Santsahitya Parisamvad – Talgajarda
પૂ. મોરારીબાપુની નિશ્રામાં તલગાજરડા મુકામે સંતવાણી એવોર્ડ સમયે સંતસાહિત્ય પરિસંવાદમાં અપાયેલ વક્તવ્યો ૧. નાથાલાલ ગોહિલ ૨. ડો.નિરંજન રાજ્યગુરુ
૨૩-૧૧-૨૦૧૦
નાથાલાલ ગોહિલ
“આદરણીય પૂજ્ય મોરારીબાપુ‚ વિદ્વદજનો‚ સાથી વક્તા મિત્રો અને મારી વહાલી ગતગંગા. મારે આજે ભજનસાહિત્યના ઈતિહાસ વિશે બોલવાનું છે. ત્યારે સાહિત્યના નવ રસ અને ભજનના સિદ્ધ રસની પસલી ભરીને પ્યાલીઓનું આચમન કરાવી નહીં શકું કારણ મારે ઈતિહાસ રચવાની વાત છે‚ ટેકનીકલ વાત છે‚ શાસ્ત્રની વાત છે એટલે રસને બદલે વૈજ્ઞાનિક શાસ્ત્રીય અભિગમથી ભજનના ઈતિહાસને જો રચવો હોય તો શું કરવું જોઈએ તે અંગેના મારા મતને પ્રગટ કરીશ. ભજન ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનો ચેતનવંતો ઉર ધબકાર છે. આ ભજન વિશે પ્રાંતેપ્રાંતમાં કામ થયું છે‚ ગુજરાતમાં પણ થયું છે અને એ ભજન ક્ષેત્રે જે કામ થયા છે તેના આધારે ભજનનો અર્થ‚ ભજનની વ્યાખ્યા‚ ભજનના પ્રકારો‚ ભજનના અર્થઘટન વિશે ઘણું બધું કહેવાઈ ચૂક્યું છે. મારા વિષયને અંતર્ગત એ અભિપ્રેત નથી. એટલે એને પણ હું અહીં છોડું છું. મારે ભજન સાહિત્યનો ઈતિહાસ લખવાની આ વાત કરવાની થાય છે ત્યારે આ વિષયની જરૂરીયાત શેમાંથી ઉભી થઈ? તો તેનું એક મહત્વનું કારણ એ છે કે આજે ભજન કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસમાં સ્થાન પામેલ છે. અને જ્યારે અભ્યાસમાં તેનું સ્થાન થાય ત્યારે સૌથી પહેલી જ વાત ભજનના ઈતિહાસની વાત આવે છે. ભજનક્ષેત્રે જે અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્વાન મિત્રો ઘણા સમયથી વિચારતા હતા કે ભજનનો ઈતિહાસ રચીએ પરંતુ બન્યું એવું કે એનું માળખું રચી શકાયું નહીં. એમ પણ બને કે ભજનના ઇતિહાસને પ્રગટ થવું હતું પણ કોઈ સંતના આશિર્વાદની ઝંખનામાં એ વિષય રાહ જોતો હતો. પૂજ્ય બાપુ સંતક્ષેત્રનો જ્યારે એવોર્ડ આપે છે તે નિમિત્તે એક વ્યાખ્યાનમાળા યોજવી અને એ વ્યાખ્યાનમાળાનો આ પ્રથમ મણકો‚ અને પ્રથમ મણકાના પ્રથમ વક્તા તરીકે જ્યારે મને આ તક મળી છે એને હું સંતના આશિર્વાદ માનું છું‚ સંતનો આદેશ માનું છું‚ અને પરમપૂજ્ય બાપુને હું પ્રથમ વંદન કરું છું અને સાથેસાથે એક મારી શ્રદ્ધા પણ પ્રગટ કરું છું. આ ક્ષણ‚ આ પળ ઈતિહાસ રચાવાની પળ છે અને પૂજ્ય બાપુના સહયોગથી ઈતિહાસ રચાશે એમાં મને અને આપણે સૌને શંકા નથી. બીજા વંદન કરું છું ભજન ક્ષેત્રે જે લોકો કામ કરી ગયા છે તેમને. અને એ શરૂઆત જો કરું તો રણજીતરામ વાવાભાઈ‚ સ્વામી આનંદ‚ ઝવેરચંદ મેઘાણી‚ મકરંદ દવે‚ જયમલ્લ પરમાર‚ હરીવલ્લભ ભાયાણી‚ નિરંજન રાજ્યગુરુ‚ રાજેન્દ્રસિંહ રાયજાદા‚ દલપત પઢિયાર‚ નરોતમ પલાણ‚ હિમાંશુ ભટ્ટ‚ બળવંત જાની‚ હસુ યાજ્ઞિક‚ ભગવાનદાસ પટેલ‚ મનોજ રાવલ‚ ભાણદેવ વગેરે. અન્ય નામોનો ઉલ્લેખ મારા ચિતમાં છે‚ પણ ભજનની પરંપરા તો એ છે કે નામને ગાળી નાખવું. તેથી ભજનમાં રસ લેનાર તરીકે એમની સાથે મારું નામ રદ જ કરું છું. ભજન કંઠસ્થ પરંપરાએ ઝીલાયું ને વહેતું રહ્યું છે. મુદ્રિત પરંપરાતો પાછળથી આવી‚ પણ જ્યારે કંઠસ્થ પરંપરાએ ભજન વહેતું રહ્યું ત્યારે એમાં મૂળ પાઠ ઘણા બદલાયા છે‚ તો તેમાં મૂળ પાઠ કયો એ શોધવનું કામ હજી અભ્યાસીઓએ કરવાનું છે. બીજી મહત્વની વાત એ બની છે કે ભજન એક જ હોય અને બે થી ત્રણ સંતોના નામાચરણથી એ ગવાય છે તો એમાંથી નિશ્ચિત જ એક સંત હોવાના એ પણ નિશ્ચિત કરવું પડે‚ અને આ નક્કી કરવાની એક પધ્ધતિ પણ છે‚ કોઈ પણ ભજન લઈએ તો એ ભજનને વાંચ્યા પછી થી એના અનુભવમાંથી પસાર થયા પછીથી ભજનના માર્ગમાં એ કયા સ્થાન સુધી પહોંચ્યા ફતા એ નક્કી થઈ શકે છે. બીજી વાત‚ એમણે જે બીજા ભજનો લખ્યા છે એની સાથેનો તાલમેલ‚ એમની ગુરુ પરંપરા કઈ છે‚ એમની પંથપરંપરા કઈ છે‚ આ થોડાક એંગલોથી કામ કરે તો તરત નિશ્ચિત આપણે તેના સર્જકને શોધી શકીએ. બીજુ એક પાસું એમ પણ છે કે કેટલીક વ્યક્તિઓએ ભજન રચ્યા પણ જે નામાંકિત ભજનિક હતા એમના નામ પર પોતાની રચના ચડાવી દીધી છે અને આપણે તેને જ ઓળખીએ છીએ. તો એ પણ ઝીણવટથી જો તપાસ કરીએ તો તપાસીને શોધી શકાય‚ એની પણ પધ્ધતિ છે. આ બધા ભજન વિશેના પ્રશ્નો છે જ‚ ત્યારે હસ્તપ્રતના આધારે કે એની મુદ્રિત પરંપરાને આધારે કે કંઠસ્થ પરંપરાને આધારે કે ભજનના બાહ્ય પુરાવાઓને આધારે ભજનને માપવા જઈએ તો ભૂલા પડીશું. કારણકે ભજનને માપવાનો એક માર્ગ તેની આંતરીક પુરવણી છે‚ ભજનના પોતાના જ આંતરીક પુરાવાઓ છે. એ પુરાવાઓને ધ્યાનમાં રાખીને જો ઈતિહાસ રચીએ તો એ ઈતિહાસ રચી શકાશે. ભજનના આંતરિક પુરાવાઓને પણ સમજી શકે – અનુભવી શકે એવી સંતચેતનાઓ આપણી વચ્ચે છે. જો એ સંત ચેતનાઓનો સહયોગ આમાં મળી રહે તો ઈતિહાસ રચવો એ સહજ બનશે. ભજનનો ઈતિહાસ જ્યારે લખવા જઈએ ત્યારે સહુથી પહેલું માધ્યમ જો પ્રાપ્ય હોય તો એ ભજનસંગ્રહો છે. ભજન સંગ્રહો પ્રકાશિત થવાનું કાર્ય ૧૮૯૦થી આરંભાયું‚ પણ એ જે ભજનસંગ્રહો હતા એ બધા પ્રાપ્ય થતા નથી‚ કેટલીક જગ્યાએ સચવાયા છે‚ પણ જેની પાસે સચવાયા છે એ બીજાને આપતા નથી. એની પણ મર્યાદાઓ હશે એમ પણ થયું છે. પણ ભજનની સાથે ભજન વિષયક નોંધ કરવાનું કામ સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે. સોરઠી સંતવાણીમાં એમના સ્થૂળ દેહ છૂટવાની પૂર્વરાત્રીએ સોરઠી સંતવાણીનું પ્રવેશક તેમણે લખ્યું તેમાં ભજન એટલે શું એની વાત કરી છે. ભક્તિ પરંપરા ક્યારથી આરંભાઈ એની એમણે વાત કરી છે‚ એથી વિશેષ એમણે જે ભજનિકો લીધા એમના જીવન વિશેની વાત કરી છે અને એ સમયે પ્રાપ્ય ગંગાસતીના જેટલા ભજન હતા એનું સંપાદનકામ કરીને પ્રથમ પાયાનું અને ઉપકારક કામ કર્યું છે. હવે જે ભજનસંગ્રહ આપણી પાસે મળે છે અને અત્યારે જે પ્રાપ્ય છે એની આ મારી યાદી છે‚ એને હું માત્ર નામથી જ મૂકીશ કારણકે મેં એમા પ્રકાશક પણ મૂક્યા છે અને એની પ્રકાશન સાલ પણ કહી છે‚ પ્રાપ્તિસ્થાન પણ મૂક્યું છે. ઈ.સ. ૧૯૨૭ નું ‘ભજનસારસિંધુ’ – માંડળજી રામજીનું મળે છે. તો રવિભાણ સંપ્રદાયની વાણી એ મંસારામ મોતી ૧૯૩૮ માં પ્રકાશિત થયું‚ ભજનસાગર ઈ.સ. ૧૯૪૨ માં‚ સોરઠી સંતવાણી ૧૯૪૭માં‚ અધ્યાત્મ ભજન માળા – કાનજી ધરમશી ૧૯૫૮‚ દુર્લભ ભજનસંગ્રહ – ગોવિંદજી ધામેલીયા‚ યોગવેદાંત ભજન ભંડાર‚ સત કેરી વાણી‚ આત્મવિલાસ ભજન સાગર‚ સેવા ધરમના અમરધામ વગેરે‚ પોરબંદરથી નટવર ભજનાવલિ પ્રગટ થઈ છે જે અપ્રાપ્ય છે. આ કામ થઈ ગયું છે. આ સિવાય એક બહું જ મોટું કામ જે થયું છે તે પી.એચ.