Traditional bhajan singers of gujarat
ગુજરાતના તંબૂરસેવી ભજનિકો
આપણું ભક્તિસંગીત ધર્મ અને અધ્યાત્મસાધના સાથે જોડાયેલું છે. પ્રાચીન કાળથી ધર્મ-સંપ્રદાયો અને તેનાં મંદિરો આપણી મોટા ભાગની લલિતકલાઓના ઉદ્દભવ સ્થાન હતાં‚ ચિત્ર‚ શિલ્પ‚ સ્થાપત્ય‚ સાહિત્ય અને સંગીત જેવી કલાઓ ધર્મના આશ્રયે જ પાંગરી અને ફાલીફૂલી છે. ગિરનાર‚ પ્રભાસ-સોમનાથ‚ દ્વારકા‚ શત્રુંજય‚ પાવાગઢ‚ અંબાજી વગેરે તીર્થો માત્ર ગુજરાતના જ નહીં પણ સમગ્ર ભારતવર્ષના આદિ તીર્થધામો તરીકે જાણીતાં સ્થળો છે‚ ગુજરાતના ભક્તિસંગીતનો ફેલાવો કરવામાં આ તીર્થો અને તરણેતર‚ ભવનાથ કે માધવપુરના મેળા જેવા લોકમેળાઓએ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. શૈવ‚ શાક્ત‚ વૈષ્ણવ‚ જૈન‚ ઈસ્લામ અને નાના-મોટા અનેક ધર્મ-પંથ-સંપ્રદાયોનાં તીર્થ સ્થળો ગુજરાતમાં આવેલાં હોઈ ભારતના અન્ય પ્રદેશના યાત્રાળુઓ-સાધકો-સિદ્ધપુરૂષો અને ભજનિકોની વણઝાર કાયમ ચાલુ રહે અને પોતપોતાના ભાષા‚ બોલી‚ સાહિત્ય‚ સંગીત અન્ય કલાઓ અને ધર્મસંસ્કારોની વિવિધ પરંપરાઓની સરવાણી અહીં વહેવડાવતા રહે. પ્રાચીનકાળથી જ સૌરાષ્ટ્રનો વ્યાપાર સંબંધ દરિયાપારના અનેક દેશો સાથે જોડાયેલો હોઈ જુદા જુદા અનેક દેશ-વિદેશોના સંગીત સંસ્કારોનું પણ આદાનપ્રદાન થતું રહે. આ રીતે આપણું ભક્તિસંગીત અનેક પરિમાણોની વિશિષ્ટતાઓ ધરાવે છે.
આપણી ગુજરાતી ભાષાના ઉદ્દભવથી જ આપણે ત્યાં કેટલાક એવા સાહિત્યસર્જકોનો જન્મ થયેલો જેઓ માત્ર કવિ જ નહોતા પણ વાગ્ગેયકાર હતા. કાવ્યના સર્જનની સાથોસાથ તેઓ પોતાની રચનાને સંગીતના માધ્યમ સાથે લોકસમુદાયમાં રજુ કરતા. ગીત અને સંગીત એમને મન અભિન્ન વસ્તુ હતી. આપણા આદિ કવિ મનાતા નરસિંહ મહેતાથી શરૂ કરીને આજ સુધીના લગભગ તમામ સંત અને ભક્ત કવિઓ ભજનિકો હતા. નરસિંહ કરતાલ લઈને અંત્યજોને ત્યાં કીર્તન ગાવા જાય કે મીરાં હોય. એ પરંપરામાં થયેલા સૌ અધ્યાત્મદર્શી લોક-ભજનિકોએ લોકસંગીતમાંથી જ ભક્તિસંગીતનું સર્જન અને સંમાર્જન કર્યું છે. ગામડે ગામડે ભજનમંડળીઓના સ્વરો લહેરાતા હોય‚ રાસમંડળીના તાલે જન સમસ્તના હૈયાં હિલોળા લેતા હોય એવાં દ્રશ્યો આજે વિલૂપ્ત થઈ રહ્યાં છે‚ પરંતુ થોડા સમય પહેલાં ગામડે ગામડે ભજનમંડળીઓ દ્વારા ભજનગાન થતું. આ ભજનગાન સમૂહગાન રૂપે જળવાતું. ધીરે ધીરે એમાં ઘણું પરિવર્તન આવ્યું. અત્યારે તો ભજનને એક વ્યવસાય તરીકે સ્વીકારીને મનોરંજનના માધ્યમ તરીકે ભજન કે ભક્તિસંગીતનો ઉપયોગ કરનારા ધંધાદારી કલાકારો પેદા થવા માંડયા છે‚ ત્યારે આપણા ગુજરાતમાં ભક્તિસંગીત કે લોકસંગીતને પોતાની આગવી પ્રતિભા વડે નવું જ વિશિષ્ટ પરિમાણ બક્ષ્યું હોય અને છતાં ભજનના મૂળ ભાવ‚ શબ્દો‚ સ્વર‚ તાલ‚ રાગ‚ ઢાળ‚ લયની પરંપરાને જાળવી રાખી હોય આવા ભજનિકો-લોકગાયકોને યાદ કરવાનો આ પરિચય લેખમાં ઉપક્રમ છે. આવા લોકગાયકો કે ભજનિકો વિશે કોઈ સળંગ સીલસીલાબંધ ઈતિહાસ કદીયે નહીં સાંપડે. કાળની ગર્તામાં વિલિન થઈ ગયેલા આવા લોકસંસ્કૃતિના કલાધરો પોતાના શબ્દ અને સૂરનો વારસો ભવિષ્યની પેઢીઓ માટે સોંપતા ગયા છે એ ઉપલબ્ધી પણ નાનીસૂની નથી. આવા લોક ભજનિકો કે ગાયક કલાકારોના જીવન વિશે‚ એમની પ્રકૃતિ કે પ્રવૃત્તિ વિશે પ્રમાણભૂત કહી શકાય તેવી વિગતો નથી મળતી. હા‚ કેટલાક જૂની પેઢીના જાણકારોને એમના વિશે માહિતી હોય ખરી પણ કોઈ ગ્રંથમાં પુસ્તક-પુસ્તિકામાં પત્રિકા-સામયિકોમાં એમના વિશે પરિચયાત્મક રીતે નથી લખાયું‚ અને ક્યાંક લખાયું હશે તો તે આપણી નજરે નથી ચડતું. અહીં તો થોડીક નામાવલિ અને યાદી તથા જે હકીકતો સાંપડી છે તેની આછેરી ઝલક આપવાનો પ્રયાસ છે. જેથી ભવિષ્યના કોઈ સંશોધકો દ્વારા એમના વિશે પ્રમાણભૂત સંશોધનકાર્ય હાથ ધરી શકાય. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર ઈ.સ.૧૯પ૪માં શરૂ થયું અને સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિનો‚ ગુજરાતના લોકસંગીત તથા ભક્તિસંગીતનો એક જુવાળ ઊઠયો. એ પહેલાં ગ્રામોફોન‚ દેશી નાટકો અને જાહેર મેળાઓમાં દેશી ભજનિકો કે લોકગાયકોએ નામના મેળવી હોય એવાં ઘણા ઉદાહરણો મળે છે. જે ભજન ગાનને વ્યવસાય તરીકે સ્વીકારીને જ આગળ વધ્યા હોય. પણ માત્ર નિજાનંદ ખાતર‚ ધર્મ કે ભક્તિસાધના ખાતર ભજનગાનમાં મસ્ત રહેનારા કેટલાયે ઓલિયાઓની યાદ આજે રહી નથી. દાસ સતાર‚ રામ રતન ભાઈઓ‚ પાલુભગત‚ પ્રાંસલાના મકનદાસ બાપુ‚ ચોરવાડના કિસાભગત કોળી‚ બાલાગામ ઘેડના કાળાભગત અને તેમનાં પત્ની (માતાજી)‚ મોહનદાસજી કનેસરાવાળા‚ મેંદરડા તાલુકાના જીંજુડા ગામના કરસનભગત અને મીઠી બહેન‚ ભવનાથ મેળામાં ભજન લલકારનારા સીદી બાદશાહ‚ પરજની ગાયકીમાં જેમનું નામ આજે ખૂબ જ આદરપૂર્વક લેવાય છે તેવા ભાયાવદરના સ્વ.માધવદાસ બાપુ અને ભીખારામ બાપુ‚ સ્વ.દુલાભગત (મુંબઈ)‚ એચ.એમ.વી.ના કુસુમ અને જટાશંકર‚ જેવા ભજનિકો અને વાણીના સર્જકો વિશે એમના જીવન વિશે વધુ વિગતો નથી મળતી. આકાશવાણીમાં જેમના પરંપરિત ભજનસ્વરો જળવાયા છે એવા દેશી ભજનિકોમાં –
(૧) સેવાદાસજી મહારાજ : વિ.સં.ર૦૦૩માં અમર સંત દેવીદાસજીના પરબ આશ્રમમાં માણાવદરની પરબ ઝૂંપડીના સંચાલક શ્રી સેવાદાસજી મહારાજની મહંત તરીકે નિમણુંક કરવામાં આવી. સેવાદાસજીએ પરબના અધિષ્ઠાતા પદે બિરાજીને ખૂબ જ લોકચાહના મેળવેલી. તેઓ ખૂબ જ સારા ભજનિક હતા. પ્રાચીન પરંપરિત તળપદી ભજનવાણીના જાણકાર હતા. વિ.સં.ર૦૧૭ના ચૈત્ર માસમાં મહામેળો અને સંત ભંડારાનું આયોજન કરેલું‚ ગાયોની સેવા‚ અન્નદાન અને ભજનગાન સિવાય આ ભજનિક સંતને કશો જ રસ નહોતો. વિ.સં.ર૦૩૯ના ફાગણ વદી આઠમના દિવસે આ સંત ભજનિકે વિદાય લીધી. એમનો મોટો રામસાગર હજુ પણ પરબ સ્થાનમાં સચવાયો છે.
