Prachin Bhajano
૧
સમરૂં તો સુધરે મનખા મેરા‚ અલ્લા હો નબીજી…
સમરૂં તો સુધરે મનખા મેરા‚ સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી…
અલ્લા હો નબીજી રે‚ રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા !
તૂં હી રે‚ નબીજી…
મિટ જાય ચોરાશી કા ફેરા‚ મટી જાય ચોરાશી કા ફેરા રે.. નબીજી !
હો‚ અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ હાથે રે મિંઢોળ દાતા કેસરિયા વાઘા દાતા !
તૂં હી રે‚ નબીજી…
શિર પે ફૂલડાં હૂંદા શેરા… શિર પર ફૂલડા હુંદા શહેરા રે નબીજી !
હો‚ અલ્લા હો નબીજી….સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ કાચી રે માટીકા પૂતલા બનાયા‚ મૌલા !
તૂં હી રે‚ નબીજી…
રંગ તો લગાયા ઘેરા ઘેરા… રંગ તો લગાયા ઘેરા ઘેરા રે.. નબીજી હો…
અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ ખૂટ ગિયા તેલ‚ વા મેં બૂઝ ગઈ બતિયાં મૌલા
તૂં હી રે‚ નબીજી…
ઘટડા મેં હૂવા રે ઘોર અંધેરા… એક દિન જંગલ બીચ મેં ડેરા રે…
નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ સિકંદર સુમરાની લજ્જા તમે રાખી દાતા !
તૂં હી રે‚ નબીજી…
હોથી હજુરી ગુલામ તેરા… હોથી તો ગરીબ ગુલામ તેરા રે…
નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
ર
અધુરિયાંસે નો હોય દિલડાંની વાતું‚ મારી બાયું રે‚ નર પૂરા રે મળે તો…
અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚ મારી બાયું રે…
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે‚
ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં‚ મારી બાયું રે…
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે‚
વળતી ઢળતી કોઈને ન આવે એની છાંય‚ મારી બાયું રે…
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
દૂધ ને સાબુએ રે ધોયા ઓલ્યા કોયલા રે‚
ઈ કોયલા કોઈ દી ઉજળા નો થાય‚ મારી બાયું રે…
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
એવાં દૂધડાં પાઈને રે વસિયર સેવયો રે‚
મૂકે નહીં ઈ મુખડાં કેરાં ઝેર‚ મારી બાયું રે…
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
દુરજનિયાની રે આડા મોટા ડુંગરા રે‚
એ જી મારા હરિજનયાની હાલું મોઢામોઢ‚ મારી બાયું રે…
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
ગુરુના પ્રતાપે રે લીરલબાઈ બોલિયાં રે‚
એ જી મારા સાધુડાંનો બેડલો સવાયો‚ મારી બાયું રે…
નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…
૩
સતગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ…
સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ !
મેલી દેજો અંતરનું માન રે‚
આળસ મેલીને તમે આવો રે મેદાનમાં ને
સમજી લેજો સત ગુરુની સાન…
સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ !..૦
અંતર ભાંગ્યા વિના‚ ઉભરો નહીં આવે પાનબાઈ !
પછી તો હરિ દેખાય સાક્ષાત‚
સતસંગ રસ એ તો અગમ અપાર છે‚
તે તો પીવે કોઈ પીવનહાર…
સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ !..૦
ધડ રે ઉપર જેને શિશ નવ મળે પાનબાઈ !
એવો ખેલ છે ખાંડા કેરી ધાર
એમ રે તમારું શિશ ઉતારો‚ પાન બાઈ !
તો તો રમાડું તમને બાવન બાર…
સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ !..૦
હું ને મારું ઈ તો મનનું છે કારણ‚ પાનબાઈ !
ઈ મન જ્યારે મટી જાય
ગંગા સતી એમ બોલીયા ત્યારે
પછી હતું તેમ દરશાય…
સતગુરુ વચનના થાવ અધિકારી‚ પાનબાઈ !..૦
૪
આરતી શ્રી રામની
આરતી શ્રી રામની‚ શામળિયા ભગવાનની‚
દુવારકાના નાથની‚ સંતો ! બોલો સંધ્યા આરતી..
પરથમ ધણી આપે પ્રગટ્યા‚ પવન પાણી પંડ જી
રદા કમળમાં રાખજો સ્વામી ! ધરણી નવ નવ ખંડ.. સંતો !..
ગુરુ દાતા‚ પૂરણ પિતા મારો શામળો ભગવાન જી
સુદામાની આરતિ‚ પ્રભુ માની લેજો કાન…
સંતો બોલો સંધ્યા આરતી….
પ
ગરવ કિયો સોઈ નર હાર્યો સિયારામજીસે…
ગરવ કિયો સોઈ નર હાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગરવ કિયો એક રત્નાકર સાગરે‚ રત્નાકર સાગરે
નીર એનો ખારો કરી ડાર્યો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગરવ કિયો એક વનની ચણોઠડીએ‚ વનની ચણોઠડીએ
મુખ એનો કારો કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગરવ કિયો જબ ચકવાને ચકવીએ‚ ચકવાને ચકવીએ
રૈન વિયોગ કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
ગરવ કિયો જબ અંજનીના જાયાએ અંજનીના જાયાએ
પાંવ એનો ખોડો કરી ડાર્યો… સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે
ગરવ કિયો જબ લંકાપતિ રાવણે‚ લંકાપતિ રાવણે
સોન કેરી લંક જલાયો.. સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
કહત કબીરા સુનો ભાઈ સાધુ‚ સુન મેરે સાધુ રે..
શરણે આવ્યો વાં કો તાર્યો‚ સિયારામજી સે ગરવ કિયો સોઈ નર હાર્યો રે…
૬
ગુરુજીના નામની હો‚ માળા છે ડોકમાં..
ગુરુજીના નમની હો‚ મળા છે ડોકમાં
જૂઠું બોલાય નહીં‚ ખોટું લેવાય નહીં ;
અવળું ચલાય નહીં હો… માળા છે ડોકમાં…
ક્રોધ કદી થાય નહીં‚ પરને પીડાય નહીં‚
કોઇને દુભવાય નહીં હો… માળા છે ડોકમાં…
પરને નીંદાય નહી હું પદ ધરાય નહિ
પાપને પોષાય નહિ હો… માળા છે ડોકમાં…
સુખમાં છલકાય નહીં‚ દુ:ખમાં રડાય નહીં ;
ભક્તિ ભૂલાય નહીં હો… માળા છે ડોકમાં…
ધનને સંઘરાય નહીં‚ એકલાં ખવાય નહીં‚
ભેદ રખાય નહીં હો… માળા છે ડોકમાં…
બોળ્યા બદલાય નહીં‚ ટેકને તજાય નહીં‚
કંઠી લજવાય નહીં હો… માળા છે ડોકમાં…
હરિહરાનંદ કહે સત્યને ચૂકાય નહીં‚
પંથ ભૂલાય નહીં હો… માળા છે ડોકમાં…
નારાયણ વિસરાય નહીં હો‚ માળા છે ડોકમાં…
૭
પરથમ પહેલાં સમરીયે રે‚ સ્વામી તમને સૂંઢાળા…
પરથમ પહેલાં સમરીયે રે‚ સ્વામી ! તમને સૂંઢાળા.. હાં.. હાં.. હાં..
રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા ! ઋષિમુનિના આગેવાન મારા દેવતા !
મહેર કરોને મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
માતાજી રે કહીએ જેનાં પારવતી રે સ્વામી ! તમને સુંઢાળા‚
માતાજી રે કહીએ જેનાં હાં હાં હાં‚ એ.. પારવતી રે‚ સ્વામી તમને સુંઢાળા..
પિતાજી રે શંકર દેવ‚ દેવતા ! મહેર કરોને મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
ઘી રે સીંદુરની સેવા ચડે રે સ્વામી ! તમને સુંઢાળા‚
ઘી રે સીંદુરની રે હાં હાં હાં‚ એ.. સેવા ચડે રે સ્વામી ! તમને સુંઢાળા‚
ગળામાં ફુલડાના હાર મારા દેવતા ! મહેર કરો મહારાજ રે…
પરથમ પહેલાં સમરીયે રે…૦
કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી ! તમને સુંઢાળા‚
કાનમાં કુંડળ હાં હાં હાં‚ એ… ઝળહળે રે સ્વામી ! તમને સુંઢાળા‚
કંઠે મોતીડાંની માળ મારા દેવતા ! મહેર કરો મહારાજ રે..
પરથમ પહેલાં સમરીયે રે…૦
રાવત રણશીની વિનતિ રે સ્વામી ! તમને સુંઢાળા‚
રાવત રણશીની હાં હાં હાં‚ એ… વિનતિ રે સ્વામી ! તમને સુંઢાળા‚
ભગતોને કરજો સહાય મારા દેવતા ! મહેર કરો મહારાજ રે..
પરથમ પહેલાં સમરીયે રે…૦
૮
ગરવા પાટે પધારો ગુણપતિ…
જમા જાગરણ કુંભ થપાણાં મળીયા જતિ અને સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…
પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚
ગરવા પાટે પધારો ગણપતિ…
નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજાયું ફરકતી
ગત ગંગા આરાધે દેવતા‚ નરનારી એક મતિ
ગરવા પાટે પધારો ગણપતિ…
વેદ ભણંતા બ્રહ્માજી આવ્યા‚ આવ્યાં માતા સરસ્વતી
કૈલાસથી ભોળાનાથ પધાર્યા સાથે પાર્વતી સતી
ગરવા પાટે પધારો ગણપતિ…
તેત્રીસ કોટિ દેવતા આવ્યાં આવ્યા લક્ષ્મી પતિ
બાવન વીર ને ચોસઠ જોગણી આવ્યાં છે હનમો જતિ
ગરવા પાટે પધારો ગણપતિ…
નવનાથ ને સિદ્ધ ચોરાશી આવ્યા છે ગોરખ જતિ
પોકરણથી પીર રામો પધાર્યા એ તો બાર બીજના પતિ…
ગરવા પાટે પધારો ગણપતિ…
કેશવ તમને વિનવે સ્વામી‚ મંગળકર મુરતિ
ધુપ ધુપ અને ઝળ હળે જ્યોતિ ઉતારૂં આરતી
ગરવા પાટે પધારો ગણપતિ…
૯
સેવા મારી માની લેજો‚ સ્વામી રે સુંઢાળા રે‚ ગુણપતિ દેવા રે…
સેવા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે‚
પૂજા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે ;
ખોલો મારા રૂદિયાનાં તાળા‚ તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી…
જળ રે ચડાવું દેવા ! જળ નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રે….
સેવા મારી માની લેજો…૦
ફુલડાં રે ચડાવું દેવા ! ફુલ નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ ફુલ ઓલ્યે ભમરલે અભડાવ્યાં રે….
સેવા મારી માની લેજો…૦
દૂધ રે ચડાવું દેવા ! દૂધ નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ દૂધ ઓલ્યાં વાછરડે અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…૦
ચંદન ચડાવું દેવા ! ચંદન નથી ચોક્ખાં રે‚ હો જી…
ઈ ચંદન ઓલ્યા ભોરીંગે અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…૦
ભોજન ચડાવું દાતા ! ભોજન નથી રે ચોક્ખાં રે‚ હો જી…
ઈ ભોજન ઓલી માખીએ અભડાવ્યાં રે…
સેવા મારી માની લેજો…૦
મછંદરનો ચેલો જતિ ગોરખ બોલ્યા રે‚ હો જી…
આ પદ ખોજે‚ સોઈ નર પાયા રે…
સેવા મારી માની લેજો…૦
૧૦
મૂળ મહેલમાં વસે ગુણેશા.. તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા…
મૂળ મેલમાં વસે ગણેશા‚ ગુરુ ગમસે ગુણ પાતા‚
ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી.
તમે ભાંગો મારા મનડાની ભ્રાંતા‚ તમે ભાંગો મારા દિલડાની ભ્રાંતા‚
ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી.
તમે ખોલો મારા રૂદિયાના તાળાં‚ મેરા દુઃખ દારિદ્ર મટી જાતા‚
ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી.
ધુપ ધ્યાન ને અખંડ આરતી‚ ગુગળના ધૂપ હોતા‚ ગુણપતિ દાતા‚
મેરે દાતા હો… જી.
રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે‚ ઝીણી ઝીણી ચાલ ચલંતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.
ખીર ખાંડ ને અમરત ભોજન‚ ગુણપતિ લાડુ પાતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.
શુધ બુધ નારી તેરી સેજ બિછાવે‚ નિત નિત ચમર ઢળંતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.
ગુરુ પ્રતાપે બોલ્યા તોરલપરી‚ મરજીવા મોજું પાતા‚
ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.
૧૧
અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા..
અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે ;
ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય….
અમારામાં અવગુણ રે….૦
ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે ;
ગુરુજી ! મારા પારસમણીને રે તોલ…
અમારામાં અવગુણ રે….૦
ગુરુજી મારા ગંગા રે‚ ગુરુજી મારા ગોમતી રે ;
ગુરુજી અમારા કાશી અને છે કેદાર…
અમારામાં અવગુણ રે….૦
ગુરુ મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે ;
ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર…
અમારામાં અવગુણ રે….૦
જાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે ;
ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ…
અમારામાં અવગુણ રે….૦
ભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે ;
દેજે અમને સંતચરણમાં વાસ…
અમારામાં અવગુણ રે….૦
૧૨
ગુણપતિ આવો રિદ્ધિ સિદ્ધિ લાવો…
ગુણપતિ આવો‚ રિદ્ધિ સિદ્ધિ લાવો‚ નિરભે નામ સુણાવો‚
ગુરુ ! નિરભે નામ સુણાવો‚
સતગુરુજી વિના બાત કેસી ? સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦
રતન સાગરમાં રતન નિપજે‚ મહાસાગરમાં મોતી‚
ગુરુ ! મહાસાગરમાં મોતી‚
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦
કોઈ વો’રે ત્રાંબા ને પીત્તળ‚ મારા સતગુરુ વો’રે સાચા હીરલા‚
મારા ગુરુજી વો’રે સાચા હીરલા..