ડી નિમિતે‚ ભલે હેતુ ગમે તે હોય પણ આ નિમિતે ભજનક્ષેત્રે જે કેટલાક કામ થયા છે તેમાં સંતભક્તના જીવનને કેન્દ્રમાં રાખીને જીવન‚ કવન‚ સાહિત્યસર્જન અને પ્રાપ્યભજન નું સંપાદન તરીકે મૂકી થીસીસ તૈયાર થયા છે એ કામ પણ પાછા પ્રાપ્ય થાય છે એટલે એ ક્રમબદ્ધ બહુ ઉપયોગી છે. બીજુ કામ થયું છે ભજન સ્વરૂપને કેન્દ્રમાં રાખીને એમાં અગમવાણી‚ આરાધ‚ અવળવાણી‚ રવેણી‚ પ્યાલો વગેરેને કેન્દ્રમાં લઈને એમ સ્વરૂપગત ભજનના કામો પણ થયા છે અને એ ભજન સંપાદનો અને આરાધની વ્યાખ્યાથી લઈને લક્ષણો વગેરેનું કામ થઈ ગયું છે. એ આપણી પાસે પ્રાપ્ય છે તો કેટલાક કંઠસ્થ ને ગ્રંથસ્થ જે ભજન હતા‚ મુરબ્બી બળવંતભાઈએ એની એક આખી યાદી તૈયાર કરીને આપણી પાસે મૂકેલી છે એ પણ ઉપયોગી છે. ‘પદ ભજન સૂચી’ નામનો એમનો ગ્રંથ છે તે. એથી મોટું કામ સતની સરવાણી – નિરંજન રાજ્યગુરુએ કર્યું છે‚ રામસાગરના રણકારે – નાથાલાલ ગોહિલ‚ સંતપરંપરા વિમર્શ – રાજેન્દ્રસિંહ રાયજાદા‚ ચૂંટેલા ભજન – નરોતમ પલાણ‚ કાયા રે મૂળ વિનાનું ઝાડવું – બળવંત જાની‚ કંઠસ્થ પરંપરાની વાણી – હિમાંશુ ભટ્ટ‚ સૌરભ ભજનાવલી હસુ યાજ્ઞિક‚ રમતો દીઠો સાંઈ – રાજેશ સિંધવ‚ સંતવાણી વિમર્શ – રમણીકલાલ મારૂ‚ ભજનયોગ – સુરેશ દલાલ‚ હાલો મારા હરીજનની હાટડીએ – હરકિશન જોશી‚ આપણી ભજનવાણી – તો આ ભજન આધારો સૌથી પ્રથમ પુરાવાઓ‚ આપણે ભજનના ઈતિહાસ રચવા માટે પાયાનું પહેલું પ્રદાન એમની પાસેથી મળી રહેશે. ભજન સાહિત્યનો ઈતિહાસ રચવા માટે એક પધ્ધતિ એ પણ છે કે સંતના જીવન વિશેનો આધાર. કે આ સંત કયા સમયમાં‚ એ સમયની વાત લેતા રાજકીય વ્યવસ્થા‚ સામાજીક વ્યવસ્થા‚ ધાર્મિક વ્યવસ્થા પંથ પરંપરા‚ એમના જોડાણ‚ તે સંતનું જીવન મળે પછી તેના સર્જનના આધાર મળે એ રીતે કામ થઈ શકે. પણ ત્યાં મુશ્કેલી એ પડી છે કે દરેક સંત પોતાના જીવન વિશેની વાત કહેવા માટે રોકાયા નથી. અથવા તો પોતાની જાતની ઓળખ ને ભૂલવી તેનું નામ ભજન‚ આ તો ઓળખ ભૂલવાનો માર્ગ છે‚ એ જ્યારે ગુરુ પાસે જાય છે ત્યારે સૌથી પ્રથમ તો તેના નામને ત્યાં છોડી દેવાનું હોય અને ગુરુ એને બીજુ નામ આપે‚ એ બીજુ નામ ધારણ કર્યા પછી કોઈ પણ સંતને સાધકને યોગીને એના પૂર્વકાલની પૃચ્છા થઈ શક્તી જ નથી. જ્યારે સંત જીવતા ત્યારે અમણે વાત નથી કહી‚ વિહાર કરતા ત્યારે પણ કહેવાયુ નથી પછી લખાયું ક્યારે – એમના જે સેવકો હતા‚ એમણે પંથપરંપરાના હતા એમણે સંત વિશે લખ્યું‚ એમણે જ્યારે લખ્યું ત્યારે એની પોતાની શ્રદ્ધા એમાં ઉમેરાઈ અને શ્રદ્ધા ઉમેરાય ત્યારે ઈતિહાસ એક ડગલું જરા ડગે છે. એથી બીજી મોટી વાત એ છે કે જ્યારે એ સંપ્રદાય વિશે લખે છે એટલે માણસ થોડોઘણો સંપ્રદાય તરફ પણ ઢળે છે ત્યારે સત્યને જ્યારે આપણે પ્રમાણવા જઈએ ત્યારે એ કેટલીક મુશ્કેલીઓ સામે આવે છે. અને ત્યારે ચમત્કારના પ્રસંગો પણ નડે છે. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ ઈતિહાસ રચાવો જોઈએ. આપણે ત્યાં મધ્યકાલીન સાહિત્યનો ઈતિહાસ છે‚ એમાં નરસિંહ વિશે મીરા વિશે અખા વિશે શામળ વિશે એ બધા વિશે તો કામ થયું છે‚ અને એક નહીં‚ અનેક વિદ્વાનોએ એનું કામ કર્યું છે અને પ્રાપ્ય થયું છે. પણ જે ભજનપરંપરા સાથે જોડાયેલા છે અને જે લોક કંઠે સામાન્ય લોક સમુદાયમાં વહેતા હતા એમના વિશે બહુજ ઓછું કામ થયું છે અને છતાં જે કેટલુંક થયું છે એ નોંધપાત્ર થયું છે‚ તો એવા કામને જો આપણે યાદ કરવું હોય તો ગંગાસતીનું અધ્યાત્મદર્શન – ભાણદેવ‚ મોરલો મરતલોકમાં આવ્યો = દાસી જીવણ વિશે – નાથાલાલ ગોહિલ‚ દાસી જીવણ વિશે અપ્રગટ સંશોધન મહાનિબંધ – ડો. નિરંજન રાજ્યગુરુ‚ સંતકવિયત્રી લોયણ – રમેશ સાગઠીયા‚ સંત કવિ મેકરણદાદા – વિઠ્ઠલભાઈ ઠુંબર‚ સંદેશો સતલોકનો = ભીમસાહેબ – દલપત ચાવડા‚ રવિએ રમતા દીઠો – મોરારસાહેબની વાણી અને સતી લોયણની વાણી – ત્રણ મારાં કામો છે‚ ખીંબડીયો કોટવાળ એ એમના વિશે સુનિલ જાદવે કર્યું છે. તો જે આ વ્યક્તિગત અને પી.એચ.ડી નિમિતે અને સંશોધન નિમિતે કામ થયું છે એને આપણે આધારસ્તંભ તરીકે અહીં લઈ શકીએ. ત્રીજી દિશા છે જ્ઞાતિગત‚ જ્ઞાતિગત સંતોનું કામ થયું છે‚ પછી પંથગત કેટલાક સંતોનું કામ થયું છે‚ કેટલાક પ્રદેશગત. જ્ઞાતિ‚ પંથ‚ પ્રદેશ વગેરેને લઈને કામ થયું છે એને પણ આમાં યાદ કરીએ તો સૌરાષ્ટ્રના હરીજન ભક્તકવિઓ – લોહાણા જ્ઞાતિના સંતકવિઓ‚ રવિભાણ સંપ્રદાયના સંતકવિઓ‚ કબીરપંથના સંતો‚ કચ્છના સંતકવિઓ‚ બારાંકી સંપ્રદાયના સંતો વગેરે. તો કેટલુંક ભજનકાર્ય ભજન સાહિત્યના સેમીનાર નિમિતે થયું છે. એવા ત્રણ મહત્વના કામ હું યાદ કરાવું તો રામદેવપીર અને જોધપાટ ઉપાસના ઉપર પ્રેરણાધામમાં કામ થયું અને એનું ગ્રંથ ‘પાટે પ્રગટ્યા અલખધણી’ પ્રગટ થયું છે‚ બીજું ગુજરાતમાં નાથપંથી સાધનાનો સિદ્ધાંત – એનો પણ સેમીનાર થયો અને એનું પણ પુસ્તક પ્રગટ થયું છે અને ત્રીજું મહત્વનું અસ્મિતાપર્વ – ૯ માં સંતસાહિત્યલેખે જે પત્રો સંશોધનપત્રો આવ્યા એ‚ એનો પણ ગ્રંથ મળ્યો છે તો સેમિનાર નિમિતે જે કેટલુંક કામ થયું છે અને જે આ પણને મળે છે તે. પંથગત જે કામ થયા છે તેમાં બીજમાર્ગી પાટ ઉપાસના – નિરંજન રાજ્યગુરુ‚ મહાધર્મ વિશે – સત્યા પઢીયાર‚ તંત્રસાધના મહાપંથ અને અન્ય લેખો – રાજેન્દ્રસિંહ રાયજાદા અને આ રીતે સૌરાષ્ટ્રના ત્રણસો છપ્પન સંતો વિશેની ટુંકી પ્રમાણભૂત માહિતિ નિરંજન રાજ્યગુરુએ પ્રગટ કરી છે. આ બધાને આધારે ઈતિહાસ રચવામાં એક મહત્વનું કામ થઈ શકશે. ભજનને એક સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ તરીકે પ્રસ્થાપિત કરી શિક્ષક અને વિદ્વાનો સુધી મૂકવાનું કામ જો કોઈએ પ્રથમ કર્યું હોય તો એ આદરણીય મકરંદ દવેએ ‘સત કેરી વાણી’ માં ૧૯૭૦ માં કર્યું છે. એમણે ત્રણ માર્ગની વાત કરી છે‚ મહામાર્ગ‚ નાથયોગ અને સંતપરંપરા. સંતપરંપરાના પણ એમણે બે ભાગ કર્યા છે‚ નિર્ગુણ પરંપરા અને સગુણ પરંપરા. આ ભજનપાટની માંડણી મકરંદભાઈએ કરી આપી છે. ત્યારથી ઈતિહાસનો પાટ મંડાયો. બીજું કામ ડો. નિરંજન રાજ્યગુરુએ ભજનમિમાંસામાં કર્યું છે‚ એ ૧૯૯૦ નું કામ છે. એમાં એમણે ભજનની ઓળખ‚ ભજનના લક્ષણો અને તેનું વર્ગીકરણ કરી આપ્યું છે. ત્રીજો ગ્રંથ‚ ભજન રૂપ દર્શન – ડો. નાથાલાલ ગોહિલ‚ અહીં ભજન અર્થ‚ ભજન વ્યાખ્યા‚ ભજનના બ્રાહ્ય લક્ષણો‚ ભજનના આંતરીક લક્ષણો‚ ભજનપદાવલીના લક્ષણો‚ ભજનના ભાવગત પ્રકારો‚ સ્વરૂપગત પ્રકારો‚ ગાયકીગત પ્રકારો એ બધાનું કામ થયું છે. તો આ બધું સૈદ્ધાંતિક રીતે ભજનનો ઈતિહાસ રચવામાં આપણને ઉપયોગી થાય એમ છે. આ ત્રણ ગ્રંથોને આધાર લઈએ ત્યારે ભજનના ક્ષેત્રમાં જે સંશોધનાત્મક કામ થયા છે‚ એ ગ્રંથોમાં અતીતની પાંખે – મોહનપુરી ગોસ્વામી‚ આત્મચેતનાનું મહીયર – હિમાંશુ ભટ્ટ‚ સંતપરંપરાવિમર્શ – રાજેન્દ્રસિંહ રાયજાદા‚ સંતવાણીનું તત્વ અને સૌંદર્ય – નાથીયો‚ મનીયો અને નીરીયો -મકરંદ દવે‚ સંતવાણી તત્વ અને તંત્ર – બળવંત જાની‚ સંતસાહિત્ય સંશોધન અને સમીક્ષા – નાથાલાલ ગોહિલ‚ ગુજરાતના સંતકવિઓ અને બાઊલ – જયંતિલાલ આચાર્ય‚ મધ્યયુગની સાધનાધારા – ક્ષિતિમોહન સેન‚ મીરાનું અધ્યાત્મદર્શન – ભાણદેવ‚ સતસાહેબની સરવાણી – નાથાલાલ ગોહિલ‚ સરવંગા – નરોતમ પલાણ‚ આ યાદીને આપણે વધારી શકીએ. કારણ શું હતું? આપણી પાસે આધ્યાત્મિક પરંપરાના વેદના સૂક્તકો અને રૂચાઓ હતી‚ બૌદ્ધ ધર્મમાં સંઘચર્યાગાનો હતાં‚ જૈન ધર્મના સજ્જાઈ સ્તવન અને હરેક પ્રસંગે ગવાતા ધવલ હતાં‚ ખ્રિસ્તિ ધર્મની પ્રેયર હતી‚ ઈસ્લામની બંદગી અને કુરાનેશરીફની આયાતો હતી. મહંમદ સાહેબનો મહિમા અને પીરપરંપરાનો મહિમા ગવાતો હતો પછી આ ભજનવાણી શા માટે? કેટલાક લોકો ભજનને ભક્તિઆંદોલનનું પરિણામ ગણે છે‚ નરોતમ પલાણ જેવા સરવંગામાં ગુજરાતી ભજનના મૂળ ગોરખનાથની વાણી સુધી હોવાનું જણાવે છે‚ હવે ગોરખનાથનો સમય રાહુલ સાંકુતિયા જણાવે છે તેમ ઈ.