Folk literature & Folk Music of Saurashtra

સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય અને લોકસંગીત

સમગ્ર ભારતવર્ષમાં સંસ્કૃતિની દ્રષ્ટિએ અને સાહિત્યની દ્રષ્ટિ એ અનેક વિશિષ્ટતાઓથી સભર એવા સૌરાષ્ટ્ર પ્રદેશનું એક આગવું સ્થાન અને માન છે. પ્રાચીનકાળથી જ સૌરાષ્ટ્ર પ્રદેશ‚ ધર્મ‚ અધ્યાત્મ અને સાહિત્યના ક્ષેત્ર તરીકે પૂરાણગ્રંથોમાં વર્ણવાતો આવ્યો છે. સોરઠ‚ હાલાર‚ ઝાલાવાડ‚ પાંચાળ‚ ગોહિલવાડ‚ ઘેડ‚ ગીર‚ નાઘેર‚ ઓખો‚ બાબરિયાવાડ‚ બરડો‚ ભાલ‚ વળાંક અને ઠાંગો… એમ જુદા જુદા નામથી ઓળખાતા પ્રદેશોમાં સ્પષ્ટ રીતે ભિન્ન ભિન્ન સમુદાયો‚ બોલી‚ ભાષા‚ રીતરિવાજો‚ વિધિવિધાનો‚ પહેરવેશ‚ અલંકારો‚ રહેણીકહેણી વગેરેમાં પોતપોતાના પોતીકા આગવાં લક્ષણો સચવાતાં આવ્યા છે. ને છતાં એ દરેકમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિકતા તો અખંડ-અવિચ્છિન્ન પણે જળવાતી આવી છે.

ભારતના અન્ય પ્રદેશોના સાહિત્યની માફક સૌરાષ્ટ્રના પ્રાચીન મધ્યકાલીન જૈનસાહિત્ય‚ જૈનેતર સાહિત્ય‚ સંતસાહિત્ય‚ ચારણી સાહિત્યનો પણ આગવો મિજાજ છે. પ્રકાર કે વિષય વૈવિધ્યની દ્રષ્ટિએ  ઢાળ‚ ઢંગ‚ તાલની  અને સંખ્યાની દ્રષ્ટિએ  અન્ય કોઈ પ્રદેશનું સાહિત્ય એની તોલે ન આવી શકે એટલી વિપુલતા સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોવા મળે છે. ઘણા લાંબા સમયકાળથી રચાતું-ગવાતું આવેલું આ સાહિત્ય સમસ્ત જનસમુદાયનું સાહિત્ય છે. એમાં કોઈ એક કવિ કે કર્તાની છાપ જોવા નહિં મળે પણ સૌરાષ્ટ્ર પ્રદેશનાં લોકસમાજના ધાર્મિક‚ સામાજિક‚ નૈતિક‚ ઐતિહાસીક આધ્યાત્મિક વલણો લક્ષણો‚ લોકમાન્યતાઓ  અને સમસ્ત જીવન વ્યવહારનું પ્રતિબિંબ એમાં પડેલું જોઈ શકાય છે. પ્રકૃતિ પરાયણ લોકજીવનમાં કંઠોપકંઠ ઉતરી આવેલું લોકસાહિત્ય એટલે તો આપણા આંતરમર્મ સુધી પહોંચે છે ને અંતરના તાર ઝણઝણાવે છે.

સૌરાષ્ટ્ર પ્રદેશના લોકસાહિત્યને સમજવા માટે સગવડતા ખાતર આપણે છ વર્ગમાં વહેંચી શકીએ. (૧)લોકગીતો‚ (ર)ગીતકથાઓ‚ (૩)લોકવાર્તાઓ લોકકથાઓ‚ (૪)લોકનાટય‚ (૫)કહેવતો‚ (૬)પ્રકીર્ણ લોકસાહિત્ય. જેમાં વરત ઉખાણા‚ લોકોક્તિઓ‚ જોડકણા‚ રમતગીતો ઈત્યાદિનો સમાવેશ થઈ શકે.

કંઠોપકંઠ લોકહૈયામાં સચવાતું આવેલું સૌરાષ્ટ્ર પ્રદેશનું આ લોકવાંઙમય કે લોકસાહિત્ય સમૂહનું સર્જન છે. ભલે કોઈ એક સર્જનશીલ વ્યક્તિ દ્વારા એનું બીજારોપણ થયું હોય કે ઘાટ બંધાયો હોય પણ પછી એમાં સમસ્ત લોકસમૂહનું કર્તૃત્વ કામ લાગે છે અને આખા લોકસમૂહ દ્વારા એની રચના થતી આવે છે. એમાં લાઘવ‚ સરળતા‚ ગેયતા‚ સ્વાભાવિકતા અને પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય વગેરે તત્વોની સાથે જીવાતા જીવન સાથેનો સુમેળ સધાયો હોય છે. તમામ માનવ સંવેદનોની સાથે જ પ્રકૃતિના તમામ તત્વો-અગ્નિ‚ આકાશ‚ તેજ‚ વાયુ‚ ધરતી‚ વૃક્ષો‚ સૂર્ય ‚ ચન્દ્ર‚ તારા‚ પશુ પક્ષીઓ‚ ડુંગરો‚ નદીઓ‚ મંદિર-મહોલાતો‚ વાવ‚ કૂવા‚ તળાવ‚ ને પાણીયારા‚ ઝાડી ને જંગલ‚ દરિયો ને નાવડી‚ ઘોડાં ને ઘમસાણ… એમાં વર્ણવાતા આવે છે. સંસાર જીવનનાં સુખઃદુખ આ લોકસમુદાયે પોતાના સાહિત્યમાં ગાયા-કથ્યા છે. પોતાની અંગત ઊર્મિઓ સાર્વજનીન રીતે પ્રવાહિત થઈ જનસમસ્તની ઊર્મિ તરીકે વિશિષ્ટ ભાવ સંવેદનો દર્શાવે છે.

‘ઓરલ ટ્રેડીશનલ લિટરેચર’ (Oral Traditional Literature ) ‚ ‘ફલોટીંગ લિટરેચર’Floting Literature ‚ ‘કંઠસ્થ પરંપરાનું સાહિત્ય’ Oral Literature ‚ ‘દેશજ સાહિત્ય’ Folk Literature ‚ ‘લોકવાંઙમય’‚.. જેવા જુદી જુદી ભાષાઓમાં અને આપણે ત્યાં પણ જાણીતું એવું આ લોકસાહિત્ય સમસ્ત લોકસમુદાયનું પ્રતિબિંબ ઝીલે છે.

એક સંસ્કાર સમૃદ્ધ વારસા તરીકે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું અવગાહન કે અવલોકન કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સાવ સીધા‚ સાદા‚ સરળ શબ્દોમાં વ્યક્ત થયેલા સમસ્ત લોકસમુદાયના મનોભાવોમાં તળપદા સમાજ અને મૂળ‚ આદિમ‚ પ્રાકૃત‚ જીવન સંસ્કારોની ઝાંખી થાય છે. પ્રકારની દ્રષ્ટિએ લોકગીત હોય કે લોકવાર્તા‚ ગીતકથા હોય કે ભવાઈ વેશ‚ કહેવત હોય કે પરંપરિત લોકભજનો… એમાં નરી વાસ્તવિક્તા નિરુપિત થતી આવી છે.

સંઘ જીવનનો પરિપાક

વહેલી સવારના પરોઢિયાથી માંડીને ગળતી માઝમ રાત સુધીનું હાલરડાથી માંડીને મરશિયાં સુધીનું‚ તમામ પ્રકારોમાં વિભાજીત થયેલું સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય પ્રાચીન સમયથી કાઠી‚ કણબી‚ બ્રાહ્મણ‚ કોળી‚ વાણિયા‚ લોહાણા‚ સુથાર‚ લુહાર‚ કુંભાર‚ માળી‚ મોચી‚ વાળંદ‚ ગરાશિયા‚ રાજપૂત‚ રબારી‚ ભરવાડ‚ આહિર‚ સતવારા‚ માલધારી‚ ચારણ‚ બારોટ‚ હરિજન‚ વણકર‚ ચમાર‚ ભંગી‚ મેર‚ ખાંટ‚ દરજી‚ ભાટ‚ ભાટીઆ‚ ખત્રી‚ ભણશાળી‚ વાઘરી‚ ડફેર‚ સોની‚ કંસારા‚ સલાટ‚ ભાવસાર‚ છીપા‚ વાંજા‚ ખલાસી‚ ખારવા‚ પઢાર‚ ઘાંચી‚ મિયાણા‚ ઠાકરડા‚ માછી‚ અતિત‚ રામાનંદી‚ વેરાગી‚ મારગી‚ વણઝારા‚ ઓડ‚ રાવળિયા‚ બજાણીયા‚ સરાણીયા‚ વાદી‚ જોગી‚ ભાંડ‚ સુમરા‚ ખવાસ‚ રાવળ‚ વહીવંચા‚ તૂરી‚ મીર‚ લંઘા‚ સૈયદ‚ મેમણ‚ ખોજા‚ સીદી‚ વોરા‚ પિંજારા‚ સિપાઈ‚ જત‚ મુમના… એમ જુદી જુદી કોમ-જાતિના લોક સમુદાયો દ્વારા સર્જાતું આવ્યું છે.