સતગુરુજી વિના બાત કેસી ? સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦
કોઈ વો’રે સોનાને ચાંદી‚ મારા સતગુરુ વો’રે સાચાં મોતીડાં‚
મારા ગુરુજી વો’રે સાચાં મોતીડાં..
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦
જોધા પ્રતાપે ભણે ભવાનીદાસ‚ નેક ટેકમેં રહેના‚
મેરે ભાઈ ! નેક ટેકમેં રહેના‚ સંતો નેક ટેકમેં રહેના…
ગુરુગમ વિના બાત કેસી ? સતગુરુજી વિના બાત કેસી ?
સત સાહેબ વિના બાત કેસી ?
કોઈ મિલે સંત ઉપદેશી… હે જી કોઈ મિલે આપણા દેશી…૦
૧૩
ગુરુ ! તારો પાર ન પાયો…
ગુરુ ! તારો પાર ન પાયો
ધણી ! તારો પાર ન પાયો
પૃથવીના માલિક ! તારો જી – હો – જી.
હાં રે હાં ! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી – હો – જી.
એ જી ! સમરું શારદા માતા
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
હાં રે હાં ! જમીં આસમાન બાવે મૂળ વિના માંડયાં જી – હો – જી.
એ જી‚ થંભ વિણ આભ ઠેરાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
હાં રે હાં ! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી – હો – જી.
એ જી ! માખણ વિરલે પાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
હાં રે હાં ! સુન રે શિખર પર અલખ અખેડા જી – હો – જી.
એ જી ! વરસે નૂર સવાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
ગગન મંડળમાં બે બાળક ખેલે જી – હો – જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી – હો – જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
૧૪
સદગુરુ તમે મારા તારણહાર..
સતગુરુ ! તમે મારા તારણહાર‚ હરિ ગુરુ ! તારણહાર
આજ મારી રાંકની અરજું રે‚ ખાવંદ ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…
કેળે રે કાંટાનો હંસલા ! સંગ કર્યો ગુરુજી !
કાંટો કેળું ને ખાય .. કાંટો કેળું ને ખાય ..
આજ મારી રાંકની અરજું રે‚ ખાવંદ ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…
સતગુરુ ! તમે મારા તારણહાર….૦
આડા રે ડુંગર ને વચમાં વન ઘણા ગુરુજી !
એ જી રે આડી કાંટા કેરી વાડ .. આડી કાંટા કેરી વાડ ..
આજ મારી રાંકની અરજું રે‚ ખાવન ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…
સતગુરુ ! તમે મારા તારણહાર….૦ ઊંડા રે સાયર ને હંસલા ! નીર ઘણાં ગુરુજી !
એ જી બેડી મારી કેમ કરી ઊતરે પાર ?
આજ મારી રાંકની અરજું રે‚ ખાવન ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…
સતગુરુ ! તમે મારા તારણહાર….૦
ગુરુના પ્રતાપે ડુંગરપુરી બોલીયા ગુરુજી !
એ જી દેજો અમને સાધુ ચરણે વાસ
આજ મારી રાંકની અરજું રે‚ ખાવન ધણી સાંભળજો ગુરુજી એ… હો… જી…
સતગુરુ ! તમે મારા તારણહાર….૦
૧૫
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…
બેદલ મુખસે મીઠાં બોલે‚ એની વાણીમાં વરમંડ ડોલે‚
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
કોયલડી ને કાગ દોનું બેઠાં આંબાડાળે જી‚
રંગ બેઉનો એક જ છે‚ ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚ પણ બોલી એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
હંસલો ને બગલો બેઉ બેઠાં સરોવર પાળે જી‚
રંગ બેઉનો એક જ છે‚ ભાઈ ! રંગ બેઉનો એક જ છે‚ પણ ચારો એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
શ્યામ મુખની ચણોઠડી ઈ તો હેમ સંગે તોળાય છે રે‚
તોલ બેઉનો એક છે‚ ભાઈ ! તોલ બેઉનો એક જ છે‚ એનાં મૂલ એક જ નાંય…
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
ગુરુ પ્રતાપે ભણે રતનદાસ‚ સંત ભેદુને સમજાય જી‚
ધર્મરાજાને દ્વાર જાતાં‚ પ્રભુજીને દરબાર જાતાં‚ આડી ચોરાશીની ખાણ..
બેલીડા ! બેદલનો સંગ ના કરીએ…..
૧૬
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ…
એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી‚
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે‚ ઘડીકમાં ઊતરે રે જી‚
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી‚
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી‚ ક્રોધી ને લોભી‚ લાલચુ રે‚
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી‚
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
૧૭
હીરો ખો મા તું હાથથી…
હીરો ખો મા તું હાથથી રે આવો અવસર પાછો નહીં મળે…
અવસર પાછો નહીં મળે‚ માથે ત્રિવિધિના તાપ બળે‚
હીરલો ખો મા તું હાથથી રે‚ આવો અવસર પાછો નહી મળે રે જી…
મોતી પડયું મેદાનમાં‚ ઓલ્યા મૂરખા મૂલ એના શું કરે ? રે જી‚
સંત ઝવેરી આવી મળે તો સતગુરુ સાન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…
સમજણ વિનાના નર કરે છે કીર્તી ને ગુરુ વિના જ્ઞાન એને ક્યાંથી મળે રે જી‚
પારસમણીનાં પારખાં‚ એ તો લોઢાને કંચન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…
તરી ઉતરવું પ્રેમથી રે જાણે જળને માથે જહાજ તરે રે જી‚
કાયા કાચો કુંભ છે માથે અમીરસ નીર ઝરે.. હીરલો ખો મા તું હાથથી રે…
કહે તીલકદાસ શૂરા સંગ્રામે ને મરજીવા તો મોજ કરે રે જી‚
ધારણ બાંધો ધરમની તો નમતે ત્રાજવે તરે… હીરલો ખો મા તું હાથથી રે જી…
૧૮
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…
ગઈ પલ ફેર નહીં આવે રે‚ કરી લે ને બંદગી ;
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…
કરો મન ગ્યાના‚ ધરી લેને ધ્યાના ;
મૂરખા ! મૃગજળ દેખી ક્યું લલચાવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…
શિરને માથે છે વેરી‚ લીધો તું ને ઘેરી ;
સૂતાં બંદા નીંદરા તું ને કેમ આવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…
એક દિન મરના હૈ‚ ધોખા નવ ધરના ;
મુખમેં રામનામ કેમ ભૂલાવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…
કહે છે કલ્યાણ’સાબ‚ સતગુરુ શરણે‚
આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…
૧૯
જાવું છે નિરવાણી‚ આતમાની કરી લે ઓળખાણી રામ‚ ચેતનહારા
ચેતીને ચાલો જીવ જાવું છે નિરવાણી રે… (રતનદાસ / રાજ અમરસંગ)
જાવું છે નિરવાણી… આતમાની કરી લે ઓળખાણી‚
રામ‚ ચેતનહારા ચેતીને ચાલો જીવ ! જાવું છે નિરવાણી… રે.
માટી ભેગી માટી થાશે‚ પાણી ભેગું પાણી રે ;
કાચી કાયા તારી કામ નૈ આવે‚ થાશે ધૂળ ને ધાણી…
ચેતન…
રાજા જાશે પ્રજા જાશે જાશે રૂપાળી રાણી રે ;
ઈન્દ્રના ઈન્દ્રાસન જાશે‚ બ્રહ્મા ને બ્રહ્માણી…
ચેતન…
ચૌદ ચોકડીનું રાજ જેને ઘીરે મંદોદરી રાણી રે ;
કનક કોટ ને સમંદર ખાઈ એની ભોમકા ભેળાણી…
ચેતન…
સગાળશા સરખા શેઠિયા‚ જેને ઘીરે સંગાવતી રાણી રે ;
સતને કારણિયે ચેલૈયો ખાંડયો‚ એને નયણે નાવ્યાં પાણી…
ચેતન…
ધ્રુવને અવિચળ પદવી દીધી‚ દાસ પોતાનો જાણી રે ;
રાજ અમરસંગ બોલિયા ઈ અમ્મર રે જો વાણી…
ચેતનહારા ચેતીને ચાલો જાવું છે નિરવાણી…
૨૦
મળ્યો મનુષ જનમ અવતાર માંડ કરીને…
મળ્યો મનુષ્ય જન્મ અવતાર માંડ કરીને‚
તેં તો ભજયા નહીં ભગવાન હેત કરી ને‚
અંતે ખાશો જમનાં માર પેટ ભરીને‚
માટે રામ નામ સંભાર…..
મળ્યો મનુષ જનમ અવતાર…૦
ગઈ પળ પાછી ફેર ન આવે‚ મુરખ મૂઢ ગમાર‚
ભવસાગરની ભુલવણીમાં‚ વીતી જશે જુગ ચાર ;
ફેરા ફરીને… માટે રામનામ સંભાર…
મળ્યો મનુષ જનમ અવતાર…૦
જઠરાગ્નિમાં જુગતે રાખ્યો‚ નવ માસ નિરાધાર‚
સ્તુતિ કીધી અલબેલાની‚ બા’ર ધર્યો અવતાર ;
માયામાં મોહીને… માટે રામનામ સંભાર…
મળ્યો મનુષ જનમ અવતાર…૦
કલજુગ કુડો રંગે રૂડો કહેતા ન આવે પાર‚
જપ તપ તીરથ કછુ ન કરિયાં‚ એક નામ આધાર ;
કૃષ્ણ કહીને… માટે રામનામ સંભાર…
મળ્યો મનુષ જનમ અવતાર…૦
ગુરુગમ પાયો મનમેં સાચો‚ જુક્તિ કરી જદુરાય‚
ગંગાદાસકું જ્ઞાન બતાયો‚ રામદાસ મહારાજ ;
દયા કરીને… માટે રામનામ સંભાર…
મળ્યો મનુષ જનમ અવતાર…૦
ર૧
દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ… (કંથડનાથ / ગંગેવદાસ)
દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
મનડાનો મેલ પરો કર મેરે ભાઈ.
સરજનહારને સત કરી સમરો વીરા‚ હરદમ સરસતી માઈ ;
નમણું કરી લે ગોરા પીરાની વીરા‚ ગણપત અકલ બતાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
મનડાનો મેલ ધોઈ કરી ડારો વીરા‚ સુમિરન સાબુ લગાઈ ;
સુરતા શિલા પર ઝટકી પછાડો‚ હોંશે હોંશે વધે ઊજળાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
નિયમ ધરમકા નાવ ચલાઈ લે‚ વીરા ! છલોછલ જાઈ ;
પાંચ કેવટિયા વસે કાયામાં વીરા‚ સે જે પાર ઉતરાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
અંધા હોઈકર ચલે ભટકતા વીરા‚ અંખિયું મેં અંધી કેસે આઈ ;
દિલડા ગલત હે નેનું કે અગાડે‚ સદગુરુ સાન બતાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
સાધુ રે સંતને તમે અપના કરી જાણો વીરા‚ નુગરાએ કેસી સગાઈ ;
ઉન નુગરાસે પલો નવ પકડો વીરા‚ પલમાં દેશે ડુબાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
ગંગેવદાસને ગુરુ સમરથ મળિયા વીરા‚ તનડાની તલપ બુઝાઈ ;
કંથડનાથજી રાખો હજૂરીમાં વીરા‚ કિરપા કરો રઘુરાઈ ;
રામ દલડાનો દાગ મિટાઈ દે‚ મેરે ભાઈ
ર૨
સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ‚ જોયું મેં તો જાગી હો જી…
સાધુ ! તેરો સંગડો ન છોડું મેરે લાલ !
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી હો જી…
માન સરોવર હંસા જીલન આયો હો જી…૦
કપડા રે ધોયા‚ મેરે ભાઈ ! અંચળા ભી ધોયા હો જી
જબ લગ અપનો દિલડો ન ધોયો મેરે લાલ !
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી હો જી…
માન સરોવર હંસા જીલન આયો હો જી…૦
કપડાં ભી રંગ્યા‚ મેં તો અંચળા ભી રંગ્યા હો જી
જબ લગ અપનો દિલડો ન રંગ્યો મેરે લાલ !
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી હો જી…
માન સરોવર હંસા જીલન આયો હો જી…૦
બસ્તી મેં હી રહેના મેરે ભાઈ ! માંગીને ના ખાના હો જી
ટુકડે મેં સે ટુકડા કરી દેના મેરે લાલ !
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી હો જી…
માન સરોવર હંસા જીલન આયો હો જી…૦
મછંદરનો ચેલો જતી ગોરખ બોલ્યા હો જી
બોલ્યા છે કાંઈ અમૃત વાણી મેરે લાલ !
લાલ‚ મેરા દિલમાં સંતો ! લાગી વેરાગી રામા‚
જોયું મેં તો જાગી હો જી…
માન સરોવર હંસા જીલન આયો હો જી…૦
ર૩
જીવને શ્વાસ તણી છે સગાઈ‚ ઘરમાં ઘડી ન રાખે ભાઈ… (ભોજાભગત)
હે જીવને શ્વાસ તણી સગાઈ‚ ઘરમાં ઘડી ન રાખે ભાઈ.
