Sant kaviyatrio ni vani

સંત કવયિત્રીઓની  વાણી

યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે‚ રમન્તે તત્ર દેવતા…’ જ્યાં જ્યાં નારી શક્તિનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓ નિવાસ કરે છે… એવાં સૂત્રો જ્યાં યુગોથી વહેતા આવ્યા છે એવો આપણો દેશ ભારત. આપણા ભારતવર્ષની સંસ્કૃતિમાં મનુષ્યને એના મનુષ્યત્વને કારણે જ સ્વીકારવામાં આવે છે‚ કોઈ જ પ્રકારના સ્ત્રી-પુરૂષ‚ નાનાં મોટાં‚ ગરીબ-શ્રીમંત કે ઊંચા-નીચાના ભેદભાવ વિના. પુરૂષ અને નારી બન્ને મનુષ્ય તરીકે માનવતાના સમાન અધિકારી છે. સમસ્ત માનવજાતની ઉન્નતિ કે અધોગતિ‚ બન્નેના સમાન સન્માન કે અપમાન ઉપર જ આધારિત છે. અને જ્યારે જ્યારે નારી કે પુરૂષની મહત્તા વધતી ઓછી થઈ છે ત્યારે સમગ્ર માનવ સમાજની સમતુલા જોખમાતી રહી છે. ભારતીય સંસ્કૃતિ તો સમભાવની સંસ્કૃતિ છે‚ વેદકાલીન સાહિત્યથી માંડીને બ્રાહ્મણગ્રંથો‚ ઉપનિષદો‚ પુરાણો‚ સંસ્કૃત સાહિત્યગ્રંથો‚ મધ્યકાલીન સાહિત્યની રચનાઓ‚ સંત સાહિત્ય‚ ચારણી સાહિત્ય કે લોકસાહિત્યની રચનાઓને એ દ્રષ્ટિકોણથી તપાસીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ તમામ સાહિત્યમાં જેટલું અને જેવું સ્થાન માન પુરૂષ જાતિને મળ્યું છે તેવું અને તેટલું જ સ્થાન-માન નારીશક્તિને પણ મળ્યું છે. સતરૂપા‚ સતીસ્વરૂપા‚ શક્તિસ્વરૂપા નારી ચેતનાને કાયમ આપણી સંસ્કૃતિએ વંદન કર્યા છે‚ અને એની પૂજા કરી છે. બ્રહ્મયજ્ઞ સમયે જે વૈદિક ઋષિઓનું આદરપૂર્વક સ્મરણ કરવામાં આવતું તેમાં ગાર્ગી વાચકનવી‚ વડવા પ્રાતીચેયી અને સુલભા મૈત્રેયી એ ત્રણ મહાન સ્ત્રીઓનાં નામોનો સમાવેશ થાય છે. પરમસત્યનો સાક્ષાત્કાર કરી ચૂકેલી ઘણી સ્ત્રીઓનાં નામ આપણને ઋગ્વેદમાં મળી આવે છે એમાં સત્યાવીશ બ્રહ્મવાદિનીઓ અથવા ઋષિ-નારીઓએ રચેલાં મનાતાં સુકતો મળે છે. જેમાં રોમશા અને લોપામુદ્રા મુખ્ય છે. એ સિવાય વાક વિશ્વવારા શાશ્વતી‚ અપાલા‚ ઘોષા અને અદિતી જેવાં નામો મળે છે. રામાયણમાં શબરી અને શ્રમણી જેવી બે તપસ્વી સ્ત્રીઓનાં નામ મળે છે તો મહાભારતમાં યોગિની સુલભાનો ઉલ્લેખ મળે. જેમણે જનકની રાજસભામાં જઈને યોગાભ્યાસ દ્વારા મેળવેલી મહાન સિદ્ધિઓ અને જ્ઞાનનો પરચો બતાવેલો‚ તો શંકરાચાર્ય મંડન મિશ્ર સાથેના વાદવિવાદમાં મધ્યસ્થી તરીકે બહુશ્રુત નારી ભારતીને ભૂલી શકાય નહીં.

ભક્તિમાર્ગ‚ જ્ઞાનમાર્ગ‚ યોગમાર્ગ અને અધ્યાત્મસાધનાના ક્ષેત્રમાં પુરુષ સંતો કે ભક્તોની સાથોસાથ નારી સંતો કે નારીભક્તોનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહ્યું છે‚ અને તેથી જ સંત સાહિત્યના ક્ષેત્રમાં કે ભક્તિસાહિત્યના ક્ષેત્રમાં સંત કે ભક્ત કવિઓની માફક સંત ભક્ત કવયિત્રીઓએ પણ પોતપોતાની આગવી લાક્ષણિક્તાઓ દર્શાવતી રહસ્યવાણીનું તથા પ્રેમલક્ષણા ભક્તિપદાવલીનું સર્જન કર્યું છે.

પોતાના રહસ્યાત્મક અધ્યાત્મ અનુભવોને વાચા આપતું આ સાહિત્ય‚ પુરૂષ સર્જકો દ્વારા રચાયેલા સાહિત્યની સમાંતરે બલ્કે ક્યારેક તો મૂઠી ઊંચેરૂં થઈને લોકકંઠે  લોકભજનિકોની કંઠસ્થ પરંપરાએ ટકી રહ્યું છે‚ જીવંત પ્રવાહ રૂપે વહેતું રહ્યું છે. સ્વાનુભૂતિ‚ વિચાર‚ જ્ઞાન‚ દર્શન‚ સાધના‚ ભક્તિ‚ ભાષા‚ શૈલી‚ છંદ‚ અલંકાર‚ રસ કે અભિવ્યક્તિ…. એમ તમામ દ્રષ્ટિએ  સંત-ભક્ત-ભજનિક  કવયિત્રીઓની વાણી  આપણને  આકર્ષે છે.

મહાપંથમાં તો નારીને જ ગુરુ માનીને શિષ્યભાવે તેની પાસે દીક્ષા લઈને પછી જ અધ્યાત્મમાર્ગમાં આગળ ડગલાં માંડી શકાય છે. સતી તોરલ પાસે જેસલ‚ લોયણ પાસે  લાખો‚ રૂપાંદે પાસે માલદે જેવા સંતોએ શિષ્યભાવે દીક્ષા લઈને સાધના કરી છે…

ગુજરાતી ભજનિક સંત કવયિત્રીઓની વાણીમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે એમની ભજનરચનાઓમાં નારી સ્વરૂપ કે નારી ચેતના વિશે એક સંતનારી શું વિચારે છે તે એવું ઘણું રસપ્રદ થઈ પડશે. યોગ-સાધનાને‚ વેદાંત ચિંતનને‚ જ્ઞાનમાર્ગને‚ કે ક્રિયાયોગને પુરુષ તરીકે કલ્પીને અને ભક્તિને નારી સ્વરૂપ કલ્પીને છેક પ્રાચીન સમયથી ચાલી આવેલી અધ્યાત્મધારાની સરવાણીઓ સૌરાષ્ટ્રની તળપદી લોકવાણીમાં સર્જન કરનારી સંત કવયિત્રીઓ સુધી પડેલી આવી છે તેના દર્શન નીચેની પંક્તિઓમાં થાય છે.

