Ashva in Folklore
અશ્વ : માનવ જીવનમાં અને સાહિત્યમાં
માનવ જીવન સાથે જે પ્રાણીઓનું કાયમ માટે અનુસંધાન રહ્યું છે એમાં ગાય‚ અશ્વ અને કુતરાને મુખ્ય ગણાવી શકાય. મધ્યકાળમાં તો અશ્વ સાથેના માનવ સંબંધો એટલા ગાઢ હતા કે અશ્વને કુટુંબના એક સભ્ય જેટલું જ સ્થાન અને માન મળતું રહેલું. લોકજીવનમાં પૂજનિય અશ્વ : દેવના પ્રતીક તરીકે‚ દેવના વાહન તરીકે‚ દેવતાઈ પ્રાણી તરીકે અને પૂર્ણ પુરુષ તરીકે હંમેશને માટે પૂજાતો આવ્યો છે. આપણે આજે લોકવાણીમાં‚ લોક ગીતોમાં‚ લોક ભજનોમાં‚ લોકસાહિત્યમાં‚ ચારણી બારોટી સાહિત્યમાં અને સંતવાણીમાં અશ્વ વિશેના ઉલ્લેખો ધરાવતી કેટલીક પંક્તિઓનો આસ્વાદ લેવો છે. માનવજીવન સાથે ઘોડાંની એકરૂપતા કેટલી હતી એ હકીકત હવે લોકકંઠે સચવાયેલાં દુહાઓ‚ લોકગીતો‚ લોકવાણી અને સંતવાણીમાં જોઈએ.
દુહાઓમાં અશ્વ
તીખા તુરગ ન માણિયા‚ ભડ તરવાર ન ભગ્ગૂ
એહ અવતાર એળે ગયો‚ જેને ગોરી ગળે ન લગ્ગૂ.
જે મુખ અમલ ન ચખ્ખિયો‚ તોરી ન ખેચ્યા તંગ ;
ફટ અલૂણા સાયબા‚ આપું તોં કીં અંગ ?
ભલ ઘોડા વલ વંકડા‚ હલ બાંધવાં હથિયાર ;
ઝાઝાં ઘોડામાં ઝીંકવાં‚ મરવું એક જ વાર.
તાતા તોરીંગ મૃગ કૂદણાં‚ લીલા પીળા લાલ ;
ભલ વછેરા ઊછરે‚ પડ જોવો પાંચાળ.
ભલ ઘોડાં‚ કાઠી ભલા‚ પેનીઢક પહેરવેશ‚
રાજા જાદવ વંશરા‚ ડોલરિયો કચ્છ દેશ.
મોતી ભાંગ્યું વીંધતાં‚ મનડું વેણ કવેણ ;
તોરી ભાંગ્યો ટેપાવતાં‚ સાંધો ન લિયે શેણ.
ઘર ઘોડી પિયુ અપચળો‚ વેરી ભેગો વાસ ;
નત્યના વાગે ઢોલડા‚ કયા ચુડલારી આસ !
ભોં ભીની ઘોડા ભલા‚ ડાબા ઊપડિયાં ;
કાં મરઘાનેણી માણવા‚ કાં ખગ વાવા ખડિયા.
સાઠી ચાવલ‚ ભેંસદૂધ‚ ઘર શીલવંતી નાર ;
ચોથી પીઠ તુરંગરી‚ સરગ નિશાણી ચાર.
તીખા તુરગ ન માણિયા‚ ભડ તરવાર ન ભગ્ગ ;
એહ અવતાર એળે ગિયો‚ ગોરી લગી ન કંઠ.
ઘોડા તુજમેં તીન ગુણ‚ અવગુણ પણ ભરપૂર ;
છેટેથી ભેળાં કરે પાછાં લઈ જા દૂરમ દૂર.
ઘોડાંને ઘી પાતે‚ કામની કર ગ્રહીએ નહિ ;
ચટકો દી ચડતાં‚ પારકાં પોતાનાં કરે.
અગન બટુકાં વા ભ્રખાં‚ ઘોડાંની મોર જાય ;
કામન કહે સુણ કંથડા‚ હરણ કસાં ઘી ખાય
કાઠો બખતર ને આદમી એ ત્રણે લઈને જાય ;
હું તુજ પૂછું કામની‚ ઈ હરણથી શ્યે થાય ?
