Research Article on Gujarati Bhajans types
(પ્રસ્તુત લેખમાં ઉલ્લેખ પામેલાં ભજનોના સંપૂર્ણ પાઠ મેળવવા માટે) Click Here
ભજનવાણીની વહેતી ગંગા‚ નિર્મળ ને પાવનકારી ગંગામાં સ્નાન કરવાનું નિમિત્ત અનાયાસ પરમાત્માએ ઊભું કર્યું છે ત્યારે ભજનોમાં ગવાયું છે કે – ‘નાયા તે નર નિરભે થિયા ને કુડિયા કિનારે બેસી રિયા…’ અદભુત રહસ્ય છે આ – ‘નિરભે’ થવામાં. સંતવાણીમાં ‘નિરભે’ અને ‘અનભે’ શબ્દ વારંવાર આવે. મનુષ્યને સૌથી મોટો ભય છે મોતનો… કાળનો… પોતાનો અહંકાર‚ પોતાની સત્તા‚ પોતાનું સામર્થ્ય ચાલી જશે તો શું થશે ? આ બીક‚ આ ભય મિટાવી દ્યે એનું નામ ભજન. જેનું જીવન નિરભે હોય‚ જે અનભેપદ‚ અભય પદ પામ્યા હોય એની વાણી પણ નિર્ભયવાણી હોય. ‘ભજન ભરોંસે રે નર નિરભે થિયા રે.’ મોક્ષ પદ નહીં‚ નિરભેપદની- અભેપદની પ્રાપ્તિ. અને આ અભેપદ મેળવવું હોય તો નિર્ગુણનિરાકાર અલખધણીનો આરાધ માંડવો પડે અને અભેપદ મળે ત્યારે જ અભેદ દર્શન થાય. પછી નારી પુરુષના‚ સ્વામી- સેવકના‚ નાના- મોટાના‚ બ્રાહ્મણ- ભંગીના‚ ઠાકર-ચાકરના અને ઈશ્વર-અલ્લાહના ભેદ ટળી ગયા હોય. સંતકવિ હોથીએ ગાયું છે ને – ‘અલ્લા હો નબીજી રે… રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા તૂંહિ રે નબીજી… તો મિટ જાય ચોરાશી કા ફેરા… મટી જાય ચોરાશીકા ફેરા રે નબીજી હો… અલ્લા હો.’
મધ્યકાલીન સાહિત્યમાં-ભક્તિસંગીતમાં પદ અને કીર્તન એ સગુણ સાકારની ઉપાસનાનું શબ્દમાધ્યમ છે‚ એ સૂર્યોદયથી સૂર્યાસ્ત લગી‚ મંગળા આરતીથી શયનઆરતી લગી ગવાય‚ જ્યારે ભજન એ નિર્ગુણ નિરાકારની સાથે અનુસંધાન પ્રાપ્ત કરવાની શબ્દસાધના છે‚ જે સંધ્યાથી સાયંકાળથી શરૂ થાય‚ પ્રાતઃકાળ સૂર્યોદય સુધી સમગ્ર રાત્રીદરમિયાન એના ચોક્કસ નક્કી થયેલા સમયમાં‚ ચોક્કસ રાગ તાલ ઢાળ ઢંગમાં‚ ચોક્ક્સ પ્રકારો મુજબ પરંપરિત ભજનિકો દ્વારા ગવાતી રહે. નિર્મળ સ્વાભાવિક ભાવની પરાકાષ્ઠાએ મનુષ્યને પહોંચાડવા માટેની એક માનસિક સારવાર મેન્ટલ ટ્રીટમેન્ટ આ ભજનો દ્વારા અપાય. જે માનસિક ચેતનાને સ્થિર કરી સાધકને એક ચોક્કસ ભુમિકાએ પહોંચાડી શકે‚ પણ એ માટે અધિકારી થવું પડે. પિંડશોધનની ક્રિયામાંથી પસાર થવું પડે.
‘એવા અધુરિયાંસે નો હોય દલડાંની વાતું મારી બાયું રે નર પૂરા રે મળે તો રાવું રેડીએ…
એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે ઇ શું જાણે સમદરિયાની લેરું મારી બાયું રે… નર પૂરા રે…’
પણ પૂરા નર થવા માટેની શરતો ઘણી આકરી હોય.