અને આ લોકસાહિત્યના વિભિન્ન અંગો દ્વારા જ લોકજીવનમાં કૌટુંબિક‚ વ્યવહારિક‚ સામાજિક ને ધાર્મિક ઉત્સવો કે તહેવારોનું મહાત્મ્ય પરંપરિત રીતે સચવાતું આવ્યું છે. એમાં સમસ્ત માનવજાતના દુઃખ-દર્દો‚ હર્ષ-ઉલ્લાસ‚ ગમા અણગમા‚ પ્રસન્ન દામ્પત્ય‚ વિરહ ને મિલન‚ કજોડાનાં કલહ ને શોકયના સાલ‚ વડાછડ ને મીઠો ઝઘડો‚ વેરણ ચાકરી‚ અબોલા‚ રૂસણાં-મનામણાં‚ સાસુ નણંદના ત્રાસ‚ કવળાં સાસરિયા‚ મેણાના માર‚ તપ‚ ત્યાગ‚ શૌય  બલીદાન‚ ટેક માતૃત્વની ઝંખના‚ વરત-વરતુલા ને ભક્તિ… એમ અપાર ભાવ સંક્રમણોનું વૈવિધ્ય ઘૂંટાતું આવે છે.

કહેવતો‚ વરત (ઉખાણા)‚ લોકઆખ્યાનો‚ લોકગીતો‚ રાસ‚ રાસડા‚ ગરબા‚ ગરબી‚ ધોળ‚ મંગળ‚ લોકપૂરાણકથાઓ‚ લગ્નગીતો‚ બાળગીતો‚ હાલરડાં‚ જોડકણાં‚ વ્રતગીતો‚ કથાગીતો‚ ગીતકથાઓ‚ લોકદૂહા-લોકવાર્તાઓ‚ લોકછંદો‚ લોકકિર્તનો‚ ઝીલણીયાં‚ છકડિયાં‚ મરશિયા‚ રાજિયા‚ વાર‚ તિથિ‚ મહિના‚ ભવાઈવેશોમાં તત્કાળ પ્રયોજાતા પદો (જે પાછળથી જે તે ગામમાં લોકવાંઙમય તરીકે પ્રચલિત પ્રવાહિત થઈ જાય)‚ ઋતુગીતો‚ લોકભજનો એમ પ્રકારભેદે સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય જીવનનાં તમામ ક્ષેત્રોમાં એક સરખું વિહરતું રહ્યું છે.

જીવતરમાં વિષ અને અમૃત ઘોળીઘોળીને સંસારસાગરનું મંથન કરતો લોકસમુદાય જ્યારે પોતાના વિભિન્ન મનોભાવોને વાચા આપે છે ત્યારે સર્જાય છે લોકસાહિત્ય. એમાં શૃંગાર‚ વીર‚ કરુણ‚ હાસ્ય‚ અદભૂત‚ શાંત‚ વાત્સલ્ય અને ભક્તિરસની ધારાઓ એકમેકમાં ભળી જઈને જીવનરસ નિપજાવે છે. એક સામૂહિક ચેતનાની ભાવાભિવ્યક્તિ શબ્દ‚ સૂર‚ લય‚ ભાવ‚ તાલ‚ નૃત્ય ને વાદન એમ જુદા જુદા અંગોને સાંકળીને કલાસ્વરૂપ ધારણ કરે છે ત્યારે એની માલિકી સમસ્ત જનસમુદાયની બની જાય છે. એમાં દરેક માનવીને પોતાના જ જીવનધબકાર સંભળાતા લાગે છે.

કોઈપણ પ્રકારના વિશિષ્ટ માનવસમૂહો દ્વારા ભાષાનું જે ઉચ્ચરિત રૂપ પ્રગટ થાય છે. તે છે Folk Speech અથવા ‘લોકવાણી’. એનો સંબંધ શાસ્ત્રીય ગ્રંથો સાથે નહિંવત છે. એને સંબંધ છે જીવાતા જીવન સાથે અને માનવ વ્યવહારો સાથે. એનું વર્ગીકરણ કરવા માટે કોઈ એક જ દ્રષ્ટિકોણ કામ નહિં આવે. વિવિધ માપદંડોથી‚ વિવિધ દ્રષ્ટિકોણથી એનું વિભાગીકરણ-વર્ગીકરણ કરી શકીએ છતાં ય પર્યાપ્ત વર્ગીકરણ ન થઈ શકે એટલું વૈવિધ્ય આ કંઠસ્થ પરંપરાથી લોકમુખે જળવાયેલું લોકસાહિત્ય જાળવે છે. છતાં અભ્યાસની સગવડતા ખાતર આપણા સંશોધકો જાતિભેદની દ્રષ્ટિએ (સ્ત્રી પુરુષનું સાહિત્ય)‚ અવસ્થાભેદની દ્રષ્ટિએ (બાલ્યાવસ્થા‚ કિશોરાવસ્થા‚ યુવાવસ્થા‚ પ્રૌઢાવસ્થા‚ વૃદ્ધાવસ્થાનું લોકસાહિત્ય)‚ જ્ઞાતિભેદની દ્રષ્ટિએ‚ પ્રદેશભેદની દ્રષ્ટિએ‚ વસ્તુ કે વિષયભેદની દ્રષ્ટિએ‚ પ્રકારભેદની દ્રષ્ટિએ‚ સંબોધન કે નામકરણની દ્રષ્ટિએ‚ સમયભેદની દ્રષ્ટિએ‚ સ્વરૂપભેદની દ્રષ્ટિએ‚ રસભેદની દ્રષ્ટિએ કે પ્રકૃતિભેદની દ્રષ્ટિએ… એમ જુદા જુદા પ્રકારે એના ભેદો પ્રભેદો પાડે છે. અને વર્ગીકૃત કરે છે. એ જ રીતે દ્રષ્ય‚ શ્રાવ્ય અને ગદ્ય-પદ્ય-પદ્યમય… એમ પણ વિભાગો પડે છે.

લોકગીતો

Folk Songs Of Saurashtra

સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં ભાવવૈવિધ્યની દ્રષ્ટિએ‚ પ્રકારોની દ્રષ્ટિએ‚ સંખ્યાની દ્રષ્ટિએ અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે લોકગીતો. માનવસ્વભાવની નાનીમોટી તમામ ખાસિયતો લોકગીતોમાં પ્રતિબિંબ થઈ છે. સૌરાષ્ટ્ર પ્રદેશની પ્રાકૃતિક‚ સામાજિક‚ ધાર્મિક અને ઐતિહાસિક વિશિષ્ટતાઓ આ લોકગીતોમાં ઊતરી આવી છે. એક લાંબા સુવિશાળ ક્ષેત્રને આવરી લેતી સંસ્કાર પરંપરાએ લોકગીતોમાં કલાદેહ ધારણ ર્ક્યો છે. જેનું અનેક દ્રષ્ટિકોણથી વર્ગીકરણ વિભાગીકરણ થઈ શકે.

સમગ્ર લોક જીવન જેને આશરે ટકી રહ્યું છે એવું તત્વ છે લોકધર્મ‚ સૌરાષ્ટ્રનો લોકસમાજ કયારેય ધર્મથી વેગળો નથી પડ્યો. જન્મથી માંડીને મૃત્યુ સુધીના જીવનમાં આવતા તમામ પ્રસંગોએ ધર્મના તત્વો અને ધાર્મિક વિષયો ધરાવતા લોકગીતો અચૂક ગવાય છે. જેમાં ધાર્મિક વિધિઓ સમયે ગવાતાં ગીતો‚ ધાર્મિક વિષયવસ્તુ ધરાવતા કથાગીતો તથા રાસડા અને પ્રાસંગીક સંસ્કારગીતોનો સમાવેશ થાય છે.

