Madhyakalin Gujarati Bhakti Kavita

મધ્યકાલીન ભક્તિ કવિતા

ગુજરાતી ભાષાને પોતાની કાવ્ય રચનાઓથી ભવ્યતા અર્પનારા સંત ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગાયું છે : ‘ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાંહી રે…’ આ ધરતી, આ પૃથ્વી, આ ભૂતલ ઉપરનો સૌથી મોટો છતાં સૌને સુલભ એવો પદાર્થ એ માત્ર ભક્તિતત્વ છે, જેની પ્રાપ્તિ બ્રહ્મલોકમાં થઈ શકતી નથી. જીવમાત્રને પરમાત્મા કે પરમચેતાના પ્રત્યે દોરી જનાર ખેંચી જનાર સાધન તે અધ્યાત્મવિદ્યા કે ભક્તિ છે. ભક્તિ શબ્દ અહીં માત્ર સગુણ સાકારની ઉપાસના, પૂજન, કીર્તન, વંદન, સ્મરણ એ નવધા ભક્તિના સંકુચિત અર્થમાં નથી પણ ભક્તિચિંતન, સૂફી પ્રેમસાધના કે સહજયોગ , ક્રિયાયોગ, કર્મયોગ વૈરાગ્યનો બોધ કે ઉપદેશ અને પૂર્વે થયેલી સંતોભક્તોના ગુણ સંકીર્તન સાથે ગુરુ શરણભાવ કે લોક સેવા સુધી ફેલાયેલો છે. દરેક સાધનાપથને એની પોતીકી આગવી કેડી હોય છે પરંતુ એ વાટ રસ્તો પહોંચાડે છે પરમચેતના પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિભરી ભક્તિ તરફ…

ભક્તિને શ્રવણ, કીર્તન. સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એવા નવ ભેદોમાં કે સાત્વિક, રાજસી, તામસી કે ગુણાતીત એવા ચાર પ્રભેદોમાં અથવા તો સાધન ભક્તિ, ભાવાત્મિકા ભક્તિ, પ્રેમસ્વરૂપા ભક્તિ એમ ત્રણ ભેદોમાં વહેંચવામાં આવે છે. આ કોઈપણ પ્રકારની ભક્તિ હોય એમાં પ્રવેશની પ્રથમ શરત છે શ્રદ્ધા અને સમર્પણ.

પ્રકૃતિનાં તમામ તત્વો પ્રત્યે માનવ સમુદાયની ભક્તિભાવના

આપણે ત્યાં બે પરંપરાઓ યુગોથી ચાલી આવી છે. એક છે આર્યધારા. જે બ્રાહ્મણ સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, તેનાં વિધિ-વિધાનો-પૂજા, ઉપાસના, કર્મકાંડ ; એની સાથે જોડાયેલું સંસ્કૃત સાહિત્ય. એના મંત્રો, ઋચાઓ, શ્લોક, સ્તુતિઓ, કથાઓ, આખ્યાયિકાઓ…
તો બીજી પરંપરા-બ્રાહ્મણેતર જાતિઓમાં, સમાજના નીચલા ગણાતા થરમાં અને આદિવાસી-વનવાસી જાતિઓમાં-વિવિધ લોકસમુદાયોમાં સચવાયેલી ભક્તિ ઉપાસનાની ધારા તરીકે વહેતી આવી છે. જેમાં પોતાની ભક્તિ, પોતાની શ્રદ્ધા, પોતાનું અધ્યાત્મ, પોતાની સાધનાનું સમગ્ર વિધાન સ્વતંત્ર છે. પોતાના જ હાથમાં છે, પોતાની જ બોલી કે ભાષામાં, પરંપરાથી કંઠસ્થરૂપે જળવાતી ને જીવતી રહેલી આ વિદ્યા-સામગ્રી કે જે ગીત, સંગીત, કથા, નૃત્ય, સંવાદ, ભજનો, મહાકાવ્યો, લોકાખ્યાનો, પુરાકથાઓ, કથાગીતો વગેરેની પદ્ય-ગદ્ય મય મિશ્ર સ્વરૂપ્રધરાવતી ‘વાણી’ વિવિધ સ્વરૂપો ને પ્રકારોમાં વહેંચાયેલી છે, એમાં કોઈ સારભૂત તત્વ હોય તો તે છે ‘ભક્તિ’. જન્મથી માંડીને મૃત્યુ સુધીનો પ્રત્યેક ક્ષણે લોકસમુદાય આ ભક્તિની છાયા તળે જ વિશ્રામ મેળવે છે.
આજે જેને સભ્યતા, સાક્ષરતા કે સંસ્કૃતિ કહીએ છીએ તેનાથી તદ્દન અપરિચિત એવો આ માનવ સમુદાય દિવ્ય કે અલૌક્કિ પ્રાકૃતિક ઘટનાઓ અને આકારોથી ડરીને, એની પ્રસન્નતા માટે પોતાની મેળે ઉપાસના કરતો થયો. જે પોતાના વશમાં નથી એને પ્રાર્થનાથી, પૂજાથી, ઉપાસનાથી કે આરાધનાથી રીઝવવા અને એના ભયમાંથી મુક્ત થઈ નિર્ભય બનવા એણે વેદકાલીન આર્યધારાની સમાંતરે પોતાના આગવા દેવી-દેવતા, વીર-પીર, દાનવ, ડાકણ, ભૂત-પ્રેત, ભૈરવ ને પ્રકૃતિનાં જળ-સ્થળ-પત્થર-ડુંગર-વૃક્ષ-અગ્નિ-સૂર્ય-વાયુ-આકાશ જેવા પૂજનકેન્દ્રો ઊભા કર્યા. આદિમ માનવનું સમગ્ર જીવન પ્રકૃતિને ખોળે જ હતું. એનો નાતો જોડાયેલો વિવિધ સંવેદનાઓ સાથે. ને સંવેદનાને કાયમનો નાતો છે શબ્દ સાથે, અભિવ્યક્તિ સાથે. અનાયાસ, સહજ પોતાના અને જન સમસ્તના હૈયાના ભાવો કોઈક સિદ્ધહસ્ત અનામી લોકસર્જક-ગાયક-ભજનિક દ્વારા શબ્દબદ્ધ થતા રહે, એને સમસ્ત લોકસમુદાય પોતાના કંઠમાં ધારણ કરે ને નિત્યનૂતન પરિવર્તન પામવા છતાં પોતાનું મૂળ સત્વ જાળવી રાખતા લોકવાંઙ્મય તરીકે એ ભક્તિસાહિત્ય આજ સુધી વહેતું આવે. આ લોકવાડંમયના સર્જન પાછળનું મહત્વનું પરિબળ તો એક જ. તે ભક્તિતત્વ. પછી એ ભક્તિ પ્રકૃતિનાં ઉપર ગણાવ્યાં એ વિવિધ તત્વો પ્રત્યેની હોય કે લૌકિક દેવી-દેવતા, કુળદેવી- કુળદેવતા, શુરાપુરા, મંદિર, મેળા, સમાધિ, મંડપ, પોતાના પૂર્વજો-પિતૃઓ, વિધિ-વિધાનો, અનુષ્ઠાનો, લૌકિક ક્રિયાકાંડો, સંતો, ભક્તો, સંતસ્થાનો, ભૂત-પ્રેત-ડાકણ, વીર, મેલડી, ચૂડેલ, ભૈરવ કે ભૂવા ભગત પ્રત્યેની હોય.

ભક્તિ એટલે સંપૂર્ણ શરણાગતિ, પૂર્ણ આત્મ સમર્પણ.

લોકકંઠે સચવાયેલી ભજનવાણીના આ સમગ્ર સાહિત્યરાશિમાં અનેક ધર્મ-સંપ્રદાયોના પ્રવાહો, અનેક સાધનામાર્ગોના કે તંત્ર સાધનાના ગૂઢ-ગુપ્ત પ્રવાહો અનેક પંથો અને તેની અપરંપાર શાખાઓની ભક્તિપરંપરાઓ એકબીજામાં સંમિલિત થઈ ગૂંથાઈને એક વિશિષ્ટ લોકધર્મનું અને ભક્તિ સાહિત્યનું સ્વરૂપ ખડું કરે છે. આ સામગ્રી જળવાતી અને જીવતી આવી છે લોકસમાજના નિત્યના જીવન સાથે. એના સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક લોકઉત્સવો, મેળા, મંડપ, પાટ, જન્મથી માંડીને મૃત્યુ સુધીના વિવિધ સંસ્કારો, રીતરસમો, જાણીતી અને ગુપ્ત વિદ્યાઓ, મંત્ર, તંત્ર, રૂઢિ -વહેમ, શ્રદ્ધા-માન્યતાઓ, પાપ-પૂણ્ય, બાધા- આખડી, સાચ-ખોટ, સતયુગ-કળિયુગ, નુગરા-સુગરા, દેવ-દાનવ, મેલાં ને ચોક્ખાં દેવી- દેવતાઓ, મૂઠ-ચોટ, મારણ, વશીકરણ, ને એમનું પોતાનું આગવું ભક્તિ વિષયક અધ્યાત્મ… આ બધું જ ભેળું થાય અને એ તમામ બાબતો સાથે અનિવાર્ય પણે જોડાયેલો (શબ્દ શરીર સાથે વસ્ત્રની જેમ નહીં ચામડીની માફક જે કદી જ અળગી ન કરી શકાય…) એ શબ્દને આપણે સાહિત્યના માપદંડોથી ભાવપક્ષ અને કલાપક્ષના ખોખાં કે કાટલાંથી જ્યારે મૂલવવાનો પ્રયાસ કરીએ ત્યારે એની સાથે માત્ર ગાયક કે કથકની જ નહીં સમસ્ત લોકસમુદાયની જે ભક્તિભાવના-શરણાગતિ-અતૂટ આસ્થા જોડાયેલી છે એ તંતુ વિખેરાઈ જાય છે.
જે લોકસમુદાય પોતાના વાંઙ્મયમાં આવતાં પાત્રોના દુઃખથી દુઃખી થાય, એનાં દુઃખ જોઈ ન શકે કે સહન ન કરી શકે, સાંભળનારા પણ પોતાની અતૂટ આસ્થા જેમની સાથે જોડાયેલી છે એવા દેવી-દેવતા, પૂર્વજો-શૂરાપુરા, સંત ભક્તો કે ઐતિહાસિક અર્ધ ઐતિહાસિક પાત્રોના દુઃખનો અનુભવ કરી આંખમાંથી આસું સારવા જેટલું ભાવ સાદશ્ય અનુભવતા હોય એના અંતરમાં ભક્તિ અને શ્રદ્ધા ભાવ સિવાય કર્યું તત્વ મહત્વનું સ્થાન ધરાવતું હોય ?

ભક્તિસાહિત્ય એટલે શું ?

જે સાહિત્યમાં કેન્દ્રમાં જ ભક્તિનું તત્વ હોય, પછી એ સાકાર-નિરાકાર, સગુણ-નિર્ગુણ, મૂર્તિ કે પ્રતીક, દૈવી કે માનુષી કોઈપણ પ્રકારની ભક્તિ હોય, ઈંડારૂપી પરમેશ્વરની આરાધનાથી માંડી રામદેવપીર સુધીના સિદ્ધ-સંત ભક્તો કે અવતારો પ્રત્યેની આસ્થા હોય… આત્માનું અનિર્વચનિય સ્વરૂપ દાખવીને આત્મા સાથે જોડાયેલ સત્ય કે આંતરિક સત્વશીલતા-પૂર્ણ સાત્વિકતાને જાણવાની મથામણ કરતું ગૂઢ અધ્યાત્મદર્શન હોય તેવા સાહિત્યને આપણે ત્યાં ભક્તિસાહિત્ય તરીકે ઓળખવવામાં આવ્યું છે. આ સાહિત્યનો સંબંધ નૈતિક આચારો, ધર્મ અને ક્રિયાકાંડ સાથે સમગ્ર સમાજની જીવનવ્યવસ્થા સાથે અવિનાભાવે જોડાયેલો છે. જેમાં પ્રગાઢ આસ્થા જ ભાગ ભજવે છે. જે સમાજમાં ‘ભગત’ થનાર પણ પૂજનિય ગણાય, જેનો બોલ ઉથાપી શકાય નહીં, ભોપા કે ભૂવા પણ દેવ કે દેવી જેટલા જ માનના અધિકારી હોય એ સમાજનું સાહિત્ય ભક્તિના રંગથી રંગાયેલું ન હોય તો જ નવાઈ લાગે. ‘ભક્તિ તો ખાંડાની ધાર’, ‘ભક્તિ વસમું કામ’, ‘સૂકી જમીનમાં વેલ સૂકાય એમ ભક્તિ સૂકવી નાંખે’, ‘ભક્તિ ઉલટ મારે તો ખરાબ થાય ગૃહસ્થીનું ઘર ભંગાવે, મોભી દીકરો મારે કે વિજોગ કરાવે’, ‘ભક્તિની જેલમાં પડેલા નરને ભક્તિ ગળી જાય પણ ભક્તિનો મારગ ઈ વૈકુંઠનો મારગ’ વારંવાર… કંઠસ્થ વાંઙ્મયમાંથી આવી ઉક્તિઓ મળી આવે. કથા કોઈપણ હોય, દેવની હોય કે માનવની, સિદ્ધની હોય કે શૂરવીરની, સંતની હોય કે સતીની… સુગરાની હોય કે નુગરાની… પણ એમાં ભગવાન અને એની ભક્તિની વાત સતત ઘુંટાતી જ રહે. અંતે સત્યનો જ જય થાય. ઈશ્વરની અપાર લીલાનું ગાન વારંવાર ગવાતું રહે. વૈકુંઠનો સ્વામી, કોઈ દેવી કે કોઈ સિદ્ધ ગુરુ સહાય કરે જ. અધર્મીનો અંતે નાશ જ થાય. આ કથાઓ, ભજનવારતાઓ, લોક મહાકાવ્યો, લોકાખ્યાનો, કથાગીતો, ભજનો ગાનારા કથનારા અને સાંભળનારા આસ્થાવાન ભગત-ભગતાણીઓ જ છે. આટલું તાદાત્મ્ય જીવન અને સાહિત્ય વચ્ચે હોય એવા સાહિત્યને ‘ભક્તિસાહિત્ય’ સિવાય બીજું ક્યું બિરુદ આપી શકાય ?
પૃથ્વીની ઉત્પત્તિકથા, સૃષ્ટિના સર્જનની કથા અને કર્મ મુજબ જીવની વિવિધ ગતિને સમજાવતાં ભજનો, ગીતો, વારતાઓ દ્વારા લોક કે આદિવાસી સમાજના માનવીઓ ધર્મના પંથે ચાલે અને પાપનો ત્યાગ કરે એવો ઉપદેશ અપાતો રહે છે. પૂણ્ય કર્યું હોય તો મૃત્યુ પછી આત્માને કેવું સ્વર્ગનું સુખ મળે છે, પાપ કર્યાં હોય તો આત્માને કેવી કેવી કસોટીઓમાંથી પસાર થઈને નર્કમાં જવું પડે છે, અને ભક્તિ કરી હોય તો આત્માને ભગવાન કેવી રીતે વૈકુંઠમાં લઈ જાય છે, સ્વર્ગ દાનવીર, શૂરવીર કે પૂણ્યશાળીને મળે પણ વૈકુંઠ નહીં. વૈકુંઠ તો માત્ર ને માત્ર ભક્તને જ મળે આવી અતૂટ માન્યતા ધરાવનારો આ સમાજ પોતાના વાંઙ્મયમાં નાથપંથીની હઠયોગની સાધના ક્રિયાઓ અને સાધનાત્મક પારિભાષિક શબ્દાવલીનો વારંવાર પ્રયોગ કરે છે. આજે કદાચ જીવનમાંથી એ સાધનાત્મક અંશો કે લૂપ્ત થયા હશે પણ આ ભજનો અને તેની સાથે જોડાયેલી કથાઓમાં આવતા કેટલાક વિધિવિધાનો, કર્મકાંડો, મૂળભૂત માન્યતાઓ અને સાધનાત્મક શબ્દાવલિઓ કે કથા ઘટકો એના મૂળમાં આપણા લોક સમાજમાં જૂના સમયમાં જીવતી પરંપરા રૂપે સચવાયેલી ભક્તિ સાધનાઓના નિર્દેશો જરૂર કરે છે. ભજનો સાથે જોડાયેલી કેટલીક કથાઓ તો સાંકેતિક અર્થો જ આપે છે. આપણા સંતોની વાણીમાં, યોગી સાધકોના અનુભવોમાં આત્મસાક્ષાત્કારની યાત્રામાં સુરતિની યાત્રામાં જે જે સ્થાનકો, ષટચક્રો, ચક્રભેદન, કુંડલિની જાગૃતિ, સિદ્ધિઓ, વિવિધ નાદના અનુભવો અને સાધકોની કસોટીઓની વાત આવે છે તે રહસ્યગર્ભીત સંકેતોમાંથી આપણને પ્રાચીનકાલીન ભક્તિસાધનાના અંશો કે અણસારો પ્રાપ્ત થતા રહે છે.
આપણા ભજનોમાં ધૂનો ધરમ, ધૂન ધણી વગેરે શબ્દો પ્રાચીન કે સનાતનના અર્થમાં વપરાતા રહ્યા છે, અધૂના/આધુનિક શબ્દ અર્વાચીન અર્થમાં. ધૂનાનગર એટલે એવું સનાતન નગર જેનો કદીયે અંત નથી આવતો. નુગરાને જપ, તપ, દાન-પૂણ્ય કે ભક્તિસાધના સાથે સંબંધ ન હોય તેથી એતો કામણિયા કામરૂ દેશની માયાઝાળમાં હરિનો મારગ ભૂલીને અટવાઈ જાય. સમગ્ર ભજનસાહિત્યના ભાવ વિશ્વમાં ‘પરમાત્માની અકળ લીલા અને પૂરોગામી ભક્તોને ભગવાને કરેલી સહાયનું વર્ણન’ ખૂબ જ અગત્યનું પાસું છે. પોતાના પ્રાણ પ્યારા ઈશ્વરની અકળલીલાનું ગાન અને પોતાની ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ, ભાવપૂર્ણ શબ્દોમાં ભજન કે કથા-વારતા રૂપે, તદ્દન નિરાડંબરી શૈલીમાં-સાધારણ બોલચાલની સંક્ષિપ્ત છતાં વિસ્તૃત અર્થ સમાવતી બળકટ લોક બોલીમાં, કલાત્મક રીતે શબ્દદેહ ધારણ કરે છે. દીનતાથી આત્મસમર્પણ કરનાર ભક્તને પરમાત્મા અવશ્ય સહાય કરશે જ એવી અતૂટ આસ્થા પુરાખ્યાનો અને પુરોગામી સંત, ભક્ત, યોગી, સિદ્ધ સાધકોના દ્રષ્ટાંતો દ્વારા વારંવાર ગાઈને લોકસમાજ પોતાની ભક્તિભાવનાને દૃઢાવતો-પૂષ્ટ કરતો રહે છે. ભગવાનની ભક્તવત્સલતાના અનેક પરચાઓ આવી કથાઓ કે ભજનોમાં આવ્યા જ કરે. ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા, કર્મ મુજબ સારું નરસું ફળ મળે જ એવો અતૂટ વિશ્વાસ ને દરેકના પ્રારબ્ધ મુજબ ઈશ્વર સહાય કરે એવો દૃઢ ભરોંસો. આ ત્રણ વાનાં સમસ્ત લોકજાતિઓની પ્રજાના લોહીમાં વણાયેલું મૂળભુત વિચારબીજ છે.