જી રે લાખા યોગ વિનાની ભક્તિ કેવી છે જીજેવી પુરુષ વિનાની નારી રે હાં !

જી રે લાખા પુરુષ વિના નારીને નારી વિના પુરુષ નહીં રેવેએમ અનુભવે જુઓ વિચારી રે હાં !

જી રે લાખા નર નારી વિના આ સંસાર નહીં હાલેએમ અનુભવે જો જો વિચારી રે હાં !

જી રે લાખા હું રે રાજાને આ છે મારી રાણીએવો ભેદ તમે મટાડો રે હાં !

કર્તાને ભોક્તાપણું આત્માને ન આવે ઈ તો સદાયે રહે છે અળગો રે હાં !

સતી લોયણના નામાચરણ સાથે મળતી ભજન રચનાઓમાં રાજા જનક અને અષ્ટાવક્ર ઋષિનો સંવાદ ભજનરૂપે નિરૂપાયો છે તેમાં જનકરાજાને બ્રહ્મજ્ઞાન આપતાં અષ્ટાવક્ર કહે છે.

જી રે જનક પુરુષમાં સ્ત્રી ને સ્ત્રીમાં પુરુષ છે.એવું જ્ઞાન ગુરુ નિશ્વે કરાવે રે હાં !

જી રે જનક સત્ય અસત્ય બેઉ કહેવા માત્ર છે જેને વિષય સુખ ઉરમાં ન આવે રે હાં !

જી રે જનક વિદ્યા-અવિદ્યાના ભેદ મટાડો એના ભેદ કોઈ વિરલા જ જાણે રે હાં !

સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કંઠસ્થ પરંપરાથી જળવાયેલી ભજનવાણીમાં મહાપંથની સાધના ધારા સાથે સંકળાયેલાં ભજનિક સ્ત્રી સંતોની વાણીનો મહિમા અનોખો છે. ખૂબ જ પ્રાચીન સમયથી અત્યંત વ્યાપક રીતે અને છતાં ગુપ્તમંત્રો તથા વિધિવિધાનો દ્વારા આજ સુધી જીવંત રહ્યો છે. મહાપંથનો મુખ્ય સિદ્ધાંત છે માનવમાત્રની સમાનતા. તમામ જીવો રજ અને બીજથી ઉત્પન્ન થાય છે‚ સમગ્ર સૃષ્ટિ ઉત્પત્તિનું રહસ્ય પણ રજ અને બીજમાં જ છે. આ રજ-બીજની સાચી ઓળખાણ થઈ જાય તો પછી કશું જ જપ-તપ-તીરથ ધ્યાન ન કરવું પડે. પણ એ માટે સ્ત્રી કે પુરુષ‚ ઊંચા કે નીચા‚ નાના કે મોટા એવા ભેદ ભાંગી જવા જોઈએ. અને એટલે જ નારીની મહત્તા સ્વીકારીને એને ગુરુસ્થાને સ્થાપીને મહાપંથમાં દીક્ષિત થઈ શકાય છે. સંતનારીના માર્ગદર્શન નીચે શક્તિશાળી પુરુષ ‘જતિ’ બનીને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધે અને નારીને સહભાગી બનાવીને પોતાનો જન્મ સાર્થક કરે એવા આ પ્રાચીન ગુપ્ત લોકધર્મમાં ; રૂપાંદે‚ દેવળદે‚ લોયણ‚ તોરલ‚ લીરલબાઈ‚ લીરબાઈ‚ ગંગાસતી‚ પાનબાઈ‚ હૂરલબાઈ‚ લીલમબાઈ વગેરે સંતકવયિત્રીઓ દ્વારા રચાયેલી ભજનવાણી ; સંસારમાં રહીને‚ સત્સંગ દ્વારા તન-મનની શુદ્ધિ કરતાં રહીને‚ આત્મસાક્ષાત્કાર સુધી પહોંચેલા અધ્યાત્મમાર્ગી સાધકોની અનુભવવાણી છે.

અમરબાઈ : પરબના સંત દેવીદાસ (ઈ.સ.૧૭રપ-૧૮૦૦)નાં શિષ્યા‚ સંત કવયિત્રી‚ પીંઠડિયા ગામના ડઉ શાખાના મછોયા આહિરનાં દીકરી. સાસરે જતાં રસ્તામાં પરબની જગ્યામાં રક્તપિત્તિયાંઓની સેવા કરતા સંત દેવીદાસને જોઈને અંતરમાં ભક્તિભાવ જાગ્યો અને વૈરાગ્યવૃત્તિ પ્રબળ બનતાં સંસારત્યાગ કર્યો એમના વિશે અનેક ચમત્કારો નોંધાયા છે.

કોણ તો જોણે રે બીજું કોણ તો જાણે ?

મારી હાલ રે ફકીરીદેવંગી વિનાનું બીજું કોણ તો જાણે…

માલમી વિનાનું બીજું કોણ તો જાણે…

જળની માછલીયું અમે પવને સંચરિયું રેખરી તો વરતી રે મારી નહીં ડોલે…    મારી હાલ રે…

કાચનાં મોતીડાં અમે હીરા કરી માનશું રેઅઢારે વરણમાં મારો હીરલો ફરે…   મારી હાલ રે…

પરબે જાઉં તો પીર શાદળ મળિયા રેવીર શાદલને દીઠે તો મારાં નેણલાં ઠરે… મારી હાલ રે…

ચોરાશી સિધની ધૂણી પરબે વિરાજે રેસમરથ સંતો ભેળા રાસ રમે…                  મારી હાલ રે…

દેવંગી પરતાપે માતા અમરબાઈ બોલ્યાં રેસમરથ સેવો તો રૂડી સાનું મળે…   મારી હાલ રે…

(ર)

મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયાં મારે રૂદિયે દિવસ ને રાતજીવણ ભલેને  જાગીયાં…

મેં તો પુણ્યના પાટ મંડાવિયાપાટે પધાર્યા પીર જશો ને વોળદાન… જીવણ…

(૩)