ગણપતિ સ્થાપનાનાં ગીતો‚ રાંદલમાંનાં ગીતો‚ ગોર્યમાંનાં ગીતો‚ તુલસીવિવાહનાં ગીતો‚ નવરાત્રીના ગરબા‚ લોકદેવોની ઉપાસના સમયે ગવાતાં ગીતો‚ રામાયણ મહાભારત‚ શ્રીમદ ભાગવતના પ્રસંગો‚ કૃષ્ણચરિત્ર‚ દાણલીલા‚ રાસલીલા‚ શિવચરિત્ર‚ વગેરે પૌરાણિક પાત્રો‚ પ્રસંગો વર્ણવતા રાસડા અને ખોળો ભરતી વેળા‚ ગર્ભવતીને રાખડી બાંધતાં‚ બાળકના જન્મ પછી છઠા દિવસે છઠ્ઠી કર્મ વખતે‚ નામકરણ વિધિ સમયે‚ યજ્ઞોપવિત સમયે‚ સગાઈ‚ ચૂંદડી‚ માળારોપણ‚ મંડપારોપણ‚ કંકોત્રી અને લગ્ન પ્રસંગના દરેક ક્રિયાકાંડ સમયે ગવાતાં લગ્નગીતો‚ યજ્ઞયાગ સમયે કે અન્ય શુભ કાર્યો વખતે ગવાતાં ધાર્મિક ગીતો તથા છાજિયા‚ રાજિયા કે મરશિયાંમાં પણ ધર્મનો અનુબંધ જોવા મળે છે.

સંસારી જીવનની વિવિધઅવસ્થાઓ વર્ણવતાં સામાજિક વિષયવસ્તુ ધરાવતાં લોકગીતો પણ સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં અગત્યનો હિસ્સો ધરાવે છે. દામ્પત્ય જીવનની મધુરતા વર્ણવતાં‚ રાધાકૃષ્ણ‚ શિવપાર્વતી કે રામસીતાને નામે પત્નીના વ્હાલ ભર્યા રસિક જીવનનું ચિત્રણ કરતાં સ્નેહગીતો‚ રૂસણા‚ અબોલા‚ વેરણ‚ ચાકરી‚ ક્રુરતા‚ તકરાર‚ કજોડા કે દારૂ-જુગારની બદીઓએ જન્માવેલી સાંસારિક મુશ્કેલીઓનું આલેખન ધરાવતાં કરુણ ગીતો‚ કોડભરી વહુવારૂ અને કવળાં સાસરિયાની કહાણી‚ સાસુના સીતમ‚ સંયુકત કુટુંબની કૂરુઢિઓ‚ મેણાના માર‚ દિયર ભોજાઈ કે નણંદ ભોજાઈના વેરનું આલેખન કરતાં ગીતો‚ શોકયનું સાલ‚ બંધુપ્રેમ‚ ભગિનિપ્રેમ‚ માતૃપ્રેમ  કે પિતૃપ્રેમના આદર્શ રજૂ કરતાં પ્રસંગગીતો કે કથાગીતો‚ સમાજને ખાતર બલિદાન આપનારાઓની અમર કહાણી રજૂ કરતી કારુણ્ય અને વીરત્વસભર ગીત કથાઓ‚ પતિપ્રેમથી વંચિત રહેલી ખારવણોની મનોવેદના વર્ણવતા વિરહગીતો અને પરકિય પ્રેમસંબંધો વ્યક્ત કરતા ગીતોની સાથોસાથ જશમા ઓડણ‚ સધરો જેસંગ‚ રાજાગોપીચંદ‚ રાજા ભરથરી‚ નરસિંહ‚ મીરાબાઈ જેવા ઐતિહાસીક પ્રાચીન પાત્રો કે સંત ભક્તોના ચરિત્રો આલેખતા ધોળ કિર્તન‚ ભજન ને લોકઆખ્યાનો‚ કેટલીકવાર બહારવટીયાઓના શૌર્યના વર્ણનો કરતાં રાસડાઓ કે લોકદૂહાઓ‚ છપનિયોકાળ‚ મચ્છુ કે ભોગાવાની રેલ કે કોઈ વિનાશકારી આપત્તિ માનવી ઉપર પડી હોય તે સમયના વર્ણનો ધરાવતા પ્રાસંગિક ગીતો ઉપરાંત ધોળ‚ મંગળ‚ આરતી‚ થાળ‚ આંબો‚ હમચી‚ ટીટોડો‚ શણગાર‚ ધૂન‚ કિર્તન‚ લોકપદો‚ ઝીલણીયા‚ લોકબારમાસી‚ મહિના‚ તિથિ‚ વાર‚ પહોર‚ કક્કા‚ છકડિયા‚ ડીંગ વગેરે નામ ધરાવતા વિશિષ્ટ પ્રકારના લોકગીતો-પદ્યોએ સૌરાષ્ટ્રના લોકસાહિત્યને વિશિષ્ટ પરિમાણ બક્ષ્યું છે.

પરંપરિત‚ દેશી‚ રાગ‚ ઢાળ‚ તાલમાં ઊર્મિની મુકત અભિવ્યક્તિ થઈ શકે એવા નર્તન સાથે આ લોકગીતો સાહજીક રીતે જ લોકકંઠે સચવાતા રહ્યા છે. દરેકે દરેક થરના નોખા નિરાળા પ્રસંગોને કે બાળકથી માંડીને ડોસા ડગરાને‚ સાધુ સંતથી માંડી બહારવટીયા સુધીના પાત્રોને ગીત‚ વાર્તા‚ કહેવતો‚ નૃત્ય‚ નાટય કે સંગીત સાથે લોકોએ આજ સુધી જીવતા રાખ્યા છે. નાવણ‚ ભોજન‚ મુખવાસ અને પોઢણ સુધીની દરેક પ્રક્રિયાનું નિરુપણ લોકસંગીતના સથવારે‚ લોકનૃત્યના અંગમરોડે‚ લોકવિદ્યાના તાલે થતું રહ્યું છે.

લોકવાર્તાઓ

Folk Tale Of Saurashtra

સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં લોકગીતો પછી અત્યંત લોકપ્રિય પ્રકાર તરીકે લોકવાર્તાઓને મૂકી શકાય. લોકવાર્તાઓનો ઉદભવ અત્યંત પ્રાચીન સમયમાં થયો હશે એવું માનવામાં આવે છે. એમાં નામકરણ અથવા સંબોધનની દ્રષ્ટિએ-બાળકથા‚ પ્રેમકથા‚ વ્રતકથા‚ હાસ્યકથા‚ કહેવતો કે દ્રષ્ટાંતકથા‚ શૌર્યકથા‚ ચમત્કારલક્ષી અદભૂતકથા‚ દંતકથા‚ શિકારકથા‚ સાહસકથા‚ દંતકથા‚ સંતકથા જેવા પ્રકારો મળી આવે છે. વસ્તુની દ્રષ્ટિએ ધાર્મિક‚ પૌરાણિક‚ એતિહાસિક‚ અધએતિહાસિક‚ કલ્પિત કે કાલ્પનિક‚ ચમત્કારિક‚ રાજનૈતિક‚ અને આધુનિક વિષયવસ્તુ ધરાવતી વાર્તાઓ. ઉદ્દેશની દ્રષ્ટિએ ઉપદેશ માટે‚ મનોરંજન માટે‚ ધર્મસંપ્રદાયબોધ માટે અને બુદ્ધિના વિકાસ માટે રચાયેલી વાર્તાઓ. વિષયની દ્રષ્ટિએ શૌર્ય પ્રધાન‚ પ્રેમપ્રધાન‚ હાસ્યપ્રધાન‚ નીતિપ્રધાન‚ કૂતુહલપ્રેરક તથા નિર્વેદપ્રધાન‚ ભક્તિપ્રધાન વાર્તાઓ‚ દેવી દેવતા સંબંધી‚ રાજા-રાણી સંબંધી‚ પ્રિયતમ-પ્રિયતમા સંબંધી‚ પશુ-પક્ષી-પ્રાણી સંબંધી‚ રાક્ષસ-ભૂતપ્રેત‚ ચૂડેલસંબંધી‚ જાદુમંત્ર-તંત્ર સંબંધી‚ સાધુ ફકીર સંત સંબંધી‚ શિકાર‚ બલીદાન કે વીરતાભર્યા પ્રસંગો સંબંધી વાર્તાઓ. હિન્દુધર્મ‚ ખ્રિસ્તિધર્મ‚ જૈનધર્મ‚ બૌદ્ધધર્મ‚ મુસ્લીમધર્મ સંબંધી વાર્તાઓ. કદની દ્રષ્ટિએ – લાંબી‚ ટૂંકી‚ સરળ‚ જટિલ‚ દુહાબદ્ધ કે ટૂચકા પ્રકારની વાર્તાઓ. રસની દ્રષ્ટિએ – શૃંગાર‚ વીર‚ અદભૂત‚ શાંત ‚હાસ્ય‚ કરુણ કે ભક્તિ રસની વાર્તાઓ. કાળની દ્રષ્ટિએ – પ્રાચીન‚ મધ્યકાલીન કે અર્વાચીન સમયની વાર્તાઓ‚ પ્રકૃતિની દ્રષ્ટિએ – સર્વદેશીય અને સ્થાનીય વાર્તાઓ જેમાં ઘટનાપ્રધાન‚ પાત્ર  કે ચરિત્રપ્રધાન‚ ભાવનાપ્રધાન‚ પ્રભાવપ્રધાન કે વિવિધ વિધાનપ્રધાન વાર્તાઓને ગણાવી શકાય.