ભક્તિ : શબ્દ વિચાર

ભક્તિ શબ્દના મૂળ પર વિચાર કરતી વખતે સાહિત્ય વિચારકોએ-વિવેચકોએ ‘ભજ’ ધાતુ પરથી એની વ્યુત્પત્તિ થઈ હશે એવું અનુમાન કર્યું છે. ‘ભજ સેવાયામ’ અથવા ‘ભજ પૂજાયામ’ના અર્થમાં પ્રયુકત ધાતુથી ભક્તિ શબ્દની નિષ્પત્તિ મનાય છે. ‘ભક્તિ’ શબ્દ વ્યવહારમાં તો ભગવાનની સેવા કરવી ‘કે ભગવાનની પૂજા કરવી’ના અર્થમાં વપરાતો આવ્યો છે. ‘ભક્તિ’ શબ્દના જે વિવિધ અર્થો અપાયા છે એમાં ભારતીય સંસ્કૃતિમાં વ્યાપી રહેલી પરમતત્વ પ્રત્યેની ઉત્કટ ઝંખના અને ઉપાસના પ્રણાલીનું નિદર્શન થયું છે. ‘ભક્તિ’ શબ્દના વિવિધ અર્થોમાં પરમ તત્વ પ્રત્યેનો આદરભાવ, અતૂટ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ,પૂજા, અર્ચના, સેવા, સુશ્રુષા, પ્રેમ અને લાગણી, સ્મરણ સ્તુતિ, પ્રાર્થના અને વિશિષ્ટ પ્રકારની ભાવનાનો સમાવેશ થાય છે. પવિત્ર ભાવથી પરમેશ્વર, ગુરુ, વડીલ વગેરેની સેવા કરવી, ભક્તિ ભાવનાસભર ગુણો ગાવા અને એમાં જ પરાયણ રહેવુ. દેવતાને આધીન અનુકૂળ રહીને દરેક રીતે તેની ઉપાસના-આરાધના કરવી એનું નામ ભક્તિ. એમ વિવિધ સ્થળોએ કહેવાયું છે.
ભક્તિ અને ધર્મ એ આપણા ભારતીય જનજીવનનું એક અભિન્ન અંગ છે, જે સામાન્ય લોકસમાજમાં પણ પોતપોતાની આગવી ભક્તિ વિષયક માન્યતાઓ હોય છે. જ્યારે માનવીએ એવો અનુભવ કર્યો કે હું કોઈ શક્તિશાળી, સૌંદર્યમય, કૃપાળુ અને પરમ તેજોમય ચેતના કે ઈશ્વરીય તત્વની આણ નીચે ફરી રહ્યો છું. એના પ્રભાવ નીચે જ જીવું છું અને એના ઈશારા પર નાચું છું. ત્યારે એને પોતાની શક્તિની મર્યાદાની જાણ થઈ, પોતે આ સમગ્ર સૃષ્ટિમાં કેવું અલ્પ, સાવ નાનકડું અસ્તિત્વ ધરાવે છે. ટચુકડું સ્થાન મેળવી શકયો છે… અને એ અકલ્પનિય શક્તિ કેવી વિરાટ સ્વરૂપની છે એ જાણતાં જ એ શક્તિની ઉપાસના અર્થે માનવ આતુર બન્યો. એ શક્તિ-ચેતના પ્રત્યે એને શ્રદ્ધા, કુતુહલ, ઉત્કંઠા વગેરે ભાવના જાગૃત થઈ અને પોતે પરમતત્વની ઉપાસના કરવા માટે તત્પર થયો… ભક્તિભાવનાનો જન્મ આ રીતે માનવીના કુતુહલ અને કઈક નવું જાણવાની જિજ્ઞાસા સાથે સંકળાયેલો છે. માનવ હ્રદયમાં કેટલીક એવી શંકાઓનું તોફાન એ સમયે ઉઠતું હશે, અને પ્રશ્રો અણઉકેલ રહેતા હશે, આ વિશ્વ કેવી રીતે પ્રકટ થયું હશે ? તેનું સંચાલન કોણ કરતું હશે ? સૂર્ય, ચન્દ્ર, ગ્રહો વગેરેને નિયમિત રીતે પોતાનું કાર્ય કરવાનો આદેશ કોણ આપતું હશે ? વગેરે પ્રશ્રોની ફલશ્રુતિ રૂપે માનવીને કોઈ અગોચર, અગમ્ય, નિર્વિકલ્પ સકળ તત્વની ઝાંખી થઈ હશે, ને એ તત્વની ઉપાસના કરવાની માનવ સહજ વૃત્તિ એ ભક્તિને જન્મ આપ્યો એમ કહી શકાય.
પરમાત્માની ભક્તિનું સાંગોપાંગ વિવેચન કરનારા આપણે ત્યાં ચાર મુખ્ય આચાર્યોના ગ્રંથોના આધારે જ વિવિધ વિદ્વાનોએ ભક્તિ વિશે તાત્વિક વિચારણા કરી છે. નારદનું ભક્તિસૂત્ર, શાંડિલ્યનું ભક્તિસૂત્ર, રુપગોસ્વામીના ઉજ્જવલનીલમણી તથા ભક્તિ રસામૃત સિંધુ અને મધુસુદન સરસ્વતીના ભક્તિરસાયન જેવા ગ્રંથોના આધારસ્થભો ઉપર જ સંપૂર્ણ વૈષ્ણવ ભક્તિમાર્ગના વિચારકોએ પોતાના તત્વદર્શનની માંડણી કરી છે. આપણા વિદ્વાનો ભક્તિમાર્ગનો ઉદ્દભવ વેદોમાંથી થયેલો માને છે તે સાચું લાગે છે. વેદોમાં થયેલી દેવતાઓની સ્તુતિઓમાં આપણને પ્રભુ પ્રત્યે સ્નેહભાવના અને પ્રેમલક્ષણા ભક્તિના બીજાંકૂરો પ્રગટ થતા દેખાય છે. ઋગ્વેદમાં દાસ્યભાવ, સખાભાવ, વાત્સલ્યભાવ અને દામ્પત્યભાવ, સ્નેહભાવ, વગેરે વિવિધ સંવેદનો આવિષ્કાર પામેલા જોવા મળે છે. પરમાત્મા મારા સ્વામી છે. હું એનો દાસ છું, મારું જે કઈ છે તે એમનું જ છે. એવી ભાવનાથી થયેલી પ્રાર્થનાઓ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે તેમાં આપણને વેદકાલીન ભક્તિભાવનાનું સ્વરુપ્રપ્રગટ સ્પષ્ટ થતું દેખાય છે. વેદોમાં ભક્તિના જે બીજ વંવાયા છે તે અંકુરિત અને સ્ફુરિત થાય છે ઉપનિષદો અને આરણ્યકો… ઉપનિષદ કાળમાં ભક્તિની લલિત કોમળ લાગણીઓમાં જ્ઞાન મહિમાનો ઉમેરો થયો છે. નારાયણ, પુરૂષોતમ, પરમાત્મા વાસુદેવ વગેરે અનેક નામોથી વિષ્ણુપુજા વ્યાપક રૂપ ધારણ કરી લે છે. વૈદિક વાંઙ્મયમાં ઉપનિષદોનું સ્થાન અતીવ મહત્વપૂર્ણ છે. વેદનો અંતિમ ભાગ હોવાથી તેને વેદાન્ત એવું નામ અપાયું છે. વેદના સારભૂત સિદ્ધાંતોનું પ્રતિપાદન ઉપનિષદોમાં કરવામાં આવ્યું છે. ઉપનિષદોની સંખ્યા ૧૦૮ ની માનવામાં આવે છે. પણ એથી ય વધુ સંખ્યામાં ઉપનિષદો મળે છે. જેમાં કેન, ઈશ, કંઠ, પ્રશ્ર, મુંડક, માંડુક્ય, તૈતરીય, છાંદોગ્ય, શ્વેતાશ્વેતર, બૃહદારણ્યક વગેરે ઉપનિષદો મુખ્ય છે. ઉપનિષદોનો શાબ્દિક અર્થ સમીપમાં જેવું, સામીપ્ય મેળવવું એવો છે. બ્રહ્મના સ્વરૂપને સમજવા માટે પુરાતન ઋષિઓ આસન લગાડીને લાંબાકાળ સુધી ચિંતન કરતા અને બ્રહ્મ સત્યનો અનુભવ કર્યા કરતા હતા. આવી દિવ્ય અનુભુતિના સત્યનું સંકલન ઉપનિષદોમાં છે. સગુણ-નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ સમજાવીને એનો સાક્ષાત્કાર કરવાના ઉપાયો અહી મળે છે. વેદકાલીન પુજા પદ્ધતિ અને કર્મકાંડને સ્થાને હવે સગુણ-નિર્ગુણ બ્રહ્મ વિશે ચિંતન અને ભક્તિ પ્રવેશે છે. એ રીતે શ્રદ્ધા અને સમજણને મહત્વનું સ્થાન મળે છે. અહી ભક્તિપ્રવૃત્તિનો વિકાસ થતો જોવા મળે છે. ઉપનિષદોમાં પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, પ્રાણ, મન વગેરેના સંચાલક બળ તરીકે પ્રભુનું સ્વરૂપ વર્ણવામાં આવ્યું છે, એમાં જ્ઞાનદ્રષ્ટિની ભાવના સાથે ઉંડી ભક્તિવૃત્તિ હોય એવું લાગે છે. એ પછી તો ઉત્તરોત્તર વિષ્ણુપુજાનો વિકાસ થયો ગયો, ભગવતભક્તિનો પ્રચાર કરતાં કરતાં ઋષિમુનિઓએ પુરાણોની રચના કરી. ભક્તિનું સર્વોત્કૃષ્ટ સરસ, મધુર અને સરળ રુપ આપણને પુરાણોમાંથી પ્રાપ્ત થાય છે. હરિવંશ, ભાગવત, વિષ્ણુપુરાણ, ગર્ગસહિંતા, મધ્યપુરાણ, બ્રહ્મપુરાણ, બ્રહ્મવેવર્ત પુરાણ વગેરે પુરાણોમાં ભગવાનની લીલાઓનું ગાન ગાતાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિભાવનાને પુષ્ટિ આપતાં આપતાં આપણા પુરાણકારોએ ભક્તિમાર્ગને વધુને વધુ સુદઢ અને પુષ્ટ બનાવ્યો. પુરાણોની સંખ્યા ૧૮ છે. જેમાનાં લગભગ અરધા તો વૈષ્ણવ ધર્મ સાથે જ સંબંધ ધરાવે છે. આ બધાં પુરાણોમાં ભાગવતપુરાણ- શ્રીમદ્દ ભાગવત ભક્તિની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે. સામાન્ય જનસમાજમાં નવધાભક્તિનો સહજ આદર્શ રજુ કરીને અને પરમાત્મા પ્રત્યે અભિમુખ બનાવવાના આશયથી વિષ્ણુના અવતારોની ચાલી આવતી કથાઓને વિસ્તારી, સરળ અને સહજ પ્રવાહી શૈલીમાં આકર્ષક વાણીમાં ઉતારી, પરમાત્માની અકળ લીલાઓનું ગાન કરી ભાગવતકારે અપૂર્વ સિદ્ધી મેળવી છે.
એ પછી પ્રેમલક્ષણા ભક્તિનો સ્વીકાર કરીને બાર આલ્વાર ભક્તોએ સગુણ બ્રહ્મની ઉપાસના કરી છે. આમ પ્રેમલક્ષણા ભક્તિપ્રણાલિનો સાંપ્રદાયિક વિકાસ નિમ્બાર્કાચાર્યના પહેલાંથી જ શરૂ થઈ ગયો છે. તામિલ ભાષામાં હ્રદયસ્પર્શી સ્તોત્રો અને ભક્તિપ્રધાન કાવ્યો રચીને આલ્વાર ભક્તોએ પ્રેમલક્ષણા ભક્તિને પુષ્ટિ આપી હતી.
શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય એ બે વેદાન્ત પરંપરાના પ્રતિનિધિ આચાર્યો છે. પરંતુ એ બંનેના સિદ્ધાંતોમાં મૌલિક અંતર છે. શંકરાચાર્યની વેદાન્ત સુત્રોની વ્યાખ્યાઓ ઉપનિષદકાળની વિચારધારા સાથે ઘણું સામ્ય ધરાવે છે. જ્યારે રામાનુજાચાર્યે પોતાના વિશિષ્ટ કે દ્વૈતમતને પુષ્ટિ આપવા સમકાલીન પુરાણોનો આશ્રય લીધો છે. ‘શ્રી સંપ્રદાય’ના નામથી જાણીતા બનેલા રામાનુજના સંપ્રદાયમાં સહેલી અને સરળ ભક્તિ-ધ્યાન-ઉપાસના પ્રધાન જ્ઞાનમાર્ગી ઉપાસના પ્રણાલીનું પ્રચલન કરે છે. અને નારાયણ તથા લક્ષ્મી નામને પ્રાધાન્ય આપે છે. વૈષ્ણવ પ્રેમલક્ષણા ભક્તિમાર્ગના એક બીજા આચાર્ય તે નિમ્બાર્કાચાર્ય… એમની વિશિષ્ટતા એ છે કે એમનો કોઈના મંતોનું ખંડન કર્યા વિના પોતાના મૌલિક સ્વંતત્ર સંપ્રદાય સ્થાપ્યો છે. જે નિમ્બાર્ક સંપ્રદાય, હંસ સંપ્રદાય, સનકાદિસંપ્રદાય, સનાતન સંપ્રદાય, દેવર્ષિ સંપ્રદાય અને દ્વૈતા દ્વૈત સંપ્રદાય વગેરે વિવિધ નામે ઓળખાય છે. નિમ્બાર્ક સંપ્રદાય મુજબ બ્રહ્મનો સગુણ અને નિર્ગુણ બન્ને રુપે વિચાર કરવામાં આવે છે અને ભક્તિ જ સાધકને ભગવાન પ્રાપ્તિ કરાવી મોક્ષનું પદ મેળવી આપે છે. નિમ્બાર્કાચાર્યથી વેગમાં આવેલી રાધાકૃષ્ણની પ્રેમલક્ષણા રસિકભક્તિ આગળ ઉપર વલ્લભાચાર્યજી અને ગૌરાંગ ચૈતન્યદેવના સમયમાં ખૂબ પ્રચાર પામે છે.
ભક્તિમાર્ગ અહીં આપણને બે ફાટામાં વિભાજીત થતો દેખાય છે. શ્રી રામાનુજાચાર્યની ભક્તિ જ્ઞાન પ્રધાન અને ઉપાસના પ્રધાન છે. જ્યારે નિમ્બાકાચાર્ય અને વલ્લભાચાર્યની ભક્તિભાવના પ્રેમલક્ષણા સ્વરુપની છે એમ કહી શકાય. શ્રી મધ્વાચાર્ય પણ ભક્તિમાર્ગના સંવર્ધક આચાર્ય મનાય છે. તેઓ પ્રાચીન વેદસાહિત્યના સારા અભ્યાસી હતા. એમનો સંપ્રદાય સ્પષ્ટ રુપે દ્વૈતવાદી છે. એમની માન્યતા મુજબ બ્રહ્મ, જીવ અને જગત એ ત્રણે સ્વંતત્ર અને સાવ જુદી જ વસ્તુઓ છે. પોતાની વિશિષ્ટ પ્રકારની વિચારસરણી દ્વારા તેઓ ભક્તિપ્રવાહને વધુ ગાઢ અને પુષ્ટ બનાવે છે. વિષ્ણુ અને લક્ષ્મીને, પરમાત્મા અને શક્તિ તરીકે સ્વીકારી તેમનું પૂજન કરવામા માનતા શ્રી મધ્વાચાર્ય ભક્તિમાં પ્રેમાર્દ્ર ભાવને વધુ મહત્વ આપે છે. ગોપીવલ્લભ શ્રી કૃષ્ણની ઉપાસનામાં આત્મનિવેદન અને શરણાગતી ભાવ લઈને શ્રી વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગની સ્થાપના કરે છે. પંદરમાં શતકમાં થયેલા આ આચાર્ય અણુભાષ્ય વગેરે ગ્રંથોમાં શુદ્ધાદ્વૈત મતનું પ્રતિપાદન કરે છે. એમની વિચારસરણી મુજબ સચ્ચિદાનંદ બ્રહ્મ જ પરમતત્વ છે. બ્રહ્મ રસાત્મક છે. સાકાર, આનંદકાર અને વ્યાપક છે. સર્વધર્મયુકત, સર્વજ્ઞ, વિરુદ્ધધર્મ યુકત અને પ્રાકૃતગુણરહિત છે. ભગવાનનો અનુગ્રહ મેળવવા મોક્ષની સાધના માટે ભક્તિ પર ભાર મુકી નવધા ઉપરાંત પુષ્ટિભક્તિને પ્રાધાન્ય આપતાં પુષ્ટિનો અર્થ સમજાવે છે કે પુષ્ટિ એટલે પોષણ અને પોષણનો અર્થ થાય ઈશ્વરનો અનુગ્રહ, પરમાત્માનો અનુગ્રહ મેળવવા ત્રણ માર્ગો છે. પુષ્ટિમાર્ગ, મર્યાદામાર્ગ, અને પ્રવાહમાર્ગ. શ્રી વલ્લભાચાર્યના સમકાલીન ગણાતા શ્રી ચૈતન્ય મહાપ્રભુજી પ્રેમલક્ષણા ભક્તિના સાક્ષાત પુત્ર સ્વરુપે તરીકે ઓળખાય છે. રાધાકૃષ્ણની ભક્તિનો અને વિશેષ કરીને સંકીર્તનનો મહિમા તેમણે ગાયો છે. પ્રભુના પ્રેમમાં મસ્ત બનીને, વિહ્વળ બનીને પોતાની દેહદર્શાસુદ્ધાં ભૂલી જતા આ ભકત-સંતને લોકો ગાંડા જ સમજતા. રાગાનૂગા ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણનું માધુર્યભાવે પૂજન કરનારા શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ પ્રેમલક્ષણા ભક્તિમાર્ગના વિકાસમાં સંકીર્તન દ્વારા અજબનો પ્રભાવ લોકસમુદાય પર પાથરેલો. સ-ગાન વૈષ્ણવ ભક્તિમાં માધુર્યભાવનું પ્રચલન પ્રસારણ એ એમની આગવી દેન છે. પુરાણોમાંથી પ્રેરણા લઈને શૃંગારભક્તિનું સાહિત્ય રચવાની શરૂઆત તો છેક ઈ.સ.ના અગિયારમા બારમા શતકથી થઈ હતી. બંગાળના કવિ જયદેવ ગીત ગોવિંદ દ્વારા શ્રી કૃષ્ણ ગોપીઓના સંયોગ-વિયોગ શૃંગારનું આલેખન કરે છે. અને તેને હરિસ્મરણ તરીકે ઓળખાવે છે. જયદેવની આ ભક્તિભાવનાની વ્યાપક અસર સ્પષ્ટપણે મહાપ્રભુજી પર પડી છે. ઈશ્વરને પરમ પ્રિયતમ રુપે કલ્પીને એને સ્ત્રીભાવે સંપુર્ણ આત્મસમર્પણ કરવાની ભાવના સાથે આ પ્રેમલક્ષણા ભક્તિમાર્ગ શૃંગારનું રુપ ધીરેધીરે ધારણ કરે છે. ઈ.સ. નવમા દશમાં સૈકાથી ભક્તિમાર્ગ અસાધારણ વેગ પકડે છે. આપણું ભાગવત પુરાણ પ્રેમલક્ષણા ભક્તિમાર્ગનો આદિ સ્રોત ગણાય છે. તેની અસર નીચે આવેલા વૈષ્ણવ આચાર્યોએ આ પ્રેમલક્ષણા ભક્તિ તત્વનું કાઠું બાંધવામાં ઓછી મહેનત નથી કરી. તો રુપ ગોસ્વામી, સુરદાસ, જીવગોસ્વામી, અને સનાતન ગોસ્વામીએ વૃંદાવનીય ભક્તિને આગવું રૂપ અને સ્થાન અપાવ્યું છે. આમ નવમા-દશમા શતકમાં અંકુરિત થયેલા પ્રેમલક્ષણા ભક્તિમાર્ગને તેરમા-ચોદમાં શતકમાં પીઠિકા પ્રાપ્ત થાય છે અને પંદરમા સૈકા સુધીમાં તો પ્રેમલક્ષણા ભક્તિમાર્ગનું મોજું આખા ભારતવર્ષને વ્યાપી વળે છે.