બાવાજી તમાંરાં હશે તે તમને ભજશે રેએ જી જોને આંચ નૈં આવે લગાર

એ પરબુંના પીરબાવડલી ઝાલ્યાની ખાવંદ લાજ છે…

બાવાજી નવસો નવાણું ચીર પૂરિયાંદુપતી દાસી તમારી કરી જાણી… પરબુંના…

(૪)

અમે રે પરબના ઓળગુઅલખ દેવંગી ! તમારા ઓળગુ પરગટ દેવીદાસ… અમે પરબના ઓળગુ…

અઢારે વરણ જમે એમ ઠામે ભોજન કરે રે દુવાર નામ રે તણા નેજા રોપિયાંભજન કરવાં રે ભરપૂર… પરગટ દેવીદાસ… અમે રે પરબના ઓળગુ…

(પ)

મારી આંખ્યુંના સકજ ચોઘડિયાં રેમુંને દેખતી કીધી રે દેવીદાસસામૈયાં કરજો સંતના….

મારા અંતર પડદા કોરે કર્યા રેમારા માર્યા છે કાળને કરોધ… સામૈયા…

ગરવા દેવંગી પરતાપે અમરબાઈ બોલિયાં તમારા સેવકું ને ચરણુંમાં રાખો… સામૈયાં…

ગંગાસતી : વિક્રમ સંવત ૧૯પ૦ના ફાગણ સુદી ૮ ગુરુવાર તારીખ ૧પ માર્ચ ૧૮૯૪ ના દિવસે જેમણે આત્મત્યાગ કર્યો એવાં અર્વાચીન સમયના સંત કવયિત્રી ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલા રાજપરા ગામે ભાઈજીભી જેસા   સરવૈયા નામના રાજપૂત ગરાસદારને ત્યાં માતા રૂપાળીબાની કુખે સંભવત : ઈ.સ.૧૮૪૬ વિ.સં.૧૯૦ર માં થયેલો. અઢાર વર્ષની વયે વિ.સં.૧૯ર૦ ઈ.સ.૧૮૬૪માં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં ધોળા જંકશનથી નવ કિલોમિટર દૂર આવેલા સમઢિયાળાના રાજપુત ગિરાસદાર શ્રી કહળસંગ કલભા ગોહિલ સાથે વિવાહ થયા. ગંગાબા પોતાની સાથે પાનબાઈ નામની પંદર-સોળ વર્ષની ખવાસ કન્યાને વડારણ તરીકે સાસરે લઈ ગયેલાં‚ જે બહેનપણી કમ શિષ્યા બની રહી. ગંગાસતીને બે દીકરીઓ હતી મોટાં પુત્રી બાઈરાજબા અને નાનાં પુત્રી હરિબા.

સંતસાધનાના માર્ગે ચડેલાં આ ભક્ત દંપતિ કહળસંગજી તથા ગંગાબાએ કાળુભાર નદીને કાંઠે આવેલી પોતાની વાડીમાં હનુમાનજીની સ્થાપના કરીને ઝૂંપડી બાંધી વસવાટ કર્યો. બાજુના પીપરાળી ગામના ભજનિક હરિજન સાધુ ભૂધરદાસજીને પોતાની બાજુમાં ઝૂંપડી બાંધી આપેલી. ગંગાસતીને ત્યાં પુત્ર નહોતો.

એકાવન વર્ષની વયે કહળુભાએ પોતાના સંતત્વની કસોટીનો પ્રસંગ ઊભો થતાં જીવતાં સમાધિ લેવાનું નક્કી કર્યું. ગંગાબાએ પણ પતિની સાથે જ પ્રયાણ કરવા તૈયારી કરી પરંતુ પતિઆજ્ઞાએ પોતાનાં બહેનપણી-વડારણ-શિષ્યા પાનબાઈને આત્મસાધનાના માર્ગે ચડાવવા માટે બાવન દિવસ સુધી ભજનવાણી દ્વારા ઉપદેશ આપ્યો અને સાક્ષાત્કાર સુધી પહોંચાડયા બાદ માત્ર અડતાલીશ વર્ષની ઉંમરે પતિ પાછળ આત્મત્યાગ કર્યો. ત્રણ દિવસ પછી પાનબાઈએ પણ સમાધિ અવસ્થામાં જ દેહત્યાગ કર્યો. સમઢિયાળા ગામે કહળસંગભગત‚ ગંગાસતી અને પાનબાઈની જગ્યા સામે ઓળખાતું સંત સ્થાનક કાળુભાર નદીને કાંઠે આવેલું છે‚ જ્યાં દર પૂર્ણિમાના દિવસે ભજનો થાય છે.

ગંગાસતીને ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં મધ્યકાલીન સંતકવયિત્રી તરીકે ઓળખવવામાં આવતા‚ પરંતુ ઈ.સ.૧૯૯૩માં ગુજરાત રાજ્યના નિવૃત પોલીસ વડા શ્રી મજબૂતસિંહ   જાડેજાએ ‘શ્રી કહળસંગ ભગત‚ ગંગાસતી અને પાનબાઈની સંશોધક પરક સંક્ષિપ્ત જીવનકથા’ પુસ્તક પ્રકાશિત કર્યું અને શક્ય તેટલી પ્રમાણભૂત વિગતોનું સંકલન કરીને‚ ખરા અર્થમાં સંશોધન-સત્ય શોધન કર્યું અને ગંગાસતીનો જીવન તથા કવનકાળ આપણી સમક્ષ આવ્યો. જે ગંગાસતીને અર્વાચીન કાળના સંત કવયિત્રી તરીકે સ્થાપિત કરે છે. ગંગાસતીના દેહવિલયને માત્ર એકસો ચૌદ વર્ષ થયાં છે.

ગંગાસતીને નામે બાવન જેટલી ભજન રચનાઓ મળે છે. એમાં સદ્દગુરુ મહિમા‚ નવધા ભક્તિ‚ યોગસાધના‚ નામ અને વચનની સાધના‚ ક્રિયાયોગ‚ શીલવંત સાધુના લક્ષણો‚ સંતના લક્ષણો‚ આત્મસમર્પણ‚ ભક્તિનો માર્ગ‚ નાડીશુદ્ધિ‚ મનની સ્થિરતા‚ સાધુની સંગત‚ વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ‚ જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે.