(ર) મોહનલાલ રાયાણી : ભાવનગર જિલ્લાના સોનગઢ ગામના વતની હતા. દરજી જ્ઞાતિમાં જન્મ : ઈ.સ. ૧૯૦૪માં. આકાશવાણી રાજકોટનો પ્રારંભ એમના ભજનગાનથી થયેલો. એમણે એકત્ર કરેલાં ભજનો ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યવિદ્દ જોરાવરસિંહ જાદવ દ્વારા ‘ભક્તિ સુધા – ૧’ નામે સંપાદિત / પ્રકાશિત થયાં છે. અવ. તા.૬.૩.૧૯૮૪
(૩) અભરામ ભગત : જેતપુર પાસેના નવાગઢ ગામે માતા લાડુબાઈ ને પિતા કરીમભાઈ મીરાજીને ત્યાં વિ.સં.૧૯૭૯‚ ઈ.સ.૧૯ર૩માં જન્મ. બાલ્યાવસ્થાથી ખેડુતનું જીવન. માંડમાંડ અક્ષરજ્ઞાન મેળવ્યું ને ગુજરાન માટે તેલની મિલમાં જોડાયા. અકસ્માતે એક પગ કપાયો ને અપંગ બન્યા. બાળપણથી જ ભજન અને ભક્તિ-સંગીતનો શોખ‚ કંઠ મધુર. પોતાના કંઠના માધુર્યથી ભજનિકોની મંડળીઓમાં એમનું નામ ગાજવા લાગ્યું‚ ભજનિક તરીકેની ખ્યાતિ વધવા માંડી. વડોદરા અને અમદાવાદ રેડિયો ઉપર તેમનાં ભજનો ખૂબ રજુ થયાં છે. કોલંબિયા કંપની દ્વારા કેટલીક ગ્રામોફોન રેકોર્ડ પણ બહાર પડેલી. વડિયા દરબાર સુરગવાળાના આગ્રહથી તેઓ વિ.સં.ર૦૦૧માં માત્ર એકવીશ બાવીશ વર્ષની વયે ભજનિક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરીને વડિયા રહેવા ગયેલા. રેડિયો ઉપર ‘મૈયા તોરે દ્વારે બાલા જોગી આયો…’ એ ભજન ખૂબ જ લોકપ્રિય બનેલું. વિ.સં.ર૦૦૬ ઈ.સ.૧૯પ૦માં વડિયા દરબાર સુરગવાળાના આદિવચન અન ગોકુળદાસ રાયચુરાના આશીર્વચન સાથે ‘ભક્તિસાગર’ નામે ભજન સંગ્રહનું સંપાદન કરીને પ્રકાશન કરેલું જેમાં ૧૬૦ જેટલાં લોકપ્રિય ભજનો છે. એ પછી ‘ભક્તિસાગર’ ભાગ-ર તથા ‘શ્રી શારદા ભજન સિંધુ’ નામે ભજન સંગ્રહો પણ અભરામ ભગત દ્વારા પ્રકાશિત થયા છે. મુસ્લિમ જ્ઞાતિમાં જન્મેલા ઈબ્રાહિમ/અભરામ ભગતને ભજનની પ્રેરણા તેમના કાકા હસન મીરાંજીભાઈ જેઓ ખીરસરા ગામના પોલીસ પટેલ હતા તેમની પાસેથી તથા ખીરસરાના ભજનિક શ્રી રામભાઈ વાંક અને ખીરસરાની આજુબાજુના જૂના ભજનિકો પાસેથી પ્રાપ્ત થયેલી.
(૪) કાનદાસબાપુ : ભંડારિયા ગામે જન્મેલા અને પરબના સેવાદાસ બાપુના શિષ્ય બની ભજનિક બન્યા‚ અમદાવાદ જઈ મંદિર બાંધેલું ત્યાંથી સવાભગતની પીપળી ગામે પટેલને ત્યાં મજુરી કરતા ત્યાંથી કાંદિવલી મુંબઈમાં મંદિર ને પછી દ્વારકામાં આશ્રમ બાંધેલો. એમનું મૂળ નામ કુરજી છગનભાઈ.
(પ) કનુભાઈ બારોટ : મોરબી માળિયા તાલુકાના નાની બરાર ગામે તા. ર૩.૧ર.૧૯ર૩ના રોજ જન્મ. પિતા : દેવીદાન લખધીર બારોટ‚ માતા : સજુબા. અવસાન : ૧૦.૧.૧૯૮પ
(૬) શક્તિદાનગઢવી ઉર્ફે નારાયણસ્વામી : અવ. ૧૭.૯.ર૦૦૦ માંડવી કચ્છ.
