કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે… (દાસી જીવણ)
કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે… દાસી જીવણ – દાવાભાઇ પાનવાળા
કલેજા કટારી રે વ્રેહની કટારી રે‚
હે માડી ! મુંને માવે‚ લઈને મારી રે મારી…
વાંભુ ભરી મુજને મારી‚ વાલે મારે બહુ બળકારી‚
એણે હાથુંથી હુલાવી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦
કટારીનો ઘા છે કારી‚ વાલીડે મારી છે ચોધારી‚
ભીતર ઘા બહુ ભારી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦
જડી બુટી ઓખદ મૂળી‚ કેની એ ન લાગે કારી‚
વૈદ ગિયા હારી રે‚ હકીમ ગિયા હારી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦
વ્રેહ તણી વેદના ભારી‚ ઘડીક ઘરમાં ને ઘડીક બારી
મારી મીટુંમાં મોરારી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦
દાસી જીવણ ભીમને ભાળી‚ વારણાં લઉં વારી વારી‚
આજ દાસીને દીવાળી રે‚ ખબરું લીધી હમારી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