ગુજરાતમાં ગણેશ બેસારે છે નરસિંહ…

પંદરમી સદીમાં નરસિહ મહેતાનો જન્મ થયો. એમણે પ્રેમલક્ષણા ભક્તિના આદિ કવિ તરીકે ગૌરવભર્યું બીરુદ પ્રાપ્ત કર્યું છે. નરસિંહ મહેતા પહેલાં પ્રેમલક્ષણા ભક્તિને ગાનારો કોઈ મોટા કે સમર્થ કવિ થયો હોય એવું દેખાતું નથી. અલબત્ત્ આજે સંખ્યાંબધ જૈન જૈનેતર કવિઓ વિશે અવનવા સંશોધનો થતા રહે છે. અને ઘણા અણજાણ કવિઓની ભાળ મળી છે. પણ ઉત્તમ કોટિના, કાવ્યકલાના સર્જક તરીકે અને યુગ પ્રવર્તક કવિ તરીકે નરસિંહ મહેતાનું આદિકવિનું સ્થાન કોઈ ઝુંટવી શકે તેમ લાગતું નથી. ગુજરાતમાં કૃષ્ણ ભક્તિનું પ્રચલન તો નરસિંહના સમયગાળા પહેલાંથી જ અસ્તિત્વમાં હતું. પણ ગુજરાતી ભાષામાં કૃષ્ણ ભક્તિની રચનાઓ ૧પ મા શતકથી બહુ વહેલી મળતી નથી. કેટલીક ‘ફાગુ’ રચનાઓ કે જેમાં શ્રીકૃષ્ણનો ગોપીઓ સાથેનો વિહાર આલેખાયો હોય, એને બાદ કરતાં કોઈ તેજસ્વી કવિ નરસિંહની આગળ નીકળ્યા નથી કૃષ્ણ ભક્તિની રચનાઓમાં… નરસિહ મહેતાએ કૃષ્ણની બાળલીલા તેમજ શૃંગારલીલા બંને ગાઈ છે. પરબ્રહ્મ પરમાત્માના અવતારી અંશ તરીકે શ્રી કૃષ્ણનુ ચરિત્ર એમણે પોતાનાં પદોમાં અલૌકિક રીતે આલેખ્યું છે. ને નરસિંહ પોતે જ રાસલીલામાં ગોપી સ્વરુપે હાજર હોય એટલી સાહજીકતાથી ગોપીઓના વિવિધ મનોભાવાનું નિરુપણ કરીને નરસિંહે ઉત્કટ રસિકતાથી પોતાની ઉર્મિઓને લાલિત્યસભર શબ્દદેહ આપ્યો છે. માધવની મોરલી સાંભળીને ઘેલી બની જતી મહિયારણ અવળાં અંબર ઓઢીને, આંખનું કાજળ ગાલે ઘસીને કે પગનું ઝાંઝર ગળામાં પહેરીને બહાવરી બની દોડવા લાગે છે ત્યારે દેહભાન પણ વીસરી જાય છે. નરસિંહની સૂક્ષ્મ પ્રણય સંવેદના અહી પદો રુપે આવિષ્કાર પામી છે. શ્રી કૃષ્ણની બાળલીલા, દાણલીલા, રાસલીલા અને વિપ્રલભ શૃંગારની સાથે સાથે સંભોગ શૃંગારનું આલેખન પણ નરસિંહે કર્યું છે. એમાં પ્રભુ મિલન અને પ્રભુ વિરહના પદોમાં પ્રેમલક્ષણા ભક્તિનાં ઉત્કટ ઉન્મેષો પ્રગટ થયા છે. પ્રેમ ધરીને પ્રભુ સામે નાચતો નરસૈયો જન્મા જન્મ ભગવાન પાસે માનવદેહ માર્ગી‘પ્રેમરસ પાને તુ મોરના પિચ્છધર’ કહી નિઃસ્વાર્થ ભાવે પ્રેમરસની જ ઈચ્છા રાખે છે. પોતાનું પુરુષાતન લીન કરીને, સખી રુપે દેહદર્શાટાળીને નરસિંહ ગોપીઓ સાથે ભળી ગયો છે.