અગન બટુકાં વા ભ ખાં‚ ઘોડાની મોર જાય ;
કંથ કહે સુણ કામની‚ ઈ બેલડયે બે ન જાય.
કોઈ ઘોડો કોઈ પરખડો‚ કોઈ સુચંગી નાર ;
સરજનહારે સરજિયા‚ તીનું રતન સંસાર.
સોરઠીઓ દુહો ભલો‚ કપડો ભલો સફેદ ;
નારી નવ લક્ષણી ભલી‚ અશ્વ ભલો કુમેદ.
જડિયો જંગલમાં વસે‚ ઘોડાનો દાતાર ;
ત્રૂઠયો રાવળ જામ ને‚ હાંકી દીધો હાલાર.
કૂંકડ કંધા મૃગકૂદણા‚ શત્રુને હૈયે સાલ ;
નવરંગ તોરી નીપજે‚ પડ જોવો પાંચાળ. તલવારે ત્રણ કૂમકાં‚ કટારાં નવધાર ;
અસુરો રેવત ખેલવે‚ વોહી પુરુષ ધર નાર.
ઘોડાનાં પગમાં ઘૂઘરા‚ સાવ સોનેરી સાજ ;
લાલ કસૂંબલ લૂગડાં‚ ચરખાનો ચાંપરાજ.
સાઠી ચાવલ‚ ભેં સ દૂધ‚ ઘર શીલવંતી નાર ;
ચોથી પીઠ તુરંગરી‚ સુરગ નિશાણી ચાર.
તરવરિયા તોખાર‚ હૈયું ન ફાટયું હંસલા ;
મરતાં રા ખેંગાર‚ મારે ગામતરાં ગુજરાતનાં.
ઘોડા તું મેં ગુણ ઘણા‚ અવગુણ પણ ભરપૂર ;
છેટેથી ભેળાં કરે‚ અને લઈ જાય દૂરમ દૂર.
સાજણે ઘોડો શણગારિયો‚ દોરી કાઢયો ડેલા બાર ;
વજોગણ ખોળા પાથરે‚ સજણ ઘેરે શિયાળો ગાળ‚
ગૃહજીવનમાં ગાયનું‚ કૃષિજીવનમાં ધોરીનું અને બહારના જગત સાથેના વ્યવહારમાં ઘોડાનું મહત્વ રહ્યું છે. જીવનના ધારણ પોષણ અને વૃક્ષમાં પ્રકૃતિ પછી લોકોએ મુખ બે બળને જ પિછાણ્યાં છે : એક ગાય અને બીજી ઘોડી. લોકવાણીએ આભ અને ધરતી‚ ગાય અને ઘોડી‚ સ્ત્રી અને પુરુષ એવાં ત્રિવિધ શક્તિ યુગલમાં આખા સર્જનનું રહસ્ય સમજાવી દીધું છે.
ધરતીમાં બળ સરજ્યાં બે જણાં‚એક ધરતી ને બીજો આભ વધાવો રે આવિયો…
આભે મેહુલા વરસાવિયા‚ ધરતીએ ઝીલ્યા છે ભાર વધાવો રે આવિયો…
ધરતીમાં બળ સરજ્યાં બે જણાં‚ એક ઘોડી ને બીજી ગાય વધાવો રે આવિયો…
ગાયનો જાયો રે હળે જૂત્યો‚ ઘોડીનો જાયો પરદેશ વધાવો રે આવિયો…
લગ્નગીતોમાં અશ્વ
વીરા રે શકન જોઈ જોઈ ઘોડે ચડજો‚ વરરાજા શકન જોઈ જોઈ ઘોડે ચડજો…
પાવઠડે પગ દઈ ચડો રે વરરાજા‚ બેની તે છેડલા સાહી રહ્યાં…
કુંવર ઘોડે ચડયા ને જગ જોવા મળ્યું‚ મારી શેરીમાં હાટ નો માય ; કુંવર ઘોડે ચડયા રે.