મેરુ રે ડગે પણ જેનાં મનડાં ડગે નૈં પાનબાઈ ! મરને  ભાંગી પડે ભરમાંડ રે ;

વિપત પડે તોયે  વણસે નહીં ઈ તોહરિજનના પરમાણ રે…

હરખ ને શોકની આવે નહીં હેડકી નેજેણે શિશ તો કર્યા કુરબાન રે

સદ્દગુરુ વચનમાં શૂરા થઈને ચાલે ને મેલ્યાં અંતર કેરાં માન રે…

નિત્ય રહેવું સતસંગમાં પાનબાઈ ! આઠે પહોરે આનંદ રે

સંકલ્પ વિકલ્પ જેને એકે નહીં ઉરમાં નેતોડી નાંખે માયા કેરા ફંદ રે…

૦  ૦  ૦  ૦

શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ ! જેનાં બદલે નહીં વ્રતમાન રે

ચિત્તની વૃત્તિ જેની સદા યે નિરમળી નેજેને મહારાજ  થિયા  મે’રબાન રે…

૦  ૦  ૦  ૦

સદ્દગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈમેલી દેજો અંતરનું માન રે

આળસ મેલીને તમે આવોને મેદાનમાં નેસમજો સતગુરુની સાન રે…

૦  ૦  ૦  ૦

મન સ્થિર કરીને તમે આવોને મેદાનમાં મિટાવું સરવે કલેશ રે

હરિનો દેશ તમને એવો રે દેખાડુંજ્યાં નહીં વરણ કે વેશ રે…

૦  ૦  ૦  ૦

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ ! સમજીને રહીએ ચૂપ રે

મરને  આવીને ધનનો ઢગલો કરેભલે હોય મોટા  ભૂપ રે…

૦  ૦  ૦  ૦

વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ ! અચાનક અંધારાં થાશે

જોત રે જોતામાં દિવસો વહ્યા જાશે પાનબાઈ ! એકવીશ હજાર છસોને કાળ ખાશે…

જાણ્યા જેવી આ તો અજાણ છે ને અધુરિયાંને નો  કે’વાય જી

ગુપત રસનો ખેલ છે આ અટપટો નેઆંટી મેલો તો સમજાય જી…

નિરમળ થઈને તમે આવો મેદાનમાં નેજાણી લેજો જીવ કેરી જાત રે…

સજાતિ વિજાતિની જુગતિ બતાડું ને બીબે પાડી દઉં બીજી ભાત રે.

પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ ! તેનો દેખાડું તમને દેશ જી

ગંગાસતી એમ બોલિયાં ને રેત્યાં નહીં માયાનો જરીએ  લેશ…

૦  ૦  ૦  ૦

ભક્તિ રે કરવી એણે રાંક થઈને રે’વું પાનબાઈ !

મેલવું અંતરનું અભિમાન રે…

પ્રવેશ‚ માહિતી‚ શિક્ષણ‚ કેળવણી‚ જ્ઞાન‚ વિજ્ઞાન અને વિદ્યા એમ સાત ડગલાં  અધ્યાત્મના ક્ષેત્રમાં ભરવા માટે  ચાર માર્ગો છે. પિપિલિકા માર્ગ‚ મંડુક માર્ગ‚ મીન માર્ગ અને વિહંગમ માર્ગ. એ ચારે માર્ગોની સમજણ ગંગાસતીનાં ભજનોમાંથી પ્રાપ્ત થાય છે.

તોરલ : ગુજરાતી ભાષાનાંઆદ્ય કવયિત્રી. (ઈ.સ. ૧૪૦૪ આસપાસ હયાત)

જેસલ કરી લે વિચારમાથે જમ કેરો મારસપના જેવો આ સંસારતોળીરાણી કરે છે પોકાર….આવોને જેસલ રાય આપણ પ્રેમ થકી મળીએ રે…

૦  ૦  ૦  ૦

પાપ તારું પરકાશ જાડેજાધરમ તારો સંભાળ રે તારી બેડલીને બૂડવા નૈં દઉં જાડેજા રે…

દેવળદે : દેવાયત પંડિતનાં પત્ની‚

હંસા રાજા રહી જાઓ આજુ કેરી રાત… અબ મત છોડો અમને  એકલાં…

જી રે હંસા રાજા ! આ રે કાયાનો કોઈ માલમી

અને હંસા કરો મુખડે સે બાત રે… અબ મત છોડો અમને  એકલાં…

જી રે હંસા રાજા એક રે પલંગ દો દો પોઢણાં

અને વાલીડાં તમે રે પલંગ ને અમે સેજ રે

પોંઢણહારો તે હલ્યો વિયો… મારી સેજલડી પડી  છે સૂનકાર રે… અબ મત છોડો..

પૂનાદે : બરડા પ્રદેશના ચારણ કવયિત્રી. ગામડાની એક અભણ નારી પરમાત્મા પાસે શેની માગણી કરે છે સૌરાષ્ટ્રની ચારણ કવયિત્રી પૂનાદે પૂનમતિ કે પૂનબાઈના નામાચરણ સાથે મળતી આ પ્રભાતી રચના એક નારી હ્રદયની ઝંખના ને કાવ્યરૂપ આપે છે.

ભણતી સાં કાનજી કાળા રે માવા મીઠી મોરલીવાળા રે…

ડેલીએ અખંડ ડાયરા દેજેઅમલારા ગોળા મેમાનની મોકવાણ્ય દેજેપીનારા ભોળા…

ડેલીએ રૂડા ડાયરા દેજેકવિજન રૂપાળા શૂરવીરાં ને શામળા કેરી વાતુંના હિલોળા…

પાંચ તો મોહે પૂતર દેજેશામજી છોગાળા એક તો મોહે ધીડી દેજેજેના આણાંત ઘોડાળા..