બાપ કહે છે બેટો અમારો‚ માતા મંગળ ગાય ;
બેની કહે છે બાંધવ અમારો‚ ભીડ પડે ત્યારે ભાઈ…
જીવને…
લીપ્યું ને ગૂંપ્યું આંગણું‚ ને કાઢયા વેળા થઈ‚
અડશો મા તમે અભડાશો એમ લોક કરે ચતુરાઈ…
જીવને…
ઘરની નારી ઘડી ના વિસરતી અંતે અળગી રઈ‚
ભોજો ભગત કહે કંથ વળાવી તરત બીજાને ગઈ…
જીવને…
ર૪
મારી વાડીના ભમરલા વાડી વેડીશ મા.. (દાસી જીવણ)
વેડીશ મા રે ફૂલડાં તોડીશ મા‚
મારી રે વાડીના ભમરલા વાડી વેડીશ મા
મારી રે વાડીના ભમરલા…
મારી રે વાડીમાં માન સરોવર
નાજે ધોજે પણ પાણીડાં ડોળીશ મા
મારી રે વાડીના ભમરલા…
મારી રે વાડીમાં ચંપો ને મરવો
ફોરમું લેજે પણ કળીયું તોડીશ મા
મારી રે વાડીના ભમરલા…
દાસી જીવણ કે સંતો ભીમ કેરા ચરણે
સરખા સરખી જોડી રે તોડીશ મા
મારી રે વાડીના ભમરલા…
ર૫
ભૂલ્યાં ભટકો છો બારે મારા હંસલા‚ કેમ ઊતરશો પારે.. (દાસી જીવણ)
ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા‚
કેમ ઉતરશે પારે ? રે જી…
જડી હળદરને હાટ જ માંડયું‚ વધ પડયો વેમારે
સાવકાર થઈને ચડી ગિયો તું‚ માયાના એકારે…
મારા હંસલા…
ભેખ લઈને ભંગવા પેર્યા‚ ભાર ઉપાડયો ભારે‚
ઈમાન વિનાનો ઉપાડો જાશે‚ લખ ચોરાશી લારે…
મારા હંસલા…
લોભાઈ રિયોને નજર ન રાખી‚ શીદ ચડયો તો શિકારે ?
માર્યા ન મંગલો‚ માંસ ન ભરખ્યો‚ હું મોહથી સંસારે…
મારા હંસલા…
એકાર મન કર આત્મા‚ તું જોઈશે મનને વિચારે‚
દાસી જીવણ સત ભીમને ચરણે‚ પરગટ કહું છું પોકારે…
મારા હંસલા…
ર૬
મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું…
મારી મમતા મરે નહીં એનું મારે શું રે કરવું વાલીડો છે દીનનો દયાળ‚
મારું ચિત્ત રે ચડાવ્યું સંતો ચાકડે‚ થિર નહીં થાણે રે લગાર…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…૦
જોગીના સ્વરૂપ ધરીને મેં જોયું‚ પેર્યો મેં તો ભગવો રે ભેખ‚
એટલા જોગે રે મારું મન થિર નૈં‚ જોવો મારે જોગેસરનો દેશ…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…૦
એવા રાજાનું સ્વરૂપ ધરીને મેં જોયું‚ સંતો ! મારે ધનનો નહીં પાર રે
એટલા ધને મારું મન થિર નો થિયું લૂંટયો મેં સઘળો સંસાર રે….
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…૦
ગુરુ ! મેં તો પંડિતનું રૂપ ધરી જોઈ લીધું‚ સંતા ! હું તો ભણ્યો વેદ ને પુરાણ રે
એટલી વિદ્યાએ મારું મન થિર નો થિયું‚ કીધા મેં પેટને માટે પાપ રે…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…૦
એવી છીપનું સ્વરૂપ ધરીને મેં જોયું‚ કીધો મે તો મધદરિયે વાસ રે‚
એટલા જળે મારું મન થિર નો થિયું‚ લાગી મને કાંઈ સુવાંતુંની આશ રે…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…૦
મારાં ચિત્ત રે ચડાવ્યા સંતો ! ચાકડે‚ થિર નહીં થાણે રે લગાર
કાજી રે મામદશાની વીનતી‚ સુણો તમે સંત સુજાણ‚ સુણી લેજો ગરીબનિવાજ…
મમતા મરે નૈં એનું મારે શું રે કરવું…૦
ર૭
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…..
કાયાના કુડા રે ભરોંસા‚ દેયુંના જૂઠા રે દિલાસા‚ મેના..
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
એવી ધરતી ખેડાવો‚ રાજા રામની રે‚
હીરલો છે રે ધરતીની માં ય‚ હીરલો છે રે ધરતીની માં ય‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
એવી છીપું રે સમદરિયામાં નીપજે રે‚
મોતીડાં છે રે છીપની માંય‚ મોતીડાં છે રે છીપની માંય‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
એવો મૃગલો ચરે રે વનમાં એકલો રે‚
કસ્તુરી છે રે મૃગલાની માંય‚ કસ્તુરી છે રે મૃગલાની માંય‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
એવી મેના ને મેકરણ બેઉ એક છેરે
એને તમે જુદા રે નવ જાણો‚ એને તમે જુદા રે નવ જાણો‚ મેના…
મારી મેના રે બોલે રે ગઢને કાંગરે…૦
૨૮
સેજે સાયાંજી ! મારું મનડું ન માને મમતાળું…
સેજે સાયાંજી ! મારું મનડું ન માને મમતાળું‚
કહોને ગુરુજી ! મારું દિલડું ન માને દૂબજાળું…
વારી વારી મનને હું તો વાડલે પુરું રે વાલા !
પતળેલ જાય પરબારૂં…
ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું…
ઘડી એક મનડું મારું કીડી અને કુંજર વાલા !
ઘડીક ઘોડે ને ઘડીક પાળું…
ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું…
તીરથ જઈને ક્યો તો તપસાં રે માડું વાલા !
જઈને પંચ ધૂણી પરઝાળું…
ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું…
કહો તો ગુરુજી રૂડા મંદિરૂં ચણાવું વાલા !
કહો તો સમાંતું રે ગળાવું…
ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું…
કહો તો ગુરુજી રૂડી રસોયું બનાવું વાલા !
રૂઠડા એ રામને જમાડું…
ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું…
કામ ને કાજ મુંને કાંઈ ન સૂઝે વાલા !
ખલક લાગે છે બધું યે ખારૂં…
ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું…
દાસી જીવણ સત ભીમ કેરે શરણે વા’લા !
તમે સરજ્યું હશે તો થાશે સારૂં…
ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું…
૨૯
ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે‚ રંગાવો રામા ચૂંદલડી…
એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે રંગાવો રામા ! ચૂંદલડી…
રૂ તો મંગાવ્યાં હરજીવનના હાટના રે મન વિચાર કરી લે !
વોર્યા વોર્યા આગું ને આધાર રે રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડીના સુતર સુકુળવંતીએ કાંતિયાં રે મન વિચાર કરી લે !
કાંત્યાં કાંત્યાં કાંઈ નવ મહિના નવ ટાંક રે રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડીનો તાણો એ જી બ્રહ્માજીએ તાણિયો રે મન વિચાર કરી લે !
અને તાણ્યો છે કાંઈ હે જી જર્મી ને આસમાન રે… રંગાવો રામા ! ચૂંદલડી…
ચોરાસી યોજનમાં આવી ચૂંદલડીનો તાણો તણ્યો રે મન વિચાર કરી લે !
એનો વણનારો છે ચતુર સુજાણ રે રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડી ચારે છેડે મોરલા રે‚ મન વિચાર કરી લે !
અને વચમાં છે કાંઈ પૂનમ કેરો ચાંદ રે… રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડીને છેડે જો ને રૂડાં બીબાં પાડિયાં રે મન વિચાર કરી લે !
પાડી પાડી ચોખલીયાળી ભાત રે રંગાવો રામા ! ચૂંદલડી…
ચૂંદલડી ઓઢીને અમે બજારૂંમાં નિસર્યા રે મન વિચાર કરી લે !
અને નિરખવા કાંઈ હે ધ્રુવ ને પ્રેહલાદ રે… રંગાવો રામા ! ચૂંદલડી…
ઉગમશીની ચેલી સતી લીળલબાઈ બોલિયાં રે મન વિચાર કરી લે !
આવી ચૂંદલડી ઓઢયાની ઘણી મુંને હામ રે… રંગાવો રામા ! ચૂંદલડી…
૩૦
એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની…
એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
સત જુગમાં વણ વાવિયાં‚ ઊગ્યા ત્રેતા માં ય‚
દ્વાપરમાં એને ફળ લાગ્યાં‚ એ જી રે એમાં કળિયુગમાં ઊતર્યો કપાસ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
સતના ચરખે લોઢાવિયાં‚ પ્રેમની પિંજણે પિંજાય‚
સરખી સાહેલી કાંતવાને બેઠી ; એ જી રે એનો તાર ગયો આસમાન…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
બ્રહ્માજીએ તાર એના તાણિયા‚ શંકર જેવા વણનાર
તેત્રીસ કોટિ દેવ વણવા લાગ્યા‚ એ જી રે એમાં થઈ છે ઠાઠમ ઠાઠ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
આ પટોળી ઓઢીને ધ્રુવ પરમ પદ પામ્યા‚ વળી ઓઢી છે મીરાંબાઈ‚
જૂનાગઢમાં નાગર નરસૈયે ઓઢી‚ એ જી રે પછી આવી દયાને હાથ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
૩૧
એ જી એના ઘડનારાનેજીતમે પરખો‚ રે રામ‚ કોણે બનાયો પવન ચરખો…
એ જી એના ઘડનારા ને પરખો‚
એ જી તમે નૂરતે સુરતે નિરખો‚
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
આવે ને જાવે‚ બોલે બોલાવે‚ જિયાં જોઉં ત્યાં સરખો‚
દેવળ દેવળ કરે હોંકારા‚ પારખ થઈને પરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ મીટયો અંધાર અંતર કો‚
ઈ અજવાળે અગમ સુઝે‚ ભેદ જડયો ઉન ઘરકો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
પાંચ તત્વ કા બનાયા ચરખા‚ ખેલ ખરો હુન્નરકો‚
પવન પૂતળી રમે પ્રેમ સેં‚ જ્ઞાની હોકર નીરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚ મેં ગુલામ ઉન ઘરકો
ઈ ચરખાની આશ ન કરજો‚ ચરખો નંઈ રિયે સરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…
૩૨
પ્રીતમ વરની ચૂંદડી રે મહાસંતો વોરવાને મળિયા રે…
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ;
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…
પ્રીતમ વરની..૦
પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ;
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…
પ્રીતમ વરની..૦
વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે ;
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…
પ્રીતમ વરની..૦
વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ;
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…
પ્રીતમ વરની..૦
સોય લીધી સતગુરુ સાનની‚ દશનામ દોરા એમાં ભરિયા રે ;
સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી‚ રંગ નિત સવાયા ચડિયા રે…
પ્રીતમ વરની..૦
મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ;
માયાનો માણેકથંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…
પ્રીતમ વરની..૦
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સરતી સમરતી જાનડિયું રે ;
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…
પ્રીતમ વરની..૦
હાકેમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે ;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…
પ્રીતમ વરની..૦
૩૩
જીવણ જીવને જ્યાં રાખીએ રે...
જીવણ જીવને જ્યાં રાખીએ‚ વાગે અનહદ તૂરા રે‚
ઝળહળ જ્યોતું ઝળહળે‚ વરસે નિરમળ નૂરા રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…૦
પાંચ તત્વ ને ત્રણ ગુણ છે‚ પચીસ પ્રકૃતિ વિચારી રે‚
મંથન કરી લ્યો મૂળનાં‚ તત્વ લેજો એમાંથી તારી રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…૦
ગંગા જમના ને સરસ્વતી રે‚ તરવેણી ને ઘાટે રે‚
સુખમન સુરતા રાખીએ‚ વળગી રહીએ ઈ વાટે રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…૦
અણી અગર પર એક છે‚ હેરો રમતાં રામા રે‚
નિશ દિન નીરખો નેનમાં‚ સત પુરૂષ ઊભા સામા રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…૦
અધર ઝણકારા હુઈ રિયા‚ કર વિન વાજાં વાગે રે‚
સુરતા ધરીને તમે સાંભળો‚ ધૂન ગગનુંમાં ગાજે રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…૦
એવી નુરત સૂરતની રે સાધના‚ પ્રેમીજન કોક પાવે રે‚
અંધારું ટળે એનાં અંતરનું‚ નૂર એની નજરુંમાં આવે રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…૦
આ રે સંદેશો સતલોકનો રે‚ ભીમદાસે ભેજ્યો રે‚
પત્ર લખ્યો છે રે પ્રેમથી‚ જીવણ ! તમે લગનેથી લેજો રે…
જીવણ જીવને જ્યાં રાખીએ…૦
૩૪
વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ…
વીજળીને ચમકારે મોતીડાં પરોવો‚ પાનબાઈ !
નહીંતર અચાનક અંધારાં થાશે જી…
જોત રે જોતામાં દિવસો વહ્યા જાશે‚ પાનબાઈ !
એકવીશ હજાર છસો ને કાળ ખાશે…
વીજળીને ચમકારે મોતીડાં પરોવો‚ પાનબાઈ…૦
જાણ્યા જેવી રે આ તો અજાણ છે‚ પાનબાઈ !