કેસરિયા ચડો વરઘોડે‚ ચડો વરઘોડે ને લાલ અંબોડે‚
મીઠડાં લઉં તારા માથાની મોળ્યે‚ ધન્ય તારી માતા મોડબંધી આવે‚
વાલો વીર ઘોડલડે ચડે ને‚ હું તો જોઈ રહી છું…
વાલા વીર જોયાં તમારાં પીતળિયાં પલાણ રે ; ભમરલો તો બહુ રમે રે…
વરરાજા એટલે ગામ સમસ્તે અંતરથી ઠાલવેલા રૂપનો‚ ઉમંગનો સરવાળો‚ ઢોલી‚ શરણાયો‚ ગામના ગલઢેરા‚ વરના ભાઈબંધ‚ જોડીદારો‚ ઘોડાં અને સૌ… વિશે સ્ત્રીસમુદાય… જાન વળાવતાં સુધી વરરાજામાં રૂપ ભર્યાં કરે છે. પછી વરરાજા થોડોકં કુરૂપ હોય તો પણ વરઘોડે ચડીને‚ પરણીને પાછો વળે ત્યાં સુધી રૂપાળો રૂપાળો જ લાગે. વળી પાછું વરરાજાનું રૂપ કાઢનાર ઘોડીને માઠું ન લાગી જાય એટલે ઘોડીના પણ ગુણગાન ગવાય.
ઘોડી ખાય ખારેક ચાવે ટોપરાં‚ ઘોડી વચલે ઓરડીએ બંધાય ઘોડી રે રાજા રામની…
ઘોડી કિયે તે ભાઈ એ મૂલવી‚ ઘોડી કિયે ભાઈએ ખરચ્યાં દામ ઘોડી રે રાજા રામની…
ઘોડીને લલવટ ગાલમશુરિયાં ‚ ઘોડી લાડડાના પગડે જાય ઘોડી રે રાજા રામની…
આ જગની ઘોડી‚ ચરણે ચરણે પગ દેજે રે ;
ધન ખરચે ને ખરચાવે‚ લાડડાના દાદા રે ;
લડસડતાં માતાજી‚ મોતીડે વધાવે રે…
ઘોડી હાલે ચાલે ને ઘોડી ચમકે છે.
ઘોડી રાખે મારા વીરાનાં જતન દલાલી ઘોડી ચમકે છે…
ઘોડી કિયો રે નાના વરનો દાદલો
ઘોડી લેજો રે માતા નાં નામ દલાલી ઘોડી ચમકે છે…
હરિયાળી ઘોડી દાદાનાં મન મો શે રે
દાદા અમરભાઈ આણી પેરે જોશે
લળી લળી મોઢા સામું જોશે રે હરિયાળી રે ઘોડી…
વરઘોડાની અપ્સરા જેવી રૂપાળી સાજ સાજેલી ઘોડી હોય‚ માથે લ્હેરખડો વરરાજા ઘોડીને ય શોભાવે એવો બેઠો હોય‚ ઢોલ શરણાયું એ ફૂલેકાના સૂર નાદે જરા પ્રલંબિત પણ મધુર સ્વરે વધાઈ દઈ રહી હોય ત્યારે એની સમજદારી સાથે ઘોડી ઠમકંતી ડગલાં માડે છે. વરઘોડાની ઘોડીની આ રૂપાળી મનમોહક ચાલ માથે મંગલ ગીતો ગાતી ઓળઘોળ થઈ જાય છે અને ઘોડીના જ ગીતો પ્રથમ ઉપાડયાં છે ગ્રામનારીએ. ઘોડીનું એક એક ધીરું ધીરું ડગલું એના પ્રત્યેક સૌષ્ઠવભર્યા સ્નાયુનાં નર્તન પેદા કરે છે. ઘોડીના આ ઠેકાથી ઉપર બેઠેલા વરરાજાનું અગપણ વિવિધ છટાભર્યાં થડકાથી સવારનું રૂપ ખડું કરે છે. આ દ્રશ્ય આકર્ષક અને મનમોહક હોય છે. કૃષ્ણ ને રૂક્ષ્મણીના વિવાહનું એક લગ્નગીત ગવાય છે.