કાળિયું ભેસું કુંઢિયું દેજેગાયુંના ટોળાં કોઠીએ કાઠા ઘઉં તો દેજેજમનારા ભોળાં…

ધીર સધીરો ચારણ દેજેઘી ગોળનાં દોણાં વાંકડી નેણે વવારૂ દેજેઘુમાવે વલોણાં…

ગોમતી કાંઠે વાસ અમારોબરડો અમારો દેશચારણી પૂનાદે એમ ભણે મોરો લીલો રાખ્યે નેસ…

લીરબાઈ માતા  : જીવણદાસજી (પરબ)નાં શિષ્યા‚ મોઢવાડા ગામે મેર જ્ઞાતિમાં જન્મ‚ પિતા લુણા મોઢવાડિયા‚ માતા લાખીબાઈ‚ કંડોરણા ગામે ઈ.સ.૧૮૭૬ સં.૧૯૩રમાં સમાધિ. બરડા પંથકના મોઢવાડા ગામે રહેતા મેર લુણા મોઢવાડિયાને ત્યાં સતી લીરબાઈનો જન્મ થયો હતો. એમનાં માતાનું નામ હતું લાખીબાઈ. બાળપણથી જ ભજન અને ભક્તિના સંસ્કારો એમાં પરબના સ્થાપક સંત દેવીદાસના શિષ્ય જીવણદાસજી અને એમનાં ભજનિક પત્ની સોનલમાતાનો સતસંગ થયો એટલે લીરબાઈને વૈરાગ્યનો રંગ લાગી ગયો. લીરબાઈએ પરબના સંત દેવીદાસનું સ્વીકાર્યું. લીરબાઈના વિવાહ કેશવ ગામના જેઠા કેશવાળાના દીકરા વજશી સાથે થયેલા. વજશીનો સ્વભાવ ભારે આકરો ને સત્સંગ- ભજનભાવ-વૈરાગ્યનો વિરોધી એટલે લીરબાઈ સાસરામાં ખૂબ અકળાતા. છતાં સહનશીલ થઈને સંસાર ચલાવતાં ચલાવતાં પુંજો અને પાતો એમ બે દીકરા તથા પુનીબાઈ નામે એક દીકરીને મોટાં કરતાં રહ્યાં. ધીરે ધીરે જીવણદાસજી અને સોનલમાતાના સત્સંગના પ્રભાવે લીરબાઈ આપજોડિયાં ભજનો બનાવતા થયાં. પછી તો પતિ વજશીનું પણ હ્રદયપરિવર્તન થયું અને સાધુતાના સંસ્કારમાં રંગાયા. કેશવ ગામમાં સદાવ્રત શરૂ કર્યું ત્યારબાદ ભજન કરવું ને ભોજન કરાવવું. એ સિદ્ધાંતને લોકસમુદાયમાં વહેતો મૂકવા લીરબાઈ માતાએ બીજધર્મની ગુપ્ત પાટ ઉપાસના અને નિજારપંથની સાધનાની સાથોસાથ સમાજ સુધારાણાનું કાર્ય પણ ઉપાડયું. નાત-જાતના ભેદ મટાડી સંવત ૧૯૩રના મહાસુદ બીજને દિવસે ઈ.સ.૧૮૭૬માં ધામધુમથી સમૈયો ઉજવી કંડોરણા ગામે જીવતાં સમાધિ લીધી. લીરબાઈ માતાના સ્થાનકો મોઢવાડા‚ કેશવ‚ કંડોરણા‚ કોઠડી‚ ગોસા‚ સીસલી તથા પરબવાવડીમાં છે. લીરબાઈ સતીની ભજનવાણી પરબની સંતપરંપરાની ભજનવાણી માફક બીજમારગી મહાપંથી નિર્ગુણ ઉપાસના અને ગુરુમહિમાનું ગાન કરે છે.

ગુરુ માતા સતની વેલડીએ

એવાં રૂડાં દત્તફળ લાગ્યા રે હાં… હે જી ગુરુ મારા સતની…

બીજ વરતી બીજક જાણીવાવી છે વિસવાસ આણી

કરણીના ક્યારા બાંધ્યાપ્રેમ હુંદા પાણી… ગુરુ મારા સતની…

ઊગી છે કાંઈ અમરવેલીએની પાડું તો પિયાળે મેલી

ફાલી ને ફૂલી છે કાંઈ નિજિયા ધરમની વેલી…ગુરુ મારા સતની…

ભાઈલાના ભાગ્ય જાગ્યાવેલડીએ દત્ત ફળ લાગ્યાં

ખરી વરતીમાં ખેલ્યાં મું મના અમરાપરમાં માલ્યાં….ગુરુ મારા સતની…

વાતું તો પ્રેહલાદે જાણીરાજા હરિશ્વન્દ્ર તારા દે રાણી

પાંચ પાંડવ દ્રૌપદી રાજા બલિને ઓળખાણી…ગુરુ મારા સતની…

ભાયલા સું ભાવ રાખોડાળ્યું મેલી ફળ ચાખો ;

બોલિયા લીરબાઈ ચિત્તને હરિચરણે રાખો…ગુરુ મારા સતની…

અધ્યાત્મ સાધનાના ક્ષેત્રમાં હંમેશાં ‘પૂરા નર’‚ ‘શીલવંત સાધુ’‚ ‘મરજીવા’‚ ‘અધિકારી’‚ ‘શૂરવીર’ને જ માન અને સ્થાન મળ્યાં છે. ‘દોરંગા ભેળા રે નવ બેસીએ…’‚  ‘કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ સમજીને રહીએ ચૂપ…’‚ ‘એવા નર રે નુગરાની હાર્યે નેડલો ન કરીએ રે જી…’ જેવાં ભજનોમાં સાચા સાધકને આ જ ઉપદેશ અપાયો છે. લીરબાઈ માતા પણ પોતાના એક ભજનમાં આ જ ભાવને ઘુંટે છે :

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે

ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં મારી બાયું રે…

નર પૂરા રે મળે તો…

કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે

વળતી-ઢળતી કોઈને ન આવે એની છાંય ;

દૂધ ને સાબુએ રે ધોયા ઓલ્યા કોયલા રે

ઈ કોયલા કોઈ દી  ઉજળા નો થાય…

મારી બાયું રે… નર પૂરા રે…

એવાં દૂધડાં પાઈને રે વસિયર સેવયો રે

મૂકે નહીં ઈ મુખડાં કેરાં ઝેર ;

દુરજનિયાની રે આડા મોટા ડુંગરા રે

એ જી મારા હરિજનિયાની હાલું મોઢામોઢ…

મારી બાયું રે… નર પૂરા રે…

ગુરુના પ્રતાપે રે લીરલબાઈ બોલિયાં રે

એ જી મારા સાધુડાંનો બેડલો સવાયો…

મારી બાયું રે… નર પૂરા રે…

૦  ૦  ૦  ૦

આ જુગ જાગો હો જી… જાગે એને જગન ફળ હોય…

મોટા મુનિવર જોગી જતી સંત સાધુને તેડાવો રે બેની મારા ભાયલાં રે હાં…  આ જુગ જાગો રે…

હે જી વીરા મારા ! ઘરનો ઉબરલો ઓળાંડી કશો નૈં તોપારકે મંદિરિયે શીદને માંલો રે

હે જી વીરા મારા ! ઘરનો દીવડિયો વાસી શકો નૈં તો   પારકી જ્યોતું શીદ પરકાશો રે…  આ જુગ જાગો રે…

હે જી વીરા મારા ! નદિયું ને નાળાં તમે તાગી શકો નૈં તો સમદર કાયકું હિલોળો રે

જી વીરા મારા ! વીછીંના વખને ખમી નો શકો તો વશીયલ શીદને જગાડો રે…  આ જુગ જાગો રે…

લીરબાઈ ક્યે છે વીરા મારા ! સતની કમાયું કરજો સત ધરમે ઊતરશો ભવપાર રે…  આ જુગ જાગો રે…

સતી લીરબાઈની અન્ય ભજનરચનાઓમાં ખૂબ જ લોકપ્રિય એવાં ઘણાં ભજનો મળે છે.