સ. ૮૫૫. ભજન રૂપ દર્શનમાં મેં એક તારણ મૂક્યું છે એમાં મેં એમના પ્રથમ સિદ્ધ ઈ.સ. ૭૬૦માં દર્શાવ્યા છે અને તે સરપ્પા‚ તેમની સિદ્ધવાણીનો હિન્દી અનુવાદ રાહુલજીએ કર્યો છે એ મેં મૂક્યો છે અને એ જ અર્થઘટનની પંક્તિઓ ગુજરાતી ભજનમાં ક્યાં મળે છે એને મેં મૂકી છે. અને ત્યારે ભજનના મૂળમાં મને એમ જણાયું કે સિદ્ધવાણી‚ નાથવાણી‚ અને એ પછીથી હિન્દીવાણી અને તેમાં પાછી ગુજરાતીવાણીમાં કઈ રીતે આવે છે અને એમાંય ભજનના કેન્દ્રમાં જો કોઈ એક બાબત પડી હોય તો તે એ કે ભજનનું મુખ્ય દર્શન ઘટભીતર સમાયું છે. અને તેમાં જે પિંડે તે વરમંડે એ કે વરમંડે સો પિંડે એની જે પંક્તિ સિદ્ધવાણીમાં ક્યાં છે એ મેં લીધું છે. એનો હિન્દી અનુવાદ કયો છે‚ એ પણ મેં અહીં મૂક્યો છે અને ગુજરાતી ભજનવાણીમાં કયા કયા સંતની વાણી એ જ પ્રકારની મળે છે એ પણ મેં નોંધી છે. ત્યારે આપણી પાસે ઈતિહાસ રચવામાં એક બારી ખૂલે છે. સિદ્ધવાણી‚ નાથવાણી‚ હિન્દીવાણી અને પછી ગુજરાતીવાણીમાંની સમયની રીતે મૂલવવામાં હું પડતો નથી અને ભજનમાં તો કઈ રીતે પડ્યું છે તે જુઓ‚ નરસૈયા ચો સ્વામી સાચો એમાં ‘ચો’ હવે આ ‘ચો’ કે ‘ચા’ શબ્દ છે એ મરાઠી છે એટલે મરાઠી સાથે અનુબંધ છે‚ મીરા મારવાડના અને રાજસ્થાનના‚ તો એના જે પદો મળે છે એમાંય એમના શબ્દો આવે છે‚ તો ઈસ્લામના સૂફીઓ‚ બંગાળના બાઉલની મસ્તી એ ભજનમાં મળે છે અને હિન્દી ભજનની જે રંગત અથવા મજા છે એ તો આપણે પુરૂષોતમ જલોટા‚ જ્યુથિકા રોય અને કુમાર ગાંધર્વના ભજન ગાનથી પરિચિત છીએ. હવે દક્ષિણમાં અપ્પૈયા અને ગાણપત્ય મતો – ભજનના આદિમ સૂત્રનું અનુસંધાન દક્ષિણમાં હોવાનું જણાય છે‚ ભજનના આદિમ સૂત્રો અપ્પૈયા અને ગાણપત્ય ભજન જણાય છે. આટલા પછી આપણને થાય કે ભજનસ્વરૂપ કોઈ એકની જાગીર નથી. સમગ્ર ભારતવર્ષની‚ આર્યાવર્તની અને દ્રવિડિસ્તાન બન્ને સંસ્કૃતિના સાંસ્કૃતિક સમન્વયનું ઉજ્જવળ પરિણામ અને પરિમાણ છે એવું જણાય છે. નાથપંથી ગોરક્ષવાણીના નામાચરણવાળા ભજન હોય કે મહામાર્ગી માર્કંડઋષિના નામ વાળા ભજન હોય‚ ઈસ્લામ ખોજાના કયામુદ્દીન નામાચરણવાળા ભજન હોય અને તુકારામના અભંગો તથા તુકા તાટી ખોલ – મુક્તાબાઈ કહે કે દ્વાર ખોલો‚ આમ ભજન એ ઉઘાડ છે. આ એક સાંસ્કૃતિક ઉઘાડ છે. કે આધ્યાત્મિક ઉઘાડ છે. એ વિદ્વાનોની વાતચીત પર છોડું છું. આ બધા સંદર્ભોમાં ગુજરાતમાં – ‘બાર બીજના ધણીને સમરું‚ સમરું નેકડંગ નેજા ધારી’ નો મહિમા ગવાતો હોય‚ પરબના રક્તપીતીયાઓની સેવા કરતા સત દેવીદાસની શિષ્યા માં અમરમાં ગાતા હોય – ‘જળની માછલીયું અમે પવને સંચર્યું‚ ખરી તો વળતી મારી નહીં ડોલે’ એ મુજબ ભજનમાં ભક્તિ – જ્ઞાન – યોગ – વૈરાગ્ય – ગુરુ મહિમા – ચેતવણી – અવળવાણી – અગમભાસતી વાણી એમ અનેક પ્રકારની કથનપ્રયુક્તિઓ આલેખાયેલી છે. માત્ર એક જ પંક્તિમાં જ એની વાત કરું તો ભક્તિ – ‘ભૂતળ ભક્તિ પદારથ મોટુ’‚ અજ્ઞાન – ‘જ્ઞાન વિના ભક્તિ નવ થાય‚ જ્યમ ચક્ષુ હીણો જ્યાં ત્યાં અથડાય’
ધ્યાન– ‘જીવે લાખા ધ્યાન પ્રાણાયામમાં‚ ગુરુ ગમ રાખોજી જેની ચંચળ વૃત્તિ સ્થીર થાય’
વૈરાગ્ય – ‘કઠણ પંથ આ વૈરાગ્યના રે‚ જ્યાં પહોંચત વીરલા સંત’ ગુરુ – ‘અજવાળુ રે હવે અજવાળુ‚ ગુરુ આજ તમ આવ્યે અજવાળુ’ઉપદેશ – ‘પ્રાણીયા ભજી લેને કિરતાર આ તો સ્વપ્નું છે સંસાર’
અવળવાણી – ‘વરસે ધરતી ભીંજે આસમાન‚ સવળી વાણી રા પૂરા પરમાણ મેકરણ કાપડી આ ભજનનું બાહ્ય રૂપ. પણ ભજનનું એક આંતરીક રૂપ છે અને એમાં કેટલાક શબ્દો મહત્વના છે‚ નામ‚ વચન‚ શબ્દ અને મોતી. ચારેયના અર્થઘટનમાં વિદ્વાનો સામે નહીં પડું. વચન – ‘એકવીસ બ્રહ્માંડની ઉપર‚ વચન વિવેકી જે નર નારી પાનબાઈ‚ વચન થકી આ સૃષ્ટિ ઠેરાણી. આ દલદરિયામેં ડૂબકી દેણા મોતી લેણાં ગોતી એ વાત થતી હોય અને છતાંય આ બ્રહ્મના ભેદને ભજનના ભેદને અનુભૂતિમાંથી પસાર થવા માટે કોઈ ને કોઈ ગુરુ પાસે જવુ પડે છે આ સૌથી મહત્વની બાબત છે. સદગુરુને ચરણે તો જવાનું અને ત્યાં ગયા પછીથી ગુરુ ગમ પ્યાલો પીવો પડે છે‚ ‘રામ રસ પ્યાલા હૈ ભરપૂર‚ પીવો કોઈ ઘટક ઘટક ઘટક’. પ્રેમ કટારી – એક ધરીની ચોધારેથી એ જી એ વી પ્રેમકટારી લાગી રે અંતર જો જો ઉઘાડી એવી ઝળહળ જ્યોતું જાગી રે‚ એ જી દસ દરવાજા નવસે નાડી એ ગાય છે સાંઈ વલી. આટલું થયા પછી આરાધ કરવો પડે. આરાધ જગાડવો પડે‚ ‘એવા નૂરીજન સતવાદી મારા ભાઈલા‚ આજ આરાધો રે એક મન કરોને આરાધ અને જ્યારે આરાધ સિદ્ધ થાય ને શું વાત કરવી? ‘આનંદ હેલી ઉભરાણી‚ સંતો આનંદ હેલી ઉભરાણી’ આમ ભજન સંત સાધના પ્રક્રિયાના શબદસૂરત યોગના ગુરુ કૃપામાં ભાવભક્તિમાં‚ સહજ નામસ્મરણમાં સિદ્ધ થતું અનુભવાય છે. અને માની લો આમાંથી એકેયમાંથી પસાર ન થયા હોય તો ભજનનો એ ક બીજોય મારગ છે‚ તે સેવાનો મારગ છે. આપા વિહામણ‚ આપા દાના‚ આપા ગીગા‚ સત દેવીદાસ‚ માં અમરમાં‚ અને જલારામ એમાં ભજન જીવાયું છે. આવા વિવિધ હેતુઓ વાળા ભજનને આ સંદર્ભમાં પણ જોઈએ અને તો જ ઈતિહાસ રચાય. કેટલાક લોકો એમ માને છે કે ભારતમાં ઈતિહાસ લખવાની દ્રષ્ટિ જ નથી‚ તે અભિગમથી કાંઈ વાતચિત થતી નથી‚ હકીતકતમાં આપણો ઈતિહાસ મૂલક વિભાવના જુદી હતી. આપણે ત્યાં રાજા રજવાડાની વંશાવલીઓ‚ ચારણ‚ બારોટ ના ચોપડે નોંધાયેલી છે જ‚ તેમાં દાનવીરના દાનના ઉલ્લેખો જળવાયેલા છે જ‚ એ પ્રમાણે ભજન કરનારા પાસેથી ભજનિકો વિશેના અનેક ઉલ્લેખો જળવાયા છે‚ અને એ પણ આપણી પાસે મળે છે‚ એમાં નાભાજીની ભક્તમાળ આપણી પાસે છે. એના આધારે ભોજા ભગતની ભક્તમાળા આપણી પાસે છે‚ રૂપાવેલ અને નરવેલ એ પણ આપણી પાસે છે. પણ આ સંતભક્ત કવિઓએ જે ધાર્યું હોત તો શેઠીયાઓની રજવાડાઓની વાત કરી શક્યા હોત‚ પણ એમને એ અભિપ્રેત નહોતું એ તો માત્ર ભજન ભજન અને ભજન એટલે જ એમણે ભજનની વાત કરી છે. આપણા જીવનમાં ધર્મ ને ભક્તિનું કેટલું મહત્વ હશે એ ફક્ત એક જ દ્રષ્ટાંતથી મારી વાત કહીશ – વાલ્મિકીજી મહારાજે મૂળ રામાયણ લખ્યું‚ તેના સંદર્ભમાં મધ્યકાળમાં તુલસીજી મહારાજે રામચરિત માનસની રચના કરી‚ તેનો એક જ પાઠ‚ એમાંનો એક જ પાઠ આપણા ઘરોમાં અનિષ્ટના નિવારણ માટે સુંદરકાંડ રૂપે થઈ રહ્યો છે. આ ગ્રંથની કથા કહેનારો એક વર્ગ છે. અને જે કથા કહેનાર છે એનું તમારા અને મારા ચિતમાં શું સ્થાન છે એ તો તમે જુઓ જ છો. આમ ધર્મ જે આધાત્મિકતા આપણા ધર્મકેન્દ્રિત ચિંતનનું‚ ભક્તિનું જો કોઈ સારતત્વ હોય‚ અર્ક હોય તો એ ભજન છે. આવા ભજનનો ઈતિહાસ ન નોંધાય એ કેમ ચાલે? આ ભજન ભારતીય જનજીવનમાં વહેતા લખીના હેમોગ્લોબિન સમાન છે. ફરીને હું મારી મૂળ વાત પર આવું તો ભજન સાહિત્યનો ઈતિહાસ જ્યારે રચવાની વાત આવે ત્યારે સર્વંગામાં નરોતમ પલાણ એની શરૂઆત પંદરમી સદીથી અને સ્વામી રામાનંદના હનુમાન આરતીથી ‘આરતી કીજે હનુમાન લલાકી’ એ પ્રથમ ભજન હોવાનું નિર્દેશ છે. એ પૂર્વે એમણે ગોરખનાથના ભજનને લીધું છે પણ હવે આ જે ભજનો આવે એ વખતે રાવણહથ્થાની અંદર આ ભજન તો વહેતું થઈ ગયેલ અને ત્યારે રાવણહથ્થાવાળા એ નાથ જોગીઓ‚ ‘રમતા જોગી આયા નગરમાં‚ રમતા જોગી આયા હો જી‚ તખત લગાયા સરવર તીરે‚ ઉપર તરુવર છાયા જી. કચ્ચી માટી કા કુંભ બનાયા‚ વા મેં અમિરસ લાયા…..’ છોડું છું. ક્યાંકથી ભજન પ્રથમ ગણવું એ મારો અત્યારે વિષય નથી. આ ભજનભેદ ઉકેલવા માટે ભજનમાં પડેલી સંતસાધનાતો એક વર્ગ એવો પણ છે કે સંત કબીરથી આરંભ કરીએ તો સંત કબીરની પરંપરા ગુજરાતમાંય આવી‚ કબીરસાહેબ પણ આવેલા અને એ પરંપરા રવિભાણમાં પણ વિસ્તરી અને રવિભાણના સંમર્થ શિષ્યો એમણે પણ આ કામ કર્યું એટલે એ બધાના ઉદાહરણ મેં અહીં મૂક્યા છે અને એમાંથી પણ હું બહાર નીકળું. ભજનનો એક બીજો પ્રવાહ છે એ બંગાળમાં વહેતો થયો. મહારાષ્ટ્રમાં વહેતો થયો રાજસ્થાન અને મારવાડમાંથી ખીમડીયો કોટવાળ ગઢ ઢેલડી મોરબીમાં આવીને વસ્યો એ મહાપંથી જ્યોત પાટનો કોટવાળ હતો અને તેણે મહાપંથી ભક્તિરૂપી આંબો રોપ્યાની વાત કરી છે. કિયા રે પૂરષે વાવ્યા આંબલીયાના બીજ ને કિયારે પુરુષે આંબો વેડીયો રે જી. રાવત રણસિંહ આંબલિયાના બીજ લાવ્યા ખીમડીયા કોટવાળે આંબો રોપ્યો ને આંબાની કેરી વેડવામાં આવી પ્રથમ કેરી આબુગઢ ને ગિરનાર ગઈ બીજી કેરી સિંહલદ્વિપ ત્રીજી ધણીને દ્વાર ને ચોથી ગત ગંગામાં વહાવી રે. આ વ્યક્તિગત વાત છે જ નહીં સમષ્ટિની વાત છે. ભજન સ્વરૂપની ઉત્કૃષ્ટ શક્યતાઓ કઈ કઈ પડી છે એ આમાંથી જોઈ શકીએ છીએ આજની કવિતા જેવું નથી કે જે માત્ર લેખક અને વિવેચક જ સમજે. આ તો આમ જનતા પણ સમજે. ભજન સ્વરૂપ ક્લાસમા અને માસમાં બંને જગ્યાએ લોકહ્રદયમાં રહ્યું છે તેથી દરેક સંપ્રદાયના આજના અનુયાયીઓ ફિરકાધારીઓ પોતાનાપંથથી ભજનની શરૂઆત થઈ તેમ દાવો કરવા લલચાય તે સ્વભાવિક છે હકીકતમાં અત્યારે આપણે કોઈનો નકાર કરી શક્તા નથી એમ સ્વીકાર કરવાની ઉતાવળ પણ નથી. આપણે તો ઐતિહાસીક તથ્યોના આધારે સત્યની નજીક જવાનો માત્ર પ્રયાસ કરવાનો છે. ભજનનો ઈતિહાસ રચવા માટે મિત્ર‚ સંશોધન સામયિકના તંત્રી એવા હસમુખ વ્યાસે આપ્યો. એમણે વાત વાતમાં કહ્યું કે ભજનનો ઈતિહાસ જો લખવો હોય તો તમે પ્રથમ દરેક સંપ્રદાયનો ઈતિહાસ લખો તે પછીથી તેના સ્વરૂપગત ભજનો વિશે લખો‚ અને એ નિશ્ચિત કર્યા પછીથી તમે ભજનનો ઈતિહાસ લખવાની શરૂઆત કરો. પૂર્વે મકરંદભાઈએ સત કેરી વાણી માં મહામાર્ગની વાત કરી‚ નાથમાર્ગની વાત કરી સંતપરંપરાની વાત કરી અને એ રીતે એ પરંપરાને આદ્ય શિવશક્તિ સુધી એ લઈ ગયા. એ પછીથી એ ભક્તિ દ્વાવિડમાંથી ઉપજી અને મધ્યકાલમાં પ્રસાર પામી એ આપણે જાણીએ છીએ એક બાબત એ પણ છે કે ભજન એ સાંપ્રદાયિક પ્રવૃત્તિ જ નથી. આ ભજન એકલાનો મામલો છે‚ મહાત્મા લોહલંગે કાંઇ લખ્યું નથી અને એના શિષ્ય મૂળદાસે રાજભાષામાં લોકભાષામાં અને સાંધ્યભાષામાં ત્રણેયમાં કામ કર્યું છે. કોઈ પણ પંથ લો દરેક પંથની સાથે બીજો પંથ એટલો ઘનિષ્ઠ રીતે જોડાઈ ગયો છે કે એના કુળ ને મૂળ નોખા કરવા જઈએ તો મૂળ પરંપરા નાશ પામે એમ છે અને ભજન એ છેદવાનું કામ નહીં એટલે મકરંદભાઈ કહેતા કે પતંગીયાને ટાંચણીએ ખોડીને ચોપડીના પાને ન રખાય એ તો ઉડતું ભલું.
ચોથો એક મત – હિમાંશુભાઈ અને બળવંતભાઈ જેવા અભ્યાસીઓએ ભજનને ઉપનિષદની અસર નીચે‚ એ પરંપરામાંથી આવ્યા હોવાનું જણાવે છે. ત્યાં આ સંતો કાંઈક જુદુ કહે છે‚ સંતો કહે છે -વેદ કિતાબ કો ગમ હાની‚ ભજન ભેદ હે ન્યારા‚ તો ઝવેરચંદ મેઘાણીએ એમ કહ્યું કે ભજન લોકવાણીનો અંતિમ પરિપાક છે‚ અને એ સંતસાહિત્યનું ફોરમતુ ફૂલ છે‚ આ સંત પરંપરા ઈસ્લામના આક્રમણ સામે ઢાલ હતી અને તેમાં સમન્વયનો હેતુ હતો એવું પણ આડકતરી રીતે જણાય. તો ભારતમા ઈસ્લામનું આક્રમણ સાતમી સદીમા‚ ઈસ્લામી શાસન ૧૨૦૫માં આવ્યું અને ગુજરાતમાં સોળમી સદીમાં આવ્યું તો શું સાતમી‚ બારમી અને સોળમી એ રીતે ભજનનો ઈતિહાસ લખવો? ભજને સાવ જુદી રીતે જોનાર એક વર્ગ છે‚ અને સાવ જુદા દ્રષ્ટિકોણથી જોનાર વર્ગના નાયક છે મકરંદ દવે. એમણે એમ કહ્યું છે કે એમના મતે ભજનનો કર્તા કોણ છે એ જરૂરી નથી. ક્યારે કહેવાયું છે એ પણ જરૂરી નથી‚ ભજનને નિસ્બત છે તેમાં પડેલી સાધના પદ્ધતિ વિશે. હવે જ્યારે તમે સાધના પદ્ધતિની વાત કરો તો એમાં જ ક્યાંક દુર્ગમ ચાવીઓ છે‚ તો મકરંદભાઈએ યોગમૂલક દ્રષ્ટિકોણથી એને મૂલવ્યું અને એ રીતે સાધનાની પ્રવૃત્તિ દ્વારા ભજનને અલગ તારવીને રચી શકાય એવા નિર્દેશો મળે છે. પણ જ્યારે સાધના પદ્ધતિની વાતમાં પડીએ તો અટવાઈ જઈએ. ભજનની સાધના પધ્ધતિઓ એક નથી‚ માની લો કે ૧૦૦૧ છે‚ તો કેટલાક કહેશે અમે બાવનની બારા છીએ‚ અમારી ૧૦૦૨મી પદ્ધતિ છે‚ તો આપણે ના નહીં કહી શકીએ. કારણ કે નારદ ધ્રૃવ પ્રહલાદ અને માર્કંડઋષિ આ ચારેય સાધકો‚ ચારેયની પદ્ધતિ અલગ‚ ચારેયની રચનાઓ મળે છે. એટલે સાધનની દ્રષ્ટિએ પણ વિચાર કરવાનું થાય. સાધનાની રીતે પણ એક કામ થઈ ચૂક્યું છે‚ સંત કક્ષાએ પહોંચ્યા એમની વાણીને અલગ તારવવાનું કામ રાહુલ સાંકુતેયાને‚ રવિન્દ્રનાથ ટાગોરે‚ ક્ષિતિમોહન સેને‚ આચાર્ય બરથવાલે કર્યું છે અને શબનમ વીરમણી જેવાએ તારવી શક્યા છે અને તેમાં એના મૂળ અને કુળ શોધ્યા છે. આ પૂર્વસૂરીઓને પણ ટાંક્યા પછી જ આગળ જઈ શકાય છે. જો કે ભજન તો રાત્રે ગવાય છે‚ તો એની પણ કેટલીક સંભાવનાઓ વિચારીએ. સામાન્ય અર્થમાં સંભાવના એ કે આખો દિવસ કામ કરીએ – ખેતી‚ મજુરી – સૌ પોતપોતાના કામ કરે‚ સાંજે નવરા થઈએ એટલે ત્યાં જઈએ‚ સંતમાર્ગમાં દરેક સંતે પોતપોતાનું કર્મ છોડ્યું નથી‚ કર્મ કરતા કરતા સંત સાધનાને સિદ્ધ કરી છે. કબીર વણતા વણતા‚ લોયણ ધમણ ધમતા ધમતા‚ રયદાસ પગરખા સીવતા સીવતા તો નાભો ભગત ટેભા લેતાં લેતાં‚ એની સાથે આખી સાધના થઈ. બીજી વાત એમ છે કે જ્યારે મુસ્લિમ આક્રમણ હતું અને વખતે ભજન ખૂણે ઘરે રાત્રીમાં થઈ શક્તું અને એ માત્ર ભજનને જ લાગુ પડ્યું એમ નથી‚ વૈષ્ણવોની અંદર શિખરબંધ મંદિરો પણ તૂટ્યા અને ઠાકોરજીને હવેલીમા લાવવા પડ્યા‚ ઘરમાંય લવાયા અને ત્યારે ભજન અને પદ અંતરંગ વર્તુળનો વિષય બની ગયું છે. રાત્રી મિલનની ત્રીજી સંભાવના છે કે આ સ્ત્રી અને પુરૂષની – જતિ અને સતીની સંયુક્ત ઉપાસના સાધના છે અને તેમાં સ્ત્રીના માટેના દ્વાર એટલા જ ખુલ્લા છે‚ કારણ કે ગંગાસતી એમ કહે છે કે‚ ‘જાતિ પણું છોડીને અજાતિ થાવું‚
ને કાઢવો વરણ ને વિકાર‚જાતિપાતિ નહીં હરીના દેશમાં‚