મીરાં મતવાલી

જનમ જોગણ મીરાં તો પ્રેમલક્ષણા ભક્તિધારામાં અદ્વિતીય આરત અને ઝંખના લઈ આવે છે. સમસ્ત ભારતીય પ્રેમલક્ષણા ભક્તિમાર્ગમાં મીરાનાં પદોનું સ્થાન પ્રથમ પંકિતનું છે. કૃષ્ણ અને ગોપીના અનેકવિધ ભાવોનું હ્રદયસ્પર્શી આલેખન એમાં જોવા મળે છે. ‘મુખડાની માયા લાગી રે મોહન પ્યારા…’ એમ ગાંતા અનુભવ કરતાં ‘દરદ દીવાની’ બની જતી મીરાએ ઉત્કટ પ્રભુ વિરહની વેદનાનાં આસું પોતાની યાદીમાં વહાવ્યાં છે. કૃષ્ણ ભગવાનની તાલાવેલી લાગતાં તેની નીંદર હરામ થઈ જાય. રડી રડીને આંખો રાતો ચોળ ચણોઠડી જેવી થઈ જાય ને ઝંખનામાં ને ઝંખનામાં ‘હૈયા ભીતર દવ જલે ખન ખન ઝરે અંગાર’ જેવી અસહ્ય પરિસ્થિતિનો એમણે અનુભવ કર્યો છે. મીરાએ વિશેષ કરીને વિપ્રલંભ શૃંગાર ગાયો છે. જો કે પ્રભુ મિલનમાં, આનંદના પદો પણ રચ્યા છે ખરાં પણ મીરાની તડપનને કોઈ કવિ ન આંબે.
સ્ત્રી સહજ લજ્જા અને આર્જવ હોવાને કારણે એનો શૃંગાર મર્યાદા ઓળંગતો નથી. કૃષ્ણને પતિ તરીકે સ્વીકારી એણે પોતાના હૈયામાં સ્થાપ્યા છે. ગુજરાતી સાહિત્યમાં જેણે ચિંરજીવ ઊર્મિકાવ્યો કહી શકાય એવું સાહિત્ય સર્જન વિપુલ પ્રમાણમાં કર્યું હોય તો એ માટે મીરાનું નામ તરત જ બેઠે ચડી જાય. પ્રેમલક્ષણા ભક્તિને ગુજરાતમાં પોતાનો કાવ્યો દ્વારા પુષ્ટ કરી એક નવું ને આગવું સ્વરૂપ આમ તો મીરાએ બાંધી આપ્યું છે.
નરસિંહ-મીરાં પછીના સમયગાળામાં જ્ઞાન, વૈરાગ્ય,યોગ અને ભક્તિના પ્રવાહો મિશ્રિત થતા જણાય છે. પદમાળાઓ, પધવાર્તા, આખ્યાન, જ્ઞાનમાર્ગી કવિતા, સાથે પ્રેમલક્ષણા ભક્તિનો પ્રવાહ પણ વહ્યો આવે છે. પાટણના વિશ્વનાથ જાની, નરહરિ, ગોપાલ જેવા જ્ઞાનમાર્ગી કવિઓએ પણ કૃષ્ણલીલા અને કૃષ્ણભક્તિની કવિઓ કરી છે. સાથોસાથ તિથિ, મહિમા, ગરબી, પદ એમ વિવિધ રુપે ગોપીભાવ અને કૃષ્ણલીલાનું સાહિત્ય રચાતું રહયું છે. રાજે, રણછાડ, રત્ના, રઘુનાથદાસ, થોભણ, મીઠા, શાંતિદાસ અને પ્રીતમ, ધીરો, ભોજો, પ્રીતમ, નિરાંત, મોતીરામ, હરિભટ્ટ, કવિ ગિરધર, સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ, મુકતાનંદ, નિષ્કુલાનંદ, પ્રેમસખી પ્રેમાનંદ અને દેવાનંદ જેવા કવિઓઓ પોતાની આગવી વૈરાગ્ય પ્રેરક ઉપદેશક વૃતિ સાથે પ્રેમ શૃંગાર ભક્તિનું ગાન પણ ગાયું છે. મુકતાનંદ સ્વામીએ ‘ઉદ્ધવ ગીતા’માં ગોપીઓના કૃષ્ણ વિરહની કથાનું આલેખન કર્યું છે. તો બ્રહ્માનંદના પદોમાં ‘લટકાવાળા તારે લટકે રે લેરખડા હું લોભાણી…’ લટકાળા હો લાલ મન મારું લીધું રે લટકે તારે… અને ‘છેલા તારું છોગું ભાળી ભાળી મોહી છું વનમાળી રે’ જેવાં અનેક પદો પ્રેમલક્ષણા ભક્તિધારાનું લાલિત્ય વધારતા રહયા છે. ‘પ્રેમસંખી’ પ્રેમાનંદ તો જાણે ગોપીનો જ અવતાર.. એના પદોમાં પ્રેમ ભક્તિમય ભાવ ચિત્રોનું આલેખન થયું છે, રવિસાહેબ, મોરારસાહેબ, ખીમસાહેબ, ભીમસાહેબ અને ત્રિકમસાહેબ પાસેથી ગુજરાતી સાહિત્યને પ્રેમલક્ષણા ભક્તિને પુષ્ટિ આપે તેવી કવિતાધારા મળતી રહી છે. અને એ પછી આવે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતા ધારાનો છેલ્લા પણ તેજસ્વી તારક સમો બંસી બોલનો કવિ દયારામ… પરમ તત્વ પરબ્રહ્મ પ્રત્યેની ભકત હ્રદયની ઝંખનાઓ આ કવિઓની કવિતા રુપે સાકાર થઈ છે. પ્રેમ ભક્તિમાં કવિએ કવિએ જુદી જુદી કક્ષાનો ખ્યાલ આવે છે. કોઈ કવિએ શૃંગાર રસને પ્રાધાન્ય આપીને મધુરા ભક્તિનું પ્રાબલ્ય પોતાની રચનાઓમાં બનાવ્યું છે તો કોઈ ભક્તોએ સખીભાવ, સખાભાવ કે દાસ્યભાવથી પ્રેમલક્ષણા ભક્તિમાં ઝપલાવ્યું છે.
આપણા સંત-ભક્તો-વિચારકોને બ્રહ્મ સાક્ષાત્કાર માટે અભ્યાસ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એમ ચાર રસ્તાઓ દ્વારા ચિત્તવૃતિઓનો નિરોધ કરવો એવો ઉપદેશ પ્રાચીન કાળથી જ આવ્યો છે. ને એ પંરપરા મુજબ સગુણ અને નિર્ગુણની ઉપાસના સદીઓથી થતી આવી છે. સગુણોપાસક ભકત જે પરમ તત્વને બહારના જગતમાં સાકાર સ્વરુપે જુએ છે. એનાં દર્શન કરે છે. એ જ તત્વને પોતાના અંતરમાં કોઈ અકળ, અનિર્વચનિય, નિરંજન જ્યોત સ્વરુપે જોનાર સંત નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક ગણાય છે. હિન્દી વિવેચનામાં નિર્ગુણ ભક્તિના ઉપાસકોને ‘સંત’ અને સમગ્ર ભક્તિમાર્ગના આરાધકોને ‘ભકત’ કહેવાની એક પરિપાટી ચાલે છે. આદિ સંત કબીર, કબીરના કોઈ અનુયાયી કે કબીર જેવા જ સિદ્ધાંતો સ્વીકારીને ચાલનારા કોઈ સંતને પોતાના ગુરુ માનીને એમના મત, નીતિ રીતિ, આચાર વ્યવહાર અને સાધનાની સીધી પંરપરામાં આવે તેને જ ‘સંત’ કહી શકાય એવું પણ પ્રચલિત થયું છે. પરંતુ એક રીતે જોઈએ તો ઉદ્દેશની દ્રષ્ટિએ આ બને પ્રકારની ઉપાસના એક જ બીજમાંથી જન્મ પામી છે એમ કહી શકીએ. અલબત સાધનાની દ્રષ્ટિએ થોડો ઘણો તફાવત લાગે પણ જે પરમ તત્વનો અનુભવ સાકાર સ્વરુપે ‘ભક્તો’ રજુ કરે છે એજ અનુભવને નિર્ગુણ કે અવ્યકત જેવા પ્રતીકો દ્વારા રજુ કરવાની મથામણ ‘સંતો’ કરતા હોય છે. પરબ્રહ્મ તો એક જ છે. જેને શ્રુતિએ ‘નેતિ નેતિ’ કહી ઓળખાવ્યા છે. આપણી ચિંતન પ્રણાલીમાં-સગુણ અને નિર્ગુણ- સાકાર અને નિરાકાર ઉપાસના વિશે ઘણી ચર્ચા વિચારણા થઈ છે.
સાકાર અને નિરાકાર બ્રહ્મની ઉપાસના વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે સાકાર બ્રહ્મની ઉપાસના-આરાધના કરનાર ભકતની સામે પોતાના આરાધ્ય દેવતા કોઈ ચોકકસ સ્વરુપે પ્રત્યક્ષ મુર્તિમાન હોય છે. એનું જે કંઈ વર્ણન કરવામાં આવે છે એને સમજવામાં સામાન્ય માનવીને મુશ્કેલી પડતી નથી. જ્યારે નિર્ગુણ ધારાના કાવ્યોમાં ભજનોમાં નિર્ગુણ- નિરાકાર અલખ નિરંજનની સાધના થતી હોવાથી એમાં જે કંઈ કરવામાં આવે છે એ પ્રતીકો દ્વારા અને કેટલીક વાર દુર્બોધ રીતે કહેવામાં આવે છે. એ સમજવું સામાન્ય માનવીને માટે સહેલું નથી. માત્ર એ આરાધના સાધનામાં પડેલા સાધકો જ સમજી શકે એવું રહસ્યમય વર્ણન એમાં થયેલું હોય છે.
સંતોની વાણીમાંથી આપણને યોગના જુદા જુદા પ્રકારોની વિભિન્ન સાધનાઓ વિષે માહિતી મળે છે. આમ તો યોગમાર્ગમાં મંત્રયોગ, હઠયોગ, લયયોગ, રાજ્યોગ, શબ્દયોગ, સમાધિયોગ, કર્મયોગ, અષ્ટાંગયોગ, સૂરત-શબ્દયોગ, સિદ્ધયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, નાદયોગ, કુંડલીની શક્તિ યોગ, શિવયોગ, તારકયોગ અને ધ્યાનયોગ, વગેરે શબ્દો વિવિધ પ્રકારો માટે વપરાયા છે. એ જ રીતે અનેક વિધ માર્ગોના પણ ઉલ્લેખ કરે છે. પિપિલીકામાર્ગ, વિહંગમ માર્ગ, મીન માર્ગ અને મર્કટ માર્ગ વગેરે જુદા જુદા રસ્તાઓ દ્વારા પરબ્રહ્મની પ્રાપ્તિ એ જ મુખ્ય લશ્ય સિદ્ધ કરવાનું ધ્યેય આપણા સંતોએ રાખ્યું છે. સમસ્ત યોગો અને માર્ગો પરસ્પર એકાન્વિત છે. વસ્તુત : જ્ઞાન, ભક્તિ અને યોગ દ્વારા આત્મ સાક્ષાત્કાર અને અનુંસધાનની ભાવના જ એમાં કામ કરે છે. સંતો કર્મયોગને માને છે. મંત્રયોગને પણ માને છે. લક્ષયોગ દ્વારા નાદ બ્રહ્મની ઉપાસના અને એ દ્વારા કુંડલીની શક્તિની જાગૃતિનું જ લક્ષ્ય નજર સામે રાખીને સંતોએ યોગમાર્ગમાં ડગલાં ભર્યા છે. એ જ રસ્તે ચાલીને ભક્તિયોગમાં નવધાની આરાધના કરી, હઠયોગમાં અષ્ટાંગ યોગ સાધીને, યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ દ્વારા ગુરુ આજ્ઞા મુજબ સાધનાક્ષેત્રમાં પ્રવેશ કરીને પરંપરાથી ચાલી આવતી વિશિષ્ટ સંત સાધનાની જ્યોત જલતી રાખી છે. યોગવિધાના સાધકો માને છે કે માનવીના શરીરમાં મેરુદંડ અથવા કરોડના હાડકામાં જુદી જુદી ગ્રંથિઆના રુપમાં નીચેથી ઉપર સુધી ક્રમાશ : મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા નામના છ ચક્રો ગોઠવાયાં હોય છે. જેની બનાવટ જુદી જુદી સંખ્યાની પાંખડીઓવાળા કમળપુષ્પ માફક થાય છે. એ બધા ચક્રોની ઉપર એટલે કે આપણા મસ્તકના સર્વોચ્ચ ભાગમાં એક સાતમું ચક્ર પણ ગોઠવાયું છે. જે એની પાંખડીઓની અધિકતાના કારણે સહસ્રાર ચક્ર કહેવાય છે. સાધક જ્યારે જુદા જુદા પ્રકારની સાધના દ્વારા કુંડલીની શક્તિને ઉર્ધ્વમુખ કરીને ઉદીપ્ત કરે છે. ત્યારે જાગૃત થયેલી આ શક્તિ મેરુદંડમાં આવેલા છયે ચક્રોને ક્રમશ વીંધીને ઉપર તરફ પ્રયાણ કરે છે. અંતમાં સહસ્રાર ચક્ર સુધી પહોચે છે. અને તેમાં લીન થઈ જાય છે. પ્રાણાયામની સાધના દ્વારા આ રીતે કુંડલીની શક્તિ જાગૃત થાય છે. ત્યારે માનવીની વિખરાયેલી વૃત્તિઓ સ્થિર બનીને કોઈ નવી જ દિવ્ય ચેતના પ્રગટાવે છે. અને સાધકને દિવ્ય અંખડ આનંદનો અનુભવ કરાવે છે. કુંડલીની શક્તિ જે માર્ગે થઈને ઉપર તરફ પ્રયાસ કરે છે રસ્તાને સુષુમણા નાડી કહેવામાં આવે છે તેને ડાબી અને જમણી તરફ ઈડા અને પિગલા નામની બે નાડીઓ પણ તેની સાથે જોડાયેલી છે. આ ત્રણે નાડીઓનું મિલન સ્થાન આજ્ઞાચક્રની પાસે છે. જેને આપણા ભજનિક સંતો ‘ત્રિકુટી’ તથા ‘ત્રિવેણી’ના નામે પોતાના ભજનોમાં ઓળખાવે છે. કયારેક કયારેક કુંડલીની શક્તિ જાગૃત થવાની સ્થિતિનું વર્ણન સૂર્ય અને ચન્દ્રના સંયોગથી ઉત્પન્ન થતી કેન્દ્રીય શક્તિઓને બ્રહ્માગ્નિ સાથે સરખાવવામાં આવે છે. અને શૂન્યમાં અનાહત ધ્વનિ સંભળાય છે. એવા વર્ણનો ભજનોમાં ઠેક ઠેકાણે થયાં છે. અખો જેને ‘બાવન થી બારો’ કહે છે તેને બાવન અક્ષરોની બાંધેલી મર્યાદામાં કેમ ઉતારી શકાય ? એ મૂંઝવણના સંતોએ સારો ઉકેલ કાઢયો છે. ‘દેખંદા કોઈ આ દિલમાંય ઝણણ ઝાલર વાગે…’ ‘ગગન મંડળમાં ગડમડ અનહદ લાગે… કે’ આ જોને ગગનમાં ગોટકા ખેલે છે જ્ઞાની જેવી પ્રતીકાત્મક ઉકિતઓ દ્વારા સંત કવિઓ પોતાના અનુભવો વર્ણવવા મથે છે.

સંત સાહિત્ય : ભક્તિપ્રધાન સંત કવિતા ધારા

ગુજરાતની સંત કવિતા ધારા વિશે વિસ્તારથી વાત કરીએ તો અનેક ગ્રંથો તૈયાર થાય. સગુણભક્તિ અને નિર્ગુણ નિરાકારની ઉપાસનાનો સમન્વય એ ગુજરાતી સંત સાહિત્યની પ્રધાન લાક્ષણિકતા છે.
ભારતીય સંતસાહિત્યના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો કબીરને આદિ સંત તરીકે ઓળખાવીને હિન્દી ભાષામાં થયેલાં સંશોધનો પ્રમાણે કબીર સાહેબ(અવ.ઈ.સ.૧૪૯૭), કમાલ(ઈ.સ.૧૪૪૮ આસપાસ), ધરમદાસ(ઈ.સ.૧૪પ૦ આસપાસ), સિંગાજી(ઈ.સ.૧પ૧૯- ૧પપ૯), દાદુ(ઈ.સ.૧પ૪૪-૧૬૦૩), બખના(ઈ.સ.૧પપ૩-૧૬૪૩), રજ્જબ(ઈ.સ.૧પ૬૭-૧૬૮૩), મલૂકદાસ(ઈ.સ.૧પ૭૪-૧૬૮ર), સુંદરદાસ(ઈ.સ.૧પ૯૬-૧૬૮૯), પ્રાણનાથ સ્વામી(ઈ.સ.૧૬૧૮- ૧૬૯૪), ધરનીદાસ(ઈ.સ.૧૬પ૩), યારીસાહેબ(ઈ.સ.૧૬૬૮-૧૭૧૩), કેશવદાસ(ઈ.સ.૧૬૯૩- ૧૭૬૮), બુલ્લાસાહેબ(ઈ.સ.૧૬૩ર-૧૭૦૯), દરિયાસાહેબ બિહારના(ઈ.સ.૧૬૭૪-૧૭૮૦), દરિયાસાહેબ મારવાડના(ઈ.સ.૧૬૭૬-૧૭પ૮), જગ જીવનસાહેબ(ઈ.સ.૧૬૮ર-૧૭૬૧),દૂલનદાસ(ઈ.સ.૧૬૬૦-૧૭૭૮),ચરણદાસ (ઈ.સ.૧૭૦૩-૧૭૮ર),સહજોબાઈ(ઈ.સ.૧૬૮૩-૧૭૬૩),દયાબાઈ(ઈ.સ.૧૬૯ર-૧૭૯૩), ગુલાલસાહેબ (ઈ.સ.૧૬૯૩-૧૭૯૩), ગરીબદાસ (ઈ.સ૧૭૧૭-૧૭૭૮), પલટૂસાહેબ(ઈ.સ.૧૭૯૩ આસપાસ), ભીખાસાહેબ(ઈ.સ.૧૭૯૧) અને તુલસીસાહેબ(ઈ.સ.૧૭૯૩-૧૮૪૩) વગેરે સંતો આ પરંપરાના વિશિષ્ટ સંત કવિઓ છે. જેમાંના કેટલાયના નામ ઉપર પંથોની સ્થાપના થઈ છે અને પોતપોતાની આગવી સાધના પરંપરા શરૂ થઈને આજ સુધી જીવંત રહી છે.
ગુજરાતી સંતસાહિત્ય ઉપર્યુક્ત ભારતીય સંતકવિઓ તથા જયદેવ, સૂરદાસ, તુલસીદાસ, નામદેવ, તુકારામ, જ્ઞાનદેવ વગેરે નાભાદાસની ભક્તમાળમાં વર્ણવાયેલા સંત ભક્તોની ભક્તિ સાધનાની અસર નીચે ઘડાતું આવ્યું છે.