‘સદગુરુ વચનુંના થાવ અધિકારી પાનબાઈ ! મેલી દેજો અંતર કેરા માન‚
આળસ મેલીને તમે આવોને મેદાનમાં ને‚ સમજો સતગુરુ ની સાન રે…
જ્ઞાન‚ ભક્તિ યોગ અને સેવા કે ધર્મ… આ ચાર પ્રવાહોમાં વહેતી આવે છે આપણી સંતવાણી.
કબીર કૂવા એક હૈ‚ પનિહારી હે અનેક‚ બરતન ન્યારે ન્યારે ભયે‚ પાની સબનમેં એક.
નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના અને સગુણ સાકાર બ્રહ્મની આરાધનાના બન્ને માર્ગો આપણા પ્રાચીન ઋષિમુનિઓની દેન છે. વેદકાલીન દ્રષ્ટાઓએ બ્રહ્મનાં બે સ્વરૂપોની વાત કરી છે. એક સ્વરૂપ છે ગુણ‚ વિશેષ‚ આકાર કે ઉપાધિથી પર એવું નિર્ગુણ- નિરાકાર-નિર્વિશેષ-નિરુપાધિ. અને બીજું સ્વરૂપ છે આ તમામ બાબતોથી યુક્ત એવું સગુણ સાકાર સવિશેષ સઉપાધિ… નિર્ગુણ બ્રહ્મને પર અને સગુણ બ્રહ્મને અપર એવાં નામો પણ અપાયાં છે અને એની ઓળખાણ થાય પરાવિદ્યા અને અપરાવિદ્યાથી…
પ્રાચીન ભારતીય ઋષિમુનિ‚ સિદ્ધયોગી‚ જ્ઞાની‚ વેદાન્તી‚ મીમાંસકો‚ સાધકો‚ કર્મમાર્ગીઓ દ્વારા આ બંને ધારાઓનો પ્રચાર‚ પ્રસાર‚ સંવર્ધન કે ક્યારેક સંયોજન-સંમિલન થતું રહ્યું છે અને એમાંથી જ ભક્તિ‚ જ્ઞાન અને યોગની ત્રિવેણી વહેતી રહી છે.
આજે પ્રકાશિત રૂપમાં ભજનસંપાદન ગ્રંથોમાં જે સંતસાહિત્ય મળે છે તેને ગાનારી અસલ તળપદા જૂના ભજનિકો ભજનગાયકોની માત્ર છેલ્લી પેઢી બચી છે. ભજન વાંચનારા‚ ભજન સમજીને ગાનારા‚ ભજન ઝીલનારા ને ભજનમાં જીવનારા ભજનિકો આજે નથી રહ્યા. ભજનના ધંધાદારી કલાકારો ઘણા છે. પણ એમને ભજન સાથે નિસ્બત નથી‚ ભજનના મર્મ સાથે‚ ભજનના શબ્દો સાથે‚ ભજનના અર્થ સાથે‚ ભજનના ભાવ સાથે‚ ભજનના અસલી તળપદા ભક્તિસંગીત સાથે એને લેવાદેવા નથી. મનોરંજનના એક ભાગ તરીકે‚ ધંધાદારી ગાયક તરીકે તે ભજનો ગાઈને કમાણી કરે છે.
ભજન એના ચોક્કસ‚ મૂળ‚ તળપદા‚ પરંપરિત ઢાળ ઢંગ રાગ તાલમાં અસલી મરમી ભજનિક દ્વારા ગવાય‚ શબ્દ‚ સૂર ને ભાવનું ત્રિવિધ રસાયન પેદા થાય‚ એનો સાચો મરમ અને ભાવ પ્રગટ થાય ત્યારે એને જ કહેવાય ભજન કર્યું.