એવી રીતે રહેવું નિરમાંડ રે.’ રાત્રે ભજનની ચોથી સંભાવના એ કે ભજન રાત્રીના ચાર પ્રહર પ્રમાણે ગવાય છે‚ પ્રથમ પ્રહર જીવમુખી વાણી‚ બીજો પ્રહર ગુરુમુખી‚ ત્રીજો પ્રહર શિવમુખી અને ચોથો પ્રહર બ્રહ્મમુખી અને એમાંય ભજનના તાલ રાગ ઢંગ ઢાળને પણ નિશ્ચિત સમય છે‚ આરાધ ક્યારે ગવાય‚ પરજ‚ રામગરી‚ પ્રભાતી‚ પ્યાલો આ ક્યારે ગવાય એ પણ નક્કી. આ રાત્રી પ્રવૃત્તિ હોય તો ભજનના ઈતિહાસનો આરંભ ક્યાંથી કરવો? પદ કે રામદેવપીરનું ભજન‚ તો એ સંતમત અલગ તારવવો‚ ડો રાજેન્દર્સિંહ રાજયાદાએ મત પ્રગટ કર્યો છે કે સંતસાધના એ અલગ માર્ગ છે અને એમનો દાવો એવો છે કે યોગના ષટચક્રભેદન થઈ જાય એ પછી એનું જે છઠ્ઠું ચક્ર આવે એ ભજન સંતસાધનાનું પ્રથમ ચક્ર છે. અને એ શરીરના ત્રણ ભાગ કરે છે‚ પિંડ‚ બ્રહ્માંડ અને નિર્મળ ચૈતન્ય દેશ‚ પિંડના છ ચક્રો‚ બ્રહ્માંડના છ ચક્ર અને નિર્મળ ચૈતન્યદેશના છ એમ અઢાર સ્થાનકો આપે છે‚ એટલે આ એક ગુપ્ત પ્રક્રિયા છે‚ સંત સાધના છે એ દ્રષ્ટિકોણ પણ જોવો પડે. ભજનના અનુભવોનો અસીમ રહસ્યમય ભંડાર ભર્યો છે છતાં આ અનુભવ જેને હોય એ જ જાણી શકે. કારણ કે આ યુક્તિ નથી‚ જુગતીનો મારગ છે. સંતપરંપરા નિર્ગુણવાદી‚ સંપૂર્ણવાદથી પણ મુક્ત અને કર્મકાંડથી પણ મુક્ત છે. છઠ્ઠી બાબત નજરે લઈએ તે ભજનને જો કાવ્ય સ્વરૂપ તરીકે સ્થાપિત કરીએ તો એની સાથે સંલગ્ન પદ એ અને ધોળ પણ છે‚ પદ અને ધોળ વિશે આપણે ત્યાં સિદ્ધહેમમાં ઉલ્લેખ છે. પણ ભજન જેને કહીએ એ તો પછીથી આપણી પરંપરાએ આવ્યું અને એ વિસ્તર્યું છે તો ઉપરોક્ત મતોને ધ્યાનમાં લઈ ઈતિહાસ રચી શકીએ‚ ભજનની લાક્ષણિકતાઓ પણ ધ્યાનમાં રાખવી પડે જેમ કે ભજન રામ સાગરના રણકારે અને મંજીરાના તાલે ચાલે. હવે જો રામસાગરના રણકારે તો રામ આવ્યા – તો ભજન રામ સાથે જોડાયું છે‚ તો પાછો પ્રશ્ન થાય કે રામ કોણ? કબીરને પૂછીએ તો કહેશે – મેં કુત્તા રામકા‚
મોતીયા મેરા નામ‚ ગલે રામકી જેવડી‚
જીત ખેંચે તિત જાઊં‚ તો મીરા કહે મને રામ રમકડું જડ્યું‚
રાણાજી મને રામ રમકડું જડ્યું. તો નરસિંહ એમ કહે‚ રામ સભામાં અમે રમવાને ગ્યા તા‚
પસલી ભરીને રસ પીધો. હવે પ્રશ્ન એ થાય કે નરસિંહ રામસભામાં ગયેલા‚ કે રાસમંડળમાં? કે મેઘવાળને ઘેર ભજન ગાવા? એની રામસભા સંતસભા તો નહીં હોય? ભજનના મૂળમાં તો શરણાગતિ છે‚ આ શરણાગતિનો ભાવ એ ભક્તિમાં જાય છે અને આપણી પાસે નારદ ભક્તિસૂત્ર છે‚ માર્કંડપુરાણ છે એટલે નારદ અને માર્કંડના નામાચરણવાળા ભજન મળે છે. ભારતીય સંસ્કાર જગત ભજનમાં વ્યાપક રીતે આત્મસાત થયેલ સ્વરૂપ છે ભજન‚ તેના વિશેની આપણે જે જે વાતો કરી એના ભાવ પ્રાચીન અને મૂળ ઉંડા છે. એ બધું સ્વીકારીએ છીએ છતાંય જે ભજન તરીકે લોકોની વચ્ચે અને આપણી વચ્ચે પ્રસ્થાપિત થયું એ ભજનને ક્યાંથી મુકીશું? તો એના માટે એક નમ્ર પ્રયાસ મેં કર્યો છે. એમાં પ્રથમ સતકવયિત્રી સતી તોરલને હું મૂકું છું‚ સમય છે ઈ.સ. ૧૩૨૮-૧૩૯૪‚ એમનું ભજન છે ‘હકે રે હાલો ભાવે પ્રિતે હુઈ મેળો‚ સાચે દિલે કરોને ઓળખાણું મારા વીરલા. હવે તોરલ્ણી સમકાલીન રૂપાંદે છે – તો રૂપાંદેનો સમય ૧૩૩૮-૧૩૯૯નો છે એમનુંય ભજન – આ પંથ કોણે રે બતાવ્યો રાહુલ માલા‚ જાગો મારા જૂના જૂના જોગી રે‚ રૂપાંદેની વાત કરીએ તો એ તો મેઘધારુ સાથે જોડાયેલા. તો મેઘધારૂજી એના ગુરુ અગમસિંહ પાસે લઈ જાય તો મેઘધારૂનું પણ ભજન – મેઘધારવાને ઘેર ધણી મારા પધાર્યા‚ જીસ દિન કળશ થપાયા રાહોલ મારા રે રૂપાંદે‚ એમ એક મન ધણીને કરો ને આરાધ‚ હવે જ્યાં મેઘધારૂમાં સ્થિર થઈએ તો અગમસિંહની વાણી પણ છે – એટલે આ બધી અવઢવ છે‚ તો એની સાથે આ પરંપરા સાથે રામદેવજી મહારાજ તો તેમના ચોવીસ ફરમાનમાં ઉપર્યુક્ત બધા સંતભજનિકોના નામ મૂકે છે અને એ પછી એ રામદેવજી મહારાજની ભજનરચનાઓ પણ એટલી જ પ્રિય બને છે. આ વાત જ્યારે કરવા જઈએ તો રામદેવજી પાછા નાથજોગી સાથે જોડાય છે‚ ચાર જુગના પાટ કરવા જઈએ તો તેના પાટના ગુરુસ્થાને બેઠેલ નાથજોગીઓ છે એમ છતાંય આપણે ચૌદમી સદીથી ભજનને મૂકીએ અને પંદરમી સદીમાંથી ફરી પાછા ‘સરવંગા’ પર જઈએ તો રામાનંદ સુધી જઈએ અને તે પછી તેના શિષ્ય કબીર અને કબીરના સમકાલીન પીપાભગત‚ આપણા પાદરનું અહીં સાવ નજીકનું પીપાવાવ‚ તો એમણે દોહા પ્રકારની રચનાઓ કરી છે પીપા પાપ ન જીજીએ‚ તો પુણ્ય કિયા સૌ બાર
હક સે અધિક લિયા નહીં તો દિયા હજાર બાર તો આ પણ એક પરંપરા છે‚ રામદેવજીની પરંપરા. સંપ્રદાયના સંતોનો દરિયો ઘૂઘવે છે. સાથે મૂળદાસ‚ શિલદાસ‚ અમરમાં‚ તો નાથજોગીમાં ભૈરવનાથ‚ રામૈયોબાવો‚ વેલનાથ આ એક પરંપરા છે‚ તો બીજી તરફ તોરલપુરી‚ કાપડી બાવો‚ કનડપરી‚ ડુંગરપુરી આ બધાની વાણી છે તો લાખો અને લોયણ છે‚ વળી કચ્છમાં દાદા મેકરણ એ ધૂણી ધખાવીને બેઠો છે તો ભાઈ આ તો ભજન ગંગાથી ભજનનું આકાશ ઝળહળાં છે એમાં કયા તારલીયા પર આંગળી સ્થિર કરીશું? અઢારમી સદીમાં વીરો નિરાંત અને બાપુસાહેબ આવ્યા એમની રચનાઓ મળી અને ઓગણીસમી સદીમાં તો ગંગાસતી બેઠાં છે. એ જ ભજન પાછું નવા અંકુરે ફૂટ્યું‚ વીસમી સદીમાં એને નવા ક્લેવર ધારણ કર્યા અને આવે છે મકરંદ દવે‚ સુધાંશુ‚ કરસનદાસ માણેક‚ પરંપરાએ લઈ ભજનરચનાઓ આવી‚ જુદી જુદી મઢુલી થાપીને બેઠેલ સવારામ‚ ઉગારામ‚ રૂખી રાકદસ્સ‚ દાસ સતા‚ માધવસાહેબ… કેટલા બધાં તો આધુનિક ઢંગમાં દતથી દાતર સુધી ને કવિતા લખનારોય રાજેન્દ્ર આપણી પાસે છે એટલે તમે એમના કામ તો જુઓ‚ મને એમ લાગે છે કે આ ભજન રચયિતાઓ હતા‚ આ ભજન રચયિતાઓ હતા‚ અને તેમની સાથે ભજન કરનારા હતાં. આ ભજન કરનારા જે હતાં એમના આશિર્વાદ અને એમની ઈચ્છા હોય‚ પૂજ્ય બાપુ પર એ ઉતરે અને બાપુ એક ટીમ શોધી કાઢે તો ભજનનો ઈતિહાસ રચી શકાય‚ એકલાનું એ કામ નથી. પહેલા એમ કહેવાતું કે કવિતા રાજ્યાશ્રિત હતી‚ પણ સાવ મૂલમાં જો તપાસીએ તો કવિતા ધર્માશ્રિત જ હતી‚ કેટલાક કોકો આ ભયને કારણે ભજનને સાહિત્ય ન ગણવાનું કહે છે‚ પણ આજે ફરી કવિતા ધર્મને આશ્રયે આવી છે. ભજન કાવ્ય સાહિત્ય જ ગણાય એ પણ જ ઓ સેવવામાં આવે તો ધર્માશ્રય જરાય ખોટો નથી. આ પ્રસંગે એક વાત યાદ આવે‚ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા‚ આઝાદીની લડત શરૂ કરવી હતી‚ એટલે પ્રથમ તેણે આખા રાષ્ટ્રમાં ફરીને ગતિવિધિ જાણી અને તરત શાંતિનિકેતન ગયા અને રવિન્દ્રનાથજીને મળ્યા. એમણે એક વાત કરી કે મને થોડાક યુવાનો આપો મારે આઝાદીની લડત માટે એ યુવાનોની જરૂર છે. રવિન્દ્રનાથજીએ કહ્યું કે અમારી સાંજે પ્રાર્થના છે એમાં આવો અને વાત મૂકો‚ કોઈ યુવાનો તમારી સાથે આવે તો મને હરકત નથી. રાગ્ત્રે સભા થઈ અને ગાંધીજીએ સત્યાગ્રહની વાત કરી‚ અહિંસાની વાત કરી અને અન્હિંસાને માર્ગે સત્યાગ્રહના માર્વે આઝાદી મેળવવાની વાત કહી‚ તો ત્યાં કૃપલાણીજી હતા‚ એ ઉભા થઈને કહે‚ કે મેં આઝાદીની લડતો‚ સ્વાતંત્ર્ય લડતોના બધા જ ઈતિહાસ વાંચ્યા‚ એનું અધ્યયન કર્યું છે અને એમાં એકેય ઈતિહાસમાં સત્યાગ્રહની વાત નથી. અહિંસાની વાત નથી‚ આ માર્ગે આઝાદી મળે એ મને સ્વિકાર્ય નથી એટલે મને આમાં જોડાવાની જરૂર નથી લાગતી ત્યારે ગાંધીજીએ બૌહુ સરસ વાત કરી‚ કૃપલાનીજી‚ આપે ઈતિહાસ રચાયો એ પછીથી તેને વાંચ્યો છે‚ મારે ઈતિહાસ રચવો છે. અને એમાં હું યુવાનોને આહવાન આપું છું કે મારી સાથે આવો. આજે ભજનના ઈતિહાસનું આહવાન પૂજ્ય બાપુ તરફથી થયું છે. અને અમે જે થોડાક કામ કરીએ છીએ એ આપની સાથે કહેશો એ માર્ગે ચાલી નીકળીશું.
