Archive

Archive for the ‘શ્રી રાજેન્દ્રપ્રસાદજી શાસ્ત્રી’ Category

વસ્તુ વિચારીને દિજીએ રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વસ્તુ વિચારીને દિજીએ રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

વસ્તુ વિચારીને દિજીએ રે, જો જો તમે સદપાત્ર રે ;
વરસ સુધી અધિકારીપણું જોવું ને, ફેર ન રહે અણુમાત્ર રે…
વસ્તુ વિચારીને દિજીએ રે…
ગુરુને ક્રોધ થયો એવું જ્યાં લગી જાણે, ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે ;
ગુરુજીના વચનુમાં આનંદ પામે ને, આવીને લાગે એને પાય રે…
વસ્તુ વિચારીને દિજીએ રે…
ભાઈ રે ! એવા શુદ્ધ અધિકારી જેને ભાળો રે, તેને કરજો ઉપદેશ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એને લાગે નહિ કઠણ વચનનો લેશ રે…
વસ્તુ વિચારીને દિજીએ રે…

અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

અંતઃકરણથી પૂજાવાની આશા રાખે ને, એને કેમ લાગે હરિનો સંગ રે ;
શિષ્ય કરવા નહિ એવાને રે, જેને પૂરો ચડયો ન હોય રંગ રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…
ભાઈ રે ! અંતર નથી જેનું ઊજળું ને, જેને મોટાપણું મનમાંય રે ;
તેને બોધ નવ દિજીએ ને, જેની વૃત્તિ હોય આંય ને ત્યાંય રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…
ભાઈ રે ! શઠ નવ સમજે સાનમાં ને, ભલે કોટિ કરે ઉપાય રે ;
સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય રે, એવાની અંતે ફજેતી થાય રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…
ભાઈ રે ! એવાને ઉપદેશ કદી ન દેવો ને, ઊલટી ઉપાધિ વધતી જાય રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એવાંનો કરવો નહિ ઈતબાર રે…
અંતઃકરણથી પૂજાવાની આશા રાખે…

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે, એ ચારે વાણી થકી પાર રે ;
સ્વપ્નમાં પણ જે ચળે નહિ રે, એ તો નિર્ભય નર ને નાર રે…
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે…
ભેદવાણીપણાનો સંશય ટળી ગયો રે, મટી ગયો વણ નો વિકાર રે ;
તનમનધન પોતાનું નથી માન્યું ને, સતગુરુ સાથે એક તાર રે…
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે…
એવાને ઉપદેશ તરત લાગે રે, જેણે પાળ્યો સાંગોપાંગ અધિકાર રે ;
આ અલૌકિક વસ્તુ એવાને કહેજો ને, નહિ તો સમજીને રહેજો સમાઈ રે…
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે…
ભાઈ રે ! હરિગુરુ સંતને એકરૂપ જાણજો ને, રહેજો સ્વરૂપમાં લીન રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, તમે સમજૂ છો મહાપ્રવીણ રે…
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું રે…

સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે, રાખજો રૂડી રીત રે ;
અજાણ્યા સાથે વાત નવ કરજો રે, જેનું મન સદા વિપરીત રે…
સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે…
આગળ ઘણા મહાત્મા થઈ ગયા રે, તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે ;
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિએ તો, ઉપજાવે અંતરમાં ખેદ રે…
સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે…
ભાઈ રે ! લિંગવાસનામાં જેનું ચિત્ત લાગ્યું રે, આસક્ત છે વિષયમાંય રે ;
એવાને ઉપદેશ કદી નવ કરવો રે, જેને લાગે નહિ લેશ ઉરમાંય રે…
સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે…
ભાઈ રે ! ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું ને, ચૂકવો નહિ અભ્યાસ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, ત્યાં રહે નહિ દુર્જનનો વાસ રે…
સ્થિરતાએ રહેજો ને વચનુંમાં ચાલજો રે…