હઠયોગ‚ મંત્રયોગ‚ લયયોગ‚ શબ્દસુરતયોગ‚ ધ્યાનયોગ‚ રાજયોગ‚ ભક્તિયોગ‚ તંત્રમાર્ગ‚ નાદાનુસંધાન વગેરે અનેક પ્રકારના સાધનમાર્ગોની સવિશેષ સમજણ આપણાં દેશી ભજનોમાંથી મળી રહે. કાયા કે પિંડ સાથે જોડાયેલી સાધના‚ મન કે બુદ્ધિ સાથે જોડાયેલી સાધના અને પવન કે પ્રાણ-શ્વાસ સાથે જોડાયેલી સાધના એમ ત્રણે માર્ગો ક્યારેક સ્વતંત્ર તો ક્યારેક એકબીજામાં સંયોજિત થઈને આ ભજનોમાં વર્ણવાયાં હોય. મન‚ પવન‚ શુક્ર(વીર્ય) અને શબ્દને બાંધવાનો ક્રિયાયોગ આ લોકધર્મી ભજનિક સંતોની વાણીનું મધ્યબિંદુ છે‚ જેને નામ વચનની સાધના કે નૂરત સુરતની સાધના તરીકે ઓળખવામાં આવે છે.
મારે તો અહીં સંધ્યા સમયથી શરૂ કરીને સૂર્યોદય સુધીની સમગ્ર રાત્રિ દરમિયાન કરાતાં ભજનગાન દ્વારા એક ભજનિક / એક ગાયક કઈ રીતે સંતસાધનાના ક્ષેત્રમાં સાધક તરીકે આગળ વધી શકે તેના સંકેતો માત્ર આપવા છે.
ભજનગાન પણ એક જાતની સહજસાધના જ છે. ભજનગાયક ટટ્ટાર સ્થિર બેઠો હોય‚ એના ખોળામાં એકતારો હોય‚ ભજનના ચોક્કસ રાગ ઢાળ અને તાલ સાથે એના શ્વાસ-પ્રાણનું નિયમન થતું રહે‚ શબ્દોના આરોહ અવરોહથી અને એ શબ્દોના અર્થ ભાવથી એનું ચિત્ત પરિપ્લાવિત કે રમમાણ થતું રહે અને અજાગ્રતપણે જ એની સુરતા સ્થિર થઈ જાય.
સાખીથી શરૂ કરીને રાત્રિના અગિયાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન સંધ્યા‚ આરતી‚ માળા‚ ગણપતિવંદના‚ ગુરુમહિમા અને વૈરાગ્ય ઉપદેશ બોધ કે ચેતવણીનાં ભજનો ચોહાર રૂપે ચાર ભજનોનાં ઝૂમખાંમાં ગવાય. એ પછી ગુરુશરણે આવેલા સાધકના મનની મૂંઝવણ આલેખતાં ભજનોનું ગાન શરૂ થાય. ત્યારબાદ ગુરુ દ્વારા સાધનાનું માર્ગદર્શન અપાયું હોય‚ પિંડ ને બ્રહ્માંડનો પરિચય કરાવ્યો હોય તેવાં ચૂંદડી‚ પટોળી‚ ચરખો‚ બંગલો‚ હાટડી… વગેરે રૂપક પ્રકારનાં ભજનો રાત્રિના બાર સુધી ગાવામાં આવે.
સાખી‚ પરથમ કેને સમરિયે કેનાં લઈએ નામ‚ માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષના નામ.
આરતી‚ આરતી શ્રી રામની… સંતો બોલો સંધ્યા આરતી…
સંધ્યા‚ ગરવ કિયો સોઈ નર હાર્યો…
માળા‚ ગુરુ ના નામની હો… માળા છે ડોકમાં…
ગણપતિનાં ભજનોના ત્રણ પ્રકાર – ઊલટ‚ પાટ અને નિર્વાણ
ઊલટ પ્રકારનાં ગણપતિનાં ભજનોમાં ગણપતિના સ્વરૂપનું વર્ણન હોય‚ ગણપતિ જન્મની કથા હોય કે શુભ પ્રસંગે પધારવા માટેનું નિમંત્રણ હોય.