કૃષ્ણની જાને રૂડા ઘોડલા શણગારો ઘોડલે પીતળિયાં પલાણ રે મારા ગણેશ દુંદાળા…
ઘોડી અગન ગગન પગ માંડ‚ કે ચાલ ઉતાવળી રે‚
ઘોડી અજલે ચાલે ને મજલે ડગ ભરે‚
ઘોડી જઈ ઊભી ગામને ચોક ; વિવા આવ્યા ઢુકડા…
લીલુડી ઘોડી પાતળિયો અસવાર આ હે ચૌદ રતનનો વીરને ચાબખો
ઘોડી તે બાંધી આંબલિયાની ડાળ આ હે ચાબખડો વળગાડયો આંબાડાળખી.
તમારા દાદાને ચાડણ ઘોડલાં તમારી માડીને માફા વેલ્યું ને હું વારી જાઉં…
મોકલાવું મારા ખવલ વછેરા‚ બેસી આવો મુજ પાસ…
અવલ વછેરા તો નાચે ને ખૂંદે‚ તેથી ડરું વરરાજ…
પરશાળેથી કેસર ડે‚ ઘોડવેલ્યું આવે રે ઉતાવળી
ઘોડવેલ્યે બેસી બેનીબા ચાલ્યાં દાદા તે રામભાઈ વળામણે…
લોકગીતોમાં અશ્વ
નટવર નાનો રે‚ કાનો રમે છે મારી કેડમાં.
નંદકુંવર‚ ફૂલકુંવર નાનો રે‚ ગેડી દડો કાનાના હાથમાં…
ક્યો તો ગોરી ઘોઘાનાં ઘોડલાં મગાવી દઉં
ઘોડલાંનો વો રનાર રે‚ કાનો રમે છે મારી કેડમાં… નટવર નાનો રે…
એક ઘોઘા તે શે’રના ઘોડલાં‚ કાંઈ આવ્યાં અમારે દેશ… મોરલી વાગે છે…
વા વાયા ને વાદળ ઊમટયાં‚ મધ દરિયે ડૂબે વા’ણ.. મોરલી વાગે છે…
એક હાલાર શે રના હાથીડા‚ કાંઈ આવ્યા અમારે દેશ… મોરલી વાગે છે…
છેલ છોગાળાં‚ હોય તો મૂલવે‚ ડોલરિયો દરિયા પાર… મોરલી વાગે છે…
હાલો માનવિયું મેળે મેળામાં મારો મનનો માનેલ છે. ઈ રે મેળામાં મારો દલનો માનેલ છે…
ઈ રે મેળામાં એક ઘોડલા ઘુમાવતો‚
એ… એના ડાબલાના તાલ મારે હેડા હસાવે મનડા નચાવે‚ માનવિયું નો મેળો… હાલો…
કથાગીતોમાં અશ્વ
ઘોડલા રે ખેલંતા મારા વીર રે અભેસંગ‚ દાદા બોલાવે જી રે‚
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં‚ નવાણે નીર ના આવ્યાં જી રે…
વિરહની વ્યથા‚ વિયોગનું દુઃખ‚ અંતરની વેદના અને ભાવિથી અસ્વસ્થ એવા એકસાથે અનેક અકથ્ય ભાવો ગીતોમાંથી પ્રગટે છે. વિજોગણને અહીં ઘોડી પણ વેરણ લાગે‚ જ્યારે સ્વામી પરણવા આવ્યો ત્યારે તો માવતરથી અધિક લાગતી હતી તે સ્વામીની પ્યારી ઘોડી જેણે મિલન કરાવેલાં તે હવે વિયોગનું સાધન બનશે એમ જીવ થડક ઉથડક થાય ને આંખમાં કણું ખટકે એમ ખટકે છે આ ઘોડી. એવામાં એક દિવસ તેવતેવડી ગોરીઓ સાથે સુંદરી રાસડે રમવા નીસરી છે. સ્વામીથી એકાંત સહન થયું. કહેવરાવ્યું કે ચાકરીએ જવાનાં તેડાં આવ્યાં છે‚ માટે જલદી આવો. ગોરી સમજી ગઈ રે બહાનાં કાઢે છે. સ્વામીને ચીડવવા પોતે ન ગઈ તો સ્વામીએ સાચોસાચ ઘોડી શણગારી‚ અલબેલાને સચમૂચ રીસ ચડી ગઈ. ગોરીએ ડેલી બહાર ઘોડીને નીકળતાં જોઈ. દોડીને ઘોડીની વાઘ પકડી લીધી‚ પરણ્યો કહે : ઘોડીની વાઘ છોડી દો. મારે સાચે જ ચાકરીએ જવાનું છે. જોડીદારો બધા વાડી સુધી પહોંચી ગયા છે. ગોરીએ સમજાવટ શરૂ કરી. પછી કાલાવાલા કર્યા‚ કરગરી‚ છેવટ ન જ માન્યું ત્યારે સ્વામી સિવાય કોઈ ન મૂલવે એવી ચૂંદડીને મૂલવીને જવા સમજાવ્યું. પણ ઘટનાં ઘોડાં ઘટમાં જ રહ્યાં અને સ્વામીની ઘોડલી ચાલી નીકળી.
