એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
એકાગ્ર ચિત્ત કરીને સાંભળો રે, મોટો કહું ઈતિહાસ રે ;
તે ઈતિહાસને સાંભળશો ત્યારે, પ્રગટે પૂરણ મહા વિશ્વાસ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
ભાઈ રે ! મનવાણીથી પરની વૃત્તિ જેણે, મોહજીત એવું તેનું નામ રે ;
ભજન કરે છે આઠ પહોર હરિનું, એ તો લે છે નિરંતર નામ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
ભાઈ રે ! વેદ જેનાં વખાણ કરે છે રે, જે ખોજ્યો ન આવે હાથ રે ;
બેહદની જેણે ભક્તિ કીધી રે, હરિ રમે છે તેની સાથ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
ભાઈ રે ! મળવિક્ષેપ જેના મટી ગયા રે, ટળી ગયા દૂબજાના ડાઘ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, એવાને પ્રગટે વૈરાગ રે…
એકાગ્ર ચિત્ત કરીને…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે, સમજવી સદ્દગુરુની સાન ;
વિપત્તિ આવે પણ વૃત્તિ ન ડગાવવી ને, મેલી દેવું અંતરનું માન રે…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે…
પ્રખ્યાતિ પાનબાઈ ! એવાની થઈ રે, જેણે શીશ તો કર્યાં કુરબાન રે ;
વિપત્તિપણું એના ઉરમાં ન આવે ને, જેને મા’રાજ થયા છે મે’રબાન રે…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે…
ભાઈ રે ! શીશ પડે પણ એનાં ધડ લડે ને, જેણે સાચો માંડયો સંગ્રામ રે ;
પોતાનું શરીર જેણે વહાલું નવ કીધું રે, ત્યારે રીઝે રે પાનબાઈ ! રામ…
ભક્તિ વિનાના ભગવાન રિઝાય નહિ રે, ભલે કોટિ કરે ઉપાય ;
ગંગાસતી એમ બોલિયાં રે, આપદા ભક્તિ વિના નવ જાય રે…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે…
વીણવો હોય તો રસ વીણી લેજો – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
વીણવો હોય તો રસ વીણી લેજો, હવે આવ્યો છે બરાબર વખત ;
ઊભા રે થાઓ પાનબાઈ શૂરવીરપણું દાખવો, લાંબો નથી કાંઈ પંથ…
વીણવો હોય તો રસ વીણી લેજો…
આ રસપાન પાનબાઈ ! અગમ અપાર છે, કોઈને કહ્યો નવ જાય રે ;
એ રસ હું તમને બતાવું પાનબાઈ ! ગુરુની પૂરણ થઈ છે કૃપા ય…
વીણવો હોય તો રસ વીણી લેજો…
આ અજર રસ કોઈથી જરે નહિ, અધૂરાંને આપ્યે ઢોળાઈ જાય ;
પીઓને પિયાલો પ્રેમે કરીને પાનબાઈ ! ત્યારે લે’રમાં લે’ર સમાય રે…
વીણવો હોય તો રસ વીણી લેજો…
આપ્યો રસ ને ખોળામાં બેસાડયાં, મૂકયો છે મસ્તક ઉપર હાથ રે ;
ગંગાસતી એમ બોલિયાં રે, ત્યાં તો નિરખ્યા ત્રિભુવન નાથ…
વીણવો હોય તો રસ વીણી લેજો…