પરથમ પહેલાં સમરિયે રે… સ્વામી તમને સુંઢાળા એવા રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા‚ મે ર કરોને મારાજ રે… (રાવત રણશી)
બીજમારગી મહાપંથી ગુપ્તપાટ ઉપાસના થતી હોય‚ પંચમિયા‚ દસા‚ વીસા‚ બારપહોરા‚ મહાકાલી‚ શિવશક્તિ‚ રામદેવપીર‚ શંખાઢોળ વગેરે વિધિ-વિધાનોના તંત્રમાર્ગી ગૂઢ જ્યોત ઉપાસના સાથેના પાટપૂજન સમયે જે ગણપતિનાં ભજનો ગવાય તેમાં જતિ-સતી મળી ગણનાયક ગજાનનને આ ગત્યગંગામાં પધારવા તથા તેત્રીશ કોટિ દેવી-દેવતા‚ ચોરાશી સિદ્ધ‚ નવ નાથ‚ ચોસઠ જોગણી‚ બાવન વીર‚ ચાર પીર-ગુરુ‚ ચાર જુગના કોટવાળ‚ ચાર જુગના પાટનાં જતિ-સતીને સાથે લાવવા નિમંત્રણ આપે ત્યારે ગવાય પાટના ગણેશ ભજનો –
જમા જાગરણ કુંભ થપાણા‚ મળિયા જતિ ને સતી… ગરવા પાટે પધારો ગુણપતિ… (કેશવ)
નિર્વાણ પ્રકારનાં ગણપતિનાં ભજનો કોઈ સંત-સિદ્ધપુરુષ-ભક્ત-સાધકને સમાધિ-ભૂમિદાહ આપતી વેળા ગવાય છે‚ તેમાં આપણા પિંડ અને બ્રહ્માંડનું સર્જન કેમ થયું તેનું રહસ્ય‚ પાંચ તત્વ‚ ત્રણ ગુણ‚ પચીસ પ્રકૃતિ‚ સાત ધાતુ‚ શરીરનાં નવ દ્વાર‚ દશ ઈન્દ્રિયો‚ ષટ ચક્રો‚ એનાં દેવી-દેવતા‚ એના બીજમંત્રો… વગેરેનું નિરૂપણ હોય છે.
- સેવા મારી માની લેજો સ્વામી રે સૂંઢાળા રે…
- તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા… તમે ખોલો મારા રૂદિયાના તાળાં ગુણપતિ દાતા રે… (તોરલપરી રૂખડિયો)
ગુરુમહિમા
ગુરુ બિન જ્ઞાન ન ઊપજે‚ગુરુ બિન મિટે ન ભેદ‚ ગુરુ બિન સંશય ના ટળે‚ ભલે વાંચીએ ચારે વેદ.
ભારતીય સાધના ધારાઓની તમામ પરંપરાઓમાં ગુરુશરણભાવનો મહિમા ખૂબ જ ગવાયો છે. બધા સંત-ભક્ત કવિઓએ પોતાની વાણીમાં ગુરુમહિમાનું ગાન કર્યું છે.
અમારા અવગુણ રે ગુરુજીના ગુણ તો ઘણા રે જી… (દાસી જીવણ)
ગુણપતિ આવો રિદ્ધિ સિદ્ધિ લાવો. નિરભે નામ સુણાવો… (ભવાનીદાસ)
ગુરુ તારો પાર ન પાયો… પ્રથમીના માલિક તારો હો..જી… (દેવાયત પંડિત)
સદગુરુ તારણહાર‚ હરિ ગુરુ ! તમે મારા તારણહાર‚ આજ મારી રાંકુંની અરજું રે… (ડુંગરપૂરી)
વૈરાગ્ય ઉપદેશ‚ બોધ-ચેતવણી
સદગુરુનું શરણ મળી જાય પછી નવાસવા સાધકને ગુરુ આ માર્ગે ચાલવા માટે અને ક્ષણભંગુર એવી આ કાયા તથા માયાનો મોહ છોડવા માટે શું કરવું‚ શું ન કરવું‚ શેનાથી બચવું તેની શિખામણ આપે.