આવી રૂડી અંજવાળી રાત રાતે તે રમવા નીસર્યાં રે માણારાજ..
સાયબા ને ચડેલ રીસ‚ ઘોડીએ પલાણ નાખિયાં રે રાજ‚
રોઝી ઘોડી પીતળિયાં પલાણ‚ અલબેલો ચાલ્યા ચાકરી રે માણાંરાજ…
મેલો મેલો ઘોડલિયાની વાઘ‚ લશ્કર પોગ્યું વાડીએ રે રાજ…
રિયો રિયો આજુની રાત‚ ચૂંદડી તમે મૂલવો રે રાજ…
એ જ ભાવનું બીજું સુપ્રસિદ્ધ ગીત છે :
લીલી ઘોડી પાતળિયો અસવાર‚ અલબેલો ચાલ્યા ચાકરી રે લોલ
ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘ‚ અલબેલા જ્યારે આવશો રે લોલ…
ચોપાટમાં સોગઠે હારેલા દેરીડાના મારથી રૂઠેલી ભોજાઈ પોતાના માડીજાયાને ભેર કરવા બોલાવે છે.
માડીજાયા ! આવજે રાતોરાત જોને‚ સો સો ઘોડે વીરો સાબદો…
સહુનાં ઘોડાં સડકે ચાલ્યાં જાય જોને‚ આડબીડ હાલે વીરાની રોઝડી‚
સહુનાં ઘોડાં ખડ ખાતાં જાય જોને‚ ભૂખી હાલે વીરાની રોઝડી…
બહેનની આંખમાં વીરોજી ઘોડાં ખેલવતો જ બચે છે.
મારો વીરોજી આવ્યા ખડકી રે‚ વાગી વાગી ઘોડાંની પડઘી રે
વીરે ત્યાંથી તે ઘોડલા ખેલવ્યા સુંદરવર શામળીઆ !
ઘોડલા ખેલવતા હો વીરાજી કે જો ખેલવતા હો વીરાજી‚ મોતીઅલ કયાં વેરાણાં ?
ઘોડલા ખેલવતા બીરો બોલ્યા‚ કપડાં લેણી આવી વગડીઆમાં દેર ડૂલ્ય…
ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ
વાજ તુરંગ વિહંગ અસવ ઉડંડ ઉતંગહ જંગમ કેકાણ જડાગ રાગ ભીડગ પમંગહ
તુરી ઘોડો તોખાર બાજ બરહાસ બખાંણ ચીંગો રૂહીચાળ વરવે રણ વખાણો
બાવીસ નામ વાણી બોહત કવિ પિંગળ કીરત કહી
ગ્રંથ આદ દેખે મતાં સબળ નામ સારાં સહી
તેજી તુરંગ તોખાર વાહ વાજી બેગાલ ધુરજ ભિડજ ગન્ર્ધવા અસવ અરવી અસિ ચંચળ
તારપ તુરી સજીવ બાજી કેકાંણ વિડંગહ હરિ હિમ્મ બ્રહાસ બલહ જંગમ વાતંડહ
સાકુર અપત્તિ વીતી સિંધવ એરાકી ઉપમ ઘણા
કર જોડ કવિત પિંગલ કહૈ તીસ નામ ઘોડા તણા
લોકવાર્તાના નાદવૈભવમાં અશ્વ
રૂમઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા… રૂમાઝુમા…‚ ધમાધમા…‚ તબડાક… તબડાક… તબડાક‚ ને બાગડદા… બાગડદા… બા ગડદા… પેગડે પગ મૂકીને ઘોડી પલાણવાની ક્રિયાને લોકવાર્તાનો કથક ખાલી પાંચ જ અક્ષરમાં સાદ્રશ્ય કરે. બગાક… જમ… કરતાંક ઘોડી પલાણી‚ ને પલાણતાં તો ઘોડી ઉડી સડડડડડડડડડ ખેપટ ઉડાડતી. યુદ્ધના મેદાનનું તાદ્રશ ચિત્ર આટલાં લાઘવથી રજુ કરવાનું શિષ્ટ ભાષાનું ગજું નહિ. ઘોડાની ચાલના ઘણાં પ્રકારો તથા ચાલને પણ નાદવૈભવ દ્વારા લોકવાર્તાનો કથક આબેહુબ પ્રગટ કરી શકે છે.