કથનશૈલીની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ તપાસીએ તો તેમાં (૧)પરંપરાગત સામાજિક કથનરીતિની વાર્તાઓ-જેમાં દાદીમાની-દાદાજીની વાર્તાઓ‚ વ્રતકથાઓ‚ બાળવાર્તાઓ‚ ટૂચકાઓ‚ કહેવતકથાઓ વગેરે ગદ્યમાં કે પદ્યમાં રજુ થતી વાર્તાઓ આવે.

(ર)વ્યવસાયી વાર્તાઓ Story Taler (જે લોકસાહિત્ય-લોકવાંઙમયના વાહકોની કથન શૈલી મુજબની પદ્યમય લોકવાર્તાઓ) જેમાં ચારણી શૈલીની‚ જેને રાજદરબારી વાર્તાઓ તરીકે ઓળખવામાં આવે તેવી ડાયરામાં કહેવાતી લોકવાર્તાઓ. જે વાદ્ય સાથે કે વાદ્ય વિના માત્ર ગદ્યમાં કે વચ્ચે વચ્ચે બીજી અનેક નાની મોટી વાર્તાઓ- ટૂચકાઓ આવતા જાય‚ વિવિધરસ ઉત્પન્ન કરવા અને રસ જમાવવા દષ્ટાંત રુપે આડકથાઓ પણ‚ આવતી જાય એવી સભારંજની શૈલીની કંઠ કહેણી અને કાવ્ય‚ શબ્દ‚ સૂર અને સંગીત એ ત્રણે તત્વોનો સમન્વય સાધીને શ્રોતોઓનો સમન્વય સાધીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી વાર્તાઓ.

(૩)બારોટ શૈલીની (જેમાં સિતાર જેવા તંતુવાદ્ય  સાથે રજુ થતી બારોટ રાવળ‚ ઢાઢી‚ મીર‚ લંઘા જેવી યાચક જાતિઓ દ્વારા વાર્તાની રજુઆત થતી હોય.) રાવણહથ્થા‚ સુંદરી કે રવાજ જેવા તંતુવાદ્યો સાથે રજુ થતી હરિજન‚ બારોટ‚ તૂરી વગેરે જાતિઓની શૈલીની લોકવાર્તાઓ.

(૪) ભાંડ વહીવંચા‚ ભરથરી‚ નાયક‚ બહુરુપી‚ મદારી વગેરે વિશિષ્ટ જાતિઓની પોતપોતાની વિશિષ્ટ કથનશૈલી ધરાવતી લોકવાર્તાઓ.

(૫) ભવાઈ રજૂ કરતાં પહેલા‚ ‘બેસણા’ સમયે‚ તરગાળા ભવાયા જાતિના કલાકારો દ્વારા રજુ થતી ભવાઈ શૈલીની વાર્તાઓ.

(૬) માણભટૃ કે કથાકાર બ્રાહ્મણો દ્વારા રજૂ થતી આખ્યાનશૈલી વાર્તાઓ.  આમ છ જેટલા વિભાગોમાં સૌરાષ્ટ્રની લોકવાર્તાઓને વહેંચી શકાય.

સામાન્ય બોલચાલની-લોકબોલીમાં રજૂ થતી સામાજિક કથનશૈલીની વાર્તાઓ અને વિશિષ્ટ લોકવાર્તાઓના કથકો દ્વારા રજૂ થતી લોકવાર્તાઓમાં રજુઆતની દ્રષ્ટિએ ઘણો ફરક જોવા મળે છે. ધંધાદારી લોકવાર્તા કથકો દ્વારા રજુ થતી ડાયરાઓની વાર્તાઓમાં પરંપરિત લોકમુખે સચવાયેલી ઘટના કે કથા હોવા છતા મૌલિક સર્જકતાનો ઉન્મેષ જોવા મળે છે. કથાવસ્તુની પસંદગી અને એની ખીલાવટ‚ કહેણી‚ નાદવૈભવ‚ કંઠની તાકાત‚ ધારદાર મર્મીલી વેધકતા કવિત્વભરી કલ્પનાઓ‚ વર્ણનોમાં આલંકારિકતા અને લોકભાષાની બળુકાઈ જેવા તત્વો સાથે વાર્તાકારના હાવભાવ‚ સ્વરના આરોહ-અવરોહ અને અંગભંગી પણ અદભુત મોહિની પ્રસરાવી દ્યે.

પ્રેમ‚ શૌર્ય‚ ભક્તિ‚ શક્તિ‚ સૌંદર્ય‚ આદર-આતિથ્ય અને ખાનદાની જેવા તત્વો ધરાવતી લોકવાર્તાઓ સૌરાષ્ટ્ર પ્રદેશની આગવી મૂડી છે.

લોકનાટ્ય – ભવાઈ

Folk Drama -BHAVAI

માનવજાત જ્યારથી સમજણી થઈ સમૂહમાં વસવા લાગી ત્યારથી સંગીત‚ ચિત્ર‚ નૃત્ય‚ નાટ્ય‚ શિલ્પ‚ સ્થાપત્ય વગેરે કલાઓનો જન્મ થયો. ભારતના જુદા જુદા પ્રદેશોમાં એ કલાઓ પ્રાદેશિક લક્ષણો અને સ્વરુપ પ્રકારો મુજબ વિકસતી આવી છે. લોકસંસ્કૃતિઓમાં ગીત‚ વાર્તાઓની સાથોસાથ લોકનાટ્યનું સ્વરૂપ પણ એ રીતે પ્રદેશભેદે-રામલીલા‚ જાત્રા‚ નૌટંકી‚ તમાશા‚ રાસલીલા‚ ભવાઈ‚ કે રામામંડળના નામે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય છે.

ગુજરાતનું પ્રાદેશિક લોકનાટ્ય તે ભવાઈ. ભવાઈની રજુઆત એક ચોકકસ જાતિ દ્વારા (ભવાયા‚ તરગાળા‚ વ્યાસ કે નાયક જાતિના કલાકારો દ્વારા) કરવામાં આવે છે. ગુજરાતની લોકનાટ્યની પરંપરા ભવાઈથી બંધાઈ હશે અને ભવાઈવેશોના આદ્યપુરુષ અસાઈત ઠાકર એમ મનાય છે. પરંતુ અસાઈતના સમય પહેલા પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં લોકનાટ્યની જુની પરંપરા સચવાઈ હશે એવા નિર્દેશો પ્રાચીન મંદિરોના શિલ્પ સ્થાપત્યોમાં મળતા ભવાઈ કલાકારોના શિલ્પો પરથી મળી આવે છે. એમાં ભુંગળ વગાડનાર‚ ઝાંઝ‚ પખવાજ‚ વગાડનાર અને અરિસામાં મોઢું રાખીને વિવિધ અભિનય કરનારા લોકોનાં શિલ્પો જોઈ શકાય છે. આમ‚ મંદિરો સાથેનો લોકનાટ્યોનો સંબંધ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. આપણી ભવાઈનો ઉદભવ પણ શક્તિ ઉપાસનાના માધ્યમ માટે થયો હશે એમ માનવામાં આવે છે. ગાયન‚ વાદન‚ નર્તન અને સાથોસાથ પ્રસંગકથનની આ કળાની ઉત્પત્તિ પણ અત્યંત પ્રાચીન સમયમાં‚ તમામ સંગીત‚ નૃત્ય‚ નાટ્ય‚ સ્વરૂપોની જેમ જ ધાર્મિક વિધિ વિધાનોના ભાગ રૂપે થઈ છે પણ ધીરે ધીરે એમાં ખુબ જ પરિવર્તન આવી ગયું છે. જેટલું મહત્વ શૃંગાર અને હાસ્યને અપાયું છે તેટલું મહત્વ ભક્તિ રસને નથી જ અપાયું પણ જીવાતા જીવનના સુખ દુખ‚ હર્ષ-શોક અને વિસંવાદિતાનું બયાન એમાંથી પ્રાપ્ત થાય છે.

