Archive

Archive for the ‘કટારી’ Category

એવી પ્રેમ કટારી લાગી… (સાંઈવાલી)

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – હેમંત ચૌહાણ

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – મુળા ભગત

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – બાલકદાસ કાપડી

એવી પ્રેમ કટારી લાગી…સાંઇ વલી – દયારામ બાપુ

એવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;

એવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…

એવી પ્રેમ કટારી લાગી…

શબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚

શૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;

એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…

એવી પ્રેમ કટારી લાગી…

માથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚

પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;

એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…

એવી પ્રેમ કટારી લાગી…

હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚

સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;

એવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…

મુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…

એવી પ્રેમ કટારી લાગી…

પ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;

અંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;

એવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…

એવી પ્રેમ કટારી લાગી…

પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી… (દાસી જીવણ)

પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી… દાસી જીવણ – મુગટલાલ જોષી

પ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚

ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી…

પ્રેમ કટારી આરંપાર…૦

ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી !

આંખ વીંચી ઉઘાડી જોયું‚ વાર ન લાગી વાતકી…

પ્રેમ કટારી આરંપાર…૦

સઈ ! મેં જોયું શામળા સામું‚ નિરખી કળા નાથકી‚

વ્રેહ ને બાણે‚ પ્રીતે વીંધ્યા‚ ઘાવેડી બહુ ઘાતકી…

પ્રેમ કટારી આરંપાર…૦

ઓખદ બુટી પ્રેમની સોઈ‚ જો પીવે કોઈ પાતકી‚

રાત દિવસ ઈ રંગમાં ખેલે‚ એવી રમતું હે રઘુનાથકી…

પ્રેમ કટારી આરંપાર…૦

દાસી જીવણ ભીમ પ્રતાપે‚ મટી ગઈ કુળ ભાતકી

ચિતડાં હેર્યાં શામળે વાલે‚ ધરણીધરે ધાતકી…

પ્રેમ કટારી આરંપાર…૦

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી… (મૂળદાસ)

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી… મુળદાસ – દાવાભાઇ પાનવાળા

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી… મુળદાસ – જગમાલ બારોટ

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…

બાયું ! મારા કલેજામાં મારી રે‚ બેની ! મારા રૂદિયામાં મારી રે‚

મારી છે કટારી ચોધારી‚ મેરમની કટારી‚ મારા કલેજે કટારી…

ભેદુ વિનાની વાતું કોણે રે જાણી ? મેરમની ચોધારી‚ મારે કાળજે કટારી…

(સાખી) મારી કટારી મૂળદાસ ક્યે જુગતે કરી ને જોઈ‚

કળા બતાવી કાયા તણી‚ કાળજ કાપ્યાં કોઈ

(હદય કમળમાં રમી રહી‚ કાળજાં ફાટયાં સોઈ‚)

કાળજ કાપી કરૂણા કીધી‚ મુજ પર કીધી મહેર‚

જોખો મટાડયો જમ તણો‚ મારે થઈ છે આનંદ લીલા લ્હેર રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) પહેલી કટારી એ પરીક્ષા કીધી બીજીએ સાંધ્યાં બાણ

ત્રીજી રમી ત્રણ ભુવનમાં‚ ચોથીએ વીંધાણા પ્રાણ

પ્રાણ વીંધાણા ને પ્રીતું બંધાણી‚ દેખાડયો દશમો દુવાર

કુંચીએ કરશનજીને વીનવું‚ મારી સુરતાની લેજો સંભાળ રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) આ કટારી કોઈના કળ્યામાં નાંવે‚ નઈં અણી ને નહીં ધાર‚

ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો ઊતરી આરંપાર ;

વારી વારી કહું છું વિઠ્ઠલા ! મારા અવગુણનો ધરશો મા સાર‚

બેડી મ દેશો મારી બૂડવા‚ મારી બેડલી ઉતારજો ભવપાર રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) કુળમાં દાવો મેં છોડયો શામળા ! ફળની મેલી લાર‚

અટક પડે વ્હેલા આવજો‚ મારા આતમના આધાર ;

વારે વારે શું કહું વિઠ્ઠલા ! મારા અવગુણ ના ધરશો એક‚

શામળા ! વ્હાલા ! તરત સિધાવો મારી તરણા બરોબર ટેક રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) સાચા સદગુરુ સેવિયા‚ જુગતે જાદવ વીર

મન પથ્થર હતા તે પાણી કીધાં‚ જેમ નીર ભેળાં કીધાં નીર

પાય લાગું પરમેસરા‚ તમે દેખાડયું નિજ ધામ રે

રામદાસ વચને મૂળદાસ બોલે‚ મારા ગુરુ એ બતાવ્યું તરવાનું ઠામ રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે… (દાસી જીવણ)

કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે… દાસી જીવણ – દાવાભાઇ પાનવાળા

કલેજા કટારી રે વ્રેહની કટારી રે‚

હે માડી ! મુંને માવે‚ લઈને મારી રે મારી…

વાંભુ ભરી મુજને મારી‚ વાલે મારે બહુ બળકારી‚

એણે હાથુંથી હુલાવી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

કટારીનો ઘા છે કારી‚ વાલીડે મારી છે ચોધારી‚

ભીતર ઘા બહુ ભારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

જડી બુટી ઓખદ મૂળી‚ કેની એ ન લાગે કારી‚

વૈદ ગિયા હારી રે‚ હકીમ ગિયા હારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

વ્રેહ તણી વેદના ભારી‚ ઘડીક ઘરમાં ને ઘડીક બારી

મારી મીટુંમાં મોરારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

દાસી જીવણ ભીમને ભાળી‚ વારણાં લઉં વારી વારી‚

આજ દાસીને દીવાળી રે‚ ખબરું લીધી હમારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