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
બ્રદ રાવળ બિરદાવીયો હો‚ રંગ ક્ષત્રિ મહેરાણ‚
પાણી રખિયો આપરો હો‚ પરસીધ મેર પ્રમાણ..
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
મેરામણ જેસા મરદ‚ હો મમ આગે હોય‚
અમર કથાં રાખે‚ સાધે કારજ સોંય..
રણ જાંબેં ચો રાખિયો હો‚ મોભી ભડ મેરાણ‚
તેણ સમે કટકાં તણી હો‚ બાજી જડ બઝડાણ..
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
જાતો ખુની જાણ્ય‚ આગે મહેરાણ અજાણી‚
પટી ઘોડીએ પૂંઠ‚ તતખણ મેલી તાણી‚
આગે ભાગો જાય‚ ભોમ અંતર નહી ભાંગે‚
આણે મન ઉચાટ લાખ‚ લખ દાવ ન લાગે…
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
મું અગે શત્રુ સાજો‚ મું તો જીવતર હાર હું‚
ધણ કરાં અખે અપઘાત‚ ઘટ જો મેં શત્રુ ન માર હું‚
અસી બાજ ઉડણી‚ પવન વેગ હુ પડકારી‚
ત્રુટી તારા જેમ‚ ધીર પંખણ ધજધારી..
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
બરાછક હોઈ બારાડ‚ ભીમ ભારથ બછુટો‚
કરે ક્રોધ કૃતોત‚ તંત કર લેવા ત્રુટો‚
ક્રમ અઢાર માથે ક્રમણ‚ વાહે અતંગા વાઢિયો‚
સત્રંગ જરદ અસ સોંસરો‚ કૃંત અંગ સર કાઢિયો..
હાલાજી ! તારા હાથ વખાણું કે‚ પટી તારા પગલાં વખાણું ?
ગરબામાં અશ્વ
ઘોર અંધારી રે રાતલડીમાં નીસર્યાં ચાર અસવાર
રાતે ઘોડે રે કોણ ચડે મા અંબા છે અસવાર…
લોકવાણીમાં અશ્વ
કચ્છમાં અંજાર મોટા શહેર છે હો જી રે…
જ્યાં જેસલના હોઈ રંગ મોલ રાજ… હો રાજ હળવે હાંકો ને જેસલપીર ઘોડલા હો જી રે…
જેસલને ઉતારા ઓરડા હો રે. રાણી તોળાંદેને મેડીના મોલ રાજ… હો રાજ… હળવે…
રામા ચડીને રેવતે‚ વેલા આવ વીર ;
બૂડતી નાવ બચાવજો‚ પરગટ રામો પીર.
લોકભજનોમાં અશ્વ
ઘોડલિયાના જોવા છે મારે ઘમસાણ‚ રામાપીર પધારો રે લીલુડા રે ઘોડલે હો જી… (હરજી ભાટ્ટી)
ચારણ કવયિત્રી આઈ પુનાદેએ ઘણું ઘણું ભગવાન પાસેથી માગી લીધું. પણ ઘરે આવનાર અતિથિ કે જમાઈ ને ઘોડા વગરના કલ્પી શક્યાં જ નથી :
પાંચ તો મોહે પૂતર દેજે‚ પાંચે છોગાળા ;
તે ઉપર એક ધીડી દેજે‚ જેના આણાત ઘોડાળા
ભણતીસાં મેં કાનડ કાળા રે માવા મીઠી મોરલી વાળા રે..
