્રેતા માં ય‚

દ્વાપરમાં એને ફળ લાગ્યાં‚ એ જી રે એમાં કળિયુગમાં ઊતર્યો કપાસ…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

સતના ચરખે લોઢાવિયાં‚ પ્રેમની પિંજણે પિંજાય‚

સરખી સાહેલી કાંતવાને બેઠી ; એ જી રે એનો તાર ગયો આસમાન…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

બ્રહ્માજીએ તાર એના તાણિયા‚ શંકર જેવા વણનાર

તેત્રીસ કોટિ દેવ વણવા લાગ્યા‚ એ જી રે એમાં થઈ છે ઠાઠમ ઠાઠ…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…

આ પટોળી ઓઢીને ધ્રુવ પરમ પદ પામ્યા‚ વળી ઓઢી છે મીરાંબાઈ‚

જૂનાગઢમાં નાગર નરસૈયે ઓઢી‚ એ જી રે પછી આવી દયાને હાથ…

પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…