ભવાઈના વેશો જે સ્થળે ભજવવાના હોય એ મેદાનને ‘ચાચર ચોક’ કહેવામાં આવે છે. અસાઈત ઠાકોર રચિત ભવાઈના વેશોમાંથી ગણપતિ‚ જૂઠણ‚ અડવો‚ ઝંડાઝૂલણ‚ છેલબટાઉ‚ મિંયાબીબી‚ જસમા‚ ઓડણ‚ સધરો જેસંગ‚ દેપાળ પદમણી‚ કાન-ગોપી-રામ-રાવણ‚ લાલવાદી-ફુલવાદી‚ કજોડાનો વેશ… વગેરે વેશોમાં જુના અંશો સચવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની ગ્રામજનતાનું સ્થાનિક મનોરંજન આવા ભવાઈ કાર્યક્રમો છે. એમાં ધાર્મિક‚ સામાજિક અને ઐતિહાસિક વસ્તુ ધરાવતા લોકનાટ્યના વેશો ભજવવામાં આવે છે. ભવાઈનું સંગીત વિશિષ્ટ પ્રકારનું હોય છે. ભૂંગળ‚ પખવાજ‚ ઝાંઝ ને પતરાના ડબ્બા જેવા સંગીત સાધનો- સાજ દ્વારા લોકઢાળ અને જુદા જુદા રાગોની દેશીઓનું ગાન નૃત્ય સાથે કરવામાં આવે છે. સંવાદ‚ અભિનય‚ નૃત્ય અને સંગીત એ ચારે અંગોનો સમન્વય ભવાઈમાં થતો હોય છે. તદન મયાર્દિત વેશભૂષા‚ પ્રકાશ આયોજન કે વેશભૂષાનો ઉપયોગ કરીને ખૂબ જ અસરકારક રીતે લોકોનું મનોરંજન પૂરું પાડનાર આ લોકનાટય પ્રકારનો સમાજ સુધારણાના કાર્યો માટે પણ અવાર્ચીન સમયના રેડિયો ટી.વી. જેવા માધ્યમો ઉપયોગ કરે છે.

વરત(ઉખાણા)‚ કહેવતો અને લોકોક્તિઓ

Folk Speak & Illustration

સૌરાષ્ટ્રના લોકસાહિત્યના પ્રકીર્ણ પદ્ય સ્વરુપોમાં વરત‚ પદ્યમય કહેવતો‚ લોકોક્તિઓ‚ જોડકણાં‚ ભડલીવાક્યો‚ વરતારા‚ રેડી‚ શલોકા વગેરેને ગણાવી શકાય. તત્કાલીન લોક જીવનની આછી રેખાઓ એમાં સ્પષ્ટ રીતે ઉઠેલી જોવા મળે છે. એમાં લોકોના ગૌરવ‚ ખુમારી‚ વાત્સલ્ય‚ પ્રેમ‚ વિરહ‚ બલીદાન‚ દર્દ‚ આંસુ‚ પ્રકૃતિ સાથેના સંબંધ સહજીવનની સુવાસ‚ જુદી જુદી કોમ-જાતિઓની લાક્ષણિકતા પ્રાદેશિક વિશિષ્ટતાઓ વગેરે તત્વો સરળ‚ સીધા અને યાદ રહી જાય એટલા ટૂંકા શબ્દોમાં લોકકંઠે રમતા રહ્યા છે. સૂત્રાત્મકતા‚ સંક્ષિપ્તતા‚ તીક્ષ્ણતા‚ તીવ્રતા અને લોકપ્રિયતા જેવાં લક્ષણો આ પ્રકીર્ણ લોકસાહિત્ય સ્વરૂપોમાં જળવાતાં આવે છે. એક એક કહેવત પાછળ લોક જીવનનો મર્મ છૂપાયો હોય એવી કથાઓ છૂપાયેલી હોય છે.

લોકવાણીની તાકાત પૂરી ત્રેવડથી કહેવતો વરત ઉખાણા કે લોકોક્તિઓમાં શબ્દબદ્ધ થયેલી જોવા મળે છે. માનવીના જીવનનો‚ જીવન અનુભવોનો નીચોડ એમાં સંગ્રહાયેલો દેખાય. ઘણું કરીને એક બે જ પંક્તિમાં શકય એટલા લાઘવથી લયાત્મક શબ્દોમાં રોજબરોજના જીવનમાં અનુભવાતા કડવા-મીઠા તમામ અનુભવોનું ભાથું એમાં સચવાયું હોવાને કારણે લોક જીવનના અભ્યાસીઓ માટે લોકસાહિત્યના અન્ય અંગોની માફક આ પ્રકીર્ણ લોકસાહિત્ય પ્રકારો પણ એટલા જ મહત્વપૂર્ણ બની રહે છે.

આમ‚ સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય તેની તમામ પ્રાદેશિક લાક્ષણિકતાઓ વડે સભર રસભર્યું સાહિત્ય છે. સૌરાષ્ટ્રમાં વસતાં તમામ જાતિ-કોમ-વર્ણના માનવીઓ આ ‘લોકસમુદાય’માં સમાવિષ્ટ છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં લોકસંસ્કૃતિ અને શિષ્ટસંસ્કૃતિ એવા ભેદ ઓછા જોવા મળે છે. તમામ જાતિ‚ ધર્મ‚ સંપ્રદાયના સ્ત્રી-પુરૂષો દ્વારા સંઘગાન-સમૂહગાન રૂપે અવતરેલું આ લોકવાંઙમય ટૂંકાં છતાં ઊર્મિસભર લોકગીતો-લોકવાદ્યો- લોકોક્તિઓ અને લોકદુહાઓમાં વિશેષ ખીલ્યું છે.

જેનું સર્જન લોકબોલીમાં જ થયું હોય છે ; જેનો સર્જક અગ્નાત છે  ; જેનો તત્કાલ આરંભ થાય‚ ધસમસતો વેગ હોય ; પ્રદેશે-પ્રદેશે‚ જાતિએ-જાતિએ‚ સમયે-સમયે પાઠાંતરો થતાં રહે ; જેમાં શબ્દ‚ સ્વર‚ ગતિ અને તાલનો સમન્વય છે ; સમૂહને કંઠે ચડીને ટકી શકે એવી સરળ શબ્દાવલી છે ; જેમાં પુષ્કળ પુનરાવર્તનો થયાં કરે છે ; જે મૌખિક રૂપે જ જળવાતું આવ્યું છે ; જેમાં પરંપરાનું અનુસરણ થતું રહે છે ; જેમાં કથા કે સંગીતનું તત્વ સર્વજન પરિચિત હોય છે ; જેનો હેતુ મનોરંજન‚ ઉપદેશ‚ જ્ઞાન‚ ઈતિહાસની જાળવણી કે કામનો બોજો હળવો થાય એ માટેનો હોય છે‚ અને જે સર્વભોગ્ય સાહિત્યપ્રકાર છે એવું આ લોકવાંઙમય લોકસંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે.

લોકસંગીત

Folk Music Of Saurashtra

લોકસાહિત્યમાં જેટલું મહત્વ શબ્દને અપાયું છે તેટલું જ‚ કયારેક તો શબ્દથી પણ વધારે મહત્વ સંગીતને અપાયું છે‚ સ્વર સાથેનો શબ્દ તે જ લોકવાંઙમય. ઉચ્ચારાતો-લયબદ્ધ શબ્દ એ જ લોકસાહિત્ય. જેમાં શબ્દ‚ સૂર અને તાલ મળે એટલે ભાવ ઉત્પન્ન થાય.