ઊગમણા આઈ ઓરડા દેજે‚ડેલીએ દોઢાં બાર ;
વાડી‚ ઘોડી ને ખેતરાં દેજે‚ કોઠીએ અખૂટ જાર…
ભણતીસાં મેં કાનડ કાળા રે માવા મીઠી મોરલી વાળા રે..
સંતવાણીમાં અશ્વ
પવન રૂપી મેં તો ઘોડો પલાણ્યો‚ઉલટી ચાલ ચલાયો રે‚
ગંગા જમુના ઘાટ ઉલંઘી‚ જઈ અલખ ઘેરે ધાયો રે… (દાસી જીવણ)
તન ઘોડો મન અસવાર‚ હે જી વીરા મારા તન ઘોડો મન અસવાર‚
તમે જરણાના જીન ધરો હો જી … (ધ્રુવ પ્રહલાદ પ્રાચીન)
ઘડીકમાં મનડું મારૂ કીડી અને કુંજર વાલા‚ ઘડીક ઘોડે ને ઘડીક પાળું‚
કહોને ગુરુ મારૂં મનડું ન માને મમતાળું… (દાસી જીવણ)
ઘોડો હો તો લગામ લગાવું ઉપર જીન કસાવું‚
હોય સવાર તેરે પર બેઠું ચાબુક દેકે ચલાવું‚ મન તોહે કેહી બિધ કર સમજાવું ?… (કબીર)
બાલ સે ખ્યાલ બડે સે બિરોધ અગોચર નાર સે ના હસીયે‚
અન્ન સે લાજ અગન સે જોર અજાને નીરમેં ના ધસીયે
બૈલકું નાથ ઘોડે કું લગામ ઔર હસ્તિકું અંકુશ સે કસીયે‚
કવિ ગંગ કહે સુન શાહ અકબર એક કૂરસે દૂર સદા બસીયે.
બાળક સામે દલીલ‚ મોટાં સામે વિરોધ‚ અજાણી સ્ત્રી સાથે વ્યવહાર‚ અનાજ સામે શરમ‚ અગ્નિ સામે જોર‚ અજાણ્યા ઊંડાં જળમાં સ્નાન એટલાં વાનાં ન કરાય. ઘોડાને લગામ‚ બળદને નાથ અને હાથીને અંકુશથી કાબુમાં રખાય એમ ક્રુર માનવીથી હંમેશાં દૂર રહેવું જોઈએ.
સંતો મહાપુરુષો અને વીર પુરુષો સાથે જોડાયેલ અશ્વ
વિષ્ણુ ભયવાનનો હયગ્રીવ અવતાર‚ કલ્કિ અવતાર સાથે જોડાયેલ ઘોડો‚ રામદેવ પીરનો સેતલો ઘોડો. વાછડા ડાડાની ઘોડી રતન‚ સહજાનંદ સ્વામીની માણકી ઘોડી. ભાણ સાહેબ સાથે જીવંત સમાધિ લેનાર ઘોડી‚ મહારાણા પ્રતાપનો ચેતક વગેરેને અહીં યાદ કરવા જ પડે. અશ્વો માટે આપણે ત્યાં ઘણું બધું સાહિત્ય રચાયું છે‚ એ ઉપરાંત સંશોધન ગ્રંથો પણ પ્રકાશિત થયા છે જેમાં ‘શાલિહોત્ર સંહિતા’ શાસ્ત્ર ગ્રંથ‚ ‘ઊર્મિ નવરચના : અશ્વકથા વિશેષાંક’ સં.જયમલ્લ પરમાર‚ ‘જીવે ઘોડાં જીવે ઘોડાં’ સં.જયમલ્લ પરમાર‚ ‘લોકસાહિત્યની અશ્વકથાઓ’ સં.જોરાવરસિંહ જાદવ અનિવાર્યપણે જોવાં જોઈએ.
khub saras
This is an excellent article.Well said.