(૭) યશવંત ભટ્ટ : માધવપુર ઘેડ માં હવેલી સંગીતના જાણકાર એવા નાગેશ્વર ભટૃને ત્યાં યશવંતભાઈ ભટૃનો જન્મ થયેલો. યશવંતભાઈના નાનાભાઈ હરીશ ભાઈ પણ સારા ગાયક અને સંગીતકાર હતા. તેઓ સાયગલના સ્વરમાં હૂબહૂ રજૂઆત કરી શકતા. યશવંતભાઈએ માધવપુર છોડીને મુંબઈમાં વસવાટ કરેલો. ગાયક કલાકાર તરીકે મુંબઈના ફિલ્મ જગતમાં તેઓ જાણીતા થયેલા. અમીરબાઈ કર્ણાટકી‚ પન્નાલાલ ઘોષા‚ મહમદ રફી‚ કે.સી.ડે વગેરે ગાયકો સાથે અનેક ફિલ્મ ગીતો ગાયેલાં‚ લગભગ તેર જેટલાં વર્ષો તેઓએ પ્લેબેક સીંગર અને સંગીતકાર તરીકે મુંબઈમાં ગાળ્યા. પિતાનું અવસાન થતાં માધવપુર આવ્યા અને ભજનગાન પાછળ પોતાનું જીવન અર્પણ કરી દીધું. ફરી પાછા મુંબઈ પણ ગયેલા પણ ન ફાવ્યું. ત્યાં આકાશવાણી રાજકોટે તેની પ્રતિભા પિછાની રોકી લીધા. અનેક સંગીત રૂપકોમાં તેમણે પોતાનો કંઠ હેમુ ગઢવી જેવા સાથીદારોની સાથે રેડિયો પરથી વહાવ્યો. ‘જેસલ તોરલ’‚ ‘ગોપીચંદ’‚ ‘ભરથરી’‚ ‘ગિરધર ઘેલી મીરાં’‚ ‘દાસી જીવણ’ જેવાં રૂપકો આજે પણ રેડિયો પર સચવાયાં છે. ઈ.સ.૧૯૪૧ થી મુંબઈ રેડિયો પરથી હિન્દી ભજનોની રજુઆતથી જાહેર ગાયકીના ક્ષેત્રમાં પદાર્પણ કરનારા યશવંતભાઈ છેક ૧૯૭૭ સુધી રેડિયો પરથી ભજનો ગાતા રહ્યા. પાછળથી એમને ક્ષયરોગ થયેલો. થોડો સમય કેશોદની ટી.બી. હોસ્પિટલમાં રતુભાઈ અદાણીના આગ્રહે રહેલા. તા.ર૭-૧૦-૧૯૭૭ ના રોજ એમનું અવસાન થયું‚ પણ એમની ગાયકીની પરંપરા આજે પણ એમનાં સુપુત્રી સુપ્રસિદ્ધ ભજનગાયિકા ભારતીબહેન વ્યાસ દ્વારા જળવાતી આવી છે.
(૮) મુગટલાલ જોશી : જેમની વાણીમાં અધ્યાત્મના ઊંચા શિખરો સ્વર થયાં છે એવાં સૌરાષ્ટ્રના સંત કવ્યિત્રી ગંગાસતીના ‘વીજળીને ચમકારે મોતીડાં…’‚ ‘મેરુ રે ડગે પણ જેનાં મનડાં ડગે નૈં ને… ’‚ ‘શીલવંત સાધુને વારે વારે નમીએ પાન બાઈ !… ’‚ ‘કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ… ’ જેવાં ભજનોને પોતાના પોતાના અસલ પરંપરાગત સૂર‚ તાલ અને ઢાળમાં પ્રસ્તુત કરનારા જૂની પેઢીના ભજનિક સ્વ.શ્રી મુગટલાલ જોશીનો જન્મ તા. ૪.૪.૧૯ર૬માં મોરબી મુકામે બ્રાહ્મણ જ્ઞાતિમાં માતા લક્ષ્મીબાઈ અને પિતા નરભેરામભાઈ જોશીને ત્યાં થયેલો. બાળપણથી જ માતાના ભજનગાનના સંસ્કારો તેમના પર પડયા. મિડલ સ્કૂલ સુધી અભ્યાસ કર્યા પછી મોરબીમાં જ ધોબીની દુકાને કપડાંને ઈસ્ત્રી કરવા તથા ચાની હોટેલમાં જીવન નિર્વાહ માટે નોકરીએ કરી. સાથો સાથ ભજનગાનનો શોખ કેળવાતો રહ્યો. રાતોની રાતો ભજનમંડળીઓમાં જાગરણ કરે‚ પગે ચાલીને આજુબાજુના ગામડાંઓમાં ભજન સાંભળવા જાય. સંગીતનો શોખ વિકસતો રહ્યો‚ નાટક મંડળીઓમાં હારમોનિયમ વગાડવા અને ગીતો ગાવાની સાથે અભિનય કરવા પણ જાય. મોરબીથી ધ્રાગંધ્રા ગયા અને કેમિકલ ફેકટરીમાં નોકરી સ્વીકારી. ત્યાં પણ સંગીતની અને ભજનમંડળીઓની મહેફિલ જમાવતા રહ્યા અને એક ભજનિક તરીકેની ખ્યાતિ મેળવી. પછી તો રાજકોટ સુધી એમના ભજનગાનના કાર્યક્રમો થતા રહ્યા. આકાશવાણી રાજકોટમાં ભજનિક તરીકે પાસ થયા અને રેડિયો પરથી એમનાં ભજનો લહેરાતાં રહ્યાં. ઈ.