લોકજીવનના દરેક ક્ષેત્રમાં માનવીએ સંગીતનો સહારો લીધો છે‚ લોકસંસ્કૃતિને લોક જીવનને સુમધુર કરનારૂં તત્વ હોય તો તે છે લોક સંગીત. એમાં તમામ માનવભાવો સ્વરબદ્ધ થયા હોય છે‚ લોકસંગીતનો ઉદભવ જ માનવ સંવેદનાઓના ઉદભવ સાથે થયો છે‚ જ્યારે આદિ માનવીએ પોતાના હદયના ભાવોને વ્યકત કરવા સૂરનો સહારો લીધો ત્યારે સ્વયંભૂ‚ સ્વર‚ લય‚ તાલ અને શબ્દાવલીનું સહજ રીતે જ અવતરણ થયું અને તેમાંથી પ્રગટ થયું લોકસંગીત.

મીઠી-મધુરી કર્ણપ્રિય લોકધૂનો જે યુગોથી લોકોના કંઠમાં-તન-મન-પ્રાણમાં વસી રહી છે‚ અને તેના મોહક માદક સ્વભાવને કારણે કયારેય ભૂલી શકાય નથી એનો પ્રારંભ કયારે થયો હશે‚ એનો ઉદભવ કોણે કર્યો હશે તેનો કોઈ જ ઈતિહાસ આપણને મળતો નથી. પણ‚ ઝરણાંના કલકલ મધુર ધ્વનિ‚ પક્ષીઓના કલબલાટ‚ પશુઓની ત્રાડો‚ પવનના સૂસવાટા‚ મેઘગર્જના‚ દરિયાના હિલ્લોળનો સંબંધ જેમ નાદ સાથે છે તેમ લોકસંગીત પણ આ પ્રકારના જુદા જુદા ધ્વનિ સંકેતો દ્વારા જન્મ પામ્યું છે.

સંગીતના ઈતિહાસમાં લોકસંગીત આદિ સ્થાન ધરાવે છે. ભારતીય સંગીતનો ઈતિહાસ સામવેદ જેટલો જૂનો છે પણ એ સામવેદની રચના થઈ હશે એ પહેલાં પણ લોક જીવનમાં લોકસંગીતના સ્વરો વહેતા હશે એવું માનવામાં આવે છે. લોકસંગીતમાંથી જ શિષ્ટ-શાસ્ત્રીયસંગીતનો જન્મ થયો છે.

લોકસંગીતના લક્ષણો

Definition & Property Of Folk Music

લોકસંગીતના મુખ્ય લક્ષણોમાં કૃત્રિમતાનો અભાવ‚ સહજ‚ સરળ તદન ઓછા સ્વરો દ્વારા પ્રગટ થતું માધુર્યૅ‚ નૈસર્ગિક‚ પ્રાકૃતિક સ્વર અને તાલનો સમન્વય પરંપરાગત રીતે ઉતરી આવેલો સંસ્કારવારસો‚ પ્રદેશે-પ્રદેશે વૈવિધ્ય‚ યુગોથી સચવાતા આવેલા સ્વરોનું સંયોજન અને પ્રસંગ કે ભાવને અનુકૂળ તાલ‚ રાગ‚ ઢાળ‚ જેવા તત્વો ગણાવી શકાય. સાધારણતયા ત્રણથી માંડીને ચાર‚ પાંચ કે છ કે સાત સ્વરોમાં (લોકગીતોમાં તો બહુધા પાંચ કે તેથી ઓછા સ્વરોમાં) લોકસંગીત સીમિત હોય છે. એની સાથે જોડાઈ હોય છે સંઘગાન રુપે લોકનૃત્ય અને લોકવાંઙમયની રચનાઓ.

કોમળ‚ સરળ‚ ઢાળ‚ સહજ તાલ અને લયનું રહસ્ય હોય એવા લોકસંગીતની અભિવ્યક્તિ આકર્ષક હોય છે. લોકસંગીતએ અભ્યાસ કે રિયાઝનો વિષય નથી‚ લોકોને જન્મથી જ મળ્યું હોય છે. એ સ્વરો ઉત્તેજક નહિં પણ ઉત્સાહપ્રેરક હોય છે. અને એમાં કોઈ ચોકકસ શાસ્ત્રીયબંધારણ હોતું નથી. એકનું એક ગીત પ્રદેશે-પ્રદેશે કે સમયે સમયે જુદા જુદા રાગ‚ તાલ‚ ઢાળમાં ગાઈ શકાય અને છતા એ તમામ રાગ પરંપરિત હોય. સર્વભોગ્ય એવું આ સ્વરસંયોજન વારસાગત રીતે જ ઊતરી આવ્યું હોય છે તેથી તેને શીખવા કોઈ જ પ્રકારનો આયાસ કરવો પડતો નથી.

ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકસંગીતમાં અઘરા આરોહ-અવરોહ નથી જોવા મળતા. લોકસંગીતનું સંગીત આરોહનું નહીં અવરોહનું સંગીત છે. શાસ્ત્રીય રાગોમાં આરોહી સંગીત હોય છે જ્યારે સૌરાષ્ટ્રના લોકગીતોમા બહુધા અવરોહી સંગીત મળે છે. એમાં પણ પ્રધાનતા સ્વરની નહીં પણ ઊર્મિ કે ભાવની હોય છે. લોકવાંઙમયનો પૂરેપૂરો અર્થ અને ભાવ લોકસંગીતના સથવારે જ સ્ફૂટ થાય છે.

સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના અભ્યાસી અને મરમી સંશોધક શ્રી જયમલ્લભાઈ પરમારે લખ્યું છે ‘લોકસંગીતમાંથી ગાયન‚ વાદન અને નર્તનની ત્રણે ય પાંખો વિકસી છે‚ એટલે કે લોકસંગીતમાં રાગ છે પણ નિયમબદ્ધ થયેલા શાસ્ત્રીય રાગના પૂર્ણ સ્વરો નથી‚ વાદ્યો છે પણ એના સ્વર કે તાલ શાસ્ત્રીય ચોક્કસ બંધારણ નથી…’

આપણા લોકસંગીતમાંનું સંગીત શાસ્ત્રીય સંગીત કરતાં જૂદાં પ્રકારનું છે. કુદરતી રીતે ખૂબ જ આકર્ષક લાગતું આ ધ્વનિ માધુર્ય સમૂહગાનને કારણે જળવાયું છે. એક જ ધૂનમાં અનેક ગીતો ગાઈ શકાય કે એક ગીતને અનેક ધૂનમાં ગાઈ શકાય એવી સરળતા એમાં કોઈ બંધન-ચોકકસ સ્વરલિપિ-નિશ્વિત બંધારણ નથી એ કારણે છે. શબ્દ અને સ્વરોનું આવર્તન એ લોકસંગીતનો પ્રાણ છે. સંગીતનો લય સાચવવા‚ તાલ સાચવવા ‘એ…’‚ ‘એ…જી…રે’‚ ‘હે…જી…રે’‚ ‘રે…’‚ ‘લોલ…’‚ ‘માણાં રાજ…’‚ ‘હાં…હાં…હાં…’ જેવા સ્વરો લોકગીતોમાં ઉમેરવામાં આવે છે. સામવેદમાં જેને વર્ણસ્તોભ‚ પદસ્તોભ અને વાકયસ્તોભ તથા કયાંક કયાંક માત્રાસ્તોભને નામે ઓળખવવામાં આવ્યા છે તેવા પ્રયોગો લોકસંગીતમાં અનેક જગ્યાએ જોવા મળે.

સૌરાષ્ટ્રના લોકસંગીતમાં અનેક જાતની વિશિષ્ટતાઓનો તથા અનેક પરંપરાઓનો સમન્વય થયેલો જોવા મળે છે. શૈવ‚ શાક્ત‚ વૈષ્ણવ‚ બૌદ્ધ‚ જૈન‚ ઈસ્લામ એમ અનેક ધર્મ-પંથ- સંપ્રદાયોના આગવા સંગીત સંસ્કારાનો લોકસંગીત ઉપર પ્રભાવ પાડયો છે.

સામાન્ય રીતે ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસંગીતમાં સારંગ‚ માઢ‚ પીલુ‚ કાફી‚ ધનાશ્રી‚ કેદાર‚ ભીમપલાસી‚ બિહાગ વગેરે શાસ્ત્રીયરાગોની છાયા દેખાય પરંતુ એ શાસ્ત્રીયરાગોના શુદ્ધ બંધારણ મુજબના તમામ સ્વરો લોકગીતોમાં પ્રયોજાતાં નથી.