શ્રી બળવંતભાઈ જાનીએ કહ્યું‚ – શાસ્ત્રીય અને શૈક્ષણિક અભિગમથી ધબકતી વાત પણ કેટલી રસપ્રદ હોઈ શકે‚ જો એ વિષય રસપૂર્ણ હોય અને સામે રસિક શ્રોતાજનો હોય‚ તો કેવું પરિણામ આવે એનું ઉદાહરણ નાથાલાલ ગોહિલ છે. નાથાલાલભાઈની વાત ખૂબ રસપ્રદ રહેતી હતી એટલે સમયસીમાની બહાર તેઓ જતા હતાં એને જવા દેવાનું મને મન થયું અને હરીશભાઈની આજ્ઞા મેં સ્વીકારી નહીં. પણ ઘણી રસપ્રદ વાતો થતી હતી અને એ મૂકાવી જરૂરી હતી. અમે મિત્રો થોડું ઓછું બોલીને પણ આ વાતને વધાવવા તત્પર હતા. બીજા વક્તા છે ડૉ. નિરંજન રાજ્યગુરૂ. બહુ સાચી વાત નાથાલાલ ભાઈએ કરી કે અમે થોડા મિત્રો – ગોઠીયાઓ આ કામ લઈને બેઠા છીએ. જ્યારે જ્યારે સમય મળે‚ જ્યાં જ્યાં સ્થાનક હોય ત્યાં ભજનની વાતને મૂકતા હોઈએ છીએ. એમાં ભેખધારી જે કેટલાક ભેરૂઓ છે એમાંના એક છે નિરંજન રાજ્યગુરૂ. અદ્યતન પધ્ધતિએ પણ તેઓ કામ કરે છે. બહુ ઓછા મિત્રોને ખ્યાલ છે કે તેમની પોતાની વેબસાઈટ છે anand-ashram.com / ramsagar.org‚ હું વચ્ચે પરદેશ હતો ત્યારે કેટલાક મિત્રો કહે કે આ ભજન કઈ રીતે ગવાય છે? મેં કહ્યું તમે આ વેબસાઈટ પર જાવ અને ત્યાં સાંભળજો અને પછી ડાઊનલોડ પણ કરી શક્શો. તો વિશ્વમાં ભજનને પહોંચતુ કરવા જેણે પણ લીધું છે એવા ભજન સાહિત્યના મરમી‚ એને સમર્પિત ડૉ. નિરંજન રાજ્યગુરુ ભજનના પ્રકારોમાંનો એક અત્યંત મહત્વનો પ્રકાર – આરાધના સ્તુતિ – જે આર્દ્ર સ્વરે થાય એનું શાસ્ત્ર આપણી સમક્ષ મૂકશે.
ડૉ. નિરંજન રાજ્યગુરુ –
શ્રી વિદ્યા દેવી નમામિ. પરમ વંદનીય પૂજય બાપુ‚ પરમ આદરણીય મુરબ્બીશ્રી ભાણદેવજી‚ આદરણીય બળવંતભાઈ‚ નાથાભાઈ‚ પરમ આદરણીય પલાણ સાહેબ‚ રવિભાણ સંપ્રદાયની‚ ભાણસાહેબે જ્યાં જીવતા સમાધિ લીધી એવી કમિજલા ગાદીના મહંત પરમ આદરણીય પૂજ્ય શ્રી જાનકીદાસજી બાપુ અને આપ સૌ વડીલો – ભાઈઓ અને બહેનો. ગુજરાતી ભજન સાહિત્યનો ઈતિહાસ નાથાભાઈ દ્વારા આપણને મળ્યો. પૂજ્ય બાપુના મનમાં અને હરીશભાઈના મનમાં એક પરિકલ્પના છે. આ વર્ષથી પરિસંવાદના શ્રીગણેશ મંડાય છે. દર વર્ષે સંતવાણી એવોર્ડ સમયે આ જાતનો ત્રણ વક્તાઓનો એક પરિસંવાદ થાય એવી એક પરિકલ્પના છે અને એમાં ગુજરાતી સંત સાહિત્ય‚ સંતવાણીની સુદીર્ઘ પરંપરા‚ એના વિશે ત્રણ અભ્યાસી વક્તાઓ દ્વારા વક્તવ્યો અપાય‚ પ્રમાણભૂત અભ્યાસો થતા રહે અને એવી રીતે દર વર્ષે ગુજરાતી સંત સાહિત્ય નરસિંહથી શરૂ કરીને‚ પલાણ સાહેબના શબ્દોમાં કહીએ તો ઈ.સ. ૧૪૦૧થી ૧૫૦૦ નો સો વર્ષનો ગાળો. આવતા વર્ષે ગુજરાતી સંત સાહિત્યના ઈતિહાસના જે પ્રથમ વક્તા હોય એ ૧૪૦૧ થી ૧૫૦૦ સુધીના સમયગાળામાં જેટલા ભજનિક સંત થયા હોય એના વિશે પ્રમાણભૂત વાત કરે. એના પછીના વર્ષે પહેલા વક્તા ૧૫૦૧ થી ૧૬૦૦ સુધી એમ પાંચ વર્ષ સુધી સો સો વર્ષના ગાળામાં એક વક્તા ગુજરાતી સંત સાહિત્યનો ઈતિહાસ આપે‚ બીજા વક્તા ભજન પ્રકારો વિશે વાત કરે અને ત્રીજા વક્તા એ એક સંત કવિ વિશે વાત કરે તો હવે પછીના પાંચ કે છ વર્ષોમાં આપણને ગુજરાતી સંત સાહિત્યનો પ્રમાણભૂત‚ ટકોરાબંધ ઈતિહાસ મળે. એનું મૂલ્યાંકન પણ મળે. આવી જ રીતે આ પરિસંવાદનો એક બીજો હેતુ‚ ગુજરાતી સંત સાહિત્યને વિશ્વ સુધી પહોંચાડી શકીએ‚ એના પ્રમાણભૂત ઈતિહાસ દ્વારા‚ એ તો ખરું પણ અહીંયા જે નવી પેઢીના ભજન કલાકારો છે‚ ખાસ કરીને‚ હરીશભાઈ તમે શરૂઆત કરી એને જાહેરાત કરી કે મેં બધા જ ભજનિકોને ભજન કલકારોને વિનંતિ કરેલી કે પરિસંવાદમાં ચાર વાગ્યે ઉપસ્થિત રહે. વરસાદ છે‚ આપણે સૌ સમજીએ છીએ છતાં‚ મને અત્યંત આનંદ છે કે એક ભજનિક આપણી વચ્ચે બેઠો છે. ભજન કલાકારો મને અહીં બહુ ઓછા દેખાય છે. કલ્યાણદાસ બાપુ તો આપણી સાથે જ હોય અને તેમના મનમાં તો આ પરિસંવાદની ભાવના હતી. આ એક વસ્તુ હતી કે આ પરિસંવાદનો મુખ્ય હેતુ વર્તમાન સમયના ભજનિકો- ભજન ગાયકો કે કલાકારો અને એની સાથે સાથે સાહિત્યના ક્ષેત્રમાં પડેલા નવી પેઢીના અભ્યાસી સંશોધકો અને સમગ્ર સમાજને આપણી મૂળ પરંપારાથી અવગત કરાવવું. આ આપણો મનોભાવ હતો. આ પરિસંવાદમાં આજે મારે ગુજરાતી સંતવાણી ધારાના મહત્વના ભજન પ્રકાર આરાધ વિશે વાત કરવી છે. સાહિત્યના કોઈ પણ સ્વરૂપનું પરિશીલન એના વિષયને કે વસ્તુને કેન્દ્રમાં રાખીને‚ એકની એક વસ્તુ જુદા જુદા વાતાવરણમાં – જુદે જુદે જમાને – જુદા જુદા સર્જકને હાથે કેવા અવનવા રૂપ ધારણ કરે છે એનો અભ્યાસ થઈ શકે. એટલે કે આપણા ભજન સાહિત્યમાં સર્વપ્રથમ આરાધ કયા સંત દ્વારા રચાયો? એ પછી આરાધના સ્વરૂપમાં કેવા ફેરફાર થતા રહ્યાં એમ સર્જનના કાળાનુક્રમે એ સ્વરૂપનો જન્મ‚ ઘડતર‚ વિકાસ અને પુનરોદ્ધાર કેવી રીતે થતો ગયો એ બધાં પાસાઓને નજર સામે રાખવા જોઈએ. એવી જ રીતે ભક્તિસંગીતના ક્ષેત્રમાં પણ જે તે સ્વરૂપનું સ્થાન અને માન કયું છે એને પ્રસ્તુત કરવાનો નિશ્ચિત સમય કયો છે‚ એના રાગ‚ ઢાળ‚ તાલ‚ અને ઢંગ કયા છે એ દ્રષ્ટિકોણને પણ આપણે આરાધનું સ્વરૂપ જાણતા નજર સમક્ષ રાખીએ. અથવા કોઈ પણ સ્વરૂપની પ્રસ્તુતિ કઈ રીતે થાય છે એ રીતે પણ‚ એટલે સંગીતની દ્રષ્ટિએ પણ નજર સામે હોવું જોઈએ. આરાધ સ્વરૂપ દર્શન એ વિશે મારે વાત કરવી છે. આપણે સૌ જાણીએ છીએ કે રાતે બાર વાગ્યા પછી આરાધ ગવાય છે. નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚ એક મન કરો ને આરાધ જીવે રામ…
પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚ પોતે પત પાળી રે‚
જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚ નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ… એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે આ ભજન આપણે સૌ સંભળીએ છીએ‚ નૂરીજન સતવાદી‚ આરાધ છે એમ પણ આપણને ખબર છે પણ ભજન સાહિત્યમાં ખાસ કરીને આપણા ગુજરાતી ભજન સાહિત્યમાં આરાધનું સ્વરૂપ કાલાનુક્રમે બદલાતુ રહ્યું છે. આરાધ એટલે નિર્ગુણ નિરાકારની સ્તુતિ. ભજનવાણીમાં આરાધ પ્રકારના જે ભજનો છે એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના છે. સર્જનહારના સ્તોત્રો સ્તુતિ આરાધના. આરાધ માં કોઈ એક દેવની સ્તુતિ હોતી નથી. અનેક દેવી દેવતાઓ આવે‚ પણ એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસનાના એક માધ્યમ તરીકે આવે છે. કોઈ એક જ ધર્મ – પંથ – સંપ્રદાયનો આગ્રહ નથી હોતો‚ કોઈ એક વિચારધારા નથી હોતી‚ પણ સમગ્ર શરણાગતિ હોય. પરમ ચેતના