- દોરંગા ભેળાં રે નવ બેસીએ… (દાસી જીવણ)
- ‘હે જી હીરો ખો માં તું હાથથી‚ આવો અવસર પાછો નૈં મળે હો જી…’ (તિલકદાસ)
- આ પલ જાવે રે કરી લે ને બંદગી… (કલ્યાણદાસ)
- જાવું છે નિરવાણી આતમાની કરી લે ને ઓળખાણી રામ… (રતનદાસ)
- મળ્યો મનુષ જનમ અવતાર… (ગંગાદાસ)
- દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ… (કંથડનાથ)
- સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ… (ગોરખ)
- હે જીવને શ્વાસ તણી છે સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ… (ભોજાભગત)
- વેડીશ મા રે ફૂલડાં તોડીશ મા મારી વાડીના ભમરલા..(દાસી જીવણ)
- ‘ભૂલ્યાં ભટકો છો બારે મારા હંસલા ! કેમ ઊતરશો પારે…
જડી હળદરને હાટ જ માંડયું‚ વધી પડ્યો વેપાર રે જી…
સાવકાર થઈને ચળી ગિયો તું માયાના એંકારે મારા હંસલા… (દાસી જીવણ)
મનની મૂંઝવણ
સદગુરુની શિખામણ મળ્યા પછી સાધનામાં આગળ વધવા માગતા સાધકના ચિત્તમાં વંટોળ જાગે‚ મન સ્થિર થાય નહિ‚ વૈરાગ્યભાવ પૂરો પ્રગટે નહિ એટલે ગુરુ આગળ પોતાના મનની મૂંઝવણ આ રીતે વ્યક્ત કરે –
- મારી મમતા મરે નૈં… એનું મારે શું રે કરવું..(કાજી મામદશા)
- મારી મેના રે બોલે રે ગઢને કાંગરે… (ડાડા મેકરણ)
- કહોને ગુરુજી ! મારું મનડું ન માને મમતાળું…(દાસી જીવણ)
સાધના માર્ગદર્શન
શિષ્યના પિંડ અને પ્રકૃતિની પાત્રતા જોઈને ગુરુ એની લાયકાત મુજબ જે પચાવી શકે‚ એવી સાધનાની કૂંચીઓ બતાવે. સ્થૂળથી શરૂ કરીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ કેડીએ સાધકને દોરી જાય. સૌથી પહેલાં તો આ શરીરની પિછાન કરાવે. આ પિંડનું બંધારણ‚ એની શક્તિ‚ એનું સામર્થ્ય‚ ને છતાં એની ક્ષણભંગુરતા બંગલો‚ ચરખો‚ રેંટિયો‚ ચૂંદડી‚ પટોળી‚ મોરલો‚ હાટડી‚ નિસરણી‚ જંતરી જેવાં રૂપકોથી કાયાની ઓળખાણ કરાવીને પછી આંતર પ્રવેશ કરાવે. સાથોસાથ પિંડશોધનનો ક્રિયાયોગ પણ શીખવતા રહે.
કાયાનગરી ચૂંદડી‚ પટોળી‚ ચરખો‚ હાટડી વગેરે રૂપકાત્મક ભજનો
- એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે… (લીળલબાઈ)
- એ જી રે એનો વણનારો વિશંભર નાથ પટોળી આ પ્રેમની…(દાસ દયો)
- એ જી એના ઘડનારાને તમે પરખો. હે જી રામ નુરતે સુરતે નીરખો‚ કોણે બનાવ્યો પવન ચરખો… (રવિસાહેબ)
- સુંદર વરની ચૂંદડી રે મહાસંતો… (મૂળદાસ)
- હે જી જીવણ ! જીવને જ્યાં રાખીએ… (ભીમસાહેબ)
- વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ.. (ગંગાસતી)
રાતના બાર વાગ્યે નિર્ગુણ-નિરાકારની જ્યોત પ્રગટ થયા પછી થાળ‚ આરતી‚ સાવળ‚ આરાધ‚ રવેણી‚ આગમ‚ હેલી‚ અનહદનાદ અને પ્યાલાનું રૂપક ધરાવતી રહસ્યવાણી શરૂ થાય‚ જેમાં યોગાનુભવથી સાંપડેલી મસ્તીનું વર્ણન હોય.