મધ્યકાલીન સંતસાહિત્ય – ધર્મ સાધનાની ભાતીગળ ચૂંદડી

મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં કંઠસ્થ પરંપરાથી જળવાતી આવેલી અધ્યાત્મ સાધના સાથે જોડાયેલી સંત કવિતા-ભજનવાણીનું ઘડતર અનેક પ્રકારના એકબીજાથી ક્યારેક તદ્દન જુદી જ વિચારધારા અને સાધના પરંપરા ધરાવતા ધર્મ-પંથ-સંપ્રદાયોના અનુયાયી સંત, ભક્ત, વેદાન્તી, જ્ઞાની, યોગી, બ્રહ્મચારી, સન્યાસી, સિદ્ધ, સૂફી, ઉપદેશક અને કવિઓ દ્વારા થતું રહ્યું છે.
વૈષ્ણવ, શૈવ, શાક્ત, સંતમત, ઈસ્લામ(પીરાણા સૂફી) વગેરે પાંચ મુખ્ય શાખા ઓમાંથી અગણિત ધર્મ પંથ સંપ્રદાયોનો ઉદ્દભવ અને વિકાસ થતો રહ્યા છે. એકના એક ધર્મ કે સંપ્રદાયમાંથી સમયભેદે, સ્થળભેદે અને જાતિભેદે અનેકવિધિ ફાંટાઓ ઉદ્દભવે અને એક વિશાળ વડની જેમ એમાંથી અનેકાનકે શાખાઓ ફૂટતી રહે. ક્યારેક તો એના મૂળ સુધી કે પ્રથમના થડ સુધી પ્રત્યક્ષ અનુસંધાન પણ ન રહ્યું હોય એટલી હદે પરિવર્તન જોવા મળે.
અઘારી, આર્યસમાજી, ઉગાપંથી, ઉજાગરી, ઓલિયા, કબીરપંથી (રામકબીર અને સતી કબીરની અનેક શાખાઓ)‚ કાપડી, કાપાલિક, કેવળ, ખાખી, ગેબીપંથી, ગોદડિયા, જતિ, જંગમ, જોગી, ટાટંબરી, ટેલવા, તાપડિયા, દશનામી (ગિરિ, સાગર, વન, અરણ્ય, પૂરી, પર્વત, ભારતી, સરસ્વતી, તીર્થ કે આશ્રમ શબ્દ જેમના નામ પાછળ લાગતો હોય તેવા શંકરાચાર્યના અનુયાયી, શૈવ સંપ્રદાયના), દરિયાપંથી, દંડી, દિગમ્બરી, દાદુપંથી, દાસાપંથી, દૂધાધારી, નાથપંથી, નાગા, નિર્વાણ, નિરાલંબી, નિર્મોહી, નિમાધારી, પીરાણા, પંચરાત્ર શૈવ, પાશુપત, પ્રણામી, પૂષ્ટિમાર્ગી, ફક્કડ, ફકીર, બ્રહ્મચારી, ભૈરવ, ભભૂતિયા, ભરથરી, મહાપંથી (બીજમાર્ગી, દશા, વીસા, કાંચળિયા, કૂંડાપંથી, નિજારી, નિજિયાપંથી, મારગી, વામમાર્ગી, રામદેવપીરના પંથી) મુંડિયા, મેકાપંથી, રવિભાણ પંથી, રાધાસ્વામી, રામાનંદી (જેની બાવન જેટલી શાખાઓ મઢીઓ જે બાવન દુવારા તરીકે ઓળખાય છે તે માંહેનાં રામાવત, નિમાવત, કૂબાવત વગેરે…) રામસનેહી, રૂખડિયા, લિંગાયત, લીરબાઈપંથી, વૈરાગી, વાડીના સાધુ, વડવાળાના અનુયાયી, સૂફી, સ્વામિનારાયણ, સન્યાસી, સરભંગી અને સાંઈ જેવી અનેકાનેક પરંપરાઓની ભક્તિ, જ્ઞાન વેદાન્ત, યોગ, સહજસાધના અને તાંત્રિક ગૂઢ-ગુપ્ત સાધના વિધાનોની અસર નીચે આપણું સંત સાહિત્ય ઉદ્દભવતું વિકસતું રહ્યું છે. એમાં પણ કેટલાક ભક્ત / સંત કવિઓ પોતાના સંપ્રદાયના જ ચૂસ્ત કંઠીબંધ અનુયાયી હોય તો કેટલાક અનેક જાતની ધર્મ પંથ સંપ્રદાયની સાધનાનો પોતાના જીવન/કવનમાં સમન્વય કરનારા હોય. કેટલાક સ્વયં અનુભવસિદ્ધ હોય તો કેટલાક માત્ર પોતાની ગુરુ પરંપરાની વાણીનું આંધળું અનુકરણ કે અનુસરણ કરનારા પરંપરાના વાહકો જ હોય.
ધાર્મિક, આધ્યાત્મિક, સાંપ્રદાયિક અને સાધનાત્મક એમ ચાર વિભિન્ન પ્રવાહોમા આ કવિઓ દ્વારા સર્જન થતું રહ્યું છે. શાસ્ત્ર-પુરાણોની કથાઓ કે વેદાન્તી તત્વચિંતન ધાર્મિક અને આધ્યાત્મિક ધારાની કવિતામાં દેખાય તો પોતાના સંપ્રદાયની વિચારધારા-આચાર અને સાધના પ્રણાલીના પ્રચાર-પ્રસાર માટે પોતાના પંથ-સંપ્રદાયના ઈતિહાસ કે પૂરોગામી ગુરુ પરંપરાનો પરિચય આપતી ‘પરચરિ’ પ્રકારની રચનાઓ સાંપ્રદાયિક સંત સાહિત્યમાં આવે, સૌથી વિશેષ પ્રમાણમાં પોતાની રહસ્યવાદી સાધનાક્રિય અનુભૂતિઓનું બયાન કરતી સાધનાત્મક સંતવાણી સાંભળવા મળે.
મધ્યકાલીન ગુજરાતી સંતકવિતામાં પદ કે ભજન પ્રકારની ટૂંકી ઊર્મિકાવ્ય સ્વરૂપની રચનાઓ, અંગ, કક્કો, બારમાસી, વાર, તિથિ, મહિના જેવી દશથી પચીસ-પચાસ કડી સુધી વિસ્તરતી દીર્ઘ રચનાઓ, ‘ગુરુ મહિમા’, ‘ચિંતામણી’, ‘ગીતા’ના નામથી ઓળખાતી સાખી-દોહરા-છપ્પા-ચોપાઈ-કડવાબંધની ઓખ્યાન જેવી લાંબી રચનાઓ, ગુરુવંશાળી કે ગુરુપંરપરા દર્શાવતી સાંપ્રદાયિક રચનાઓ ગોષ્ઠિ, સંવાદ, પ્રશ્રોતરી રૂપે જ્ઞાન, વેદાન્ત, અધ્યાત્મ, સાધનાના સિદ્ધાંતોના સવાલ જવાબરૂપે માર્ગદર્શન આપતી રચનાઓ અને અન્યભાષી ભારતના અન્ય પ્રાંતના સંત કવિઓએ પોત પોતાની ભાષામાં રચેલી સંતવાણીનું અનુસરણ કે અનુવાદ રૂપે રૂપાંતરીત થયેલી ગુજરાતી રચનાઓમાં સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકારની સ્તુતિ પ્રાર્થના, ગુરુ મહિમા, યોગમહિમા, યોગમાર્ગની જુદી જુદી સાધનાઓ અંગે માર્ગદર્શન, વૈરાગ્યનો ઉપદેશ, પોતાના મનની મૂંઝવણ અને ગૂઢ રહસ્યવાદી અવળવાણી જેવું પ્રકાર અને વિષય વસ્તુનું વૈવિધ્ય આપણને જોવા મળે છે.
મધ્યયુગમાં ગુજરાતમાં અનેક પંથ-સંપ્રદાયોનો ઉદ્દભવ થયો, કેટલાક પંથ સંપ્રદાયો ભારતના અન્ય પ્રાંતોમાંથી પણ ગુજરાતમાં આવ્યા અને વિકસ્યા. એના પણ અનેક ફાંટા પ્રવાહો વહેતા રહ્યા. સાહિત્યિક, સાંસ્કૃતિક કે વિચારસરણીની દ્રષ્ટિએ સાધનાત્મક પ્રવાહો મુજબ જેમનું પ્રદાન અતિ અગત્યનું છે તેવા પંથ-સંપ્રદાયોમાં શૈવ, શાક્ત, વૈષ્ણવ, બૌદ્ધ, જૈન, સૂફી, નાથપંથ, કબીરપંથ અને પીરાણા પંથની સાથોસાથ દરેક પંથ-સંપ્રદાયની ગૂઢ ગુપ્ત અને રહસ્યમય તાંત્રિક જીવનસાધનાની અતિ લાંબી પરંપરાઓએ ગુજરાતના સંતસાહિત્યતથા ભક્તિસાહિત્યને પૂષ્ટ કરવામાં પોત પોતાની રીતે અગત્યનો ફાળો આવ્યો છે.
ગુજરાતના સંત કવિઓની ભજનવાણી-સંતકવિતાની પરિભાષાના અભ્યાસથી એ સ્પષ્ટ થાય છે કે એમાં તંત્ર અને યોગસાધનાના પારિભાષિક શબ્દો ખૂબ વપરાયા છે. શાસ્ત્રા-પુરાણોના અધ્યાત્મદર્શન કે તત્વચિંતનની અપેક્ષાએ આ લોકસંતો વિવિધ ભારતીય લૌકિક સાધના પંરપરાઓથી ખૂબ જ પરિચિત હતા. જેનો સીધા સંબંધ કાયાશોધન કે પિંડશોધનની પ્રક્રિયા સાથે હોય અને જેમાં આત્મસાક્ષાત્કારની ભૂમિકા સુધી પહોંચાડવાનો ક્રિયાયોગ સધાતો હોય એવી સહજસાધના આ સંતો ભજનિકોએ અપનાવેલી, એટલે કોઈ ચોક્કસ પંથ-સંપ્રદાયમાં દીક્ષિત થયા હોવા છતાં તેમની જીવન સાધના કોઈ ચોક્કસ વિધિવિધાન ક્રિયાકાંડ કે વિધિ નિષેધના ચોકઠામાં બંધાયા વિના અધ્યાત્મના તમામ પ્રદેશોમાં વિહરતી રહી છે. એકનો એક કવિ નિર્ગુણ-નિરાકારમાં પણ માને અને સગુણ સાકારમાં પણ. નાથપંથી હઠયોગના આસન-મુદ્રા-બંધ જાણનો હોય ને કબીરના શબ્દ સુરત યોગને પણ અનુસરતો હોય.
આવા ભજનિક સંતો દ્વારા રચાયેલી ભજનવાણી કે સંતવાણીના સર્જન પાછળ વ્યક્તિગત ઊર્મિઓને વાચા ; પરમાત્માની ઉપાસના ; માનવ કલ્યાણની ભાવના અર્થે ઉપદેશ ; પોતાની કોઈ વિચારધારા માન્યતા કે સિદ્ધાંતનું પ્રચલન ; પોતાના પંથ-સંપ્રદાય કે ગુરુની વિશિષ્ટતાઓના ગુણગાન ; પોતાના ગૂઢ ગહન યૌગિક અનુભવો પારલૌક્કિ અનુભવો લોકસમુદાય સમક્ષ મૂકી અધ્યાત્મપંથના સાધકોને માર્ગદર્શન ; પોતાની પરમતત્વ પરમચેતના પ્રત્યેની ભક્તિભાવના તથા એ અંતિમ મહાસત્ય સાથેનો પોતાનો દિવ્ય સબંધ પોતાના શિષ્યા અનુયાયીઓ સમક્ષ રજુ કરવાની ભાવના ; પોતાના મનની મૂંઝવણનો ઉકેલ શોધવાની મથામણ ; આત્મ લક્ષ્મી-માત્ર પોતાના ચિત્તને જ પોતાની જાતને જ ઉપદેશ ; પરંપરાથી ચાલ્યે આવતી દાર્શનિક વિચારધારાને આગળ ધપાવવાની મહેચ્છા ; પોતાનાં વ્યવહારિક કાર્યો ઉકેલી આપવા પરમાત્માને અરજ અને પોતાની વિટંબણાઓથી સાંસારિક કસોટીઓથી ત્રાસીને એમાંથી બહાર લાવવા ઈશ્વરને ઠપકો જેવાં તત્વો કારણભૂત છે. સંતસાહિત્ય આપણી શિષ્ટ કવિતાની માફક માત્ર સ્વાંતઃસુખાય સજાયું નથી. એક થી વધુ કારણો એના સર્જન પાછળ રહ્યાં છે.
વેદકાલીન સમયથી ચાલ્યે આવતી આત્મ સાધના અને તત્વવિચાર-ચિંતન પરંપરાઓને સહજ-સરળ લોકબોલીમાં-લોકઢાળોમાં મૂકી આપીને મધ્યકાલીન ધર્મ સાધનાના પ્રવાહને જીવંત રાખવાનું કાર્ય આપણા ભજનિક સંત કવિઓએ કર્યું છે. એની વાણીમાં ધાર્મિક આધ્યાત્મિક માર્ગદર્શન હોય, પૂરોગામી સંતો ભક્તોનો મહિમા ગવાયો હોય, શબ્દ દ્વારા સૂરતાની સ્થિરતા તલ્લીનતા કેમ પ્રાપ્ત કરવી તેનું નિદર્શન હોય અને સાત્વિક આનંદ પ્રાપ્ત કરવા માટેનાં વિધિવિધાનોની જાણકારી પણ હોય.
સંતવાણી કે સંતકવિતા જનસમુદાયમાં કંઠસ્થ પરંપરાથી જળવાતી આવી છે. વૈરાગ્ય, ભક્તિ, ત્યાગ, સેવા, સમર્પણ અને સાધનાની ઈચ્છાવાળા સંસારીઓ કે સાધુઓની મંડળીઓ દ્વારા, અધિકારીજનો દ્વારા ચોક્કસ ધાર્મિક ક્રિયાકાંડના એક ભાગ રૂપે આ વાણીનું ગાન અનિવાર્ય મનાયું છે અને તે કારણે મુખોપમુખ આ સાહિત્ય જીવંત સરવાણી રૂપે વહેતું આવ્યું છે. મંદિરો, મઠો, સંતસ્થાનો અને ભજનિકોને ત્યાં ક્યાંક ક્યાંક હસ્તપ્રતોમાં જળવાયેલું આ સાહિત્ય બહુધા ગૂઢ રહસ્યાત્મક સાધનાત્મક પરિભાષા અને ઉક્તિઓ ધરાવે છે. એની ચોક્કસ પારિભાષિક શબ્દાવલીના કોશગત, લોકપ્રચલિત અને સાધનાપરંપરાગત અર્થો જાણ્યા સિવાય એના મર્મને પૂરેપૂરો પામી શકાતો નથી.
સંતકવિતાના સર્જકો નિશ્ચિત છે. દરેક કૃતિને અંતે એ રચનાના સર્જક તથા એમના ગુરુનું નામ દર્શાવતું નામાચરણ પ્રાપ્ત થાય છે. ક્યાંક ક્યાંક સાંપ્રદાયિક દીર્ઘ રચનાઓને અંતે રચનાવર્ષ, તિથિ-વાર-મહિનો, રચ્યા સ્થળ વગેરે વિગતો પણ સંત કવિ દ્વારા મૂકવામાં આવી હોય છે.

મહાપંથ-બીજમાર્ગ-નિજારી સંપ્રદાયના જ્યોત ઉપાસક સંત કવિઓ અને સંત કવયિત્રીઓ.