કળજુગ આવ્યો હવે કારમો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કળજુગ આવ્યો હવે કારમો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કળજુગ આવ્યો હવે કારમો રે, તમે સુણજો નર ને નાર ;
ભક્તિ ધરમ તે માંહે લેપાશે, રહેશે નહિ તેની મર્યાદ…
ગુરુજીના કહેવા ચેલા નહિ માને ને, ઘેર ઘેર જગાવશે જ્યોત રે ;
નર ને નાર મળી એકાંતે બેસશે, રહેશે નહિ આતમ ઓળખાણ…
કળજુગ આવ્યો હવે કારમો રે…
વિષયના વેપારમાં ગુરુજીને વામશે, જુઠા હશે નર ને નાર રે ;
આદિ ધરમની ઓથ લેશે ને, નહિ રાખે અલખ ઓળખાણ રે…
કળજુગ આવ્યો હવે કારમો રે…
ભાઈ રે ! એકબીજાના અવગુણ જોવાશે ને, કરશે તાણાવાણા રે ;
કજિયા કલેશની વૃદ્ધિ થાશે ત્યારે, નહિ આવે ધણી એને દ્વાર રે…
કળજુગ આવ્યો હવે કારમો રે…
સાચા મારા ભાઈલા અલખ આરાધે, ધણી પધારે એને દ્વાર રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, તમે કરજો સાચા કેરો સંગ રે…
કળજુગ આવ્યો હવે કારમો રે…

કળજુગમાં જતિ સતી સંતાશે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કળજુગમાં જતિ સતી સંતાશે ને – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કળજુગમાં જતિ સતી સંતાશે ને, કરશે એકાંતમાં વાસ રે ;
કુડા ને કપટી ગુરુને ચેલા રે, પરસ્પર નહિ વિશ્વાસ રે… કળજુગમાં…
ગુણી ગુરુ ને ચતુર ચેલકો રે, બેયમાં હાલે તાણાવાણ રે ;
ગુરુના અવગુણ ગોતવા માંડે રે, ગાદીના હાલે ઘમસાણ રે…કળજુગમાં…
ચેલકો બીજા ચેલકા પર મોહે રે, પોતે ગુરુજી થઈને બેસે રે ;
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને રે, જ્ઞાન કે ગમ નહિ લેશ..કળજુગમાં…
ચેલો ચેલા કરી બાંધશે કંઠિયું રે, બોધમાં કરે બકવાદ રે ;
પેટને પોષવા ભીખીને ખાશે રે, પુરુષાર્થમાં પરમાદ રે…કળજુગમાં…
ધનને હરવા છળ કરશે ને, નિત્ય નિત્ય નવા ગોતે લાગ રે ;
આસન થાપી કરશે ઉતારાને, વિષયમાં એને અનુરાગ રે…કળજુગમાં…
વાદવિવાદ ને ધર્મ કરમમાં રે, ચૂકે નહિ કરતાં એ હાણ રે ;
ગંગાસતી કહે એવાથી ચેતજો રે, કળજુગના જાણી પરમાણ રે…

છુટા છુટા તીર હવે મારો માં બાઈ જી… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

છુટા છુટા તીર હવે મારો માં બાઈ જી… – ગંગાસતી – ડૉ. નિરંજન રાજ્યગુરુ

છુટા છુટા તીર હવે મારો માં બાઈ જી… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

છૂટાં છૂટાં તીર હવે મારો મા બાઈ જી ! અમથી સહ્યાં નવ જાય ;

કલેજાં મારાં વીંધી નાખ્યાં બાઈ જી ! છાતી મારી ફાટુંફાટું થાય…

છૂટાં છૂટાં તીર અમને મારો મા રે…

બાણ રે વાગ્યાં ને રૂંવાડાં વીંધાણાં બાઈ જી ! મુખથી નવ કહેવાય ;

આપોને વસ્તુ મુને લાભ જ લેવા, પરિપૂરણ કરીને ક્રિયા ય…

છૂટાં છૂટાં તીર અમને મારો મા રે…

બાણ રે હજી તમને વાગ્યાં નથી, બાણ રે વાગ્યાને છે હજી વાર ;

