Archive

Archive for the ‘ગણપતિ’ Category

આજ મેં તો દીઠા રે મેવાડી રામા ગણપતિ આવે ઝુલતા – લીરલબાઈ – દેવજી ભગત

આજ મેં તો દીઠા રે મેવાડી રામા ગણપતિ આવે ઝુલતા – લીરલબાઈ – દેવજી ભગત

મૂળ મહેલમાં વસે ગુણેશા.. તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા… (તોરલપરી રૂખડિયો)

મૂળ મહેલમાં વસે ગુણેશા.. તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા… તોલરપરી રુખડિયો – ગણપતી – હસુભાઇ આચાર્ય

મૂળ મેલમાં વસે ગણેશા‚ ગુરુ ગમસે ગુણ પાતા‚

ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી.

તમે ભાંગો મારા મનડાની ભ્રાંતા‚ તમે ભાંગો મારા દિલડાની ભ્રાંતા‚

ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી.

તમે ખોલો મારા રૂદિયાના તાળાં‚ મેરા દુઃખ દારિદ્ર મટી જાતા‚

ગુણપતિ દાતા‚ મેરે દાતા હો… જી.

ધુપ ધ્યાન ને અખંડ આરતી‚ ગુગળના ધૂપ હોતા‚ ગુણપતિ દાતા‚

મેરે દાતા હો… જી.

રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે‚ ઝીણી ઝીણી ચાલ ચલંતા‚

ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.

ખીર ખાંડ ને અમરત ભોજન‚ ગુણપતિ લાડુ પાતા‚

ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.

શુધ બુધ નારી તેરી સેજ બિછાવે‚ નિત નિત ચમર ઢળંતા‚

ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.

ગુરુ પ્રતાપે બોલ્યા તોરલપરી‚ મરજીવા મોજું પાતા‚

ગુણપતિ દાતા‚ જીવો દાતા હો… જી.

સેવા મારી માની લેજો‚ સ્વામી રે સુંઢાળા રે‚ ગુણપતિ દેવા રે… (ગોરખ)

સેવા મારી માની લેજો‚ સ્વામી રે સુંઢાળા રે‚ ગુણપતિ દેવા રે…ગોરખ – ગણપતી – મુળા ભગત

સેવા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે‚

પૂજા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે ;

ખોલો મારા રૂદિયાનાં તાળા‚ તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી…

જળ રે ચડાવું દેવા ! જળ નથી ચોક્ખાં રે‚ હો જી…

ઈ જળ ઓલી માછલીએ અભડાવ્યાં રે….

સેવા મારી માની લેજો…૦

ફુલડાં રે ચડાવું દેવા ! ફુલ નથી ચોક્ખાં રે‚ હો જી…

ઈ ફુલ ઓલ્યે ભમરલે અભડાવ્યાં રે….

સેવા મારી માની લેજો…૦

દૂધ રે ચડાવું દેવા ! દૂધ નથી ચોક્ખાં રે‚ હો જી…

ઈ દૂધ ઓલ્યાં વાછરડે અભડાવ્યાં રે…

સેવા મારી માની લેજો…૦

ચંદન ચડાવું દેવા ! ચંદન નથી ચોક્ખાં રે‚ હો જી…

ઈ ચંદન ઓલ્યા ભોરીંગે અભડાવ્યાં રે…

સેવા મારી માની લેજો…૦

ભોજન ચડાવું દાતા ! ભોજન નથી રે ચોક્ખાં રે‚ હો જી…

ઈ ભોજન ઓલી માખીએ અભડાવ્યાં રે…

સેવા મારી માની લેજો…૦

મછંદરનો ચેલો જતિ ગોરખ બોલ્યા રે‚ હો જી…

આ પદ ખોજે‚ સોઈ નર પાયા રે…

સેવા મારી માની લેજો…૦

ગરવા પાટે પધારો ગુણપતિ… (કેશવ)