નિર્ગુણ જ્યોત આરતી
- આનંદ મંગળ કરું આરતી‚ હરિ ગુરુ સંતની સેવા…(પ્રીતમ)
- ઉઠત રણુંકાર અપરંપારા.. (ભીમસાહેબ)
સાવળ
- વાગે ભડાકા ભારી ભજનના… (હરજી ભાટી)
- એવાં પડઘમ વાજાં… (હરજી ભાટી)
- ઘણી ખમ્મા તમને ઝાઝી ખમ્મા… (હરજી ભાટી)
- ભગતિ કરો તો અગમ ભેદ જાણો રે… (રામદેવપીર)
આરાધ
ગળતી માજમ રાતે પછી ધીર ગંભીર કંઠે ‘આરાધ’ના સૂર મંડાય. ‘આરાધ’ પ્રકારનાં ભજનોમાં આપણને અસલ-પ્રાચીન તળપદા વિવિધ ઢંગ સાંભળવા મળે‚ જેમાં સાધકને ચેતવણી પણ અપાઈ હોય કે આ સાધુતા પચાવવી સહેલી નથી. તેમ ધીરે ધીરે આ હરિરસ‚ આ ભક્તિરસ‚ આ પ્રેમરસનું પાન કરજો.
- અજરા કાંઈ જરિયા ન જાય… (ધ્રુવ પ્રહલાદ)
- નૂરિજન સતવાદી આજ મારા ભાઇલા આરાધો..(દેવાયત પંડિત)
- જેસલ ! કરી લે વિચાર માથે જમ કેરો માર.. (સતી તોરલ)
- જી રે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો રે જી… (લોયણ)
રવેણી
આદુની રવેણી કહું વીસતારી…(કબીર)
આગમ
આપણા ગુરુએ સત ભાખિયાં જૂઠડાં નહીં રે લગાર
લખ્યા રે ભાખ્યા રે સોઈ દન આવશે… (દેવાયત પંડિત)
પ્યાલો
- મન મતવાલો પ્યાલો ચાખિયો… (લખીરામ)
- એવો પ્યાલો મુંને પાયો રે… (રવિસાહેબ)
- ‘અમ્મર પિયાલો મારા ગુરુજીએ પાયો…’ (રવિસાહેબ)
- હે જી મારા ગુરુજીએ પાયો રે અગાધ પ્યાલો દૂજો કોણ પીવે… (ત્રિકમસાહેબ)
- મેરા રામરસ પ્યાલા ભરપૂર… (કબીર)
અનહદ નાદ
નાદના બે પ્રકાર છે‚ એક આહત નાદ – આઘાત ધ્વનિ‚ જે કોઈપણ જાતના આઘાતથી ઉત્પન્ન થાય‚ બે મંજીરા ટકરાય ને રણકાર ઊપજે‚ બે વાદળાં ટકરાય ને મેઘગર્જના થાય‚ આપણા ઉચ્છવાસથી ગળામાંની સ્વરયંત્રીઓમાં કંપન થાય ને અવાજ- શબ્દ બહાર પડે… પણ બીજો એક નાદ‚ જેને માત્ર સાધનાની અમુક કક્ષાએ પહોંચેલા સાધકો જ સાંભળી શકે છે‚ જેને કોઈ હદમાં બાંધી શકાય તેમ નથી‚ જેને કોઈ જ પ્રકારનાં આરંભ‚ મધ્ય‚ અંત‚ સીમા કે બંધન નથી અને તે અનાહત નાદ- અનહદ નાદને વર્ણવતાં અનેક ભજનો આપણા સંત-ભક્તકવિઓએ રચ્યાં છે.