ઓલ્યા અધૂરીયાંને ના કહેવાય રે
ગુપત રસનો ખેલ છે અટપટો ને
આંટી મેલો તો પૂરણ સમજાય…
વીજળીને ચમકારે મોતીડાં પરોવો‚ પાનબાઈ…૦
નિર્મળ થઈ ને આવો રે મેદાનમાં પાનબાઈ !
જાણી લિયો જીવ કેરી જાત‚
સજાતિ વિજાતિનીં જુગતી બતાડું ને
બીબે પાડી દઉં બીજી ભાત રે…
વીજળીને ચમકારે મોતીડાં પરોવો‚ પાનબાઈ…૦
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ મારો‚
એનો રે દેખાડું તમને દેશ‚
ગંગાસતી એમ જ બોલીયાં રે‚
ત્યાં નહીં માયાનો જરીએ લેશ…
વીજળીને ચમકારે મોતીડાં પરોવો‚ પાનબાઈ…૦
૩૫
આનંદ મંગલ કરૂં આરતી‚ હરિ ગુરુ સંતની સેવા…
આનંદ મંગલ કરૂં આરતી‚ હરિ ગુરુ સંતની સેવા‚
પ્રેમ ધરી મંદિર પધરાવું‚ સુંદર સુખડાં લેવા…
આનંદ મંગલ કરૂં આરતી…૦
રતન જડીત બાજોઠ ઢળાવ્યા‚ મોતીના ચોક પૂરાવ્યા…
આનંદ મંગલ કરૂં આરતી…૦
રત્ન કુંભ વત બાહર ભીતર‚ અકળ સ્વરૂપી એવા…
આનંદ મંગલ કરૂં આરતી…૦
અનહદ વાજાં ભીતર વાગે‚ આનંદ રૂપી એવા…
આનંદ મંગલ કરૂં આરતી…૦
જેને આંગણ તુલસીનો ક્યારો‚ શાલિગ્રામની સેવા…
આનંદ મંગલ કરૂં આરતી…૦
સંત મળે તો મહાસુખ પામું‚ ગુરુજી મળે તો મીઠા મેવા…
આનંદ મંગલ કરૂં આરતી…૦
ત્રિભુવન તારણ ભગત ઉધારણ‚ પ્રગટયા દરશન દેવા…
આનંદ મંગલ કરૂં આરતી…૦
અડસઠ તીરથ મારા ગુરુ ને ચરણે‚ ગંગા જમના રેવા…
આનંદ મંગલ કરૂં આરતી…૦
કહે પ્રીતમ ઓળખ્યો અણસારો‚ હરિના જન હરિ જેવા…
આનંદ મંગલ કરૂં આરતી…૦
૩૬
ઊઠત રણુંકાર અપરમપારા‚અખંડ આરતી બાજે ઝણુંકારા… (ભીમસાહેબ)
ઊઠત રણુંકાર અપરંપારા…
અખંડ આરતિ બાજે ઝણુંકારા…
આપે નર ને આપે નારી‚ આપે બાજીગર બાજી પસારી…
ઝલમલ જ્યોત અખંડ ઉજિયારા‚ નૂર નિરંતર તેજ અપારા…
સોળ વાલ પર રતિ સરદારા‚ ચૌદિશ બોલે વચન ચોધારા…
સદગુરુ ત્રિકમ સાહેબ હમારા‚ આપે બોલે ગુરુ બોલનહારા…
કહે ભીમદાસ ભવ સિંધુ સારા‚ બ્રહ્મ જળ ભરિયા ભીતરબારા…
૩૭
વાગે ભડાકા ભારી ભજનના…
વાગે ભડાકા ભારી ભજનના‚ વાગે ભડાકા ભારી રે હો જી…
બાર બીજના ધણીને સમરૂં નકળંગ નેજા ધારી…
ભજનના વાગે ભડાકા ભારી રે…૦
ધ્રુવ રાજાએ અવીચળ સ્થાપ્યો‚ પ્રહલાદ લીધો ઉગારી રે હો જી…
સંધ્યા ટાણે દૈત્ય સંહાર્યો‚ હરિએ નોર વધારી…
ભજનના વાગે ભડાકા ભારી રે…૦
તારાદેનું સત રાખવા માળી બન્યા’તા મોરારી રે હો જી…
સુધન્વાને નાખ્યો કડામાં‚ ઉકળતી દેગ ઠારી…
ભજનના વાગે ભડાકા ભારી રે…૦
તોળી રાણીએ ત્રણ નર તાર્યા‚ જેસલ ઘરની નારી રે હો જી…
માલે રૂપાનાં હેરણાં હેર્યાં‚ આરાધે મોજડી ઉતારી…
ભજનના વાગે ભડાકા ભારી રે…૦
પળે પળે પીર રામદેને સમરૂં‚ એ છે અલખ અવતારી રે હો જી…
હરિ ચરણે ભાટી હરજી બોલ્યા‚ ધણી ધાર્યો નેજાધારી…
ભજનના વાગે ભડાકા ભારી રે…૦
૩૮
એવા પડઘમ વાજાં વાગ્યાં રે‚ પશ્ચિમવાળા પીરનાં હો જી… (હરજી ભાટી)
એવા પડઘમ વાજાં વાગ્યાં રે‚ પશ્ચિમ વાળા પીરના રે‚
એ… અરજી અમારી સાંભળોને રણુંજાને રણુંજાના રાય રે…
પડઘમ વાજાં વાગ્યાં રે…
હરજી ભાટી પુરાણાં રે‚ જોધાણાની જેલમાં રે ;
કીધો છે કાંઈ રામાધણીને પોકાર રે…
પડઘમ વાજાં વાગ્યાં રે…
પલંગથી પછાડયો પીરજીએ જોધાણાનો બાદશા રે ;
ધન ધનવા રે આરાધ્યા નકળંગી નાથ રે…
પડઘમ વાજાં વાગ્યાં રે…
હરજી ભાટી ગાવે રે રામાપીરની સાવળ્યું રે ;
જેલમાં કાંઈ પીરજીની થાપનાયું થાય રે…
પડઘમ વાજાં વાગ્યાં રે…
૩૯
ઘણી રે ખમ્મા તમને ઝાજી ખમ્મા‚ મારા રણુંજાના રાયને ઘણી રે ખમ્મા…
ઘણી રે ખમ્મા તમને ઝાજી ખમ્મા
મારા હિંદવા પીરને ઝાજી ખમ્મા
મારા રણુંજાના રાયને ઝાજી ખમ્મા
મારા હિંદવા પીરને ઝાજી ખમ્મા…
પારણે પોઢીને પીરે પરચા રે પૂર્યા‚
પીર ડગલાં ભરતાં રૂમમાં ઝુમ્માં…
મારા હિંદવા પીરને…
ખંભે કામળી ને હાથમાં ગંડીયું‚
ગાયો ચરાવી રૂમા રૂમા…
મારા હિંદવા પીરને…
ઘોડલે ચડીને પીરે ભેરવાને માર્યો
તયેં ધરણી ધરૂજી ધમ્માં ધમ્માં…
મારા હિંદવા પીરને…
હરિ ચરણે ભાટી હરજી બોલ્યા
નાથજી તમને નમ્માં નમ્માં…
મારા હિંદવા પીરને…
૪૦
ભગતી કરો તો હરજી અગમ ભેદ જાણો…
ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚ અને કહું તે વચનું માં હાલો રે હાં
ધરમ જૂનો છે હરજી ! નિજારપંથ આદિરે‚ મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં…
જીત રે સતીનો હરજી ! ભેદ જાણો રે હાં‚ પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં…
મૂળ રે વચનનો હરજી ! મરમ સમજી લ્યો‚ તમે સાબીત રાખજો દાણો રે હાં…
જીત રે પુરૂષને મોહઝાળ નહીં વ્યાપે રે હાં‚ એવી સતી નારી પર પુરૂષનેં ત્યાગે રે હાં…
વિષયની રે વાસના એના અંગડામાં નાવે‚ એને મોહનાં બાણ નવ લાગે રે હાં…
કામનાનાં બીજને હરજી ! પેલાં બાળો રે હાં‚ પછી રજ ને વીરજને સંભાળો રે હાં…
કર્મ રહિત હરજી ! ક્રિયા રે કમાવો તમે ગુરુના વચન ને પાળો રે હાં…
જીત રે પુરૂષ વિના જામો નહીં જામે રે હાં‚ સતી વીનાનો ધરમ નહીં હાલે રે હાં…
આતમાને ઓળખી ને હરજી ! દેહ ભાવ મટાડો પછી મનડાને બાંધોને વેરાગે રે હાં…
લિંગ ને રે ભંગનો હરજી ! ભાવ મટાડો રે‚ એવી યોગની ક્રિયાને કમાવો રે હાં…
કરમ કરશો તો હરજી ! ધરમ જાશો હારી એવા અંતરે વચન સાંભળો રે હાં…
સતિયા રે થઈ ને તમે સતમાં ખેલો રે હાં‚ એવી સતની સદા છે સવાઈ રે હાં…
બાળ નાથ ચરણે બોલ્યાં સિદ્ધ રામદે‚ પછી સતની આગળ નથી બીજું કાંઈ રે હાં…
૪૧
અજરા કાંઈ જીરયા ન જાય‚ સંતો ભાઈ…
અજરા કાંઈ જરિયા નૈ જાય‚ એ જી વીરા મારા ! અજરા કાંઈ જરિયા ન જાય
તમે થોડે થોડે સાધ પિયો હો… જી…
તન ઘોડો મન અસવાર… હે… જી વીરા મારા ! તન ઘોડો મન અસવાર…
તમે જરણાના જિન ધરો હો જી…
શીલ બરછી સત હથિયાર… હે જી વીરા મારા ! શીલ બરછી સત હથિયાર…
તમે માંયલાસે જુદ્ધ કરો હો જી…
કળિયુગ છે કાંટા કેરી વાડય… વીરા મારા ! કળિયુગ છે કાંટા કેરી વાડય
તમે જોઈ જોઈ પાંવ ધરો હો જી…
ચડવું કાંઈ મેરુ આસમાન… હે જી વીરા મારા ! ચડવું કાંઈ મેરુ આસમાન…
એમાં આડા અવળા વાંક ઘણા હો જી…
બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ… હે જી વીરા મારા ! બોલિયા કાંઈ ધ્રુવ ને પ્રહલાદ…
તમે અજપાના જાપ જપો હો જી…
૪૨
નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…
નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚
એક મન કરો ને આરાધ જીવે રામ…
પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚ પોતે પત પાળી રે‚ જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚
નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚ સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚
સાડા ત્રણ ડગલાં વા’લે મારે પૃથ્વી માગી ને‚ સોપ્યાં એને પાતાળુંના રાજ‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે‚ કુંવરને ડસિયેલો નાગ રે‚ જીવે રામ‚
હરિશ્ચંદ્રે તારાને માથે ખડગ તોળ્યાં ને‚ હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે‚ છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે‚ જીવે રામ‚
વૈરાટ નગરમાં વા’લે મારે મજૂરી મંડાવી રે‚ હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
વિના રે પારખ આપણે વણજું ના કરીએ‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚
પાતર પરખ્યા વિના સંગડો ના કરીએ રે‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚
દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે‚ ધૂનો‚ જૂનો ધરમ સંભાળ રે‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
૪૩
જેસલ કરી લે ને વિચાર‚ માથે જમ કેરો માર…
જેસલ ! કરી લે ને વિચાર‚ માથે જમ કેરો માર‚ સપના જેવો આ સંસાર‚ તોળી રાણી કરે છે પોકાર‚
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે‚ પૂરા સાધ હોય ત્યાં જઇને ભળીએ રે…
અનુભવી આવ્યો છે અવતાર‚ માથે સતગુરુ ધાર‚ જાવું છે ધણીને દુવાર‚ બેડલી ઉતારે ભવ પાર…
ચાંદો સૂરજ વસે છે આકાશ‚ નવ લાખ તારા એની પાસ‚ પવન પાણી ને પરકાશ‚ સૌ લોક કરે એની આશ…
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે…૦
ગુરુના ગુણનો નહી પાર‚ ભગતિ ખાંડા કેરી ધાર‚ નુગરા શું જાણે સંસાર‚ એનો એળે ગયો અવતાર…
ગુરુની ગતિ ગુરુની પાસ‚ જેવી કસ્તુરીમાં બાસ‚ નિજિયા નામ તણો પરકાશ‚ દીનાનાથ પૂરે આપણી આસ…
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે…૦
છીપું સમંદરમાં થાય‚ વાકી ધન રે કમાઈ‚ સ્વાતિના મેહુલા વરસાય‚ ત્યાં તો સાચા મોતીડાં થાય…
હીરલા એરણમાં ઓરાય‚ માથે ઘણના ઘા થાય‚ ફુટે ઈ ફટકીયાં કેવાય‚ સાચાંની ખળે ખબરૂં થાય…
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે…૦
નવ લખ કોથળીયું બંધાય‚ ઈ તો ગાંધીડો કેવાય‚ હીરા-માણેક હાટડીયે વેચાય‚ મુલ એના મોંઘેરાં થાય…
નિત ઉઠી નદીએ નાવા જાય‚ કોયલા ઉજળા નવ થાય‚ ગણીકાના બેટાનો બાપ કોણ થાય‚ માવઠાના મે’થી કણ નવ થાય…
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે…૦
દેખાદેખી કરવાને જાય‚ હાથમાં દીવડીયો રે દરશાય‚ કુડીયાં કૂવે પડવાને જાય‚ મુરખડાં મુડીઓ રે ગુમાય…
ભેદુ વિનાં ભેળા ઈ તો થાય‚ એ તો અધૂરિયાં કે’વાય‚ એનાં નૂર કાંઈ ન દરશાય‚ એના કલ્યાણ કેમ કરી થાય…
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે…૦
એના ધરમે થયા દશ અવતાર‚ પાંચા સાતા નવાં ને બાર‚ કરોડ તેંતરીશા રે તાર‚ ઋષિ એંશી તો રે હજાર…
સતજુગે રત્નાવર ને પેરાધ‚ દ્વાપરે દ્રૌપદી ધરમરાય‚ ત્રેતા તારા ને હરિચંદ્ર રાય‚ કલિજુગ વિંજા ને બળિરાય…
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે…૦
પ્રેમનો પાટ ને પ્રેમના રે ઠાઠ‚ પ્રેમની જ્યોતિનો રે પરકાશ‚ તોળી રાણી તેજનો અંબાર‚ સાયબો પુરે આપણી આશ…
મનનાં માંડવડા બંધાઈ‚ તનડાં પર પડદા રે બંધાય‚ જીત સતી ત્યાં ભેળાં થાય‚ તેનાં નૂર તો વરસાય…
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે…૦
હેતે હરિ ગુણ એ ગાય‚ પ્રેમે ગુરુની પૂજા રે થાય‚ કોળી પાવલીએ વરતાય‚ ચાર જુગની વાતું તોળીરાણી ગાય…
આવો ને જેસલ રાય‚ આપણ પ્રેમ થકી મળીએ રે…૦
૪૪
જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો જી‚
એ જી તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નીરખો ને સુરતે પરખો જી
તમે સુરતા શુન્યમાં સાંધો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
હે જી રે લાખા ! નાદ રે બુંદની તમે ગાંઠ રે બાંધો
મૂળ વચને પવન થંભાવો રે હાં…
હે જી રે લાખા ! ઉલટા પવન થંભાવો એને સુલટમાં લાવો જી
એવી રીતે એક ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
હે જી રે લાખા ! ઈંગલા પીંગલા સુષમણા રે સાધો જી
તમે ચંદ્ર સૂર્ય એક ઘરમાં લાવો રે હાં…
હે જી રે લાખા ! ત્રીવેણીનાં મોલમાં દેખો તપાસી જી
પછી જોતમાં જ્યોત મીલાવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
હે જી રે લાખા ! અનભે પદને ઓળખાવાને માટે
તમે જ્યોત ઓળાંડી આઘા ચાલો રે હાં…
હે જી રે લાખા ! શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં
તમે અકતા ના ઘરમાં આવો રે હાં…
હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો…૦
૪૫
આદુની રવેણી કહું વિસતારી‚ સુનો ગુરુ રામાનંદ કથા હમારી… (કબીર)
આદુની રવેણી કહું વિસતારી… સુનો ગુરુ રામાનંદ કથા હમારી…
પેલે પેલે શબદે હૂવા રણુંકારા‚ ન્યાંથી રે ઉપન્યા જમીં આસમાના….