રમતો જોગી રે જ્યાંથી આવ્યો ! આવી મારી નગરીમાં અલેખ જગાયો રે…  વેરાગણ હું તો બની…

કાને કુંડળ રે જટાધારી… હો જી રે… કાને…

એ જી એની નમણ્યું કરે છે નર ને નારી રે…  વેરાગણ હું તો બની…

કોરી ગાગર રે ઠંડા પાણી… હો જી રે… કોરી.

એના પાણીડાં ભરે રે નંદ ઘેર રાણી રે…  વેરાગણ હું તો બની…

કાચી કેરી રે આંબા ડાળે… હો જી રે… કાચી

એની રક્ષા રે કરે છે કોયલરાણી રે…  વેરાગણ હું તો બની…

બોલ્યાં બોલ્યાં રે લીરલબાઈ… હો જી રે… બોલ્યાં

એ જી મારા સાધુડાં અમરાપરમાં માલે રે….  વેરાગણ હું તો બની…

૦  ૦  ૦  ૦

હાં હાં રે ગુરુજી આજ મારે આંગણે મોટા મુનિવર મળ્યા… હાં હાં રે ગુરુજી ! …

બીજ થાવર રેન રૂડીજામૈયાની જુગત જડી આજુની વરતાણી મારે આનંદની ઘડી…  ગુરુજી…

૦  ૦  ૦  ૦

હીરલા દેખીને તમે વણજું કરી લેજો રે વીરા મારા ! શબદુંના સોદાગર…

કાયા કેરી કોટડી એમાં મન છે વણઝારો વીરા મારા ! શબદુંની ગુંજ્યું કરી લેજો…

તન કેરા ત્રાજવાંને મનનાં તોલાં મનખા પદારથ તોળી લેજો ;

ધારણે બેસાડો વીરા સત વણઝારાનમતેરી ધારણા લેજો…શબદુંના…

મેલાં મન ને ફૂલ ફટકિયાં ઉનથી ન્યારા ન્યારા રેજો ;

આપ ડૂબી ને ઓરનકુ ડુબાડે એને ટાળા દઈને તરજો… શબદુંના…

ગૂઢા ગરવા સાયરા સરખા સો ભાયલાની ભેળા રે જો ;

આપકું તારે ને ઓરન કુ તારે એને દલડાંની ગુંજ્યું કે જો…શબદુંના…

માજમ રાતની જ્યોતું જાગીઅલખ ધણીને વરજો

સંત ચરણે બોલ્યાં લીરબાઈ સેજે ભવજળ તરજો…શબદુંના…

લીરલબાઈના એક ભજનમાં ગણપતિ મેવાડી વેશે આવે છે. પેચબંધી પાઘડી બાંધીને આવેલા આ ગુણપતિના સ્થૂલ રૂપ ને આભુષણની સાથે અહીં યૌગિક પરિભાષાનો પણ ઉપયોગ થયો છે.

આજ મેં તો દેખ્યા રે મેવાડી રામાગુણપતિઆવે ઝૂલતા હો રે હો જી જી જી…

હસંતા ને રમંતા આવે શ્રી ગુણપતિ વીરા મારા ! માન રે સરોવર સો ઈ ઝીલતા હો જી …

પેરણ પીતાંબર ઓઢણ આછાં ચીર વીરા મારા ! શાલ રે દુશાલા સો યે ઓઢતા હો જી …

પેચ રે સમાણી બાંધે રે પઘડિયાં વીરા મારા ! દરપણમાં મુખડા સો યે દેખતા હો જી …

કેડે રે કંટારા ને ગળે રૂંઢમાળા વીરા મારા ! કાનું મે કુંડળ સો યે પેરતા હો જી …

ઊંચી ઊંચી મેડી ને અજબ ઝરૂખા વીરા મારા ! અધર સિંહાસન સો યે બેસતા હો જી …

દોય કર જોડી સતી લીરલબાઈ બોલ્યા વીરા ! ધરમુંનાં તાળાં સોયે ખોલતા હો જી …

તદ્દન નિરક્ષર છતાં ભરપૂર અધ્યાત્મજ્ઞાન ધરાવતા આ સંતકવયિત્રી લીરબાઈએ માનવ જીવનમાં વ્યાપી રહેલા દંભી આચરણ તરફ આંગળી ચીંધી બતાવી છે. સાધનાના પંથે પણ સાધક ઘણી વાર સિદ્ધિના અભિમાનમાં આવી ચમત્કારોમાં અટવાઈ જાય છે આ સમયે જરૂર હોય છે સતત જાગૃતિની લીરબાઈની એક પ્રભાતી છે :

ચેત મન તું શામળા જીવણ ગુરુ મેં જાણીયા ધણી મારો લેખાં લેશે

તંઈ ક્યાં જાશો પ્રાણિયા…ચેત મન તું…

જશ ગાવા જનમ દીધોમાયામાં તું મોહી રયો

પૂન્ય કાજે પાઈ ન વાવરીજમડાએ જંઈ ઘેરિયા…ચેત મન તું…

કાળિંગો તો કઠણ આવ્યોકુડિયા નર ભાગિયા

અલખ મારો જેદિ આવશે તેદિ લેખાં તારાં માગિયા…ચેત મન તું…

નીલે નેજે ઘણી આવી જીવણને જગાડિયા

સાધુ કારણ શામળો ભેળા વેમાન લાવિયા…ચેત મન તું…

સાચમાં જે ચાલે નહીં ખોટ એલો ખાવિયા

ગુરુ પ્રતાપે લીરલબાઈ બોલ્યાદેખ દુનિયા જાવૈયા…ચેત મન તું…

સંત કવયિત્રી લીરબાઈની આ રચના પણ પોતાની આગવી અધ્યાત્મ અનુભૂતિનું બયાન કરતાં સહજભાવે પંડના અનુભવની જ વાત કરે છે.