સ.૧૯૬૧માં તાનપુરાવાદક તરીકે રાજકોટ રેડિયો ઉપર જોડાયા. પ્રાચીન ભજનવાણીના જુદા જુદા પ્રકારોને તેના અસલી ઢંગમાં રેડિયોના માધ્યમે પ્રસારિત કરતા રહ્યા ઈ.સ.૧૯૮૪ માં વયમર્યાદાને કારણે આકાશવાણીમાંથી નિવૃત્ત થયા ત્યાં સુધીમાં ભારતના અનેક પ્રાંતોમાં તેમના ભજનગાનના કાર્યક્રમો થતા રહેતા. ગ્રામોફોન રેકોર્ડઝ ઉપરાંત ‘ભક્ત પીપાજી’‚ ‘સંત તુલસીદાસ’‚ ‘સંત રોહીદાસ’ અને ‘અલખનિરંજન’ જેવાં ગુજરાતી ચલચત્રિમાં તેમને કંઠે ભજનો ગવાયાં છે‚ તો અનેક ઓડિયો કેસેટસ પણ પ્રકાશિત થઈ છે.
(૯) દેશી સિતાર સાથે ભજનો ગાતા કરસનદાસ યાદવ : કરસનદાસ યાદવ આપણા સૌરાષ્ટ્રના દેશી સિતાર સાથે ભજનો રજુ કરતા એક માત્ર બૂઝર્ગ ભજનિક હતા. અંત્યજ ગણાતી નટ-બજાણિયા જ્ઞાતિમાં નાનકદાસ યાદવને ત્યાં એમનો જન્મ‚ તારીખ ર૭-૬-૧૯ર૯ના રોજ માતા નાથીબહેનની કૂખે રાજકોટમાં જ થયેલો. એમનું મૂળ વતન રાજકોટ જિલ્લાનું રાજપરા ગામ. બાળપણમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને રાજકોટમાં પ્રાથમિક શાળામાં પટાવાળા તરીકે શિક્ષણકાર્ય સાથે જોડાયા.
૧ એપ્રિલ ઈ.સ.૧૯પ૮ થી આકાશવાણી રાજકોટના ભજનકલાકાર તરીકે માન્યતા મેળવી. ઈ.સ. ૧૯૮૮થી બી હાઈ ગ્રેડના કલાકાર તરીકે માન્યતા મળી.
ઈ.સ.૧૯૬ર માં અખિલ ભારતીય ગાંધવ મહાવિદ્યાલય રાજકોટ કેન્દ્રમાંથી કંઠય સંગીતનો અભ્યાસ કર્યો.
ડિસેમ્બર ઈ.સ.૧૯૭૧માં એચ.એમ.વી. કંપની તરફથી એમના ભજનોની ગ્રામોફોન રેકોર્ડઝ બહાર પડેલી. એમાં બે ભજનો હતાં. એક રામદેવજીનું ભક્તિ કરો તો… અને બીજું દાસી જીવણનું લેર તો લાગી… તારીખ ૧ર થી ૧૭ જાન્યુઆરી ૧૯૮૧ દરમ્યાન કેન્દ્રિય સંગીત નાટક અકાદમી ન્યુ દિલ્હી દ્વારા આયોજિત ભક્તિસંગીત મહોત્સવમાં પરંપરિત ભજન ગાન રજુઆત. રપ‚ર૬‚ર૭ એપ્રિલ ૧૯૮૭ દરમ્યાન ભરુચ ખાતે લોક સાંસ્કૃતિક પરિવાર દ્વારા યોજાયેલ લોક મહોત્સવમાં રજુઆત. પ્રજાસતાક દિન પરેડ નિમિત્તે ન્યુ દિલ્હી ખાતે ઈ.સ.૧૯૮૮માં ભારતભરના લોકકલાકારોની સાથે પોતાની પરંપરિત તારવાદ્ય સાથેની ભજનગાનની કલાનું પ્રદર્શન તત્કાલિન રાષ્ટ્રપતિ શ્રી વેંકટરમણ‚ શ્રી રાજીવ ગાંધી‚ સોનિયા ગાંધી‚ સંરક્ષણ પ્રધાન કે.સી.પંતની સમક્ષ કરેલું. જેનું સંગીત સંચાલન ઉસ્તાદ અમજદઅલીખાને કરેલું. ઈ.સ.૧૯૯૦ માં નહેરૂ સેન્ટર મુંબઈ દ્વારા યોજાયેલ ભારતીય કંઠસ્થ લોકપરંપરાના ફેસ્ટિવલમાં બહુમાન પ્રાપ્ત કરેલું. ર૪ એપ્રિલ ઇ.સ. ૧૯૯૩માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આયોજિત ભક્તિસંગીત કાર્યક્રમ. ઈ.સ. ૧૯૯પમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા સોમનાથ ખાતે ભક્તિસંગીત સંમેલન. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ શતાબ્દી નિમિત્તે તૈયાર થયેલ ‘પહાડનું બાળક’ નાટકમાં દેશી સિતારનું સંગીત. આકાશવાણીના તથા દૂરદર્શનના અનેક સંગીત રૂપકો તથા નાટકોમાં ગાયન અને વાદનની પ્રસ્તુતિ… ૧૪ નવેમ્બર ર૦૦૮ના રોજ ‘સંતવાણી એવોર્ડ’ પૂ. મોરારીબાપુના હસ્તે.