બીજે બીજે શબદે હૂવા ઓંકારા‚ ન્યાંથી રે ઉપજ્યા નિરંજન ન્યારા…
ત્રીજે ત્રીજે શબદે ત્રણ નરદેવા‚ બ્રહ્મા વિષ્ણુ મહેશર જેવા‚
ચોથે ચોથે શબદે સુરતાધારી‚ ત્યાંથી રે ઉપની કન્યા કુંવારી…
પૂછત પૂછત કન્યા રે કુંવારી‚ કોણ પુરુષને કોણ ઘર નારી…
આદ અનાદથી હમ તમ દોનું‚ હમ પુરૂષને તુમ ઘર નારી…
કહે રે કબીરા સુણો‚ ધ્રમદાસા‚ મૂળ વચનકા કરોને પ્રકાશા…
૪૬
દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર…
દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚
આપણા ગુરુએ સત ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚
ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
પોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‚
કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚
રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚
લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
જતિ રે સતી‚ ને સાબરમતી‚ તિયાં થાશે શૂરાના સંગ્રામ‚
કાયમ કાળિંગાને મારશે‚ નકલંક ધરશે નામ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં કુરાન‚
અસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
ઓતર દિશાથી સાયબો આવશે‚ આવશે જુગ જૂનો વીર‚
કળજુગ ઉથાપી સતજુગ થાપશે‚ એવું બોલ્યા દેવાયત પીર…
લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
૪૭
દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર પ્યાલો મેં…
દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર‚
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
નુરત સુરતની સાન ઠેરાણી‚ બાજત ગગનાંમેં તૂર રે‚
રોમે રોમે રંગ લાગી રિયો તો‚ નખ શીખ પ્રગટયા નૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો‚ ઘટમાં ચંદા ને સૂર રે‚
ઘટોઘટ માંહી રામ રમતા બિરાજે‚ દિલ હીણાંથી રિયો દૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટયા વરસત નિરમળ નૂર રે‚
જે સમજ્યા ગુરુની સાનમાં ભર્યા રિયા ભરપૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
ભીમ ભેટયા ને મારી ભ્રમણા ભાંગી હરદમ હાલ હજૂર રે‚
દાસી જીવણ સત ભીમના શરણાં‚ પીતાં થઈ ચકચૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
૪૮
મન મતવાલો પ્યાલો ચાખિયો…
મન મતવાલો પ્યાલો ચાખિયો‚ હે જી પ્યાલો પ્રેમ હૂંદો પાયો‚
જરા રે મરણ વા કો ગમ નહીં‚ જરા રે મરણની જેને ભે નહીં ને
સદગુરુ શબદુમાં પાયો… સદગુરુ ચરણુંમાં આવો…
મન મતવાલો…
મન રે મતવાલો પ્યાલો પ્રેમનો‚ પ્યાલો જેણે પ્રેમ હૂંદો પીધો રે ;
જરા રે મરણ વા કો ગમ ભે નહીં ને‚
ગુરુજીના વચનુંમાં‚ ગુરુજીના વચનુંમાં સીધ્યો રે…
મન મતવાલો…
એ… બંક રે નાડી ધમણ્યું ધમે‚ બ્રહ્મ અગનિ‚ બ્રહ્મ અગનિ પરજાળી રે‚
ઈંગલા ને પિંગલા સુખમણા‚
ત્રિકુટિમાં લાગી… ત્રિકુટિમાં લાગી ગઈ તાળી રે…
મન મતવાલો…
વિના દીપક વિના કોડિયે‚ ઘૃત વિના જાગી‚ ઘૃત વિના જાગી જ્યોતિ રે ;
ચાંદો ને સૂરજ દોનું સાખિયા‚
સનમુખ રે’વે‚ સનમુખ રે’વે સજોતિ રે…
મન મતવાલો…
સૂન રે શિખર પર ભઠ્ઠી જલે‚ વરસે અમીરસ‚વરસે અમીરસ ધારા રે‚
અખંડ કુમારી પ્યાલો ભરી લાવે
પહોંચે પીવન સરજનહારા રે…
મન મતવાલો…
ગગન ગાજે ને ઘોયું દિયે‚ ભીંજાય ધરણી‚ ભીંજાય ધરણી અંકાશા રે‚
પંડે ને વ્રેહમંડે ધણી મારો પ્રગટિયા‚
બોલ્યા લખીરામ… બોલ્યા લખીરામ દાસા રે…
મન મતવાલો…
૪૯
એવો પ્યાલો મું ને પાયો…
એવો પ્યાલો મું ને પાયો રે‚ દીધો ગુરુએ લગન કરી‚
એવા પરિબ્રહ્મને ભાળ્યો રે‚ અદ્વૈત શુન્યમાં સુભર ભરી…
સતગુરુએ શ્રવણે રસ રેડયો‚ ચોંટયો રૂદિયાની માં ય ;
સાંધે સાંધે રસ સાંચર્યો‚ ઉનમુન રિયો ઠેરાઈ‚
મારી સુરતા ગઈ છે શુનમાં રે‚ ઊતરે નહી એ ફરી રે ફરી…
એવો પ્યાલો મું ને પાયો…૦
કામ ક્રોધ લોભ મદ માયા‚ આવરણ પામ્યાં અસ્ત ;
નવ પંદર અભિયાસ અંતરથી‚ મટી ગઈ પીડા સમસ્ત‚
હવે નજરે કાંઈ નાવે રે‚ વિના કોઈ દુજો હરિ…
એવો પ્યાલો મું ને પાયો…૦
કથણી બકણી છુટી ક્રિયા‚ કોનાં ગાવાં રિયાં ગીત ;
ખોળણહારો માંઈ ખોવાણો‚ આપે રિયો અદ્વૈત‚
એવો પાલો ગળીને પાણી રે‚ હતું તેમ રિયું ઠરી…
એવો પ્યાલો મું ને પાયો…૦
ગુંગે સાકર ગળી ગળામાં‚ સમજ સમજ મુસકાય ;
રવિરામ રસ કેવે કોણસેં‚ વસ્તુ વણ જીભ્યા ય‚
ઈ તો ઘટોઘટ બોલે રે‚ સ્વાંગ એવાં અનેક ધરી…
એવો પ્યાલો મું ને પાયો…૦
૫૦
અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો…
અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો‚
મન મસ્તાન મે ફરૂં રે દીવાના ;
અમરાપુરની રે આશા કરો તો‚
છોડી દીયો તમે અભિમાના રામ !…
અમ્મર પિયાલો મારા ગુરુ એ પાયો…૦
કીતના લંબા‚ કીતના ચોડા ?
કીતના હૈ બ્રહ્મકા અનુમાના
સોઈ સબદકા ભેદ બતા દો
ઓર છોડો કૂડા કૂડા જ્ઞાના રે…
અમ્મર પિયાલો મારા ગુરુ એ પાયો…૦
આભ સે ઊંચા હો પવન સે જીણા‚
આગમ હૈ અપરંપારા રે
વધે ઘટે અને રાખે બરાબર
કાયમ વરતે કીરતારા રે…
અમ્મર પિયાલો મારા ગુરુ એ પાયો…૦
પતીજ વિનાના નર પંડિત કે’વાણા‚
મર ને વાંચે પોથી પાનાં રે
વરતી જેની વાળી વળે નહીં
મર ને પંડિત નામ ઠેરાણા રે…
અમ્મર પિયાલો મારા ગુરુ એ પાયો…૦
ભેદ વિનાના હો ઘરોઘર ભટકે
મુરખા લજાવે ઉજળા બાના રે
આપ ન સૂઝે ઈ તો પથરાને પૂજે
ઓર ધરાવે કૂડા કૂડા ધ્યાના રે…
અમ્મર પિયાલો મારા ગુરુ એ પાયો…૦
અબ નહીં આવું‚ મેં તો અબ નહીં જાવું
અબ નહીં ધરૂં કૂડા ધ્યાનાં રે
કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે
લિખ દિયા અમ્મર પરવાના રે…
અમ્મર પિયાલો મારા ગુરુ એ પાયો…૦
પ૧
હે જી મારા ગુરુ એ પાયો રે અગાધ‚ પ્યાલો દૂજો કોણ પીવે…
હે જી મારા‚ ગુરુજીએ પાયો રે અગાધ‚
પ્યાલો દૂજો કોણ પીવે ?… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦
સત કેરી કુંડી મારા સંતો ! શબદ લીલાગર‚ શબદ લીલાગર‚
એક તૂં હિ‚ મારા સતગુરુ ઘૂંટણહાર… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦
શ્રવણેથી રેડયો મારા સંતો ! મારે રૂદિયે ઠેરાણો રે‚ મારે રૂદિયે ઠેરાણો રે‚
હે જી મારી‚ દેયુંમાં હુવો રે રણુંકાર… પ્યાલો દૂજો કોણ પીવે ?…૦
ચડતે પિયાલે મારા સંતો ! ગગન દરશાણાં રે‚ ગગન દરશાણાં રે‚
એકતાર જમીં ને આસમાન… પ્યાલો દૂજો કોણ પીવે ?..૦
નામ અને રૂપ નહીં મારા‚ ગુરુજીના દેશમાં રે‚ ગુરુજીના દેશમાં રે‚
હે જી એમ બોલ્યા છે ત્રીકમદાસ… પ્યાલો દૂજો કોણ પીવે ?…૦
પ૨
મેરે રામરસ પ્યાલા ભરપૂર‚ પીવે કોઈ ઘટક ઘટક ઘટક… (કબીર)
રામ રસ પ્યાલા હે ભરપૂર… પીવે કોઈ ઘટક ઘટક ઘટક
ગુરુ લાગી શબદની ચોટ કલેજામેં ખટક ખટક ખટક…
સતગુરુ શબ્દકી ચોટ લાગી હે કલેજા બિચમેં ખટક
નૂરત સૂરત કી સીડી પકડ કર‚ ચડી જાવ સંતો ચટક ચટક ચટક….