ખૂબ જ પ્રાચીન સમયથી અત્યંત વ્યાપક રીતે અને છતાં ગુપ્તપણે જળવાઈ આવેલો આ ગૂઢ સાધના માર્ગ કંઠાપકંઠ રીતે ભજનવાણી, ગુપ્ત વિધિવિધાનો અને તેના ગુપ્ત લૌકિક મંત્રો દ્વારા આજ સુધી જીવંત રહ્યા છે. મહાપંથનો મુખ્ય સિદ્ધાંત છે માનવમાત્રની સમાનતા. તમામ જીવો રજ અને બીજથી ઉત્પન્ન થાય છે, સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય પણ રજ અને બીજમાં જ સમાયેલું છે, આ રજ બીજની સાચી ઓળખાણ થઈ જાય પછી કશું જ જપ-તપ-તીરથ-ધ્યાન ન કરવું પડે, પણ એ માટે સ્ત્રી કે પુરૂષ, ઊંચા કે નીચા, નાના કે મોટા, સ્વામી કે સેવક એવા ભેદ ભાંગી જવા જોઈએ. અને એટલે જ નારીની મહત્તા સ્વીકારીને એને ગુરુ સ્થાને સ્થાપીને મહાપંથમાં દીક્ષિત થઈ શકાય છે.
સતી-સાધિકા નારીના માર્ગદર્શન નીચે શક્તિશાળી પુરૂષ ‘જતિ’ બનીને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધે અને નારીને સહભાગી બનાવીને પોતાનો જન્મ સાર્થક કરે એવા આ પ્રાચીન ગુપ્ત લોકધર્મમાં સતી તોરલ, સતી રૂપાંદે, સતી લોયણ, સતી દેવળદે, સતી દાડલદે, સતી લીરલબાઈ, સતી અમરબાઈ, સતી લીરબાઈ, સતી હુરલબાઈ, સતી ગંગાબાઈ વગેરે સંત કવયિત્રીઓ દ્વારા રચાયેલી ભજનવાણીની સાથોસાથ જેસલ, રાજસ્થાનના રાવ મલ્લિનાથ/માલદે , ખીમરો કોટવાળ, દેવાયત પંડિત, અખૈયો, અમરસંગ, કડવોભગત, કાળુભગત, દેવીદાસ, મેઘ કચરો, મેઘ જીવો, મેઘ ધારવો, રૂખી રામદાસ, લખમો માળી, શીલદાસ, સરવણ કાપડી. જેવા ભજનિક સંતોની ભજનવાણી ગામડાંની ભજનમંડળીઓમાં અને બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના કે રામદેવપીરના મંડપ-પાટ- સમૈયામાં, ઠાકરથાળીમાં ગવાતી રહી છે.
સતી તોરલ : ગુજરાતના સંતસાહિત્યમાં કેટલીક સંત કવયિત્રીઓનું ભજન સર્જનક્ષેત્રે આગવું પ્રદાન છે. જેમાં તોરલને આદ્ય ગણાવી શકાય. તોરલનો સમય ઈ.સ.૧૪૦૦ની આજુબાજુનો મનાય છે. કચ્છના ઈતિહાસ મુજબ જેસલનો સમય વિ.સં.૧૪૬૦ ઈ.સ.૧૪૦૪ આસપાસનો ગણાવાય છે. રાજસ્થાનમાં વિ.સં.૧૩૮પ (ઈ.સ.૧૩ર૮)માં જન્મેલા રાવળ મલ્લિનાથ/રાવ માલદે અને સતી રૂપાંદેના સમકાલીન એવા જેસલ-તોરલ એક જ પંથ- સંપ્રદાયના સાધક પ્રવાસી છે, રાવ મલ્લિનાથે અને સતી રૂપાંદેએ વિ.સં.૧૪પ૬ ઈ.સ.૧૪૦૦માં જીવતાં સમાધિ લીધી એ પહેલાં જેસલ તોરલે સમાધિ લીધી છે.
તોરલના નામાચરણ સાથે આજે મળતી તમામ ભજન રચનાઓ તોરલનું સર્જન હશે એવું સ્પષ્ટ કહી શકાતું નથી, કારણ કે આ વાણી કંઠાપકંઠ રીતે ભજનમંડળીઓમાં ગવાતી જળવાતી આવી છે. તેના પાઠ નિશ્ચિત નથી, એક પાઠાંતરો-રૂપાંતરો મળે છે, છતાં મહાપંથી વિચારધારા મુજબનાં ચાર જુગના ચાર પાટ, એના ભક્તો, જ્યોત પાટની ગુપ્ત ઉપાસના, વૈરાગ્ય અને સાધનાનો ઉપદેશ, ગુરુની અનિવાર્યતા અને સદ્દગુરુ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ તથા સમર્પણ જેવાં તત્વો તોરલને નામે મળતી ભજન રચનાઓમાંથી પ્રાપ્ત થાય છે. ‘હે વીરા ! નર સચિયારા તમે સાચું વોરો રે…’, ‘જેસલ કરી લે વિચાર માથે જમ કેરો મારે…’, ‘તોળી કયે પરીક્ષા કરો ને નર પૂરા…’, ‘એ જી તમે વિસવાસી નર ને કાં રે વેડો માણાં રાજ રે…’ જેવાં અનેક ભજનો લોકકંઠે સચવાયાં છે.
લીરલબાઈ : ગુજરાતી ભજનસાહિત્યમાં લોકભજનિકોની કંઠસ્થ પરંપરામાં સચવાયેલાં સંત કવયિત્રીઓનાં ભજનોમાં લીરલબાઈ, નીરલબાઈ, લીરબાઈ, લીળલબાઈ, લીલમબાઈ વગેરે એકથી વધુ સમાન નામો ધરાવતાં નામાચરણોવાળાં ભજનો ગવાય છે, એમાં ખાસ કરીને ત્રણ સંત કવયિત્રીઓની વાણી એક બીજીમાં ભળી ગઈ છે. ત્રણે ભજનિક સ્ત્રી સંતો મહાપંથની સાધનાધારા સાથે સંકળાયેલાં ભજનોમાં પાર વિનાના ફેરફારો કે ભેળસેળ થઈ છે.
સમયની દ્રષ્ટિએ પ્રથમ આવે જૂનાગઢ પાસેના મજેવડી ગામે જેમની સમાધિ છે તે દેવતણખી લુહારનાં દીકરી, મારવાડી સંત ભાટી ઉગમશી અને તેમના શિષ્ય શેલર્ષિ (લોયણનાં ગુરુનું નામ પણ શેલર્ષિ મળે છે.) નાં શિષ્યા અને દેવાયત પંડિત સાથે સંકળાયેલાં નીરલબાઈ કે લીરલબાઈ ૧. એમના જ સમકાલીન મનાતા બીજાં લીળલબાઈ ર. તે ઈંદોર / ચિત્તોડગઢ / મેવાડ / આબુગઢના રાણા કુંભાનાં રાણી અને બુંદી કોટાના રાજા જેમલ રાઠોડની દીકરી. જે સંત વાસુકી લોબડિયાનાં શિષ્ય હતાં અને જેમની રચનાઓ ‘સૂરજારાણીનાં/લીલમબાઈનાં સપનાં’ તરીકે જાણીતી છે તે ભક્તનારી. ઈ.સ.પંદરમી સદી ઉત્તરાર્ધથી સોળમી સદી પૂર્વાર્ધમાં તેઓ હયાત હતા એમ મનાય છે. ત્રીજાં સંત કવયિત્રી પોરબંદર પાસેના મોઢવાડા ગામે મેર જ્ઞાતિમાં જન્મેલાં લીરબાઈ ૩. પરબના સંત દેવીદાસ ઈ.સ.૧૭રપ થી ૧૮૦૦ ની શિષ્ય પરંપરામાં જીવણદાસના શિષ્યા થયાં. અને ઈ.સ.૧૮૭૬માં રાણા કંડોરણા ગામે જીવતાં સમાધિ લીધેલી.
ગુરુ ઉગમશીના શિષ્ય શેલરશી શેલર્ષિ શેલણશીનાં શિષ્યા લીરલબાઈના નામે કંઠસ્થ પરંપરામાં ‘એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે રંગાવો રામા ચૂંદલડી…’, ‘કાચી રામ કોણે ઘડી તારી કાયા…’, ‘જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો રે…’ જેવી ભજન રચનાઓ મળે છે. ગુરુ ઉગમશીનાં શિષ્યા તરીકેનાં નામાચરણો ધરાવતી કથાત્મક અંશો ધરાવતી ભજનવાણી રાણા કુંભાનાં રાણી લીરાયબાઈ કે લીલમબાઈને નામે પણ મળે છે.
કુંભારાણા હાં… સતના વિસવાસે સદા ઋષિ મુનિ સીધ્યા રે… ! ભજનમાં સૃષ્ટિની ઉત્પત્તિની સાથોસાથ મેઘવાળ જ્ઞાતિના સંતોનું મહાત્મ્ય ગવાયું છે, મેઘધારુ, ખીમરો કોટવાળ, રોહિદાસ ચમાર, મેઘ માયો, મામૈદેવ, ડાલીબાઈ, મેઘ ધારવો વગેરે સંતો સાથે જોડાયેલા પરચાઓની દંતકથાઓ આ ભજન આપે છે ‘કુંભારાણા મેલો દલડાની ભ્રાંત રે હાં, એવા મેવાડે મયલપાટ માંડીયો…’, ‘જનમનો સંગાથી કુંભારાણા કોઈ નથી…’, ‘ભલો રે મેવાડ ગઢનો રાજા રાણો કુંભો…’ જેવી કથાત્મક રચનાઓ અને ‘સૂરજારાણીનાં સપનાં’ નામે ઓળખાતાં એક જ ભજનના પાંચ ખંડમાં બીજમાર્ગી પાટ ઉપાસકોમાં પ્રચલીત નકળંગ અવતારના પ્રાગટયની માન્યતા મુજબની ભવિષ્યવાણી છે. ઈ.સ.૧૮૭૬માં જેમણે જીવતાં સમાધિ લીધી તેવાં પરબ સંતસ્થાનના અનુયાયી કવયિત્રી લીરબાઈને નામે ‘ગુરુ મારા સતની વેલડિયે, એવાં રૂડાં દત્ત ફળ લાગ્યાં રે હાં…’, ‘રમતો જોગી રે ક્યાંથી આવ્યો રે, આવી મારી નગરીમાં અલેખ જગાયો રે વેરાગણ હું તો બની…’, ‘હાં હાં રે ગુરુજી આજ મારે આંગણે મોટા મુનિવર મળ્યાં રે હાં…’, હીરલા દેખીને તમે વણજું કરી લેજો વીરા… ‘મારા શબદુંના સોદાગર…’ અને ‘અધૂરિયાં સે નો હોય દલડાંની વાતું મારી બાયું રે, નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે જી…’ જેવાં ભજનોમાં પરંપરિત મહાપંથી જ્યોત ઉપાસક પાટધર્મી ઉપાસકોની માન્યતા મુજબનો વૈરાગ્ય ઉપદેશ, ગુરુ મહિમા અને નિર્ગુણ નિરાકારની ઉપાસનાનું રહસ્ય દર્શાવ્યું છે.
સતી લોયણ : મહાપંથી સંત કવયિત્રીઓમાં ભજન રચયિતા તરીકે લોયણનું નામ પણ ખૂબ જ આદરથી લેવાય છે. જેનો ચોક્કસ સમય પ્રાપ્ત નથી એવાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામે લુહાર જ્ઞાતિમાં જન્મેલાં સતી લોયણે લાખાને ઉદ્દેશીને ઊંચી કોટિનું તત્વજ્ઞાન અને સાધનાનું માર્ગદર્શન આપતાં ચોરાશી જેટલાં ભજનોનું સર્જન કર્યું હોવાનું મનાય છે. જેમાં નિજિયાપંથની ઓળખ, ગુરુ અને ગુરુગામ, શિષ્યની લાયકાત, રહેણી અને કરણી, યોગની ક્રિયાઓ, બ્રહ્મનું રહસ્ય, માયા, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને પરમતત્વની પ્રાપ્તિનો આનંદ જેવા વિષયો ઉપર ક્રમશ : સાધનાનું માર્ગદર્શન અપાયું છે. ‘હે જી રે લાખા ! ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધા હો… જી…, તમે મન રે પવનને બાંધા રે હાં…’, ‘જી રે લાખા ! પ્રથમ સદ્દગુરુના પાય પૂજીને જી, તમે મનવાંછિત ફલ માગો રે હાં…’, ‘જી રે લાખા ! મૂળ રે વચનનો મહિમા છે મોટો રે જી…’ જેવાં ભજનોમાંથી ભક્તિનો માર્ગ, સદ્દગુરુની સાન, જ્ઞાન, ભક્તિ અને યોગમાં શિષ્યની પાત્રતા અને પિંડશોધનની પ્રક્રિયાનો માર્ગ દર્શાવ્યો છે. લોયણના ગુરુ તરીકે ભજનોના નામાચરણમાં શેલણશી/શેલર્ષિ/શેલાણી જેવાં નામો મળે છે. લોયણના સમયગાળા વિશે કોઈ ચોક્કસ પ્રમાણો મળતાં નથી, લોકકંઠે સચવાયેલી અનેક દંતકથાઓમાં એમના જીવન પ્રસંગો ચમત્કારમૂલક ઘટનાઓ સાથે વર્ણવાયા છે. લોયણના નામે મળતી ભજન રચનાઓમાં કેટલીક તો કથાકાર કે આખ્યાનકાર પુરાણી પંડિત કવિ દ્વારા રચાઈ હોય એવો શાસ્ત્ર પુરાણોની વેદાન્તી પરિભાષાનો વિનિયોગ એમાં થયો છે. ઉપનિષદ, ગીતા, ભાગવત, સાંખ્યદર્શન, અષ્ટાંગ યોગ વગેરે વિશેના પ્રશ્ર અને જવાબ એ રીતે સંવાદ પદ્ધતિમાં પણ કેટલાક ભજનો રચાયાં છે.
ભજનિક સંત કવિ મૂળદાસ : ગુજરાતી ભજન સાહિત્યમાં અત્યંત મહત્વનું સ્થાન અને માન ધરાવનારા સંત કવિ મૂળદાસજી (જન્મ : ઈ.સ.૧૬પપ અવ. ઈ.સ.૧૭૭૯)નો જન્મ અમરેલી જિલ્લાના ઉના પાસેના આમોદરા ગામે લુહાર જ્ઞાતિમાં થયેલો. વિવાહ પછી વૈરાગ્ય જાગતાં ગૃહત્યાગ કર્યો, અને પર્યટન કરતાં કરતાં ગોંડલના રામાનુજી સંપ્રદાયના સાધુ લોહલંગરી જીવણદાસજી પાસે દીક્ષા લીધી. ગુરુ આજ્ઞાએ પત્નીને સાથે રાખી અમરેલી ગામે જગ્યા બાંધી અને વિ.સં.૧૮૩પમાં ચૈત્ર સુદી ૯ ના દિવસે અમરેલીમાં જ જીવતાં સમાધિ લીધી. ભક્ત, જ્ઞાની, ઉપદેશક, વિચારક અને વિવિધ સંપ્રદાયોના અધ્યાત્મમાર્ગના સમન્વય કર્તા વૈરાગી લોકસંત તરીકેનું બહુરંગી વ્યક્તિત્વ ધરાવનારા મૂળદાસજીએ શ્રીમદ્દ ભાગવતના સ્કંધોનો ગુજરાતી પદબંધોમાં અનુવાદ, શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો પદબંધમાં ભાવાનુવાદ, પ્રભાતી, રામગરી, ગરબી, કીર્તન, બારમાસી, ભજન, ધાળ જેવા પ્રકારોમાં પદમાળાઓ કે છૂટક ભક્તિ પદોનું સર્જન કર્યું છે. કૃષ્ણ ભક્તિ, વૈરાગ્યબોધ, ગુરુમહિમા અને મહાપંથી બીજમાર્ગી આરાધવાણી ઉપરાંત કટારી, ચૂંદડી, વિવાહ જેવાં રૂપકગર્ભ પદો ભજનો તથા સધુક્કડી હિન્દી ગુજરાતીમાં પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહપદો આપનારા મૂળદાસજી વેદાન્તી જ્ઞાનમાર્ગી અને ભક્તિમાર્ગી બંને શાખામાં સમાન રીતે વિહાર કરે છે.
‘આદ્ય ઓંકાર તે અનંતમાં એક છે, જૂજવા શબ્દને સર્વ સાધે…’ ‘વૈરાગ્યના પદને વિઘન આડાં ઘણાં, કટણ બંધ કામના કોક છૂટે…’, ‘મેલ તું મેલ તું માન મનનું પરૂં, મન કરમ વચનથી ફેર માળા…’, ‘બેની મારા રૂદિયામાં લાગી રે, મેરમની ચોધારી મારે કાળજે કટારી…’, ‘પ્રીતમ વરની ચૂંદડી રે મહાસંતો વોરવાને મળીયા રે…’, ‘સૂંદરવરની ચૂંદડી સરવે ઓધારણ ચૂંદડી…’, ‘હરિ વેણ વાય છે રે હો વનમાં…’ જેવી ભજન રચનાઓ નરસિંહ મહેતા સાથે ઉજ્જવળ અનુસંધાન ધરાવે છે. ગરબી પ્રકારનાં પ્રેમલક્ષણા ભક્તિનાં પદો શ્રીમદ્દ ભાગવતની અસર નીચે રચાયાં છે, જેમાં ગોપી વિરહ, ચીરહરણલીલા, ઉદ્ધવ સંદેશ અને પિયુ મિલનનો આનંદ વર્ણવાયો છે. ‘જી રે વટાવડા વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ ન કીજિયે રે…’, ‘જી રે જીવતાં મરો ભાવે ભક્તિ કરો જન તમે અજરા જરો…’, ‘જી રે આ નાટક નવરંગી છે…’ વગેરે આરાધી ભજનો મહાપંથનું મહાપંથનું તત્વજ્ઞાન અને સાધનાધારા સાથે અનુસંધાન ધરાવે છે.
રવિ-ભાણ સંપ્રદાયની ભજનવાણી : ગુજરાતમાં કબીરની વિચારધારા અને શબ્દ સાધનાનો પ્રચાર પ્રસાર કરનાર રામકબીર શાખાના સંતકવિ ભાણસાહેબ (જ.ઈ.૧૬૯૮ અવ.ઈ.૧૭પપ), તેમના પુત્ર શિષ્ય ખીમસાહેબ (જ.ઈ.૧૭૩૪ અવ.ઈ.૧૮૦૧) અને તેજસ્વી શિષ્ય સંત કવિ રવિસાહેબ (જ.ઈ. ૧૭ર૭ અવ.ઈ.૧૮૦૪) દ્વારા સ્થપાયેલ રવિ ભાણ સંપ્રદાયના કવિ સંતોએ તળપદી લોકબોલીમાં જ્ઞાન, ભક્તિ, યોગસાધના, ગુરુમહિમા, વૈરાગ્ય ઉપદેશ અને પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ મિલનના ભાવો વર્ણવતાં અસંખ્ય પદો ભજનોનું સર્જન કર્યું છે. આ સંપ્રદાયના સંતોના નામ પાછળ ‘સાહેબ’ શબ્દ લાગે છે, જે કબીરપંથનો પ્રભાવ દર્શાવે છે.
ચરોતર પ્રદેશના કનખિલોડ ગામે લોહાણા જ્ઞાતિમાં કલ્યાણદાસ ઠક્કરને ત્યાં ભાણ સાહેબનો જન્મ થયેલો. કબીરસાહેબની શિષ્ય પરંપરામાં પદ્મનાભથી ચાલી આવેલી એક શાખા ગુજરાતમાં ઊતરી અને તેમાં દૂધરેજના નીલકંઠસ્વામી, રઘુનાથસ્વામી, યાદવસ્વામી અને તેમના શિષ્ય થયા ષટપ્રજ્ઞ સ્વામી. જેને લોકસમુદાય છઠ્ઠાબાબા કે આંબા છઠ્ઠાના નામથી ઓળખતો. તેમની પાસે ર૬ વર્ષની વયે ભાણસાહેબે વિ.સં.૧૭૮૦માં દીક્ષા લીધી. રામકબીર મંત્રની કંઠી બાંધ્યા પછી ભાણદાસ ‘ભાણ સાહેબ’ કહેવાયા. ભાણ સાહેબે વધુ ભજનોનું સર્જન નથી કર્યું, એમના નામાચરણ સાથે ચૌદેક ભજનો મળે છે, પરંતુ ભજનિક સંતોની એક સુવિશાળ પરંપરા ઊભી કરવાનું શ્રેય ભાણ સાહેબને જાય છે. કબીરના જ્ઞાનમાર્ગી અધ્યાત્મબોધ, વૈરાગ્ય અને યોગસાધના થા ગુરુમહિમા વિષયક ભજનોમાં ‘સતગુરુ સાહેબ સોઈ મળ્યા જેણે અમ્મર નામ ઓળખાયો રે…’, ‘તમે કૂડ કાયાનાં કાઢા રે વીરા ! આપ્યો આષાઢા…’, ‘મન તું રામ ભજીલે રાણા તારે ગુણ ગોવિંદનાં ગાણાં…’, ‘એક નિરંજન નામે જ સાથે મન બાંધ્યા હે મારો રે…’ તથા ‘સતગુરુ સાહેબ સઈ કર્યા જેને પ્રેમ જ્યોત પરકાશી રે…’ જેવાં ભજનો ખૂબ જ લોકપ્રિય થયાં છે. જ્ઞાન, ભક્તિ, યોગ, ઉપદેશ અને આતમ અનુભવની જ્યોત પ્રગટાવનારા ભાણ સાહેબની શિષ્ય પરંપરામાં બે શાખાઓ ચાલી નાદ શિષ્ય રવિસાહેબ દ્વારા નાદ શિષ્યોની અને બુંદ શિષ્ય ખીમ સાહેબ દ્વારા નાદ તથા બુંદ એમ બંને પ્રકારના શિષ્યોની તેજસ્વી સાધક સંત ભજનિકોની.