વિવિધ પ્રકારની સામાજિક‚રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્થાઓમાં તેના ભજનોના કાર્યક્રમો યોજાતા રહેતા હતા.
૮૧ વર્ષની વયે તારીખ : ૨૪-૧૧-૨૦૦૯ મંગળવારના રોજ સવારના પોણા પાંચ કલાકે વિદાય લીધી. તેમણે રવિવારના દિવસે સાંજે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતાં ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી પોતે જાતે જ એમાં બેસીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સોમવારે તદ્દન સ્વસ્થ હતા. આખો દિવસ અને રાત્રિ દરમ્યાન ભજનો અને ‘સુંદર વિલાસ’ ગ્રંથના સવૈયા તથા સાખીઓ ગાતા રહ્યા. મંગળવારે વહેલી સવારના ચાર વાગ્યે તમામ ડોકટરોને અને અન્ય દર્દીઓને – ‘હવે આરામ કરી જાઉં’ એમ કહીને ‘જય ગિરનારી…’ બોલીને સંપૂર્ણ સ્વસ્થતા સાથે માથે ઓઢીને પોતાનો દેહ ત્યાગી દીધો હતો. તેઓના સંતાનોમાં શશિકાન્ત‚ કલ્યાણ ઉર્ફે કનુભાઇ (તબલાં વાદક) અને જિજ્ઞેશ (મંજીરાંવાદક) એ ત્રણ પુત્રોને છોડી ગયા છે.
(૧૦) પ્રાણલાલ વ્યાસ : જન્મ જેતલસર ગામે ૧૯.પ.૧૯૪૧
(૧૧) હેમુ ગઢવી : ચોટીલા પાસેના ઢાંકણિયા ગામે તા. ૪.૯.૧૯ર૯ના રોજ જન્મ. અવ. ર૦.૮.૧૯૬પ જન્માષ્ટમી. પડધરીગામે. ઈ.સ.૧૯પ૬ થી આકાશવાણી રાજકોટમાં તાનપુરા કલાકાર તરીકે.
(૧ર) જગમાલ બારોટ (રાજકોટ) : આણંદપર ગામે પિતા વાલજીભાઈ અને માતા રંભાબહેનને ત્યાં‚ તા.રપ.પ.૧૯પર
(૧૩) ઈસ્માઈલ વાલેરા
(૧૪) આકાશવાણી રાજકોટ પરથી પરંપરિત ભજનો રજુ કરતા જૂની પેઢીના ભજનિક દંપતિઓ… રેડિયો ઉપરથી આપણી ભજનવાણીના તળપદા સૂરને વહેતા મૂકવાનું શ્રેય જેને જાય છે એવા ભજનિક દંપતિઓને આ સ્થળે ખાસ યાદ કરવા જોઈએ. ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના માલપરા (ચોસલા) ગામના ભજનિક દંપતિ કલ્યાણ ઘુંસા અને ઓતમબહેન ચિખલિયા‚ ગઢડા તાલુકાના ગુંદાળા ગામના ઝીણા બીજલ અને સુશીલા બહેન‚ ગારિયાધારના મહિપતરાવ ઠાકોર અને કમળાબહેન‚ મંગા નારણ અને સાથીદારો‚ કલ્યાણભગત ચિખલિયાના પુત્ર અને પુત્રવધુ રણછોડદાસ ચિખલિયા અને હંસાબહેન જેવા અનેક કલાકાર યુગલોએ ભજનવાણીની તળપદી પરંપરા જીવતી રાખી છે.