કેરવા‚ ધમાર‚ ત્રિતાલ‚ હીંચ‚ દાદરા‚ દીપચંદી‚ લાવણી‚ ખેમટો‚ તેવરા‚ મણિયારો‚ દોઢિયો જેવા તાલ લોકસંગીતમાં પ્રયોજાય છે. લોકસંગીતના આ તાલ પણ નિયમબદ્ધ હોતા નથી. એની ચોકકસ આટલી જ માત્રાઓ એમ જે શાસ્ત્રીય સંગીતમાં નિશ્વિત હોય છે તેમાં લોકસંગીતના તાલોની માત્રામાં વધઘટ જોવા મળે. લોકગીતના શબ્દો અને ભાવ મુજબ એમાં માત્રાની વધઘટ થાય‚ ગાયકની પ્રકૃતિ અનુસાર પણ લોકસંગીતનો વાદક તાલમાં વધઘટ કરી શકે. છતાં પરંપરા અનુસાર એ સ્વૈચ્છિક બંધનમાં પણ હોય. જે ગાયકને અને નર્તકોને એક ચોકકસ લયમાં જાળવી રાખે.

લોકવાદ્યો

Folk Instruments Of Saurashtra

સૌરાષ્ટ્રમાં લોકસંગીત માટે ચાર પ્રકારનાં લોકવાદ્યોનો ઉપયોગ થાય છે.

(૧)આનદ્ધ વાદ્યો – ઢોલ‚ ઢોલક‚ ડાક‚ ડમરૂં‚ નગારું‚ ત્રાંસા અને નોબત વગેરે… ચામડાંથી મઢેલાં તાલવાદ્યો.

(ર) સુષિર વાદ્યો – પાવો‚ જોડિયા પાવા‚ બંસી‚ શરણાઈ‚ શંખ‚ શીંગી‚ ભુંગળ અને મદારીની મોરલી વગેરે

(૩) તંતુવાદ્યો – એકતારો રામસાગર‚ તંબૂર‚ રાવણહથ્થો‚ જંતર‚ દેશી સિતાર વગેરે…

(૪) ઘન વાદ્યો – મંજીરાં‚ ઝાંઝ‚ કરતાલ‚ દાંડિયા‚ ઝાલર‚ ઘંટ વગેરે…

લોકસંગીતની વર્તમાન પરિસ્થિતિ

સૌરાષ્ટ્રમાં આજે લોકસંગીત ઉપર શાસ્ત્રીયસંગીત‚ સુગમસંગીત‚ ફિલ્મીસંગીત‚ પશ્ચિમના મનોરંજક સંગીતે રીતસરનું આક્રમણ કર્યું છે. ધીરે ધીરે સમૂહગાન ઘસાતું ગયું લોકનૃત્ય વિસરાયા‚ લોકગીતોનાં ધંધાદારી ગાયકોએ આધુનિક પશ્ચિમી સંગીતના સાધનોનો ઉપયોગ શરૂ ર્ક્યો અને પરંપરાગત લોકસ્વરને સ્થાને નવા સ્વરો‚ કંઠની હરકતો ને કરામતોની કસરત શરૂ કરી છે. એકાદ જાણીતા ગાયકની નબળી નકલખોરી હજારો કલાકારો કરવા લાગ્યા છે પરિણામે મૂળ‚ પરંપરિત રાગ‚ તાલ‚ ઢાળ‚ ઢંગ‚ વિસરતા ચાલ્યા છે. શહેરીકરણ‚ ઓદ્યોગિકરણ‚ પશ્ચિમીકરણ અને આધુનિકરણ તરફ સમગ્ર લોકસમુદાય આગળ વધી રહ્યો છે.

આજે ગુજરાત સૌરાષ્ટ્રની આગવી લોકસંસ્કૃતિ કે લોકસંગીતનું પ્રતિનિધિત્વ કરતા કલાકારો કે કલાકારોની મંડળીઓ જે કલા રજૂ કરે છે તેમાં નૈસર્ગિક સ્વરૂપ જળવાયું નથી‚ પણ દર્શકો અને શ્રોતાઓને મનોરંજન કરવાના હેતુથી એમાં અનેકવિધ ફેરફારો કરવામાં આવે છે. સ્વર‚ તાલ‚ ઢાળ કે લોકનૃત્યોમાં અનેક જાતનાં પરિર્વતનો આવ્યાં છે. મિશ્ર ગાયકીની પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે‚ જેમાં રચના લોકપરંપરાની લોકસંગીતની હોય પણ સુગમસંગીત‚ ફિલ્મી સંગીત અને રાગદારી સંગીતનું મિશ્રણ કરવામાં આવે છે‚ જેથી શુદ્ધ રાગ પણ બંધાય નહીં અને લોકસંગીત મરી જાય. ત્યારે જરૂરત છે ‘લોકવિદ્યા સંશોધન ભવન’ની ‘ઈન્સ્ટિટયૂટ ઑફ ઍથનિક આર્ટસ’ની. જેમાં ગુજરાતના તમામ પ્રકારના ગ્રામીણ પરંપરિત કલાકારોની ક્ષેત્રકાર્ય દ્વારા ભાળ મેળવી તેની પાસે સચવાયેલી સામગ્રી અને પરંપરિત સૂર-તાલ-ઢંગ ઢાળ-નૃત્યનું દ્રશ્ય-શ્રાવ્ય ધ્વનિઅંકન થતું હોય‚ અને તેની કલાનો સર્વાંગી અભ્યાસ કરી જગત સામે એના મૂળ પરંપરિત પ્રસ્તુત કરવામાં આવે. ભૌગૌલિક પરિમાણ મુજબ દરિયાકાંઠાની જાતિઓમાં‚ વનવાસી આદિવાસી જાતિઓમાં‚ રણવિસ્તારની જાતિઓમાં મોટા શહેરોની આજુબાજુના ગામડાંઓમાં અને દૂરના ગામડાંઓમાં સચવાયેલી સામગ્રી તથા વ્યવસાય મુજબ માલધારી‚ ખેડુત‚ માછીમાર‚ ખલાસી દરિયાખેડુ‚ મજુર‚ વ્યાપારી એમ વિવિધ વ્યવસાયો કરતી લોકજાતિઓમાં સચવાયેલી લોકવિદ્યાઓ લોકસંસ્કૃતિ લોકવાંઙમય અને લોકસંગીતની સામગ્રીનું સંકલન-સંશોધન-સંમાર્જન-સંપાદન-સંરક્ષણ થતું હોય અને પછી એનું આંતરવિધાકીય મૂલ્યાંકનપદ્ધતિથી પૂર્ણ વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન પણ થતું હોય.પણ‚ આવાં સપનાં ક્યારે સાચાં પડે ?

અત્યારે તો ચાલો‚ મારી પાસે ક્ષેત્રકાર્ય દ્વારા ધ્વનિમુદ્રિત સ્વરૂપે મળેલી સામગ્રીમાંથી‚ મારા કંઠમાં જે મૂળ પરંપરિત સ્વર ઢાળ‚ દેશી મૂળ ઢંગ અને તાલ ઉતારી શક્યો છું એનું આચમન કરીએ. તમામ જનસમુદાય ઝીલી શકે એવા સર્વભોગ્ય સરળ સીધાસાદા બહુ ઓછા સ્વરોની બાંધણી હોવા છતાં એ અલ્પ સ્વરોના આરોહ-અવરોહનાં આવર્તનોથી એક જાતનું જે સંગીત માધુર્ય ખડું થાય એનો રસ માણીએ.

(૧) સિમંત ગીત –

લીપ્યું ને ગુંપ્યું મારું આંગણું‚ પગલીનો પાડનાર દ્યો ને   રન્નાદે  વાંઝિયા મેણાં માડી દોહ્યલાં…

રોટલા ઘડીને ઊભી રહી ચાનકડીનો માગતલ દ્યો ને રન્નાદે  વાંઝિયા મેણાં માડી દોહ્યલાં…

(ર) હાલરડાં –

ઓળી ઝોળી પિપર પાન‚ ફઈએ પાડયું રામજી નામ..