રામ રસ પ્યાલો…
તન કો ખોજો મનકો ધોજો‚ ચડેગા પ્રેમરસ ચટક
ઈસ કાયામેં ચોરકું પકડો મનકો મારો પટક પટક પટક…
રામ રસ પ્યાલો…
સાધક સિધક કછુ નહીં સાંધે એસી માયાકી લટક‚
તીરથ વ્રત જો કછુ કરના વો તો હે મરના ભટક ભટક ભટક…
રામ રસ પ્યાલો…
અધર બાંસકો ખેલ રચ્યો હે‚ ચડે સો શૂરા કોઈ નટક‚
દાસ કબીરકી જ્ઞાન ગોદડી બિછાલો સંતો કોઈ ઝટક ઝટક ઝટક…
રામ રસ પ્યાલો…
અનભે સૂરજ ઊગ્યા ગગનમાં હૂવા ઉજિયારા કોઈ ફટક‚
તન કાયામેં ચોર પકડલે‚ માર દે ઉનકો પટક પટક પટક…
ગુરુ લાગી શબદકી…
અધર તખત પર આપહી ખેલે સાધુ ખેલે કોઈ નટક‚
આ સુરતા દોરી ચડી ગગન પર ચડી ગયા કોઈ ચટક ચટક ચટક…
ગુરુ લાગી શબદકી…
દયા ધરમમેં સાહેબ મિલેગા માયા હે કોઈ અજબ‚
તીરથ અસ્નાન કરી કરીને કીતને મર ગયે ભટક ભટક ભટક…
ગુરુ લાગી શબદકી…
મુજમેં સાહેબ તુજમેં સાહેબ‚ બીચમેં રે કોઈ અટક‚
તોલાપુરી કી જ્ઞાન ગોદડી ઓઢી લિયો કોઈ ઝટક ઝટક ઝટક…
ગુરુ લાગી શબદકી…
પ૩
દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ…
દેખંદા રે કોઈ આ દિલ માં ય‚
નિરખંદા રે કોઈ આ દિલ માં ય‚
પરખંદા રે કોઈ આ દિલ માં ય…
ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…
બોલે બોલાવે સબ ઘટ બોલે‚ સબ ઘટમાં ઈ તો રહ્યો રે સમાય‚
જિયાં જેવો તિયાં તેવો‚ થીર કરીને થાણા દિયા રે ઠેરાય…
ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…
નવ દરવાજા નવી રમત કા‚ દસમે મોલે ઓ દેખાય‚
સોઈ મહેલમાં મેરમ બોલે‚ આપું ત્યાગે ઓ ઘર જાય…
ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…
વિના તાર ને વિણ તુંબડે‚ વિના રે મુખે ઈ તો મોરલી બજાય‚
વિના દાંડીએ નોબતું વાગે‚ વિના રે દીપકે જ્યોત જલાય…
ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…
આ રે દુ કાને દડ દડ વાગે‚ કર વિન વાજાં અહોનિશ વાય‚
વિના આરિસે આપાં સૂજે‚ એસા હે કોઈ વા ઘર જાય…
ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…
જાપ અજપા સો ઘર નાંહી‚ ચંદ્ર સૂરજ જહાં પહોંચત નાંહી‚
સૂસમ ટેક સે સો ઘર જાવે‚ આપે આપને દિયે ઓળખાય…
ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…
અખર અજીતા મારી અરજ સુણજો‚ અરજ સુણજો એક અવાજ‚
દાસી જીવણ સત ભીમના શરણાં‚ મજરો માની લેજો ગરીબનવાજ…
ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…
પ૪
ગુરુ મેરી નજરે મોતી આયા‚ ભેદ બ્રહ્મકા પાયા…
ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા‚ હે જી મેં તો ભેદ બ્રહ્મકા પાયા…
ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦
ઓહં સોહંકા જાપ અજપા‚ ત્રિકુટિ તકિયા ઠેરાયા ;
ચાલી સુરતા કિયા સમાગમ‚ સુખમન સેજ બિછાયા…
ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦
અક્ષરાતીતથી ઊતર્યા મોતી‚ શૂન્યમેં જઈને સમાયા ;
વાકા રંગ અલૌકિક સુન લે‚ ગુરુ ગમસે સૂઝ પાયા…
ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦
મોતી મણિમેં મણિ મોતી મેં‚ જ્યોતમેં જ્યોત મિલાયા ;
ઐસા અચરજ ખેલ અગમકા‚ દિલ ખોજત દરસાયા…
ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦
અરસ પરસ અંતર નહીં નિરખ્યા‚ હરખ પરખ ગુણ ગાયા ;
દાસ અરજણ જીવણ કે ચરણે‚ પરાપાર મેં પાયા…
ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦
પ૫
જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી…
લીલાં લીલાં મોતીડાં રે હાં… સંતો ભાઈ ! પીળાં પીળાં…
તખત તરવેણીના તીરમાં… સાચાં સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે…
જીણાં જીણાં મોતીડાં રે… સંતો ભાઈ ! નેણલે પીરોતી
ગગન મંડળમાં હીરલા રે સાચાં સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે…
ઈ રે મોતીડાં રે હાં… સંતો ભાઈ ! કોઈ લાવો ગોતી…
એનો રે બનું રે હું તો દાસ રે… સાચાં સાગરનાં…
જોતાં રે જોતાં રે…
કહત કબીરા રે હાં… સંતો ભાઈ ! સૂનો મેરે સાધુ…
સાધુડાં લેજો રે મોતીડાં ગોતી રે… સાચાં સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે…
પ૬
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી‚
જ્ઞાન ગણેશિયો ઘડાયો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…૦
પવનરૂપી મેં તો ઘોડો પલાણ્યો‚ ઊલટી ચાલ ચલાયો રે ;
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી‚ જઈ અલખ ઘીરે ધાયો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…૦
ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે‚ અનહદ નોબત વાગે રે ;
ઠારોઠાર નિયાં જ્યોતું જલત હે‚ ચેતન ચોકી માં ય જાગે રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…૦
સાંકડી શેરી નિયાં વાટું છે વસમી‚ માલમીએ મુંને મૂક્યો રે ;
નામની નિસરણી કીધી‚ જઈ ધણીને મોલે ઢૂંક્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…૦
શીલ-સંતોષનાં ખાતર દીધાં‚ પ્રેમે પેસારો કીધો રે ;
પેસતાં તો પારસમણિ લાધી‚ માલ મુગતિ લીધો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…૦
આ રે વેળા યે હું ઘણું જ ખાટયો‚ માલ પૂરણ પાયો રે ;
દાસી જીવણ સત ભીમનાં શરણાં‚ આજ મારો ફેરો ફાવ્યો રે…
સદગુરુએ મુંને ચોરી શીખવાડી…૦
પ૭
બેની મું ને ભીતર સતગુરુ મળિયા રે…
બે ની રે ! મું ને ભીતર સદગુરુ મળિયા રે
વરતાણી છે આનંદ લીલા‚ મારી બાયું રે !
બેની ! મું ને…૦
કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર‚ ભોમકા સઘળી ભાળી ;
શૂનમંડળમાં મેરો શ્યામ બિરાજે‚ ત્રિકુટિમાં લાગી મું ને તાળી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
અખંડિત ભાણ ઊગ્યા દલ ભીતરે‚ મું ને સાતે ય ભોમકા દરશાણી ;
કાળાં અંજન કરમણે આંજ્યાં‚ તનડામાં લાગી ગઈ છે તાળી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
અગમ ખડકી જોઈ ઉઘાડી‚ તિયાં સામા સદગુરુ દીસે ;
ખટ પાંખડીયાં સિંહાસન બેસી‚ ઈ ખાંતે ખળખળ હસે…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
બાવન બજારૂં ને ચોરાશી ચૌટા‚ કંચનના મોલ કીના ;
ઈ મોલમાં મારો સદગુરુ બીરાજે‚ દોઈ કર જોડી આસન દીના…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
ઘડીઘડીમાં ઘડિયાળાં વાગે‚ છત્રીસે રાગ રાગિણી ;
ઝળકત મહોલ ને ઝરૂખા-જાળિયાં‚ ઝાલરી વાગે જીણી જીણી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
પવન પૂતળી સિંગાસણ શોભતી‚ મારા નેણે નખ શિખ નીરખી ;
અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં‚ ગુરુજીને દેખી હું તો હરખી…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
સોના જળમાં સહસ કમળનું‚ શોભે છે સિંહાસન ;
નજરો નજર દેખ્યા હરિને‚ તોય લોભી નો માને મંન…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
સત-નામનો સંતાર લીધો‚ ગુણ તખત પર ગયો ;
કરમણ-શરણે લખીરામ બોલ્યા‚ ગુપત પિયાલો અમને પાયો…
મારી બાયું રે…
બેની ! મું ને…૦
૫૮
જેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ રે…
જેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ રે‚
સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…
લોચન તો લોચે છે‚ કોમળ મુખને કારણે રે આતમ રે’વે નહીં…
દીન તો કરીને ગિયો છે દીનોનાથ રે…
સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…
જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦
પતિવ્રતા નારી જેનો પીયુ ગિયો પરદેશમાં રે આતમ રે’વે નહીં…
પતિના વિયોગે એ જી તલખે એના પ્રાણ રે…
સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…
જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦
પુત્રને પોઢાડી જો જનેતા ભૂલે એનું પારણું રે આતમ રે’વે નહીં…
બાળકને બળાપે એ જી છાંડે એના પ્રાણ રે…
સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…
જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦
જળથી વીખુટી એ જી છુટી જેમ માછલી રે આ તન રે’વે નહીં…
બળતા તાપે એ જી એના છાંડે પ્રાણ રે…
સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…
જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦
ટોળા થી વછુટી એ જી ઝુરે જેમ એક મૃગલી રે આ તન રે’વે નહીં…
પારધીને ભાળી એ જી છાંડે એના પ્રાણ રે…
સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…
જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦
દાસ સવો કે’છે એ જી વીજોગણની વીનતી રે – આતમ રે’વે નહીં…
દરશન દેજો એ જી દીનને દીનાનાથ રે…
સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…
જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથી મન કોઈ દી’ સૂવે નૈં…૦
૫૯
સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી…
સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે‚
ઓલ્યા ધુતારાને કે’જો રે‚ મારા પાતળિયાને કે’જો રે‚ આટલી મારી વિનતી રે જી‚
ઓલ્યા ખેધીલાને કે’જો રે‚ મારા વાદીલાને કે’જો રે‚ આટલી મારી વિનતી રે જી‚
જઈને કે’જો‚ આટલો મારો રે સંદેશ…
મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦
દાસી છે તમારી રે‚ દરશન કારણ દુબળી રે‚
ઈ દાસીને દરશન દેજો રે હમેંશ…
મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦
જેને વિતી હોય તે જાણે રે‚ પરવિતી શું જાણે પ્રીતડી ? રે જી‚
કુંવારી શું જાણે રે પિયુજી તણો વિજોગ…
મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦
પિયુજીને મળવા રે‚ ચાલો સખીયું શુનમાં રે જી‚
સરવે સાહેલી‚ પહેરી લેજો ભગવો ભેખ…
મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦
જાળીડાં મેલાવો રે‚ ગુરુ ગમ જ્ઞાનનાં રે જી‚
ઈ જાળીડાં જરણા માંહેલા છે રે જાપ…
મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦
ભીમ ગુરુ શરણે રે‚ દાસી જીવણ બોલીયા રે જી‚
દેજો અમને તમારા રે ચરણોમાં વાસ…
મારા સાયાંજીને કે’જો રે‚ આટલી મારી વિનતી રે…૦
૬૦
કોણ રે જાણે બીજું કોણ રે જાણે‚ મારી હાલ રે ફકીરી…
કોણ તો જાણે‚ બીજું કોણ તો જાણે‚
મારી હાલ રે ફકીરી !