હાં હાં રે ગુરુજી ! કહો ભજન કેમ કરીએ ? અમને મળિયા અંતરજામિ રે હાં…  હાં હાં રે ગુરુજી ! કહો…

હાં… લેવાય તો રામનામ લેજોએ જી દેવાય તો તમે ટુકડો દેજો

એ… હીરો પડયો મેદાનમાં તમે લેવાય તો રામ લેજો…  ગુરુજી ! કહો ભજન…

હાં… મોટા ધણીની ફેરો માળાતમે છોડી દ્યો આ જગતના ચાળા

એ… ઝીણા માંયલા ઝીણા છે મારા ગુરુજી પરવાળા…  ગુરુજી ! કહો ભજન…

હાં… બાવન છે બજારૂં એમાં વિરલા નર તો કોક જાવે

એ… ધ્યાન ધરી લ્યો શૂનમાં તો તો ઝીણાં ઝંતર વાગે…  ગુરુજી ! કહો ભજન…

હાં… નિજ નામના પડદા ખોલેધરતી ને આકાશ ડોલે

એ… બોલિયા રે લીરલબાઈ મને સંત મળ્યા મોંઘા મૂલે…  ગુરુજી ! કહો ભજન…

લીરલબાઈ/લીળલબાઈ/નીરલબાઈ : મજેવડી લુહાર જ્ઞાતિમાં જન્મ‚ પિતા : વીરાજી આંબાજી પીઠવા‚ દેવતણખી ભક્ત નામે ઓળખાતા‚ દેવાયત પંડિતનું  અભિમાન ઉતાર્યું‚ ઉગમશીનાં શિષ્યા.

પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા‚ એમને ત્યાં મીણલદેની કુખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો જન્મ થયો. વીરાભગત લુહાર ભજનપ્રેમી ભક્તજન હતા. તેઓ દેવતણખીના નામે પણ જાણીતા થયેલા. ગિરનારની નાથપરંપરાના શાંતિનાથજીના શિષ્ય એવા દેવતણખી પોતે નિજારપંથ પાળતા. પોતાની પત્ની મીણલદેને સાથે લઈને દેવતણખી ભગતે સાત વખત ગિરનારની પરિક્રમા કરેલી. પોતાના ગુરુના આદેશથી ગિરનાર નજીક આવેલા મજેવડી ગામે દેવતણખી ભગતે નાનકડી મઢી બનાવી અને પોતાના પરંપરાથી લુહારકામની કોઢ શરૂ કરી.

એ સમયમાં મારવાડના ભજનિક સંત ભાટી ઉગમશી અને તેમના શિષ્ય શેલર્ષિ સૌરાષ્ટ્રની યાત્રાએ નીકળેલા અને ગામડે ગામડે નિજારધર્મનો પ્રચાર કરતા અનેક શિષ્યો બનાવેલા. દેવતણખી અને તેની દીકરી લીરલબાઈએ પણ ઉગમશી ગુરુ પાસે ગુરુગમ દીક્ષા લીધેલા. એક વખત સમર્થ આગમવેતા ભજનિક સંત દેવાયત પંડિત પોતાની પત્ની દેવળના ગૃહત્યાગ પછી એના વિરહમાં પત્નીને શોધતાં શોધતાં સૌરાષ્ટ્રના તીર્થસ્થળોની યાત્રાએ નીકળ્યા. રસ્તામાં જૂનાગઢ નજીક મજેવડી ગામ પાસે એના ગાડાનો ધરો ભાંગી ગયો‚ ગામમાં લુહારનું ઘર શોધી ધરો સંધાવવા દેવાયત પંડિત દેવતણખી ભગત પાસે આવ્યા. એકાદશીનો દિવસ હતો એટલે લુહારકામની ભઠ્ઠી બંધ હતી. દેવાયત પંડિતને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. એણે એકાદશી વ્રત તોડવાનું પાપ પોતાના ઉપર લઈ દેવતણખી ભગતને ભઠ્ઠી ચાલુ કરવા આજ્ઞા આપી. ભગતની દીકરી લીરલબાઈ ધમણ ધમે છે‚ દેવતણખી લુહારે અગ્નિમાં તપાવેલ લોખંડના ધરાના બે ટુકડા એરણ ઉપર રાખ્યા ને દેવાયત પંડિતે પોતાના જ્ઞાનના જોશમાં ઘણનો ઘા માર્યો.

એક જ ઘા એ એરણ જમીનમાં ઊતરી ગઈ ત્યારે દેવાયત પંડિત મૂંઝાયા. લીરલબાઈ કહે એમાં શું ? ઘૂંટી ઉપર રાખીને ઘણનો ઘા કરો ! આ શરીર પણ એરણ જ છે ને ! અંતે દેવતણખી લુહારે પોતાના પગની ઘૂંટી ઉપર લોખંડના તપાવેલા બંને ટુકડા રાખ્યા ને ઘણના ઘા મારી સાંધી આપ્યા. દેવાયત પંડિતનો પોતે ત્રિકાળજ્ઞાની હોવાનો સિદ્ધ પુરુષ હોવાનો અહંકાર ઓગળી ગયો અને લીરલબાઈ તથા દેવતણખી તથા દેવતણખીના પગે પડયા. લીરલબાઈએ દેવાયત પંડિતનાં પત્ની દેવળદેની ભાળ આપી અને દેવાયતની શંકાનું સમાધાન કર્યું. આ પ્રસંગ વર્ણવતું એક ભજન આજે પણ લોકભજનિકોને કંઠે સચવાઈ રહ્યું છે.

એવી શંકા રે પડી ને અવળું સૂઝિયું રે ભૂલ્યા કાંઈ દેવાયત ભાન…

ભ્રાંત્યું રે પડિયું ને અવળું સૂઝિયું….

૦  ૦  ૦  ૦

એવું જ્ઞાન થયું ને આગમ ભાખિયુંસુણો દેવળદે નાર

લીરલ દે ચરણે દેવાયત બોલિયા

ધન ધન દેવતણખી લુહાર… શંકા રે પડીને….