રવિસાહેબ અને તેમની શિષ્ય પરંપરા : ભાણ સાહેબના સમર્થ શિષ્ય અને સમગ્ર સંપ્રદાય સાથે જેમનું નામ જોડાયું છે તેવા તેજસ્વી સંતકવિ રવિસાહેબનો જન્મ આમોદ તાલુકાના તણછા ગામે વીસા શ્રીમાળી વાણિક જ્ઞાતિમાં, પુષ્ટિમાર્ગી વૈષ્ણવધર્મના અનુયાયી મંછારામને ત્યાં વિ.સં.૧૭૮૩માં મહાસુદી ૧પ ને ગુરુવારે ઈ.સ.૧૭ર૭માં થયેલો. ઈ.સ.૧૭૮૪માં રવિસાહેબે ભાણસાહેબ પાસે રામકબીર દીક્ષા લીધી. ચારસો જેટલાં ગુજરાતી હિન્દી ભક્તિપદો ભજનોની રચનાઓ ઉપરાંત આખ્યાન પ્રકારની દીર્ઘ કડવાંબદ્ધ કૃતિઓમાં રવિસાહેબે પોતાનું સાંપ્રદાયિક તત્વજ્ઞાન વર્ણવ્યું છે. જેને સંપ્રદાયના અનુયાયીઓ ‘રવિગીતા’ને નામે ઓળખે છે તે ‘ભાણગીતા’ ચોપાઈ ઢાળ દુહા અને સાખીના રચનાબંધમાં એકવીશ કડવામાં ગુરુમહિમાની સાથે તત્વચર્ચા અને સાધના માર્ગદર્શન આપતી કૃતિ છે. ઉપરાંત ‘આત્મલક્ષ ચિંતામણિ’, ‘રામગુંજાર ચિંતામણિ’, ‘બોધ ચિંતામણિ’, ૭૦ ચોપાઈ, ૧ર સાખીના બંધમાં સાત વિશ્રામની ‘ગુરુ મહિમા’ (ર.ઈ.૧૭પર), ‘મનઃસંયમ-તત્વસાર નિરુપણ’ જેવી સધુકકડી હિન્દી ગુજરાતી ભાષામાં લખાયેલી રચનાઓમાં જ્ઞાન, યોગ અને ભક્તિનો ત્રિવેણી સંગમ થયો છે. પોતાના ગુરુ ભાણસાહેબનું ચરિત્ર વર્ણવતો ગ્રંથ ‘ભાણ પરચરિ’ (અપ્રકાશિત) જેના છેલ્લા ચાર વિશ્રામ ખીમસાહેબના પ્રપૌત્ર સુંદરદાસે પૂર્ણ કરેલા. આ સંપ્રદાયમાં અધિકૃત ઈતિહાસ તરીકે જાણીતો છે.
રવિસાહેબની વાણીમાં અગમ નિગમનાં રહસ્ય, તત્વજ્ઞાન, યોગ સાધનાના અનુભવો અને સાધના અંગે માર્ગદર્શન અપાયું છે. નિર્ગુણ સાકાર પરમતત્વનો વિરહ અને બ્રહ્મમિલનનો આનંદ વ્યક્ત કરતાં ભક્તિપદો ઉપરાંત પ્રેમલક્ષણા ભક્તિનાં શ્રીમદ્દ ભાગવતના દશમસ્કંધ આધારિત ભાવગીતો જેવી રચનાઓમાં વેદાન્તી જ્ઞાનમાર્ગી હઠયોગ, વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિ અને સૂફીઓની મસ્તીભરી અલ્લડતાં દર્શન થાય છે.
‘આનંદ ઘડી હેતે ભજવા હરિ…’, ‘એવો પ્યાલો મેં તો પીધો રે…’, ‘સંતો ગુરુ ગમ લહે સો જ્ઞાની…’, ‘રવિએ રમતાં દીઠો રે બાવો છે ઝીણો…’, ‘સુરત સખી જેની ચડી આસમાને…’, ‘સતગુરુ સાથે રે બાઈ ! મારે પ્રીતડી…’, ‘સખી ! સાંભળને કહું એક વાતડી…’, ‘મેં માનુની રે મેં ભેદન પનિહાર…’, ‘અસલ ફકીર મેં આદ દરવેશા…’, ‘જી રે એના ઘડનારા ને તમે પરખો જી રે રામ, કોણે બનાવ્યો પવન ચરખો…’ જેવાં અનેક ભજનો લોકભજનિકો દ્વારા ભજન મંડળીઓમાં ગવાતાં રહે છે. જેમાં જ્ઞાન વૈરાગ્યનો બોધ, યોગ, ગુરુમહિમા અને નિર્ગુણવાદી સંતો તથા સગુણવાદી ભક્તોની ભક્તિસાધનાનો મહિમા ગવાયો છે.
વડોદરા પાસેના શેરખી ગામે રવિ ભાણ સંપ્રદાયની પ્રથમ ગાદી ઉપર મહંત તરીકે બિરાજીને રવિસાહેબે કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતના ગામડાંઓ સુધી પોતાની જ્ઞાન-ભક્તિ-યોગ- સેવા અને સાધનાની સરવાણીઓ વહાવેલી. ૭૭ વર્ષની વયે વિ.સં.૧૮૬૦ ઈ.સ.૧૮૦૪માં રવિસાહેબે વાકાંનેરમાં દેહત્યાગ કર્યો અને જામનગરના ધ્રોલ પાસેના ખંભાલીડા ગામે મોરાર સાહેબની જગ્યામાં સમાધિ અપાઈ.
રવિસાહેબના અગિયાર જેટલા મુખ્ય શિષ્યોની શિષ્ય પરંપરાઓમાં ઘણા સંત ભજનિક કવિઓ થયા છે. જેમાં મોરારસાહેબ(ખંભાલીડા), ગંગારામજી(રાપર), લાલસ્વામી (પાટણ) મુખ્ય છે. ઈ.સ.૧૭પ૮માં બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામે વાઘેલા રજપૂત જ્ઞાતિમાં જન્મેલા માનસિંહ એ રવિસાહેબ પાસે એકવીશ વર્ષની વયે દીક્ષા લીધી અને મોરારસાહેબ નામે ધારણ કર્યું. ગુરુ આજ્ઞાએ ધ્રોલ પાસેના ખંભાલીડા ગામે આશ્રમની સ્થાપના કરી. ઈ.સ.૧૮૪૯માં જીવતાં સમાધિ લીધી.
મોરારસાહેબની રચનાઓમાં જ્ઞાનમાર્ગી તત્વચર્ચા અને ગુરુ મહિમાની સાથોસાથ વિશેષત પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો મળે છે. ખાસ કરીને પરંપરિત ‘પરજ’ના ઢંગમાં રચાયેલાં વિરહપદો ‘લાવો લાવો કાગળિયો ને દોત લખીએ હરિને રે, એવો શિયો રે અમારો દોષ, પાછા ફેરો ન આવ્યા ફરીને રે…’, ‘મારું ચિતડું ચોરાયલ રે કોડીલા વર કાનજી સે…’, ‘કહો ને ઓધવજી અમે કેમ કરીએ. જી રે મનડાં હેરાણાં મારાં મોરલીએ…’, ‘ઓધા અરજ હમારી રે મોહન મુખસેં કેનાં…’માં મોરારસાહેબની પ્રભુ વિરહની ઝંખના વ્યક્ત થઈ છે. ભજન, પદ, આરતી, ગરબી, બારમાસી ઉપરાંત ઈ.સ.૧૮૧૯માં ‘ચિંતામણિ’, ‘ગુરુમહિમા’ અને જ્ઞાન વૈરાગ્યની સાખીઓ, કુંડળિયા, છંદ જેવી દીર્ઘ પ્રકૃતિઓનું સર્જન પણ મોરાર સાહેબે કર્યું છે.
મોરારસાહેબના શિષ્યામાં ખીમસાહેબના પ્રપૌત્ર સુંદરદાસજી, ટંકારાના જીવાભગત ખત્રી અને ચરણદાસજી, જોડિયાના લોહાણા ધરમશી ભગત જેવા ભક્ત કવિઓ મુખ્ય છે. નેકનામ ગામના સંધી મુસ્લિમ ભક્ત કવિ હોથી અને સુરેન્દ્રનગર જિલ્લાના વાવડી ગામના વણકર ભક્ત કરમણ ભગતે પણ ભજનોની રચના કરી છે. કરમણના શિષ્ય લખીરામના ‘પ્યાલા’ પ્રકારના ભજનો ખૂબ જ લોકપ્રિય રચનાઓ તરીકે ભજન મંડળીઓમાં ગવાય છે. જેમાં હોથીનાં ‘સમરૂં તો સુધરે મનખા મેરા અલ્લા હો નબીજી…’, ‘આ તે રંગ શેનો રે બીબે બીજી ભાત પડી..’, ચરણ સાહેબનાં ‘અબ તો મનવા મેરા કર સદ્દગુરુ સેં હેત…’ અને લખીરામનાં ‘બેની ! મું ને ભીતર સતગુરુ મળિયા રે…’, ‘મન મતવાલો પ્યાલો ચાખીયો પ્યાલો પ્રેમ હુંદો પીધા રે…’ મુખ્ય છે.
ખીમસાહેબ અને તેમની શિષ્યપરંપરા : ભાણસાહેબના પુત્ર અને શિષ્ય ખીમસાહેબ પણ સમર્થ કવિ હતા. ઈ.સ.૧૭૩૪માં શેરખી અથવા વારાહી ગામે તેમનો જન્મ થયેલો. પાછળથી ખીમસાહેબે રવિસાહેબ પાસેથી સાધના દીક્ષા લીધેલી. રામ કબીર પરંપરાનો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અને યોગસાધના તથા ગુરુમહિમાના ગાન સાથેનાં વૈરાગ્ય ઉપદેશનાં પદો ભજનો ઉપરાંત કાફી, ગરબી, આરતી જેવા વિવિધ પ્રકારોની કૃતિઓનું સર્જન ખીમસાહેબે કર્યું છે. જ્ઞાનમાર્ગી ચિંતનાત્મક કૃતિ ‘ચિંતામણી ઈ.સ.૧૭૭૦માં રચાયેલી સધુક્ક્ડી હિન્દી ભાષામાં સાખી ચોપાઈબંધની પ૮ કડીની દીર્ઘ રચના છે. ખીમસાહેબે રવિસાહેબેના આદેશથી ઈ.સ.૧૭૮૧માં કચ્છ વાગડના રાપર ગામે ‘દરિયા સ્થાન’માં જગ્યા બાંધી ‘ખલક દરિયા ખીમ’ તરીકે ઓળખાયેલા. ‘મું ને ભેટયા સદગુરુ ભાણા, દિયા મોરછાપ પરવાના…’, ‘જુઓને ગગનાં હેરી જ્યાં બાંસુરી બાજે ઘેરી…’, ‘આતમ હીરલા પાયા સંતો…’, ‘જા મુખસે સિયારામ ન સમર્યા તા મુખમેં તો ધૂર પરી…’ અને ‘હે રામૈયા તોજા રંગ તો ઘણા રે વેરેં વેરેં કુરબાન…’ જેવી ભજન રચનાઓમાં જ્ઞાન, ભક્તિ અને યોગનો સમન્વય થયો છે.
ખીમસાહેબના શિષ્યોમાં પુત્ર શિષ્ય મલુકદાસજી, અને હરિજન સંત કવિ ત્રિકમસાહેબ મુખ્ય છે. કચ્છના વાગડજિલ્લાના રામવાવ ગામના હરિજન ગરોડા જ્ઞાતિમાં જન્મેલા સંત કવિ ત્રિકમસાહેબે ચિત્રોડ ગામે જગ્યા બાંધેલી, તેમના પ્રવેશથી રવિ-ભાણ સંપ્રદાયમાં ‘વાડીના સાધુ’ની પરંપરા શરૂ થઈ, ત્રિકમશિષ્ય ભીમસાહેબ અને ભીમસાહેબના શિષ્ય દાસી જીવણ જેવા તેજસ્વી સંત કવિઓ આ પરંપરામાં થયા. ત્રિકમસાહેબની ભજન રચનાઓમાં ગુરુ મહિમાનું ગાન અને યોગસાધનાના અલૌકિક બયાન મુખ્ય છે. ‘દેખો ખાવંદા કા ખેલ, દરશન બ્હાર મેં તો દેખ્યા…’, ‘ત્રિવેણીના તીરમાં મોતીડાંની હાર…’, ‘હે જી મારા ગુરુજીએ પાયો રે અગાધ, પ્યાલો દૂજો કોણ પીવે ?…’, ‘તારો રે ભરોંસો મુંને ભારી એવો ગરવો દાતાર ગિરનારી રે…’, ‘આવી આવી અલેખ જગાયો બેની ! અમારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે…’ વગેરે અસંખ્ય ભજનરચનાઓ લોકકંઠે ટકી રહી છે. ત્રિકમસાહેબે ઈ.સ.૧૮૦રમાં રાપર જગ્યામાં જીવતાં સમાધિ લીધી હોવાનું મનાય છે. ત્રિકમસાહેબના મુખ્ય શિષ્ય થયા મોરબી પાસેના આમરણ ગામના હરિજન ગરોડા જ્ઞાતિમાં ઈ.સ.૧૭૧૮માં જન્મેલા ભીમસાહેબ. જેમણે ઈ.સ.૧૭૮૪માં ‘ચિંતામણિ’ ઈ.સ.૧૮૦૬માં ‘ગુરુ શિષ્ય ગોષ્ઠી’ ગ્રંથોની રચના કરી છે જે આજ સુધી અપ્રકાશિત છે. ‘સુન લે સુખમના નારી મેં તો અજબ નામ પર વારી…’, ‘ઊઠત રણુંકાર અપરંપારા, અખંડ આરતી બાજે ઝણુંકારા…’ અને દાસી જીવણને સાધનાનો ઉપદેશ આપતું ભજન ‘જીવણ ! જીવને જ્યાં રાખીએ, વાગે અનહદ તૂરા રે…’ જેવાં શબ્દસૂરત યોગના અધ્યાત્મ અનુભવોને વાચા આપતાં પદો ઉપરાંત ગુરુ મહિમાનાં ભજનો, પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ મિલન પદો અને ત્યાગ વૈરાગ્યનો બોધ આપતાં ચેતવણીનાં ઘણાં ભજનો હસ્તપ્રત ભંડારોમાં સચવાયાં છે. ભીમસાહેબની વિશેષ ખ્યાતિ તો સમર્થ સંતકવિ દાસી જીવણના ગુરુ તરીકેની છે.
દાસી જીવણ : ખીમસાહેબની શિષ્ય પરંપરામાં ત્રિકમ શિષ્ય ભીમસાહેબ પાસે દીક્ષા લઈને મધ્ય સૌરાષ્ટ્રના ગોંડલ પાસેના ઘોઘાવદર ગામના હરિજન ચમાર જ્ઞાતિમાં જન્મેલા સંત કવિ દાસી જીવણે (જ.ઈ.૧૭પ૦ સમાધિ ઈ.૧૮રપ) સગુણ અને નિર્ગુણ – સાકાર અને નિરાકાર એમ બંને અધ્યાત્મ સાધના પ્રવાહોનો સમન્વય સાધીને પુરૂષ હોવા છતાં દાસીભાવે-રાધાભાવે પરમતત્વની ઉપાસના કરી છે. નિર્ગુણ સાકાર કે સગુણ નિરાકાર પરમ ચેતના આ સંત કવિની વાણીમાં નિરનિરાળાં રૂપો ધારણ કરે છે. યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા, બોધ ઉપદેશ, તત્વચિંતન, ભક્તિ અને ભક્ત મહિમા અને વિશેષપણે પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ પદો તથા હરિમિલનનો કેફ વર્ણવતો ‘પ્યાલા’ પ્રકારની મસ્તી દર્શાવતી પોણાબસો જેટલી ભજન રચનાઓ લોકભજનિકોને કંઠે આજે પણ જીવંત પ્રવાહ રૂપે કંઠસ્થ પરંપરાથી જળવાતી આવી છે.
‘અમારાં રે અવગુણ રે ગુરુજીનાં ગુણ તો ઘણાં હો જી…’, ‘સતગુરુએ મુંને ચોરી શીખવાડી, જ્ઞાન ગણેશિયો ઘડાયો રે…’, ‘મારા ગુરુજીની બલિહારી…’, ‘કહોને ગુરુજી મારું મનડું ન માને મમતાળું…’, ‘અજવાળું રે હવે અંજવાળું ગુરુજી તમ આવ્યે મારે અંજવાળું…’ જેવાં ગુરુ મહાત્મ્યનું ગાન કરતાં ભજનો, ; ‘દેખંદા કોઈ આ દિલ માંય ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…’, ‘અબધૂ રણ રણ રણ રણ વાગે…’, ‘જા સોહાગણ જા રે ગગનમાં જ્યોત જલત હૈ જા…’, ‘આ જોને ગગનમાં ગોટકા ખેલે છે જ્ઞાની…’ જેવાં અનાહત નાદ અને સાધના અનુભવ વર્ણવતાં ભજનો, : ‘ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા કેમ ઊતરશો પારે…’, ‘શું કરવાં સુખ પારકાં…’, ‘શાને માટે ભજતો નથી સહેજે સીતારામ…’, ‘એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ…’, રામભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન કર્યું સોતા ? જેવાં વૈરાગ્ય ઉપદેશનાં ચેતવણીપદો ; ‘મેં મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દરશન કા…’, ‘પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…’, ‘એ જી એ તો જીવણની નજરૂંમા આયો રે મોરલો ગગન મંડળ ઘર આયો…’ જેવાં અવધૂત દશાનાં મસ્તી પદો ; ‘સાયાંજીને કે જો રે આટલી મારી વિનતી રે જી…’, ‘પ્રેમ કટારી આરંપાર નિકસી મેરે નાથકી…’, ‘કલેજા કટારી રે, રૂદિયા કટારી રે, માડી ! મું ને માવે લૈ ને મારી…’, ‘માઠાજી મેં જાણ્યા તારો મરમ…’, ‘મેં પણ દાસી રામ તોરી દાસી…’, ‘એવા રે કામણિયાં ઓલ્યા કાનુડો જાણે…’, ‘માવાની મોરલીયે મારાં મનડાં હેયા રે…’, ‘જશોદા જીવનને રે માતાજી મોહનને રે કે જે તારા કાનને…’ અને ‘શામળિયે કરી છે ચકચૂર…’ જેવાં તીવ્ર વિરહ વ્યથાનાં – પ્રેમલક્ષણા ભક્તિનાં દાસી ભાવનાં ભજનો નારી હ્રદયની સુકોમેળ વેદનાનો અનુભવ કરાવે છે. પ્યાલો, કટારી, હાટડી, બંસરી, ઝાલરી, મોરલો, બંગલો વગેરે પરંપરિત રૂપકો લઈને દાસી જીવણ તળપદી લોકવાણીમાં અને કેટલાંક ભજનોમાં સધુક્કડી હિન્દી ગુજરાતીમાં અપાર ભાવ વૈવિધ્ય ધરાવતાં ભાવ ગીતો ભક્તિપદોનું સર્જન કરે છે.
દાસી જીવણનો શિષ્ય પરંપરામાં થયેલા કોટડા સાંગાણીના કડિયા ભક્ત પ્રેમસાહેબ, વિશ્રામસાહેબ, માધવસાહેબ અને અરજણદાસની વાણી પણ રવિ-ભાણ સંપ્રદાયના અનુયાયી ભજનિકોમાં ગવાય છે.
રવિભાણ સંપ્રદાયના ગૌણ કવિઓ : આ સંપ્રદાયની કવિ શિષ્ય પરંપરામાં રાધનપુર નજીકના કલ્યાણદાસ, વાંકાનેરના રતનદાસ, રાધનપુરના મોહનદાસ, સાંતલપુરના રાધાદાસ, કચ્છ વિરાણીના તિલકદાસ, સ્વરૂપદાસ, શ્યામદાસ, મેરમદાસ, રાજુલદાસ, ગબલદાસ, લાલસાહેબ (પાટણ), ચરણદાસ, વણારસીમાતા, જીવણદાસ, ગંગસાહેબ, ભીમદાસ ચારણ, હરજીવનદાસ, જેવા નાના મોટા અનેક સંત ભજનિક કવિઓની ભજનવાણી રવિભાણ સંપ્રદાયની જગ્યાઓમાં પડેલી હસ્તપ્રતોમાં સચવાયેલી જોવા મળે છે, એમાંની કેટલીક રચનાઓ લોકભજનિકોની મંડળીઓમાં ગવાય છે. રવિભાણ સંપ્રદાયના સાધના સિંદ્ધાંતો અને વિચારધારા મુજબ આ દરેક સંત કવિઓની રચનાઓમાં નામનો મહિમા, ગુરુમહિમા, વૈરાગ્ય ઉપદેશ અને યોગસાધના દ્વારા પરમતત્વ સાથે અનુસંધાન તથા કબીરસાહેબ કથિત શબ્દ સૂરત યોગની સાધના મુખ્ય છે. ભક્તિ, જ્ઞાન, યોગ અને કર્મ (સેવા) એ અધ્યાત્મમાર્ગના ચારે પ્રવાહોનો સમન્વય આ સંતોની વાણીમાં થયેલા જોવા મળે છે.