દેવાંગી વિનાનું બીજું કોણ તો જાણે…
માલમી વિનાનું બીજું કોણ તો જાણે…
મારી હાલ રે ફકીરી…
જળની માછલિયું અમે પવને સંચરિયું રે‚
ખરી રે વરતી રે મારી લગીરે ન ડોલે…
મારી હાલ રે ફકીરી…
કાચનાં મોતીડાં અમે હીરા કરી જાણશું રે‚
અઢારે વરણમાં મારા હીરલા ફરે…
મારી હાલ રે ફકીરી…
ચોરાશી સિદ્ધની ધૂણી પરબે બિરાજે રે‚
સમરથ પુરુષ ભેળા રાસ રમે…
મારી હાલ રે ફકીરી…
પરબે જાઉં તો પીર શાદલ મળિયા રે‚
શાદલ મળ્યેથી મારાં નેણલાં ઠરે…
મારી હાલ રે ફકીરી…
ભગતિનો મારગ ઓલ્યા નુગરા શું જાણે રે‚
સમજ્યા વિનાના ઈ તો નોખાં નોખાં તાણે…
મારી હાલ રે ફકીરી…
દેવાંગી પ્રતાપે સતી અમરબાઈ બોલ્યાં રે‚
સમરથ સેવે તો રૂડી સાનું મળે…
મારી હાલ રે ફકીરી…
૬૧
એવો કેજો રે સંદેશો ઓધા શ્યામને… (મોરારસાહેબ)
કે જો રે સંદેશો ઓધા ! શ્યામને…તમે છો મોયલા આધાર રે‚
નીરખ્યા વિના રે મારા નાથ‚ સૂનો આ લાગે સંસાર રે…
કે જો રે સંદેશો…
દિન દિન દુઃખડાં અતિ ઘણા‚ જોબન વહ્યાં વહ્યાં જાય રે ;
ગોવિંદા વિના રે ઘેલી ગોપીયું‚ અગની કેમ રે ઓલાય રે…
કે જો રે સંદેશો…
રતું રે પલટિયું વનડાં કોળિયા‚ બોલે બાપૈયા રૂડા મોર રે ;
પિયુ પિયુ શબદ સોહામણા‚ ચિત્તડું નો રિયે મારૂં ઠોર રે…
કે જો રે સંદેશો…
જીવન ઓધાજી ! મારું જે થકી‚ અળગા કેમ રે રે વાય રે ;
જળ રે વિછોઈ જેમ માછલી‚ જળમાં રિયે તો સુખ થાય રે…
કે જો રે સંદેશો…
બળેલાંને શું બાળીએ ? કાનજી વિચારો મનડા માંય રે ;
દરદીને દુઃખડાં તું દઈશ મા‚ દરદ સહ્યાં નવ જાય રે…
કે જો રે સંદેશો…
આ રે સંદેશો વ્રજનારનો‚ વાંચીને કરજો વિચાર રે ;
દરશન દેજો મોરારને‚ સાનમાં સમજી લેજો સાર રે…
કે જો રે સંદેશો…
૬૨
કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે…
કલેજા કટારી રે વ્રેહની કટારી રે‚
હે માડી ! મુંને માવે‚ લઈને મારી રે મારી…
વાંભુ ભરી મુજને મારી‚ વાલે મારે બહુ બળકારી‚
એણે હાથુંથી હુલાવી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦
કટારીનો ઘા છે કારી‚ વાલીડે મારી છે ચોધારી‚
ભીતર ઘા બહુ ભારી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦
જડી બુટી ઓખદ મૂળી‚ કેની એ ન લાગે કારી‚
વૈદ ગિયા હારી રે‚ હકીમ ગિયા હારી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦
વ્રેહ તણી વેદના ભારી‚ ઘડીક ઘરમાં ને ઘડીક બારી
મારી મીટુંમાં મોરારી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦
દાસી જીવણ ભીમને ભાળી‚ વારણાં લઉં વારી વારી‚
આજ દાસીને દીવાળી રે‚ ખબરું લીધી હમારી રે…
માડી ! મુંને માવે લઈને મારી…૦
૬૩
બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…
બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…
બાયું ! મારા કલેજામાં મારી રે‚ બેની ! મારા રૂદિયામાં મારી રે‚
મારી છે કટારી ચોધારી‚ મેરમની કટારી‚ મારા કલેજે કટારી…
ભેદુ વિનાની વાતું કોણે રે જાણી ? મેરમની ચોધારી‚ મારે કાળજે કટારી…
(સાખી) મારી કટારી મૂળદાસ ક્યે જુગતે કરી ને જોઈ‚
કળા બતાવી કાયા તણી‚ કાળજ કાપ્યાં કોઈ
(હદય કમળમાં રમી રહી‚ કાળજાં ફાટયાં સોઈ‚)
કાળજ કાપી કરૂણા કીધી‚ મુજ પર કીધી મહેર‚
જોખો મટાડયો જમ તણો‚ મારે થઈ છે આનંદ લીલા લ્હેર રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
(સાખી) પહેલી કટારી એ પરીક્ષા કીધી બીજીએ સાંધ્યાં બાણ
ત્રીજી રમી ત્રણ ભુવનમાં‚ ચોથીએ વીંધાણા પ્રાણ
પ્રાણ વીંધાણા ને પ્રીતું બંધાણી‚ દેખાડયો દશમો દુવાર
કુંચીએ કરશનજીને વીનવું‚ મારી સુરતાની લેજો સંભાળ રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
(સાખી) આ કટારી કોઈના કળ્યામાં નાંવે‚ નઈં અણી ને નહીં ધાર‚
ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો ઊતરી આરંપાર ;
વારી વારી કહું છું વિઠ્ઠલા ! મારા અવગુણનો ધરશો મા સાર‚
બેડી મ દેશો મારી બૂડવા‚ મારી બેડલી ઉતારજો ભવપાર રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
(સાખી) કુળમાં દાવો મેં છોડયો શામળા ! ફળની મેલી લાર‚
અટક પડે વ્હેલા આવજો‚ મારા આતમના આધાર ;
વારે વારે શું કહું વિઠ્ઠલા ! મારા અવગુણ ના ધરશો એક‚
શામળા ! વ્હાલા ! તરત સિધાવો મારી તરણા બરોબર ટેક રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
(સાખી) સાચા સદગુરુ સેવિયા‚ જુગતે જાદવ વીર
મન પથ્થર હતા તે પાણી કીધાં‚ જેમ નીર ભેળાં કીધાં નીર
પાય લાગું પરમેસરા‚ તમે દેખાડયું નિજ ધામ રે
રામદાસ વચને મૂળદાસ બોલે‚ મારા ગુરુ એ બતાવ્યું તરવાનું ઠામ રે…
મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
૬૪
પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી…
પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚
ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી…
પ્રેમ કટારી આરંપાર…૦
ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી !
આંખ વીંચી ઉઘાડી જોયું‚ વાર ન લાગી વાતકી…
પ્રેમ કટારી આરંપાર…૦
સઈ ! મેં જોયું શામળા સામું‚ નિરખી કળા નાથકી‚
વ્રેહ ને બાણે‚ પ્રીતે વીંધ્યા‚ ઘાવેડી બહુ ઘાતકી…
પ્રેમ કટારી આરંપાર…૦
ઓખદ બુટી પ્રેમની સોઈ‚ જો પીવે કોઈ પાતકી‚
રાત દિવસ ઈ રંગમાં ખેલે‚ એવી રમતું હે રઘુનાથકી…
પ્રેમ કટારી આરંપાર…૦
દાસી જીવણ ભીમ પ્રતાપે‚ મટી ગઈ કુળ ભાતકી
ચિતડાં હેર્યાં શામળે વાલે‚ ધરણીધરે ધાતકી…
પ્રેમ કટારી આરંપાર…૦
૬૫
એવી પ્રેમ કટારી લાગી…
એવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;
એવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…
એવી પ્રેમ કટારી લાગી…
શબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚
શૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;
એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…
એવી પ્રેમ કટારી લાગી…
માથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚
પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;
એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…
એવી પ્રેમ કટારી લાગી…
હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚
સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;
એવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…
મુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…
એવી પ્રેમ કટારી લાગી…
પ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;
અંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;
એવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…
એવી પ્રેમ કટારી લાગી…
૬૬
ગુરુજી ! નાવ્યા મારા દીન નો નાથ‚ આશાયું અમને દઈને રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ‚ આશાયું અમને દઈને રે‚
એમ કહીને ગિયા કીરતાર‚ પાછો ફેરો ન આવ્યા ફરીને રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦
ગુરુજી ! જોઉં મારા વા’લાની વાટ‚ જોગણ હવે થઈને રે‚
એમ વન વનમાં ફરું રે ઉદાસ‚ હાથે જંતર લઈને રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦
ગુરુજી ! હરિ મારા હૈયા કેરો હાર‚ મેરામણનાં મોતી રે‚
એમ સરવે સજી શણગાર‚ વાટું વહાલા જોતી રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦
ગુરુજી ! શોકું રે તણો સંતાપ‚ કહેજો મારા સઈને રે‚
ગિરધારી ઘેલા રે થયા છો કાન ! ઝાઝો સંગ લઈને રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦
ગુરુજી ! મેલ્યાં મેં તો મા ને બાપ‚ મોહન તારે માટે રે‚
એમ તજીયો સાહેલીનો સાથ‚ શામળીયો શિર સાટે રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦
ગુરુજી ! બોલ્યા રવિ ને ગુરુ ભાણ‚ ત્રીકમ ! અમને તારો રે
પકડો મોરારની બાંય‚ ભવસાગર ઉતારો રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦
૬૭
લાવો લાવો કાગળિયો ને દોત…
લાવો લાવો કાગળિયો ને દોત‚ લખીએ હરિને રે ;
એવો શિયો રે અમારલો દોષ ‚ નો આવ્યા ફરીને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦
વ્હાલા ! દૂધ ને સાકરડી પાઈ‚ ઉછેર્યાં અમને રે ;
હવે વખડાં ઘોળો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦
હે જી હરજી ! હીરને હીંચોળે રાજ‚ હીંચોળ્યાં અમને રે‚
હવે તરછોડો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦
હે જી હરજી ! પ્રેમના પછેડા રાજ ! ઓઢાડેલ અમને રે‚
હવે ખેંચી લિયો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦
હે જી વ્હાલીડા ! ઊંડેરા કૂવામાં આજ‚ ઉતાર્યાં અમને રે‚
હવે વરત વાઢો મા‚ મા’રાજ ! ઘટે નહીં તમને રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦
ગુણલા ગાય છે રવિ ગુરુ ભાણ‚ ત્રીકમ બેડી તારો રે‚
એવી પકડો મોરારની બાંય‚ ભવસાગર ઉતારો રે…
લાવો લાવો કાગળિયો ને દોત…૦
૬૮
હે જી વ્હાલા ! અખંડ રોજી હરિના હાથમાં… (નરસિંહ મહેતા)
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚ વાલો મારો જુવે છે વિચારી ;
દેવા રે વાળો નથી દૂબળો‚ ભગવાન નથી રે ભીખારી…
હે જી વ્હાલા…
જળ ને સ્થળ તો અગમ છે‚ અને આ કાયા છે વિનાશી ;
સરવને વાલો મારો આપશે‚ હે જી તમે રાખો ને વિશવાસી…
હે જી વ્હાલા…
નવ નવ મહિના ઉદર વસ્યાં‚ તે દિ વાલે જળથી જીવાડયાં ;
ઉદર વસ્યાંને હરિ આપતો‚ આપતો સૂતાં ને જગાડી…
હે જી વ્હાલા…
ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚ આવજો અંતરજામી ;
ભક્તોના સંકટ તમે કાપજો મહેતા નરસૈંના સ્વામી…
હે જી વ્હાલા…
૬૯
હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ…
હે જી વ્હાલા ! હારને કાજે નવ મારીએ‚
હઠીલા હરજી અમને‚
માર્યા રે પછી રે મારા નાથજી‚ બહુ દોષ ચડશે તમને…
એવા હારને કાજે નવ મારીએ…
હે જી વ્હાલા ! અરધી રજની વીતી ગઈ‚ હાર તમે લાવોને વ્હેલા‚
માંડલિક રાજા અમને મારશે‚ દિવસ ઊગતાં પહેલાં…
એવા હારને કાજે નવ મારીએ…
હે જી વ્હાલા ! નથી રે જોતો હીરાનો હારલો‚ વેગે તમે ફૂલડાંનો લાવો‚
દયા રે કરીને દામોદરા‚ દાસને બંધનથી છોડાવો…
એવા હારને કાજે નવ મારીએ…
હે જી વ્હાલા ! કાં તો રે માંડલિકે તું ને લલચાવિયો‚ કાં તો ચડિયલ રોષો‚
કાં તો રે રાધાજીએ તું ને ભોળવ્યો‚ કાં તો મારા કરમનો રે દોષો…
એવા હારને કાજે નવ મારીએ…
હે જી વ્હાલા ! દાસ રે પોતાનો દુઃખી જોઈને‚ ગરૂડે ચડજો ગિરધારી‚
હાર રે હાથોહાથ આપજો રે‚ મ્હેતા નરસૈંના સ્વામી…
એવા હારને કાજે નવ મારીએ…
૭૦
જીવણ ! જીવને જ્યાં રાખીએ રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ‚ વાગે અનહદ તૂરા રે‚
ઝળહળ જ્યોતું ઝળહળે‚ વરસે નિરમળ નૂરા રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
પાંચ તત્વ ને ત્રણ ગુણ છે‚ પચીસ પ્રકૃતિ વિચારી રે‚
મંથન કરી લ્યો મૂળનાં‚ તત્વ લેજો એમાંથી તારી રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
ગંગા જમના ને સરસ્વતી રે‚ તરવેણી ને ઘાટે રે‚
સુખમન સુરતા રાખીએ‚ વળગી રહીએ ઈ વાટે રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
અણી અગર પર એક છે‚ હેરો રમતાં રામા રે‚
નિશ દિન નીરખો નેનમાં‚ સત પુરૂષ ઊભા સામા રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
અધર ઝણકારા હુઈ રિયા‚ કર વિન વાજાં વાગે રે‚