ભાઈલો મારો ડાહ્યો…‚ પાટલે બેસી નાયો…પાટલો ગયો ખસી‚ ભાઈલો આવ્યો હસી… હાં… હાં… હાં…

(૩) લગ્નગીતો

Marriage Songs

માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠ કે ફરતી મેલો ને કંકાવટી

તેડાવો રે કાંઈ પાટણ શેરના જોશી‚ કે આજ મારે લખવી છે કંકોતરી…

મોર જાજે ઊગમણે દેશ ; મોર જાજે આથમણે દેશ‚ વર તું જાજે રે વેવાયું ને માંડવે હો રાજ…

એસા ને અલબેલા.મનોજભાઈ ઊભા રયો એકવાર…વિદ્યાનગર શેરના ચોકમાં વીરા ! શેણે લાગી વાર….ઢોલીડા રીઝવતાં બેની ! અમને એણે લાગી વાર…

તારા નખના પરવાળા જેવી ચૂંદડી રે  તારી ચૂંદડીનો રંગ રાતો હો લાડડી ઓઢો ને સાયબજાદી ચૂંદડી રે…

પેલું પેલું મંગળિયું વરતાય‚    કે પેલે મંગળ ગાયુંના દાન દેવાય…

કોયલ બેઠી આંબલિયાની ડાળ‚   મારો મોરલીયો બેઠો રે ગઢને કાંગરે… માણાં રાજ… હોંશીલા વીરા – તમે કોયલને ઉડાડો આપણ દેશ…

(૪) કન્યાવિદાય –

એક આવ્યો તો પરદેશી પોપટો  બેની રમતા’તાં માંડવ હેઠ ધૂતારો ધૂતી ગિયો…

બેની – મેલ્યાં ઢીંગલ મેલ્યાં પોતીયાં  બેની મેલ્યો છે સૈયરૂંનો સાથ‚ મેલીને હાલ્યાં સાસરે…

(પ) રાસ અને રાસડા

Circular dance accompanied with singing

રાધાજીના ઊંચા મંદિર નીચાં મોલ‚ ઝરૂખડે દીવા બળે રે લોલ…

રાધા ગોરી ગરબે રમવા આવો‚ સાહેલીયું ટોળે વળે રે લોલ…

આવી રૂડી અંજવાળી રાત‚  રાતે તે રમવા નીસર્યારે માણાંરાજ…

રમ્યાં રમ્યાં કાંઈ પોર બે પોર‚ સાયબોજી તેડાં મોકલે રે માણાંરાજ…

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો‚ માતાજી રમવા મેલો રે રંગ ડોલરિયો…

જોડ જોતાં તે જોડલું જડી ગિયું રે લોલ… કરમ આડેથી પાદડું ખસી ગિયું રે લોલ…

હવે થોડી રહી પ્રીત ઝાઝું બોલ્ય મા રે લોલ… ફળ પાક્યા વિનાનું કાચું તોડય મા રે લોલ…

ઝીણાં મોર બોલે છે લીલી નાઘેરમાં લીલી નાઘેરમાં ને હરિ વનરાઈમાં…

મોરલો બોલ્યો બોલ્યો રે મારા મૈયરનો‚ મારા મૈયરનો રે મારા રે પિયરનો..

મારા હિરાગર મોરલા ઊડી જાજે…

ઢોલીડા ઢોલ રે વગાડય મારે હિંચ લેવી છે…

કે મું ને ઝાંપે રમવા મેલ્ય ભરવાડિયા ઝાલાવાડી ઢોલ તારો જાંજડ વાગે…

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ… ચાંદો ઊગ્યો ચોકમાં…

મારા લેરિયામાં લાગી લૂંટાલૂંટ રે નણદલ માગે લેરિયું રે બાઈ…

વા વાયા ને વાદળ ઊમટયાં‚ ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર શામળિયા…

હું તો ઢોલે રમું હરિ સાંભરે રે…

ચંદન તલાવડી રોકી કાનુડે‚ જળ ભરવા નો દિયે કાનુડો મારી ખેધે પડયો છે…

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા…

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. મીઠુડી મોરલી વગાડતા રે લોલ…

(૬) કથાગીતો

Folk Ballads of Saurashtra

માડી ! હું તો બાર બાર વરસે આવીયો માડી ! નો દીઠી મારી પરમાર રે જાડેજી મા..મોલ્યુંમાં દીવડો શગે રે બળે…

આભમાં ઝીણી ઝબુકે વીજળી રે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી !  નૈં રે જાવા દઉં વેરણ ચાકરી રે…

વેલ્યું છૂટિયું વાડીના વડ હેઠય એવા ધોરીડા બાંધ્યા રે વડને વાંકિયે….

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી  બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી…

બાર બાર વરસે નવાણ ગળાવ્યા નવાણે નીર નો આવ્યાં જી રે…

સોનલ રમતી ગઢડાને ગોખ જો રમતાં ઝલાણી સોનલ ગરાસણી.

(૭) ભવાઈગીતો –

કે મું ને ઝીણી ઝીણી વાય છે ટાઢ લાલ સનેડો…

(૮) દુહા –

એક આવ્યે દુઃખ ઉપજે‚ એક આવ્યે દુઃખ જાય ;  એક પરદેશે ગિયો સાંભરે‚ એક પાસે બેઠો ન પોસાય.

(૯) મણિયારો –

આજ રે જોધાણા ગઢને મારગે રે ઘોળી જાઉં‚ ઝીણી રે ઊડે છે રે ગુલાલ ;

મણિયારડો રે જિયો ગોરલજો સાયબો મોરો‚ વાંકલડી મૂંછારો રે મણિયાર…

ઊંચી રે ચડું ને નીચે ઊતરું રે ઘોળી જાઉં‚ જોઉં રે મણિયારા તારી વાટ ;

મણિયારો રે જિયો ગોરલ જો સાયબા રે‚ ભૂંભળિયા નેણાં રો રે મણિયાર…

તારા રે દેશમાં આંબા આંબલી રે ઘોળી જાઉં‚ મારા રે દેશમાં રે દાડમ ધ્રાખ ;

કોઈ રે મૂલવે હીરા મોતીડાં રે ઘોળી જાઉં‚ મેં તો રે મૂલવિયો રે મણિયાર…

મણિયારડો રે જિયો ગોરલજો સાયબો રે કેસરિયા દુપટારો રે મણિયાર…

સંદર્ભગ્રંથ સૂચિ

Reference Books For Gujarati Folklore

૧.    લોકસાહિત્યનું સમાલોચન               ઝવેરચંદ મેઘાણી

ર.       લોકસાહિત્ય (ધરતીનું ધાવણ ૧ – ૨)   ઝવેરચંદ મેઘાણી

૩.    રઢિયાળી રાત (ભાગ ૧ થી ૪)          ઝવેરચંદ મેઘાણી

૪.      આપણી લોકસંસ્કૃતિ                   જયમલ્લ પરમાર

પ.   લોકસાહિત્ય તત્વદર્શન અને મૂલ્યાંકન   જયમલ્લ પરમાર સં.બળવંત જાની

૬.    લોકસાહિત્ય વિમર્શ     જયમલ્લ પરમાર

૭.    લોકસાહિત્ય અને સંસ્કૃતિ                 જયમલ્લ પરમાર

૮.      ગુજરાતમાં સંગીતનું પુનરુજ્જિવન       નારાયણ મોરેશ્વર ખરે

૯.    ગુજરાતી લોકસાહિત્ય                    ડો.હસુ યાજ્ઞિક

૧૦.   લોક વાંઙંમય                            કનુભાઈ જાની

૧૧. ગુજરાતનાં લોકવાદ્યો                     ઇન્દ્રશંકર રાવળ

૧ર.      લોકવાર્તા                                પુષ્કર ચંદરવાકર

૧૩.  લોકામૃત                                 પુષ્કર ચંદરવાકર

૧૪.  લોક દ્વારેથી                                    પુષ્કર ચંદરવાકર

૧પ.  ‘લોક ગુર્જરી’ના અંકો               પ્રકા.લોકસાહિત્ય સમિતિ

૧૬.  ‘ઊર્મિ નવરચના’ના અંકો                 સં.જયમલ્લ પરમાર

૧૭.  ‘વીરડો’ના અંકો                          સં.હરેન્દ્ર ભટૃ

૧૮.      ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાહો                   હરકાન્ત શુકલ

૧૯. લોકસાહિત્ય – વિભાવના અને પ્રકાર    ડો.હસુ યાજ્ઞિક

૨૦. ગુજરાતની લોકવિદ્યા           ડો.હસુ યાજ્ઞિક

૨૧. લોકવિદ્યા વિજ્ઞાન          ડો.હસુ યાજ્ઞિક

You can follow any responses to this entry through the RSS 2.0 feed.
Responses are currently closed, but you can trackback from your own site.

One Response to“Folk literature & Folk Music of Saurashtra”

  1. Pragnesh says:

    Lok sahity ane lok geet vishe janava malyu anand thayo