સામે સાચી ભક્તિ ધરાવતી શુદ્ધ કવિતા જેને આપણે કહીએ એને આરાધ કહી શકાય. ભગવાન સમક્ષ ભક્તની આરઝૂ. તમામ ભારતીય ભાષાઓમાં‚ કવિતાઓમાં દેવપૂજા‚ દેવકથા‚ દેવ રહસ્ય‚ શરણાગતિ‚ આત્મસમર્પણ‚ તલસાટ‚ દ્રઢ વિશ્વાસ‚ પશ્ચાતાપ‚ દોષની નિખાલસ કબૂલાત‚ દીનતા‚ મનની તન્મય સ્થિતિ‚ આરઝૂ અને પરમાત્મા સાથે સીધી વાત – આવા તત્વો આપણને જોવા મળે. મૂળ સંસ્કૃત શબ્દ છે આરાધના‚ ‘આ’ એટલે તરફ‚ પાસેની ચીજ બતાવવા માટેનું વપરાતું દર્શક સર્વનામ છે. ‘રાધ’ એટલે પ્રસન્ન કરવું‚ નજીકનું‚ પાસેનું‚ તરફનું‚ ચોતરફનું‚ સર્વનું‚ અભ્યાસ વારંવાર કરવાપણું‚ આવૃત્તિ‚ સેવા‚ પૂજા‚ સ્મરણ‚ સ્મરણથી જેને પ્રસન્ન કરવામાં આવે‚ યશોગુણ ગવાય આવા અનેક અર્થો આપનને વિવિધ શબ્દકોષમાંથી મળે છે. જેને કોઈ નામ ન આપી શકાય એવા અજર અમર‚ અવિનાશી‚ અક્ષરાતીત‚ નિર્ગુણ‚ નિરાકાર‚ આદિ – મધ્યથી અંતથી રહિત‚ પરમ ચેતનાને એના મૂળ સૂક્ષ્મ સ્વરૂપે ઓળખવાનો આ ગૂઢ માર્ગ છે. પિંડ શોધનથી આત્માની ઓળખ થાય અને શુદ્ધ આત્માની ઓળખ થાય પછી જ આત્મા પરમ ચેતના તરફ આકર્ષાય. આરાધી ભજનોમાં પુર્વે થયેલા ભક્તો સંતો અને પરમાત્માએ જે રીતે સહાય કરેલી એનું સ્મરણ કરીને એ સંતની ભક્તિભાવનાને દ્રઢાવવામાં આવે. આરાધમાં ચાર જુગની પાટ ઉપાસના હોય‚ ચારેય યુગના દેવી દેવતા‚ કોટવાળ‚ જતિ‚ સતી‚ ગુરૂ‚ આચાર્ય એના દાન‚ બલિદાન‚ સિદ્ધ થયેલા ભક્તોની વાત‚ પાંચા‚ સાતા‚ નવા‚ બારા આ બધા સંકેતો મળતા હોય અને એની સાથોસાથ પૂર્વે થયેલા અનેક સંત ભક્તોના જીવનમાં વારંવાર કસોટી આવેલી અને ત્યારે પણ પરમાત્માએ સહાય કરેલી એ વાત આરાધના બીજમાં પડેલી છે. પાછળથી એ સ્તુતિના ઢાળ‚ એ જ ઢાળમાં એ જ રાગમાં એ જ તાલમાં અન્ય વિષયની કૃતિઓ પણ રચાઈ હોય તો આપણે એને આરાધી ઢંગના ભજન કહીએ છીએ પણ એને આરાધ કહેતા નથી. આરાધી ઢંગનું ભજન‚ પણ એ આરાધ નથી. આપણા મધ્યકાલીન સંત સાહિત્યમાં પાંચસો વર્ષના સમયગાળામાં આશરે એકસો થી વધારે સંતભક્તો કવિઓ દ્વારા પાંચસોથી વધારે આરાધ રચનાઓ થઈ છે. અને એથી ક્યાંય વધારે આરાધી ઢંગની ભજનરચનાઓ સર્જાઈ છે‚ જેમાં માર્કંડ ઋષિ‚ ધૃવ પ્રહલાદ‚ સહદેવ જોશી‚ દેવાયત પંડિત વગેરેના નામાચરણ સાથે અને મૂળદાસજી‚ શીલદાસજી‚ રુપાંદે માલદે‚ જેસલ તોરલ‚ લાખો લોયણ‚ રવિસાહેબ‚ જીવાભગત ખત્રી‚ દાસ સવો‚ રૂખી રામદસ‚ વગેરેની આરાધ રચનાઓ ખૂબ જાણીતી છે. ભક્તિસંગીતના એટલે કે ભજન ગાનના રાગ‚ ઢાળ‚ તાલ‚ ઢંગના વૈશિષ્ટ્ય મુજબ ગેય ભક્તિરચના તરીકે એની સ્વરરચના‚ એનો લય‚ એનો તાલ‚ મુખ્યત્વે દિપચંદી કે દેશી માઠનો તાલ કહેવામાં આવે છે. જ્યારે એ રજૂ થાય‚ ખાસ કરીને આરાધ એ સમૂહગાન છે‚ રાત્રે બાર વાગ્યા પછી રજૂ થાય. એ સમૂહમાં ઝીલાતું હોય‚ અને સમૂહમાં એની સાથે હાં…હાં… ના આવર્તન થતા હોય. આજે જ્યારે સંતવાણી અને ભજનો માત્ર મનોરંજનનું સાધન બન્યા છે ત્યારે ભજનગાનનો ચોક્કસ સમય કે એનો ધીર ગંભીર ચોક્કસ રાગ – તાલ – ઢાળ બદલાઈ ગયા છે. જે વિલંબિત સ્વરોમાં ગળતી માઝમરાતે એકતારા સાથે આરાધ ગવાતા તે લગભગ અદ્રશ્ય થયા છે. એને સ્થાને ખૂબ જ ઝડપથી‚ ચલતી અને ત્રિતાલમાં‚ આંગળી ઉપર પટ્ટી બાંધીને તબલચી એને મંજીરાવાળા જાણે ગાયકની સામે હરીફાઈમાં ઉતર્યા હોય અને બેન્જો કે ઈલેક્ટ્રીક ઓર્ગન વાળા ગાયકની સાથે હરીફાઈમાં ઉતર્યા હોય અને એ પોતાને કેટલી હિન્દી ફિલ્મોના ગીતો આવડે છે એનું પ્રદર્શન કરવા માટે જ આ સંતવાણીમાં રજુઆત કરતા હોય એમ થાય છે. નવાઈ તો ત્યાં લાગે કે ગંગાસતીનું ભજન ગવાતું હોય‚ ‘મેરુ રે ડગે જેના મનડા ડગે નહીં’ અથવા તો લાખા લોયણનું ભજન ગવાતું હોય‚ ‘જી રે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો’ અને પછી પેલો બેન્જાવાળો ‘મેરે અંગનેમેં તુમ્હારા ક્યા કામ હૈ’‚ એ વગાડે ત્યારે આપણને અંતરમાં ચીરા પડે સ્વાભાવિક છે. આરાધ એ સમૂહગાન છે. સમયની દ્રષ્ટિએ રાતના ૧૨ થી ૨ સુધીના સમયગાળામાં આરાધ અને આરાધી ભજનો ગવાય છે. જ્યોતની સમક્ષ પાટ ઉપાસના સાથે જે નિર્ગુણ બ્રહ્મનું આરાધન કરવામાં આવે તે પદ્ય સ્વરૂપમાં આરાધી ભજનો છે. વિલબિત દીપચંદી કે દેશી માઠના તાલમાં રામસાગર અને મંજીરાના તાલ સાથે આરાધી વાણી ગવાય. આરાધી ભજન ગાવું એટલે મીઠા અને કેળવાયેલા કંઠથી માત્ર ભજન લલકારવું એવું નહીં‚ ભજન કરવું એટલે જે પરમ તત્વનું કે પુરૂષોત્તમનું આરાધના કરતા હોઈએ એની સાથે એકતાર થઈ જવું. ભજનિકના હાથમાં રહેલો એકતારો એટલે તો એના આંતરિક તારનો સાચો પ્રતિનિધિ બની જાય છે. ભજનમાં બે વસ્તુ મુખ્ય છે‚ શબ્દ અને સૂરતા. સૂરતા વિનાનો શબદ માત્ર કંઠની કારીગરી બની જાય છે. અને શબ્દ વિનાની સુરતા ભજનના ગુંજાર સુધી લઈ જતી નથી. શબદને સુરતા એકમેળ થઈ જાય ત્યારે જ જનમ થાય આરાધી ભજનનો. મોરાર સાહેબે એક જગ્યાએ ગાયું છે‚ સદગુરૂ શબદે રે સત સાધીએ અને આરાધીયે અંતર આતમ રામ નામને નિશાને રે નિજ મન રાખીએ રે. ધીરજ ધારણા એ નિજ ધામ‚ જેણે કોઈ પરમ તત્વને નજરો નજર નિહાળ્યું હોય એવા અનુભવની આ વાણી છે. તો એની વાણીનો સહારો લઈ અને એ તત્વને નિહાળવાનો આપણે પ્રયાસ કરીએ તો ! મુખથી ગાતા આપણે કદીયે ન ભૂલીએ. મારે આ વાત કોને કરવાની હતી‚ ભજનના કલાકારોને ને ભજનિકોને કહેવાની હતી કે મુખથી ગાતા આપણે કદી ન ભૂલીએ કે એ વૈખરીની સરહદ ઉપર‚ જ્યાં વેણ નથી પહોંચતા એવી પરાવાણીનું અનુસંધાન લઈને આવે છે. સદગુરૂનો શબ્દ શ્વાસે શ્વાસમાં જીવનને તાલે તાલે ઉતારી સચ્ચાઈનું પાલન કરીએ અંતરઆત્માની આરાધના કરીએ‚ ચંચળ મનને નામ સ્મરણમાં સ્થિર રાખીએ અને આ સાધના કાંઈ થોડા સમયની મુદ્દત બંધીની થોડી છે? આ તો જીવનભરની – રાત દિન જાગૃતિની નોબત વગાડતી સાધના છે. આપણને ગુજરાતી સંત સાહિત્યના ઈતિહાસ વિશે વાત કરી‚ સૌથી પહેલા સંપાદિત થયેલા આરાધ કેટલા મળે છે? એમાં સમયની દ્રષ્ટિએ હું વાત નથી કરતો‚ પણ ઝવેરચંદ મેઘાણીએ ‘પુરાતનજ્યોત’માં સંત દેવીદાસનું આખું ચરિત્ર્ય આલેખ્યું છે અને એમાં રાણા ભગતનો એક આરાધ આપ્યો છે. દેવીદાસ બાપુ ગાય છે અને આમ ગાઈને અમરમાને સંભળાવે છે‚ અને પછી અમરમાંને કહે છે કે‚ ‘દિકરી અમર‚ આ આરાધ તો રાણા ભગતનો રચેલો છે.’ એટલે એના સર્જકનું નામ પણ મેઘાણીને મળ્યું છે અને એમણે આપ્યું છે. એ આરાધ શું છે? “હે શામળાજી‚ નામ અનામ તમારું‚ અનામ મનુખ અવતાર અમારો લખ ચોરાશી મરતો ને ફરતો જીવ તો જીવ ગણીને બાંય ગ્રહી બોલાવ્યો સોંપ્યું શામળા નામ તમારું‚ લખાવ્યા લેખ મનેખના વેખ