સંત કવયિત્રી લીરલબાઈ લુહાર જ્ઞાતિનાં સંત હતાં‚ એટલે એમની વાણીમાં એરણ‚ લોઢું‚ ધમણ‚ ઘડતર જેવા શબ્દો અને લુહારકામની વાત આવે છે. આવું જ બીજું એક ભજન જે સંત કવયિત્રી લોયણના નામે પણ ગવાય છે.(જુઓ મકરન્દ દવે સમ્પાદિત સત કેરી વાણી પુસ્તક) . અને લીરલબાઈની રચના તરીકે પણ ભજનિકોના કંઠે સચવાયું છે તે જોઈએ :

જી રે વીરા ! ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રેજેને વિશ્વ બધુંયે વખાણે રે હાં…

જી રે વીરા ! કબુદ્ધિ કોયલા કરોડો કાયામાં રે અને તમે બ્રહ્મ અગનિમાં પરજાળો રે હાં…

જી રે વીરા ! ધુમાડો ધૂંધવે ન્યાં લગી ધારણ રાખો રેપછી એને બાંધી કઠણ તાયે તાવો રે હાં…

જી રે વીરા ! બંકનાળેથી ધમણું ધમાવો રેઊલટા પવનને તમે સુલટા ચલાવો રે હાં…

જી રે વીરા ! ત્રિગુણાતિતથી તમે અગ્નિ પ્રજાળો રે પછી એને ગિનાન સાંણસીએથી તાવો રે હાં…

જી રે વીરા ! તાએ ચડયા વિના તમે ટાઢું શીદ ટીપો રે આ તો ભાંગેલને કરવા છે ભેળા રે હાં…

જી રે વીરા ! હું ને મારું ઈ બે લોઢાના કટકા રે એને તમે મન ક્રમ વચનેથી મિલાવો રે હાં…

જી રે વીરા ! સતની સરાણે એને ચડાવીને જોજો રે તડ કે ભ્રાંત હોય તો ફરીને તાવો રે હાં…

જી રે વીરા ! આવા આવા ઘાટ તમે સંસારે ઘડજો રેતો તો ખોટ જરીયે ના ખાશો રે હાં…

જી રે વીરા ! ઉગમશીને ચરણે લીળલબાઈ બોલ્યાં રેત્યારે તમે સાચા કસબી કેવાશો રે હાં…

સંત કવયિત્રી લીરલદેની ભજન રચનાઓમાં ગુરુ ઉગમશીનું નામાચરણ મળે છે.

એવી ચૂંદડીનું ચટકું દાડા ચાર રે રંગાવો રામા ચૂંદલડી એ જી રંગાવો રામા….

ચૂંદલડીનો તાણો એ જી બ્રહ્માજીએ તાણિયો રે મન વિચાર કરી લે ?

અને તાણ્યો છે કાંઈ હે જી જર્મી ને આસમાન રે…રંગાવો રામા…

ચૂંદલડી ચારે છેડે મોરલા રેમન વિચાર કરી લે !

અને વચમાં છે કાંઈ પૂનમ કેરો ચાંદ રે….રંગાવો રામા…

ચૂંદલડી ઓઢીને અમે બજારૂંમાં નિસર્યા રે મન વિચાર કરી લે !

અને નિરખવા કાંઈ હે જી ધ્રુવ ને પ્રેહલાદ રે…રંગાવો રામા…

ઉગમશીની ચેલી સતી લીરલબાઈ બોલિયાં રે મન વિચાર કરી લે !

આવી ચૂંદલડી ઓઢયાની ઘણી મુંને હામ રે… રંગાવો રામા…

લોયણ : શેલર્ષિનાં શિષ્ય લુહારજ્ઞાતિમાં. કીડી તા.બાબરા ગામે જન્મ.

હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને  તમે ધણીને  આરાધો  હો જી

તમે મન રે પવનને  બાંધો રે હાં…

હે જી રે લાખા ! નુરતે નિરખો ને સુરતેથી પરખો  હો જી

તમે સુરતા શૂન્યમાં જઈ સાંધો રે હાં…

હે જી રે લાખા ! નાદ ને બુંદની તમે  ગાંઠું વાળો રે જી

પછી મૂળ વચને પવન થંભાવો રે હાં…

હે જી રે લાખા ! ઉલટ પવનને સુલટમાં શમાવો હો જી

એને  એક જ ઘરમાં  લઈ આવો રે હાં…

હે જી રે લાખા ! ઈંગલા પિંગલા સુખમણાને સાધો હો જી

ચન્દ્ર સૂરજને એક ઘીરે લાવો રે હાં…

હે જી રે લાખા ! ત્રિવેણી મહોલમાં જુવો ને તપાસી હો જી

પછી જ્યોતમાં જ્યોત  મિલાવો રે હાં…

હે જી રે લાખા ! અનભે પદને તમે એણી પેરે પામો  હો જી

જ્યોતું ઓળાંગી આઘાં તમે હાલો રે હાં…

હે જી રે લાખા ! શેલણશીની ચેલી સતી લોયણ બોલે  હો જી

તો તો અકરતાના ઘરમાં મ્હાલો રે હાં…

૦  ૦  ૦  ૦

લા ખા…  હાં… લા વો… રે… કૂંચી… તો… તાળાં… ખોલિયે…

કૂંચી મારા મેરમ ગુરુ ને હાથ… લા ખા… હાં…

કૂંચિયુ છે માલમ ગુરુજી ને હાથ… ગુરુજી આવે તો તાળાં  ઉઘડે…

એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લા ખા… હાં… અમ્મર આંબો આયાં રોપિયોએની પાળ્યું રે પોગી છે પિયાળલા ખા…

હે… શાખું રે સરગાપર પુગિયું એનો વેડનહારો હુશિયાર… લા ખા…

એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લા ખા હાં… એ… ખુંદી રે ખમે માતા ધરણી… અને વાઢી રે ખમે વનરાઈલા ખા…

હે… કઠણ વચન મારાં સાધુડાં ખમેનીર તો સાયરમાં સમાય… લા ખા…

એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લા ખા  હાં… એ… સૂરજ સમો નહીં ચાંદલોધરણી સમો નહીં  આભલા ખા…

હે… ગુરુજી સમો નહીં ચેલકોજેણે મૂળગો ગુમાવ્યો છે લાભ… લા ખા…

એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લા ખા  હાં… દૂધે રે ભરી તલાવડીજેની મોતીડે રે બાંધેલ પાળ… લા ખા…

હે… સુગરા હશે તે એને ચાખશેનુગરા પિયાસા રે જાય… લા ખા…

એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લા ખા હાં… કાશી રે નગરના ઘાટમાંલખ રે આવે ને લખ જાયલા ખા…

હે… સાધુ રે જનનો સંદેશડોખુલાસે  કહ્યો નવ જાય… લા ખા…

એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લા ખા હાં… લાખો તો લાખુંમાં મ્હાલતોકરતો હીરા હુંદા મૂલલાખા…

હે… કરણી ચૂક્યો ને થિયો કોઢિયોઈ તો થઈ ગ્યો કોડીને તૂલ… લા ખા…

એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લા ખા હાં… સોનું રે જાણી ને સેવિયોકરમે નિવડિયું કથીર… લા ખા…

હે… શેલણશીની ચેલી લોયણ બોલિયાં ગુરુ આવ્યે થાશો રે કંચનને તોલ… લા ખા…

એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
Responses are currently closed, but you can trackback from your own site.

Comments are closed.