સુરતા ધરીને તમે સાંભળો‚ ધૂન ગગનુંમાં ગાજે રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
એવી નુરત સૂરતની રે સાધના‚ પ્રેમીજન કોક પાવે રે‚
અંધારું ટળે એનાં અંતરનું‚ નૂર એની નજરુંમાં આવે રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
આ રે સંદેશો સતલોકનો રે‚ ભીમદાસે ભેજ્યો રે‚
પત્ર લખ્યો છે રે પ્રેમથી‚ જીવણ ! તમે લગનેથી લેજો રે…
જીવણ ! જીવને જ્યાં રાખીએ…૦
૭૧
જા જા નીંદરા ! હું તને વારું‚ તું છો નાર ધુતારી રે…
જા જા નીંદરા ! હું તને વારું‚ તું છો નાર ધુતારી રે…
જા જા નીંદરા ! હું તને વારું…૦
નીંદરા કહે હું નહી રે ધુતારી‚ હું છું શંકર નારી રે‚
પશુ પંખીને સુખડાં આપું‚ દુઃખડા મેલું વિસારી રે…
જા જા નીંદરા ! હું તને વારું…૦
એક સમે રામ વનમાં પધાર્યા‚ લખમણને નીંદરા આવી રે‚
સતી સીતાને કલંક લગાવ્યું‚ ભાયુમાં ભ્રાંતું પડાવી રે…
જા જા નીંદરા ! હું તને વારું…૦
જોગી લુંટયા‚ ભોગી લુંટયા‚ લુંટયા નેજા ધારી રે‚
એકલ શૃંગીને વનમાં લુંટયા‚ નગરના લુંટયા નરનારી રે…
જા જા નીંદરા ! હું તને વારું…૦
પહેલા પહોરે રોગી જાગે‚ બીજા પહોરે ભોગી રે‚
ત્રીજા પહોરે તસ્કર જાગે‚ ચોથા પહોરી જોગી રે…
જા જા નીંદરા ! હું તને વારું…૦
બાર બાર વરસ લખમણે ત્યાગી‚ કુંભકરણે લાડ લડાવ્યાં રે‚
ભલે મળ્યાં મેતા નરસૈંના સ્વામી‚ આશ પુરો મોરારી રે…
જા જા નીંદરા ! હું તને વારું…૦
૭૨
મેં કાનુડા તોરી ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે…
મૈં કાનુડા તોરી રે ગોવાલણ‚ મોરલીએ લલચાણી રે‚
મૈં કાનુડા તોરી ગોવાલણ…૦
હરખેં મેં તો ઈંઢોણી લીધી‚ ભરવા હાલી હું તો પાણી રે‚
ગાગર ભરોંસે ગોળી લીધી‚ આરાની હું અજાણી રે…
મૈં કાનુડા તોરી ગોવાલણ…૦
ગાય ભરોંસે ગોધાને બાંધ્યો‚ દોહ્યાંની હું અજાણી રે‚
વાછરું ભરોંસે છોકરાંને બાંધ્યા‚ બાંધ્યા છે બહુ તાણી રે…
મૈં કાનુડા તોરી ગોવાલણ…૦
રવાઈ ભરોંસે ઘોસરું લીધું‚ વલોવ્યાની હું અજાણી રે‚
નેતરાં ભરોંસે સાડી લીધી‚ દૂધમાં રેડયાં પાણી રે…
મૈં કાનુડા તોરી ગોવાલણ…૦
ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે‚ ઘેલી હું રંગમાં રે’લી રે
ભલે મળ્યા ભાખરના સ્વામી‚ પૂરણ પ્રીત હું પામી રે
મૈં કાનુડા તોરી ગોવાલણ…૦
૭૩
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે…
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે
આવડી ધૂન મચાવે વ્રજમાં નહિ કોઈ પૂછણહાર રે…
જશોદા…
શીકું તોડયું ગોરસ ઢોળ્યું‚ ઉઘાડીને બાર રે ;
માખણ નો ખાદ્યું ઢોળી નાંખ્યું‚ માંકડાં હારોહાર રે…
જશોદા…
ખાંખા ખોળા કરતો હીંડે‚ બીવે નહીં લગાર રે‚
મહી મથવાની ગોળી ફોડી‚ એવા તે શું બાડ રે…
જશોદા…
વારે વારે કહું છું તમને‚ હવે નો રાખું ભાર રે‚
નત નત ઊઠી અમે કેમ સહીએ‚ વસીએ નગર મોજાર રે…
જશોદા…
મારો કાનજી ઘરમાં પોઢયો‚ ક્યાંય દીઠો નૈં બાર રે‚
દહીં દૂધનાં મારે માર ભર્યા છે‚ બીજે ન ચાખે લગાર રે…
જશોદા…
શાને કાજે મળીને આવી‚ ટોળે વળી દશ બાર રે ;
નરસૈયાનો સ્વામી સાચો‚ જૂઠી વ્રજની નાર તે…
જશોદા…
૭૪
નારાયણનું નામ જ લેતાં‚ વારે તેને તજીએ રે…
નારાયણનું નામ જ લેતાં‚ વારે તેને તજીએ રે‚
મનસા વાચા કર્મણા કરીને‚ લક્ષ્મી વરને ભજીએ રે…
નારાયણનું નામ જ લેતાં…૦
કુળને તજીએ‚ કુટુંબ તજીએ‚ તજીએ મા ને બાપ રે‚
ભગિની‚ સુત‚ દારા ને તજીએ‚ જેમ તજે કંચુકી સાપ રે…
નારાયણનું નામ જ લેતાં…૦
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો નવ તજ્યું હરિનું નામ રે‚
ભરત શત્રુધ્ને તજી જનેતા‚ નવ તજીયા શ્રી રામ રે…
નારાયણનું નામ જ લેતાં…૦
ઋષિ પત્ની શ્રી હરિ ને કાજે તજીયા નિજ ભરથાર રે‚
તેમાં તેનું કાંઈ ગયું નહીં‚ પામી પદારથ ચાર રે…
નારાયણનું નામ જ લેતાં…૦
વ્રજ વનિતા વિઠ્ઠલ ને કાજે‚ સર્વ તજી વન ચાલી રે‚
ભણે નરસૈયો વૃંદાવનમાં‚ મોહન વર શું માલી રે…
નારાયણનું નામ જ લેતાં…૦
૭૫
જાગો ને જસોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚
તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚
સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚
સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚
અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚
પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚
નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦
૭૬
ભણતી સાં કાનજી કાળા રે…
ભણતી સાં કાનજી કાળા રે‚ માવા મીઠી મોરલીવાળા રે…
ડેલીએ અખંડ ડાયરા દેજે‚ અમલારા ગોળા‚
મેમાનની મોકવાણ્ય દેજે‚ પીનારા ભોળા…
ડેલીએ રૂડા ડાયરા દેજે‚ કવિજન રૂપાળા‚
શૂરવીરાં ને શામળા કેરી વાતુંના હિલોળા…
પાંચ તો મોહે પૂતર દેજે‚ શામજી છોગાળા‚
એક તો મોહે ધીડી દેજે‚ જેના આણાંત ઘોડાળા…
કાળિયું ભેસું કુંઢિયું દેજે‚ ગાયુંના ટોળાં‚
કોઠીએ કાઠા ઘઉં તો દેજે‚ જમનારા ભોળાં…
ધીર-સધીરો ચારણ દેજે‚ ઘી ગોળનાં દોણાં‚
વાંકડી નેણે વવારૂ દેજે‚ ઘુમરડે ગોળા‚
ગોમતીકાંઠે વાસ અમાણો‚ બરડો અમાણો દેશ‚
ચારણી પૂનાદે ઈમ ભણે‚ મોરો લીલો રાખ્યે નેસ…
૭૭
હે ઊગિયા સૂરજ ભાણ‚ નવે ખંડમાં હુવા જાણ‚
ગત રે ગંગા મળીને નિત કરે પરણાંમ રામ…
ઊગિયા સૂરજ ભાણ‚ નવે ખંડમાં હૂવા જાણ
ગત રે ગંગાજી મળીને નિત કરે પરણાંમ રામ
ગતમાં રે હે ગંગાજી નીકળ્યાં બોલે સંતો રામ રામ…
હે જી કુંવારી કપડાં ધૂવે‚ કુછડ નર કેટલું જુવે
અધરમના નર ચાલતા નર‚ ઓધાર્યા નહીં કોઈ રામ…
હે જી ગાયું હુંદા ગાળા છૂટયા‚ બ્રહ્મા વાંચે વેદ રામ
વેદીયા સહુ વેદ ભૂલ્યા‚ ભજો ને તમે રામ રામ…
હે જી દિયે છે કોડીનાં દાન‚ સંભળાવે મેરૂ સમાન
ઊંચા પાંય ઊંચેરૂં જોવે હજી કેમ નાવ્યા વેમાન…
માયાં નો મોટેરો મોહ‚ કરમનો શું દેવો દોશ ?
ઈસર બારોટ એમ બોલ્યા‚ જનની ઉપર શિયો રોશ ?…
હે ઊગિયા સૂરજ ભાણ… (પ્રભાતી) ઈસર બારોટ
૭૮
જાગને જાદવા ! કૃષ્ણ ગોવાળીયા તુજ વિના ધેનમાં કોણ જાશે…
જાગને જાદવા ! કૃષ્ણ ગોવાળિયા ! તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા‚ વડો રે ગોવાળીયો કોણ થાશે ?
જાગને જાદવા ! કૃષ્ણ ગોવાળિયા…૦
દહીં તણાં દહીં થરાં‚ ઘી તણાં ઘેબરાં‚ કઢિયેલાં દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથીયો‚ કાળી નાગ નાથિયો‚ ભુમિનો ભાર તે કોણ લેશે ?
જાગને જાદવા ! કૃષ્ણ ગોવાળિયા…૦
જમુનાને તીરે ગોધણ ચરાવતાં‚ મધુરી શી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીજીએ‚ બૂડતાં બાંહડી કોણ સાહશે ?
જાગને જાદવા ! કૃષ્ણ ગોવાળિયા…૦
૭૯
હે રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી‚ સાધુ પુરુષને સૂઈ ન રહેવું… (નરસિંહ)
રાત રહે જ્યાહરે પાછલી ખટ ઘડી‚ સાધુ પુરુષને સૂઈ ન રહેવું
નિદ્રાને પરહરી‚ સમરવા શ્રી હરિ‚ એક તું એક તું એમ કહેવું…
જોગિયા હોય તેણે જોગ સંભાળવા‚ ભોગિયા હોય એણે ભોગ તજવા‚
વેદિયા હોય તો વેદને વિચારવા‚ વૈષ્ણવો હોય જે કૃષ્ણ ભજવા…
સુકવિ હોય તેણે સદગ્રંથ રચવા‚ દાતારી હોય તો દાન કરવું‚
પ્રતિવ્રતા નારીએ કંથને પૂજવું‚ કંથ કહે તે બધું ચિત્ત ધરવું…
આપણે આપણા ધર્મ સંભાળવા‚ કર્મનો મર્મ લેવો વિચારી‚
નરસૈના સ્વામીને સ્નેહથી સમરતાં ફરી નવ અવતરે નર ને નારી…
રાત રહે જ્યા હરે
૮૦
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ‚ જૂજવે રૂપ અનંત ભાસે ;
દેહમાં દેવ તું‚ તેજમાં તત્વ તું‚ શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે…
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…૦
પવન તું‚ પાણી તું‚ ભૂમિ તું‚ ભૂધરા ! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે ;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને‚ શિવ થકી જીવ થયો એ જ આશે…
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…૦
વેદ તો એમ વેદ‚ શ્રુતિ-સ્મૃતિ શાખ દે‚ કનક કુંડળ વિશે ભેદ ન્હોયે ;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં‚ અંતે તો હેમનું હેમ હોયે…
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…૦
ગ્રંથ ગરબડ કરી‚ વાત નવ કરી ખરી‚ જેહને જે ગમે તેહ પૂજે ;
મન-વચન-કર્મથી આપ માની લહે‚ સત્ય છે એ જ : મન એમ સૂઝે…
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…૦
વૃક્ષમાં બીજ તું‚ બીજમાં વૃક્ષ તું‚ જોઉં પટંતરે એ જ પાસે ;
ભણે નરસૈયો : એ મન તણી શોધના‚ પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે…
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…૦
૮૧
જે ગમે જગત ગુરુ દેવ જગદિશને‚ તે તણો ખરખરો ફોક કરવો…
જે ગમે જગતગુરુ દેવ જગદીશને‚ તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે‚ ઊગરે એક ઉદ્વેષ ધરવો‚
હું કરૂં હું કરૂં એ જ અજ્ઞાનતા શકટનો ભાર જ્યમ શ્વાન તણો
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા કોક જાણી
નીપજે નરથી તો કોઈ રહે નવ દુઃખી‚ શત્રુ મારીને સૌ મિત્ર રાખી
રાસને રંક કોઈ દ્રષ્ટે આવે નહીં‚ ભવન પર ભવન પર છત્ર દાખે
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા‚ માનવી મૂર્ખ મન વ્યર્થ સોચ
જેહના ભાગ્યપાં જે સમે જે લખ્યું તેહને તે સમે તેજ પહોંચી
સુમ સંસારનું મિથ્યા કરી માનજો કૃષ્ણ વિના બીજું સર્વ કહ્યું
જુગલ કર જોડીને નરસૈયો એમ કહો જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું.
જે પ્રાચીન ભજનો હું શોધતો હતો તે મને અહીંથી મળ્યા.
અંતરંગમા સાધના ચાલુ થાય પછીના જે અનુભવો છે તે તો આપણાં સંતોની વાણીમાંથી વિગત મળી રહે છે.
ખૂબ ખૂબ આભાર સાહેબ…..
Respected Dr.Niranjanbhai Upadhyay Saheb,
Thank you for your interest in our culture…my self Mahesh Dudhrejiya. I read your comment in Sadhu Samaj & I visit your website & take some useful information like Bhajan & other article…
Thanks for your research & Salute to your work…
Thank you very much…
Pranam – Salute – Jay Siyarm – Jay Vadwala
of
Mahesh Dudhrejiya
m.dudhrejiya@yahoo.com
Dear Sir,
First of all thanks for shearing this Evergreen Prachin Bhajan, From above most of the bhajans are my favorite Bhajan. Please, Publish “LERIYU” bhajan of Sant Shree Savarambapu.
Thankyou and Jay Siyaram
urmilagondaliya@gmail.com
Regards,
Urmila Kirandas Dudhrejiya
Very nice collection of ancient bhajans.
ખુબ ખુબ આભાર વિનવુ છું ગુરુજી તમારો..
અહીં ઘણા પ્રાચીન ભજનો સંગ્રહીત કર્યા છે તમે એ એક ખુબ આગવી બાબત છે..
ધીરા ભગત અને ગોવિંદ ભગત ના ભજન જો આવી રીતે શબ્દોમાં આપ મૂકી શકો તો જરૂર મૂકશો..
Thanks for shearing this Evergreen Prachin Bhajan.
Dear Niranjanbhai ,
Lok kalyan mate tame aek khajano bhego kari ne , pyasao mate aek Parab banavi cchhe , Pankhi o aave cchhe , chane cche ne paccha , aakash ma uddayn kare cchhe ..
Namaskar
Om Sadguru OM
I blog quite often and I genuinely thank you for your content. Your article has truly peaked my interest. I’m going to book mark your site and keep checking for new information about once a week. I opted in for your Feed as well.