ગરવા પાટે પધારો ગુણપતિ… કેશવ – મથુરભાઇ કણજારીયા

ગરવાં પાટે પધારો ગણપતિ – કેશવ – કાવાભાઇ મકવાણા

જમા જાગરણ કુંભ થપાણાં મળીયા જતિ અને સતી‚

ગરવા પાટે પધારો ગણપતિ…

પાટે પધારો ગુણપતિ સંગમાં સુદ્ધ બુદ્ધ નારી સતી‚

ગરવા પાટે પધારો ગણપતિ…

નિજીયા પંથીએ મંડપ રોપ્યા‚ ધરમ ધજાયું ફરકતી

ગત ગંગા આરાધે દેવતા‚ નરનારી એક મતિ

ગરવા પાટે પધારો ગણપતિ…

વેદ ભણંતા બ્રહ્માજી આવ્યા‚ આવ્યાં માતા સરસ્વતી

કૈલાસથી ભોળાનાથ પધાર્યા સાથે પાર્વતી સતી

ગરવા પાટે પધારો ગણપતિ…

તેત્રીસ કોટિ દેવતા આવ્યાં આવ્યા લક્ષ્મી પતિ

બાવન વીર ને ચોસઠ જોગણી આવ્યાં છે હનમો જતિ

ગરવા પાટે પધારો ગણપતિ…

નવનાથ ને સિદ્ધ ચોરાશી આવ્યા છે ગોરખ જતિ

પોકરણથી પીર રામો પધાર્યા એ તો બાર બીજના પતિ…

ગરવા પાટે પધારો ગણપતિ…

કેશવ તમને વિનવે સ્વામી‚ મંગળકર મુરતિ

ધુપ ધુપ અને ઝળ હળે જ્યોતિ ઉતારૂં આરતી

ગરવા પાટે પધારો ગણપતિ…

પરથમ પહેલાં સમરીયે રે‚ સ્વામી તમને સૂંઢાળા… (રાવત રણશી)

પરથમ પહેલાં સમરીયે રે‚ સ્વામી તમને સૂંઢાળા… રાવત રણસી – કલ્યાણદાસ મેસવાણીયા & પાર્ટી

પ્રથમ પહેલા સમરિયે – ગણપતિ – રાવત રણશી – દુલા ભગત

પરથમ પહેલાં સમરીયે રે‚ સ્વામી ! તમને સૂંઢાળા.. હાં.. હાં.. હાં..

રિદ્ધિ સિદ્ધિના દાતાર દેવતા ! ઋષિમુનિના આગેવાન મારા દેવતા !

મહેર કરોને મહારાજ રે…

પરથમ પહેલાં સમરીયે રે…૦

માતાજી રે કહીએ જેનાં પારવતી રે સ્વામી ! તમને સુંઢાળા‚

માતાજી રે કહીએ જેનાં હાં હાં હાં‚ એ.. પારવતી રે‚ સ્વામી તમને સુંઢાળા..

પિતાજી રે શંકર દેવ‚ દેવતા ! મહેર કરોને મહારાજ રે…

પરથમ પહેલાં સમરીયે રે…૦

ઘી રે સીંદુરની સેવા ચડે રે સ્વામી ! તમને સુંઢાળા‚

ઘી રે સીંદુરની રે હાં હાં હાં‚ એ.. સેવા ચડે રે સ્વામી ! તમને સુંઢાળા‚

ગળામાં ફુલડાના હાર મારા દેવતા ! મહેર કરો મહારાજ રે…

પરથમ પહેલાં સમરીયે રે…૦

કાનમાં કુંડળ ઝળહળે રે સ્વામી ! તમને સુંઢાળા‚

કાનમાં કુંડળ હાં હાં હાં‚ એ… ઝળહળે રે સ્વામી ! તમને સુંઢાળા‚

કંઠે મોતીડાંની માળ મારા દેવતા ! મહેર કરો મહારાજ રે..

પરથમ પહેલાં સમરીયે રે…૦

રાવત રણશીની વિનતિ રે સ્વામી ! તમને સુંઢાળા‚

રાવત રણશીની હાં હાં હાં‚ એ… વિનતિ રે સ્વામી ! તમને સુંઢાળા‚

ભગતોને કરજો સહાય મારા દેવતા ! મહેર કરો મહારાજ રે..

પરથમ પહેલાં સમરીયે રે…૦