(૧પ) જૂની પેઢીના ખ્યાતનામ ભજનિકો : રાજકોટ આકાશવાણી કેન્દ્ર પાસે જેનાં જૂના ભજનઢાળો સચવાયાં છે એવા શ્રેષ્ઠ ભજનિકો સર્વશ્રી ઘેડ પંથકના મૈયારી ગામના પરમાર નેભા વિંઝા‚ રામદાસ વીરદાસ‚ અમરનાથ નાથજી‚ અમરદાસ ખારાવાળા‚ પાલિતાણાના મનુમહારાજ ત્રિવેદી‚ જૂનાગઢના ભગવાનજી જેઠવા અને માધુભાઈ જેઠવા‚ રાજકોટના નટવરગીરી ગોસ્વામી‚ પરમાર સીદી ભોજા‚ ચના દેવા બારૈયા‚ બાલકદાસ કાપડી‚ આણંદ નથુ બારોટ‚ કનુભાઈ ભટ્ટ‚ પ્રભુદાસ ગોંડલિયા‚ મનુભાઈ જસદણવાળા‚ બાબરાના હસન ઈસ્માઈલ સોલંકી‚ તેજાભાઈ માલસડિયા‚ ખીમરાજ ગઢવી‚ માનભા ગઢવી‚ મોહન અજા મકવાણા‚ ચના જીવા વાઘેલા‚ રામજી મોહન ઢાંકેશા‚ જામનગરના જીવરામ ભગત‚ મૂળ પાનેલીના હાલ સુરત વસતા મૂળદાસજી મેસવાણિયા‚ સાગરદાન ગઢવી‚ ડોલરદાન ગઢવી‚ કચ્છના ધનબાઈ કારા અને કમશરીમાતા‚ નાકા શિયા ગઢવી‚ ગુલાબગિરિ ગોસ્વામી‚ કરસન ગાંગા‚ ભૂપત ટીડા ગુજરાતી‚ ગોપાલ રામજી ગોહેલ‚ જાદવ ગગજી સોલંકી‚ જબરદાન ઝીબા‚ વેલજીભાઈ ગજ્જર‚ ગહનભારતીજી… વગેરે ભજનગાનની સુવિશાળ પરંપરા મૂકીને કાળના પ્રવાહમાં વિલિન થવાને આરે છે. આમાંના કેટલાક ભજનિકો આજે હયાત છે પરંતુ મોટા ભાગના ભજનિકોનો દેહ નથી રહ્યો છતાં એના કંઠના કામણ આપણે અનુભવીએ છીએ. એ સિવાય મોહનદાસજી જીવણદાસજી રામસનેહી‚ મોણવેલ. પ્રેમદાસજી મૂળદાસજી મેસવાણિયા. ભક્તિરામજી ગૌરીદાસજી હરિયાણી‚ સરંભડા. જેજેરામજી ભાવદાસજી ગોંડલિયા‚ અમરેલી. અમરદાસજી કાળીદાસજી દૂધરેજિયા‚ ધારી. જેરામદાસજી ગુરુ સેવાદાસજી પાજોદ. બેચરદાસ રામચરણદાસ ટીલાવત‚ કોટડા સાંગાણી… ધરમશી રાજા‚ ચીમન દંતાણી વગેરે ભજનિકો જાણીતા હતા.
(૧૬) નવી પેઢીના ભજન કલાકારો : ભજનગાનના ક્ષેત્રે વર્તમાન સમયમાં રેડિયો‚ ટી.વી.‚ કેસેટસ અને વિડિયો કેસેટસ કે સી.ડી. જેવાં માધ્યમો ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં પરંપરિત તળપદી ભજનવાણીની સ્વરો લહેરાવે છે તેવા ભજનિકોની માત્ર યાદી જોઈએ તો સર્વશ્રી કલ્યાણદાસ મેસવાણિયા (મેંદરડા)‚ નગાભગત (જૂનાગઢ)‚ રામદાસ ખડખડવાળા (ખડખડ)‚ પ્રાણલાલ વ્યાસ (જૂનાગઢ)‚ હેમંત ચૈહાણ (રાજકોટ)‚ નિરંજન પંડયા (જેતપુર)‚ કરસન સાગ્ઠિયા (મુંબઈ)‚ પ્રફૂલ્લ દવે (અમદાવાદ)‚ અરવિંદ બારોટ (ભાવનગર)‚ સમરથસિંહ સોઢા (રાપર-કચ્છ)‚ વાના જેતા ઓડેદરા (ઘોડાદર-ઘેડ)‚ લક્ષ્મણ બારોટ (જામનગર)‚ વિષ્ણુપ્રસાદ દવે (ગોંડલ)‚ દેવેન્દ્ર વ્યાસ (પીપળિયા)‚ દેવરાજ ગઢવી (કચ્છ)‚ અભેસિંહ રાઠોડ (ભરૂચ)‚ ગુલાબગિરિ ગોસ્વામી (ચમારડી)‚ દેવજી શેખા (બગસરા)‚ શક્તિદાન ગઢવી (જામનગર)‚ પ્રતાપગિરિ ગોસ્વામી (ખંભાળિયા)‚ બિહારી ગઢવી (રાજકોટ)‚ જગદીશ જોશી (અમદાવાદ)‚ ગોવિંદજી બોરીચા (ભાવનગર)‚ ચંદુભાઈ રાઠોડ‚ જયંતિભાઈ પટેલ‚ ખીમજી ભરવાડ‚ સુરેશ રાવળ‚ મથુરભાઈ કણજારિયા‚ પોપટગિરિ ગોસ્વામી‚ બટુક મહારાજ‚ હામા ભગત‚ નિતીન દેવકા‚ માયાભાઈ આહિર‚ યોગેશપુરી‚ કિશોરગિરિ‚ કીર્તિદાન ગઢવી‚ ધીરજગિરિ ગોસ્વામી (કોટડા સાંગાણી)‚ જયસુખપૂરી (જૂનાગઢ)‚ ભીખારામ દાણીધારીયા‚ હરસુખગિરિ‚ હિંમતગિરિ‚ માધુભાઈ લચ્છીવાળા વગેરે…
(૧૭) ભજનગાયિકાઓ : નારી કંઠોમાં આજે જોઈએ તો ભજનની પ્રાચીન અર્વાચીન ગાયકોમાં પદ્મશ્રી દીવાળી બહેન ભીલ‚ પુષ્પાબહેન છાયા‚ દિનાબહેન ગાંધવ‚ લલિતાબહેન ત્રિવેદી‚ કાશીબહેન ગોહિલ‚ શ્રીમતિ ભારતીબહેન વ્યાસ (લીંબડી)‚ શ્રીમતિ લલિતા ઘોડાદ્રા (રાજકોટ)‚ સુ.શ્રી દમયંતિ બરડાઈ (મુંબઈ)‚ મીના પટેલ (અમદાવાદ)‚ ભાવના લાબડિયા (અમદાવાદ)‚ ઉર્મિલા ગોસ્વામી‚ ઈન્દુબહેન ખૂંટી‚ રેખા ત્રિવેદી‚ જાગૃતિ દવે‚ પુનમ બારોટ (મોરબી)‚ ફરીદા મીર‚ જયશ્રીબેન ભોજવિયા‚ જેવાં તો અસંખ્ય નામો ગણાવી શકાય.
(૧૮) આપણા સમયના ભારતખ્યાત ભજનિકો : છેલ્લા વીસેક વર્ષના ગાળામાં જે ભજનિકોએ જ્યાં જ્યાં ગુજરાતી પ્રજા વસે છે ત્યાં ત્યાં ભજન પ્રેમીઓમાં વિશાળ લોકચાહના પ્રાપ્ત કરી હોય તેવાં નામો જોઈએ તો નિરંજન પંડયા‚ કરસન સાગઠિયા અને હેમંત ચૌહાણના નામો ગણાવી શકાય. આ સિવાય ગામડે ગામડે નાના મોટા અનેક ભજનિકો ભજન ગાયકો ભક્તિસંગીતના કલાકારો નજરે ચડે પરંતુ ખૂબ જ ખ્યાતિ પામેલી કલાકારોના જીવન વિશે પણ પ્રમાણભૂત માહિતી આપનારી નોંધ યાદી આપણને પ્રાપ્ત થતી નથી તો આવા છૂપાં રત્નો વિશેની જાણકારી મેળવવા તો એક ખાસ સંશોધન યોજના બનાવવી જોઈએ.
(૧૮) સાજિંદાઓ : તબલાં ઢોલક : રૂડચંદ બગલી‚ હાજીઉસ્તાદ‚ જુસબ ઉસ્તાદ‚ નાથાલાલ ઉસ્તાદ‚ ગોપાલ વાઘરી‚ કાસમભગત‚ અજીમુદ્દિનખાન‚ લાલદાસ રાઠોડ‚ હાજી રમકડું‚ મૂળદાસ રાઠોડ‚ ઇકબાલ હાજી‚ બાબો‚ દિનેશ ગઢવી‚ ચિમન શેખા… વાયોલીન : કાસમભાઈ‚ નવીન મહેતા‚ સ્વ.નાનજી મિસ્ત્રિ‚ સ્વ.શામજી બારોટ‚ પ્રભાત બારોટ‚ નરેન્દ્ર પરમાર‚ મંજિરાં : મેરામભાઈ બાબર‚ ગોપાળ હરિજન‚ ટપુભાઈ દેગામા‚ વિજયપુરી ગોસ્વામી‚ અન્યમાં બાલુભાઈ પાટલીવાળા‚ નુરૂભાઈ બંસરીવાળા‚ મુકુન્દ પટેલ‚ મુરલી છાંટબાર… નાનજી દેવા સરઐયા મંજીરાં‚ કાબુલી મંજીરાંવાળા.
મોજે ગામ પરીએજ, તા.જી.ભરૂચ ના ખ્યાતનામ અભરામ ભગત ના ભજન સંગ્રહ ભક્તિ સાગર આપની પાસે ઉપલ્બધ હોય તો પ્રસારીત કરવા વિનંતી કરું છુ.p