સંસાર મધ્યે હતું સારું ચંદ પે ઉજળું સૂર પે નરવું અડસઢ તીરથ ઉપરાંત કોટી જગતના જગત વયાગ્યા તોય નામ એ નિત નવું ને નવું
પ્રાણ પે પ્રજળું‚ એકાદશીપે નરમળું રજમાં સધમાં નવું નિજથી અકળ સ્વરૂપી
જોગ તે ભગતના હેતમાં મક્તા ને મક્તું.” એક આડવાત કરી દઊં. ઝવેરચંદ મેઘાનીના દીકરા અશોક મેઘાણીએ ‘સંત દેવીદાસ’ આખી કથાનો અંગ્રેજી અનુવાદ કર્યો‚ એ નંદીગ્રામ આવ્યા અને આ આરાધનું અર્થઘટન એમને કરવું હતું. એટલે મકરંદભાઈ પાસે ગયા‚ મકરંદભાઈને કહે‚ “મને આનું અંગ્રેજી કરવું છે‚ પહેલા આનું ગુજરાતી અર્થઘટન સમજું તો એ કરી શકું.’ મકરંદભાઈની તબિયત ત્યારે અત્યંત નાદુરસ્ત હતી એટલે એમણે એમ કહ્યું કે “ઘોઘાવદર જાવ.” અશોકભાઈ ઘોઘાવદર આવ્યા અને મેં મારી મતિ શક્તિ પ્રમાણે એને અર્થઘટન કરી આપ્યું આ અર્થઘટન સમજાવવું એ ત્રણ કલાક ચાલે‚ આ આઠ લીટીના આરાધનું અર્થઘટન નિર્ગુણ નિરાકારની ઉપાસના માટેનો એક મંત્ર છે તેનું અર્થઘટન કદાચ કોઈક મિત્રોને અંગ્રેજીમાં જો સંત દેવિદાસ અશોક મેઘાણીએ સંપાદિત કરેલ પુસ્તક મળે તો એમાં પ્રસ્તાવનામાં એમણે ઉલ્લેખ કર્યો છે અને આખો અંગ્રેજી અનુવાદ – ભાવાનુવાદ આપ્યો છે. ગાયકીની દ્રષ્ટિએ આજે જે આરાધ રચનાઓ ગવાય છે એમાં સૌથી પ્રાચીન રચનાઓ તરીકે માર્કંડઋષિને નામે અનેક રચનાઓ આપણને મળે છે. સતી રે ઉમૈયા દેવી શિવજીને પૂછે રે એવા નિજ ધરમમાં એવું શું છે રે?
એ જી રે શિવજી મહા રે ભગતિના અમને મૂલ બતાવો જી આ તો શિવ અને સતીનો સંવાદ‚ ધર્મરાજાને નામે પણ અનેક પદરચનાઓ મળે છે. એના પછી સમયની દ્રષ્ટિએ આવે દેવાયત પંડિત‚ ઈ.સ‚ ૧૪૬૦ આસપાસ હયાત છે એના ઐતિહાસિક પ્રમાણ મને મળ્યા છે. દેવાયત પંડિત‚ એમનો દેલમી આરાધ‚ કોઈ પણ જગ્યાએ મહાપંથની પાટ ઉપાસના હોય ત્યારે દેલમી આવાધ અવશ્ય બોલવામાં આવે. તો એ દેલમીઆરાધમાં શું છે? ઓમ સહસ્ત્રનામ્યા આદેશ ગુરુકો આદેશ ધરતીમાતાકો ધન ધરતી આરાધું તો ઊંટ હાથ ધરતી માંગું માય અધ્યાપક વિવેચન કરે‚ પ્રશ્ન થાય કે ઊંટ હાથ એટલે શું? પણ ઉઠા ભણ્યા હોય એને ખબર હોય કે ઊંટ હાથ એટલે સાડા ત્રણ હાથ ધરતીની માંગણી કરી છે.ધરતી ધરણધરતી આકાશ ધરતી માં ધરતી બાપવરણ માગતા ધરતી માગું એક પસાય ઉંટ હાથ દીયો મેદીની બેસું અને આરાધું કાયમ રાય શ્રી ઓહંગ પ્રેમ પાટ ધરતી કાંઈ બોલીયે તેંત્રીસ કરોડ દેવતા બોલીએ ઓહમ સોહમ અજપાજાપ હોલીએ
અખંડ વેદ બોલીએ‚કાયમ દેશ બોલીએ નૂર સુલતાન બોલીએ‚ઘોડો નકલંકી બોલીએ સાંહીઠ ગત બોલીએ પ્રેમના બંધણા પાંચ પંચભૂતનના છેદન પાંચ બોલીએ
પાવડી સાત બોલીએ કપોળીયો રેવત બોલીએ ઘણી બધી લાંબી રચના છે…. પણ એ લાંબી રચનામાં ઘણું બધું‚ એમાં અનેક જાતનું ઉમેરણ પણ થયું છે. શુદ્ધ આરાધ જેને કહેવાય‚ હસ્તપ્રતોમાં ટૂંકો પાઠ મળતો હોય‚ પછીની હસ્તપ્રતોમાં એમાં અમુક લીટીઓ વધી હોય‚ એમ બસો લીટી સુધીના દેવાયત પંડિતના આરાધ આપણને હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થાય છે. પાંત્રીસ લીટીથી શરૂ કરી બસો લીટી સુધી આ એક જ રચના. પાટના જે પુરોહિત હોય એ બેઠા હોય અને એમણે પોતે એમના વંશજો માટે લખી રાખવું હોય‚ એટલે બે લીટી ઉમેરી દે‚ બીજા બે કડી ઉમેરે‚ ત્રીજા બે કડી ઉમેરે આમ થતું આવ્યું છે. પણ આ દેવાયત પંડિતને નામે જ મેં સૌથી પહેલા શરૂઆત કરી‚ એવા નૂરી જન સત વાદી આજ મારા ભાઈ આરાધો રે અને એની સાથે સહદેવ જોશીના નામે આપણને આરાધ મળતો હોય‚ ખરી વરતીમાં ખેલો ભાઈ ભલો આ ભાવનો મેળો. એની સાથે આપણને સમયની દ્રષ્ટિએ લગોલગ આવે રૂપાદેની સાથે માલદેની સાથે જેસલ તોરલ – જેસલ ! કરી લે ને વિચાર‚ માથે જમ કેરો માર‚ સપના જેવો આ સંસાર‚ તોળી રાણી કરે છે પોકાર‚
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે‚ પૂરા સાધ હોય ત્યાં જઇને ભળીએ રે…
અનુભવી આવ્યો છે અવતાર‚ માથે સતગુરુ ધાર‚ જાવું છે ધણીને દુવાર‚ બેડલી ઉતારે ભવ પાર અને આરાધના સાહિત્ય સ્વરૂપમાં જેમણે અદ્વિતિય એવું પ્રદાન કર્યું છે એવા અમરેલીના સંત મૂળદાસજી અને એમના શિષ્ય શીલદાસજી જી રે સંતો ભગતિ કરો રે‚ તમે સાચા ધરમની રે ઈ તો મુગતી નો મારગ દેખાડે રે આમ એ જી રે સંતો મૂળદાસ કીયે જે નર ભીતર થી જાગ્યા જી એ તો પરિબ્રહ્મને પૂરણ પામે રે આમ અને એમના શિષ્ય શીલદાસજી ને અર્પણ કરેલી રચનાઓ પણ આપણને હસ્તપ્રતોમાં લખાયેલ મળે છે તો શીલદાસજીને નામે મળતી સંતો સવળા મંડપ માં મારા ગુરુજી બિરાજે રે તમે આવો તો મુનિવરાને મળીએ રે આમ સંતો મન ક્રમ વચને માન મેલી ને રે આપણે ગત રે ગંગાજીમાં ભળીએ રે લોયણનું બહુ જાણીતું હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚ એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં… હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો એની સાથે મેઘ કચરાની વાણિ – આ સમે ભાઈ જાગો જી જાગે એને જગન ફળ હોય તો રવિભાણ સંપ્રદાયમાં મોરારસાહેબના શિષ્ય થયા જીવાભગત ખત્રી અને જીવાભગત ખત્રીએ પિસ્તાલીસથી વધારે આરાધી ઢંગની ભજનરચનાઓ અને માત્ર પાટની જ રચનાઓ આપી છે. હે વીરા સાનુ સદગુરૂના ઘરની એવી ઈ તો અમરાપરથી આઘી વીરા સદગુરૂ કેરી સાનું કો’ક વીરલા જાણે દાસ સવો – જી રે વીરા ભેદું રે ભૂલે છે એનો ભે છે ભારી અથવા ગુરૂના મહામંત્રનો મોટો છે મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં રે જેના ઋષિ મુની જપતા જાપ એ નો’તા ચારે વેદમાં રે આત્મસાધનાના ક્ષેત્રમાં વારંવાર સંતો એમ કહેતા કે કદાચ કાચો પારો પચાવી શકાય‚ હળાહળ વિષ પચાવી શકાય પણ સાધુતાને પચાવવી આકરી છે‚ દોહ્યલી છે. ગંગાસતી પોતાના શિષ્યા પાનબાઈને સંબોધતા‚ પ્રબોધતા એમ ગાતા હોય આ અજર સે કોઈ દિ જરે નહીં પાનબાઈ અધૂરીયા ને પ્રેમ ઢોળાઈ જાય રે એ વીણવો રે હોય તો રસ વીણી લેજો પાનબાઈ અને એ જ વાત ધ્રૃવ અને પ્રહલાદને નામે‚ સૌથી પ્રાચીન રચના હું સૌથી છેલ્લે લઊં છું અજરા કાંઈ જરિયા નૈ જાય‚ એ જી વીરા મારા ! અજરા કાંઈ જરિયા ન જાય તમે થોડે થોડે સાધ પિયો હો… જી… તન ઘોડો મન અસવાર… હે… જી વીરા મારા ! તન ઘોડો મન અસવાર… તમે જરણાના જિન ધરો હો જી… આ અજર રસ‚ આ અજરા કાંઈ જરીયા ન જાય અને છતાં મારી મતિ મુજબ બે ચાર છાટણા જો સૌ સુધી પહોંચાડી શક્યો હોઉં તો સંતની કૃપાદ્રષ્ટિ અને હનુમાનજીનું સાનિધ્ય.