નાથપંથ

નાથપંથનો મૂળ ઉદ્દગમ સંપ્રદાયની માન્યતા મુજબ આદિનાથ શિવજી સાથે જોડાયેલો છે. જેને મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથે સંગઠિત રૂપમાં પ્રવાહિત કાર્યો. નાથપંથની મુખ્ય બાર જેટલી શાખાઓ સત્યનાથી, રામનાથી, પાલકનાથી, ગંગાનાથી, નટેશ્વરી, પાવનાથી, ધર્મનાથી, માનનાથી, કપિલનાથી, રાવલપંથી, વૈરાગ્યપંથી અને માતા પંથી કે આઈનાથીમાંથી અનેક શાખા-પ્રશાખાઓ ફૂટતી રહી છે.
માનવ શરીરની સ્થૂળ અને સૂક્ષ્મ તમામ પ્રકારની ગતિવિધિઓ ઉપર પોતાનું પૂર્ણ આધિપત્ય દાખવીને ‘હઠયોગ’ની ક્રિયાઓ દ્વારા પોતાની ચેતનાને શૂન્ય કે અ-મન સુધી પહોંચાડવા માટે હઠયોગી સાધકો શરીરને ખૂબ જ કષ્ટ આપે છે. નાથપંથી યોગીઓને ‘કનફટ્ટા જોગી’ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ પોતાના કાનમાં હાથી દાંતના મોટા કુંડળ પહેરે છે. નવનાથ અને ચોરાશી સિદ્ધને પોતાના આરાધ્ય ઈષ્ટ માનીને એમની સાધના પ્રણાલી મુજબ નાથપંથી સાધકો નેતિ, ધાતી, બસ્તી, નૌલી વગેરે ક્રિયાઓ અને ખેચરી, મહા, વજોલી વગેરે મુદ્રાઓ દ્વારા ક્રિયાયોગ આચરે છે. બીજમારગી મહાપંથી પાટ ઉપાસના સમયે પણ નાથ યોગીની હાજરી હોય, રામદેવપીરના ગુરુ તરીકે પણ યોગી બાળનાથનું નામ મળે, આમ નાથ સંપ્રદાયની સાધના ધારાએ સંતસાહિત્યના ઘડતરમાં અગત્યનો ફાળો આપ્યો છે.
ગુજરાતીમાં ગોરખનાથના નામાચરણો ધરાવતી અનેક ભજન રચનાઓ મળે છે. કાં તો એ મૂળ ગોરખ રચિત રચનાઓનું ગુજરાતી કરણ કે લૌકિકીકરણ પામેલી રચનાઓ છે અથવા તો એ પરંપરામાં થયેલા સાધક યોગીઓ દ્વારા ગોરખનાથને નામે રચાયેલી ભજન કે પદ કૃતિઓ છે. ગોરખનાથ શિષ્ય કાનપરી, ભૂતનાથ, વેલનાથ, રૂખડિયો, રામૈયો, વિશ્વનાથ, તોલાપુરી, ધૂણીનાથ, કંથડનાથ, તૂડાપૂરી, મરકટનાથ, જીવણનાથ વગેરે કવિઓને નામે ગુજરાતી ભાષામાં યોગસાધના સંબંધી નાથપંથી ભજન રચનાઓ પ્રાપ્ત થાય છે, જેમાં ઉપદેશ, સાધના અવળવાણી, નાથપંથી સાધકોની ચરિત્ર કથાઓ, અને રૂપકાત્મક ભજનો છે.

ભગવાનની ભક્તવત્સલતાનું ગાન

વિષમતા, વિસંવાદ, કુરતા, અસ્થિરતા અને જ્ઞઆનથી ભરેલા માનવ જીવનમંચ પરના એક પાત્ર તરીકે આપણા લોકસંતોને કડવા અનુભવો થતા રહ્યા હશે, પણ એ અનુભવોને પરમાત્માની કસોટીરૂપ ગણીને હસતે મુખે સહન કરી લેવાનું તેઓ સહજ રીતે સ્વીકારતા આવ્યા છે. પોતે ભક્તો છે ને ! એટલે આ ભજનિક સંતોએ પ્રાણપ્યારા પરમાત્મા પ્રત્યેની અનન્ય ભક્તિ, મોક્ષપ્રાપ્તિના કે અન્ય કશા યે ઉદેશ વિના જ પોતાનાં ભજનોમાં વ્યક્ત કરી છે.
સમગ્ર ભારતીય ભજન સાહિત્યનાં મુખ્ય લક્ષણોમાં ‘પરમાત્માની અકળ લીલા અને પૂરોગામી ભક્તોને પ્રભુએ કરેલી સહાયનું વર્ણન’ એ અગત્યનું લક્ષણ છે. સૌરાષ્ટ્રના ભજનિક સંતકવિઓનાં ભજનોમાં પણ આ તત્વનું આલેખન જોવા મળે છે. પ્રભુનામનું મહત્વ બતાવતાં ઘણાં ભજનોમાં ખૂબ જ ભાવપૂર્ણ શબ્દોમાં જુદા જુદા ભક્તોના પ્રસંગો વર્ણવાયા છે. ભક્તિમાર્ગના બધાં કવિ ભક્તો પુરાણોના પ્રસંગોના ઉલ્લેખો દ્વારા ભગવાનની ભક્તવત્સલતા પ્રગટ કરતા હોય છે. ક્યારેક તો એ પ્રસંગો યાદ કરાવી પ્રભુને મીઠો ઠપકો પણ આપતા હોય છે. ભજનોમાં પૌરાણિક દ્રષ્ટાંતો જેને સાહિત્યની પરિભાષામાં પુરાખ્યાન (મિથ) કહેવામાં આવે છે તેવા પ્રસંગોનું આલેખન વારંવાર થતું રહ્યું છે. ભજનોમાં વર્ણવાયેલા આ પ્રસંગોમાં વૈવિધ્ય છે. સ્વજનોએ કષ્ટ આપ્યું હોય અને પ્રભુએ ઉગાર્યો હોય એવા ભક્તો છે ધ્રુવ અને પ્રહલાદ. આ બંને ભક્તોનો ઉલ્લેખ વારંવાર સંત ભક્તોએ પોતાનાં ભજનોમાં કર્યો છે.તો અભિમાનીઓના અભિમાન ઉતારવા પ્રભુએ અવતાર ધરી આતતાયીઓનો સંહાર કર્યો છે, ને ભક્તોને ઉગાર્યા છે એની યાદ અપાવતાં રાવણનું રાજય વિભિષણને સોપ્યું, કંસ,જરાસંધ, કાળયવન જેવા અનેકને દંડ દીધો અવા પ્રસંગોનો ઉલ્લેખ પણ ઘણાસંત ભક્ત કવિઓ પોતાનાં ભજનોમાં કરે છે. એ જ રીતે નિંભાડામાંથી બિલાડીનાં બચલાં ઉગાર્યાં, ઊંડા જળમાં ઝૂડના મોઢામાં ફસાયેલા હાથીને બચાવ્યો, દ્રૌપદીનાં ચીર પૂર્યા, કોલવાને માથે કરૂણા કરી મંદિર ફેરવ્યાં, પાંડવોને લાક્ષાગૃહમાંથી બચાવ્યા, ટીટાડીના ઈંડા માથે ઘંટ વાળીને એની સંભાળ લીધી, રોહિદાસ માટે શાળીગ્રામને ચલાવ્યા, અધર્મી સજના કસાઈનો ઉદ્ધાર કર્યો, નરસિંહ મહેતાને હાથોહાથ હાર આપ્યો, મીરાંબાઈના ઝેરના કટોરા અમૃત કીધાં, રામદેવ અવતારે વાણિયાનાં બૂડતાં જહાજ સ્થિર કર્યાં, ગણિકાને પણ ભક્તોમાં સ્થાન આપ્યું, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, વિઠુલ પખે વેળુ વાવી ને એમાં અનાજ પકાવ્યું, હરિશ્ચન્દ્રરાજાની કસોટી તો કરી પણ પછી સત્યવાદી તરીકે અમર કર્યો, કુંવરબાઈ મામેરાં પૂર્યાં, નામદેવનું છાપરૂં સમાર્યું, હળાહળ વિષ ભરેલ અજગરને ખાવાનું આપ્યું, નારદની ચોરાશી છાડાવી, અંબરિષ રાજાનો શ્રાપ્રટાળવા દશ અવતાર ધર્યા, વિદુરજીની ભાજી ખાધી, શબરીનાં બોર પ્રેમથી આરોગ્યા વગેરે પ્રસંગોના ઉલ્લેખો કરીને પરમ કૃપાળુ પરમાત્માની ભક્તજનો પ્રત્યેની અનુકંપાનું વર્ણન આ સંત ભક્ત કવિઓએ વારંવાર પોતાની ભજનરચનાઓમાં કર્યું છે.

મધ્યકાલીન ગુજરાતી ભક્તિસાહિત્યની લાક્ષણિકતાઓ

ગુજરાતની વિભિન્ન સંતપરંપરાઓ દ્વારા રચાયેલા સંત સાહિત્ય તરફ દ્રષ્ટિપાત કરીએ તો એમાં સ્પષ્ટત : ધાર્મિક, આધ્યાત્મિક, સાંપ્રદાયિક અને સાધનાત્મક એમ ચાર પ્રવાહો જોવા મળે. શાસ્ત્રો પુરાણોની કથાઓ ઉપર આધારિત રચનાઓ ધાર્મિક પ્રવાહમાં હોય, વેદાન્તી તત્વચિંતનની ધારા આધ્યાત્મિક રચનાઓમાં દેખાય, પોતાના સંપ્રદાયની વિચારધારાના પ્રચાર પ્રસાર માટે, પણ રચનાઓનું સર્જન થયું હોય, તો રહસ્યવાદી સાધનાકીય અનુભૂતિઓનું બયાન સાધનાત્મક વાણીમાં થાય. જુદા જુદા સંતસ્થાનોમાં જળવાયેલી હસ્તપ્રતોમાં તથા દેશી ભજનિકોના કંઠમાં જળવાયેલી કંઠસ્થપરંપરાની વાણી સામગ્રીમાં નીચે પ્રમાણેની સામગ્રી આપણને મળી આવે છે.
(૧) પદ કે ભજન પ્રકારની ટૂંકી રચનાઓ… જેમાં સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકારની સ્તુતિ પ્રાર્થના હોય, ગુરુ મહિમા હોય, યોગમાર્ગની જુદીજુદી સાધનાઓનું નિરૂપણ હોય, વૈરાગ્યનો ઉપદેશ હોય, પોતાની આંતરવ્યથાનું ગાન હોય, પોતાનાં વ્યાવહારિક કાર્યો ઉકેલી આપવાની પરમાત્માને અરજ પણ હોય. પ્રેમલક્ષણા ભક્તિધારામાં વિરહનીવેદના પણ હોય અને મિલનનો આનંદ પણ વર્ણવાયો હોય, તો ઉપદેશાત્મક વાણીમાં કટાક્ષમય ચાબખા હોય અને રહસ્યવાદી સાધનાત્મક વાણી ગૂઢ કે અવળવાણીના રૂપમાં હોય.
(ર) અંગ, ક્કકો, બારમાસી, વાર, તિથિ, મહિના જેવી દશથી માંડી વીસ પચ્ચીસ કડીઓ સુધી વિસ્તરતી રચનાઓ.
(૩) પચાસથી માંડી દોઢસો કડીઓ સુધી વિસ્તરતી ‘ગુરુમહિમા’ ‘ચિંતામણિ’ કે ‘ચેતવણી’ અને ‘ગીતા’ના નામે ઓળખાતી સાખી દોહરા છપ્પા કે કડવાબંધમાં રચાયેલી દીર્ઘ કૃતિઓ.
(૪) ‘ગુરુવંશાવળી’ કે ‘ગુરુપરંપરા’ દર્શાવતી સાંપ્રદાયિક રચનાઓ.
(પ) ‘ગોષ્ઠિ’, ‘સંવાદ’ કે ‘પ્રશ્નોતરી’ રૂપે સવાલ જવાબના સ્વરૂપે અધ્યાત્મની પ્રશ્નોતરી દ્વારા સંપ્રદાયના સાધના અને સિદ્ધાંતો તથા તત્વજ્ઞાનનું નિરૂપણ કરતી સાંપ્રદાયિક રચનાઓ.
(૬) અન્ય ભાષી સંતકવિઓની વાણીનું અનુસરણ કે અનુકરણ દર્શાવતી ગુજરાતી રચનાઓ.

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
Responses are currently closed, but you can trackback from your own site.

2 Responses to“Madhyakalin Gujarati Bhakti Kavita”

  1. Dharmendra dave says:

    Sant shabda ni sathe gunthayela rahasyo janava malya..

  2. Dr. Anil Gor says:

    Excellent research paper.. But it provokes to ask what thereafter?The time line mentioned in this research paper ends around 1825-1850. And now we are in 2014..What about sants and their work in last in last 150/165 years? Can you guide me for further literature for this period?