દેખંદા કોઈ આ દિલ માંય નિરખંદા કોઈ‚ પરખંદા કોઈ આ દિલ માંય ઝણણણ ઝણણણ ઝાલરી વાગે… (દાસી જીવણ)
યોગાનુભૂતિ
- ગુરુ મારી નજરે મોતી આયા. હે જી મેં તો ભેદ બ્રમ રા પાયા… (અરજણ)
- સદગુરુએ મુંને ચોરી શીખવાડી… (દાસી જીવણ)
- બેની મુંને ભીતર સતગુરુ મળિયા રે વરતાણી છે આનંદ લીલા મારી બાયું રે… (લખીરામ)
રાત્રિના અઢી-પોણા ત્રણ પછી‚ સાધકને આત્મસાક્ષાત્કાર થયા પછીની બ્રહ્મસાક્ષાત્કારની વિરહ ઝંખના વર્ણવતાં સંદેશો‚ કટારી‚ મહિના ને અરજ જેવા હરિમિલનની વ્યાકુળતા વર્ણવતાં અને નિર્ગુણ-સગુણનો સમન્વય કરીને અતિ વિલંબિત ગાયકીથી તીવ્ર વેદના જન્માવતાં સામેરીના ઢંગમાં પરજ પ્રકારનાં ભજનો ગવાય.
વિરહવેદના
- જેને વાલાંથી વિજોગ રે… સુખેથી મન કોઈ દિ સૂવે નૈં… (સવારામ)
- સાયાંજીને કેજો રે… (દાસી જીવણ)
- કોણ તો જાણે બીજું – મારી હાલ રે ફકીરી… (અમરબાઈ)
- એવો કેજો રે સંદેશો ઓધા શ્યામને… (મોરારસાહેબ)
કટારી
- કલેજા કટારી રે… (દાસી જીવણ)
- બેની મારા રુદિયામાં લાગી રે મેરમની ચોધારી… (મૂળદાસ)
- પ્રેમકટારી આરંપાર… (દાસી જીવણ)
- એવી પ્રેમકટારી લાગી… (સાંઈ વલી)
પરજ
- હે જી નાવ્યા નાવ્યા મારા દીનનો નાથ.. (મોરારસાહેબ)
- લાવો લાવો કાગળિયોને દોત… (મોરારસાહેબ)
રાત્રિના સાડા ચાર પછી રામગરી‚ પાંચ પછી પ્રભાતી અને સાડા પાંચ પછી પ્રભાતિયાં ગવાય…
રામગરી
- હે જી વાલા ! અખંડ રોજી રે હરિના હાથમાં… (નરસિંહ મહેતા)
- હે જી વાલા ! હારને કાજે… (નરસિંહ મહેતા)
- હે જી વાલા ! જીવણ જીવને ન્યાં રાખીએ.. (ભીમસાહેબ)
પ્રભાતિ
જાગો લોકો મત સૂઓ‚ મત કરો નિંદસે પ્યાર‚ જેસો સપનો રેન કો‚ એસો હે સંસાર.
- જા જા નિંદરા હું તું ને વારું‚ તું છો નાર ધૂતારી રે… (નરસિંહ મહેતા)
- મેં કાનુડા તોરી ગોવાલણ… (ભાખર)
- જશોદા તારા કાનુડાને… (નરસિંહ મહેતા)
- નારાયણનું નામ જ લેતાં… (નરસિંહ મહેતા)
- જાગોને જશોદાના જાયા… (નરસિંહ મહેતા)
- ભણતી સાં કાનજી કાળા રે… (પૂનાદે)
પ્રભાતિયાં
- હે ઊગિયા સૂરજ ભાણ નવે ખંડમાં હુવા જાણ‚ ગત ને ગંગા મળી ને નિત કરે પરણાંમ રામ… (મૂળદાસ)
- હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે… (નરસિંહ)
- હે રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી સાધુપુરુષને સૂઈ ન રહેવું
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ એક તું એક તું એમ કહેવું… (નરસિંહ)
- અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ… (નરસિંહ)
- જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો… (નરસિંહ)
સંધ્યાથી માંડીને પ્રભાતિયાં સુધીના સમગ્ર રાત્રિ દરમિયાન ગવાતાં ભજન પ્રકારોના આ પરંપરિત રાગ-ઢાળ-તાલ. તો આ યાત્રા હતી આપણી ભજનસરવાણીની… ભજન એ ગાવા કે સંભળાવવાની ચીજ નથી‚ ભજન તો જીવવાની અને ઝીલવાની ચીજ છે. ભજનનો એક શબ્દ પણ આપણા અંતરમાં ઊતરી જાય તો બેડો પાર થઈ જાય…