બાણ રે વાગ્યાથી સુરતા ચડે આસમાનમાં, પછી દેહદશા મટી જાય…

છૂટાં છૂટાં તીર અમને મારો મા રે…

બાણ વાગ્યાં હોય તો બોલાય નહિ, પરિપૂરણ વચનમાં વરતાય ;

ગંગાસતી એમ બોલિયાં રે ; તે જ પૂરણ અધિકારી કહેવાય રે…

છૂટાં છૂટાં તીર અમને મારો મા રે…

દળી દળી ઢાંકણીમાં ઉધરાવવું રે… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

દળી દળી ઢાંકણીમાં ઉધરાવવું રે… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

દળી દળી ઢાંકણીમાં ઉધરાવવું રે… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

દળીદળીને ઢાંકણીમાં ઉધરાવવું રે, એવું કરવું નહિ કામ રે ;

આપણી વસ્તુ જાય અવરથા રે, એવાનું લેવું નહિ નામ રે…

દળીદળીને…

સેવા કરવી તો છેલ્લા જનમવાળાની ને, ભજનમાં જોવા સંસ્કાર રે ;

જો પૂરવનો પુરુષાર્થ હોય એહનો રે, તો મેળવવો વાતનો એકતાર રે…

દળીદળીને…

ભાઈ રે ! વિષયવાળાને આ વાત ન કહેવી ને, એથી રાખવું અલોપ રે ;

દેખાદેખીએ મરને કંઠી બંધાવે રે, શુદ્ધ રંગનો ચડે ન ઓપ રે…

દળીદળીને…

ઉત્તમ કર્મ જો કરે ફળની આશાએ રે, એવાને લાગે હરિ નો લેશ રે ;

ગંગાસતી એમ બોલિયાં રે, તેઓ જ્યાંથી ભાળે અખંડ દેશ રે…

દળીદળીને…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ ને, સમજીને રહીએ ચૂપ રે ;

મરને આવીને ધનનો ઢગલો કરે ને,  ભલે હોય મોટો ભૂપ રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

ભજની પુરુષે બેપરવા રહેવું ને, રાખવી નહિ કોઈની પરવાહ રે ;

મોટાની આગળ નવ ઉચ્ચારવું ને, બાંધવો સુરતાનો એકતાર રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

ઉપદેશ દેવો તો પ્રથમ ભગતિ દેખાડવી ને, ગાળી દેવો તેનો મોહ રે ;

દયા કરવી તેની ઉપર ને, રાખવો ઘણો કરીને સોહ રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

સંશય ટળે ને મનડું ગળે ને, રાખે નહિ કોઈ પર દ્વેષ રે ;

ગંગાસતી એમ બોલિયાં રે, એવાને દેખાડવો હરિનો દેશ રે…

કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ…

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ… – ગંગાસતી – ડૉ.નિરંજન રાજ્યગુરુ

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ… – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી

પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ ! પિયાલો આવ્યો છે તત્કાળ ;

વખત ગયા પછી પસ્તાવો થાશે પાનબાઈ ! અચાનક ખાશે તમને કાળ…

પી લેવો હોય તો રસ પી લેજો…

જાણવી હોય તો વસ્તુ જાણી લે જો, નીકર જમીનમાં વસ્તુ જાશે ;

નખશીખ ગુરુજીએ હ્રદયમાં ભરી તો આ, ઠાલવવાનું ઠેકાણે કે વાશે…

પી લેવો હોય તો રસ પી લેજો…

આપ રે મૂઆ વિના અંત નહિ આવે રે, ગુરુગમ વિના ગોથાં મરને ખાવે ;

ખોળામાં બેસાડી વસ્તુ તમને આપું, જેથી આપપણું તરત ગળી જાવે…

પી લેવો હોય તો રસ પી લેજો…

આ વખત આવ્યો છે તમારે ચેતવાનો રે, માન મેલીને થાઓ હોશિયાર ;

ગંગાસતી એમ બોલિયાં રે,  હવે તમે હેતનાં બાંધો હથિયાર…

પી લેવો હોય તો રસ પી લેજો…