સાનમાં સાન એક ગુરુજીની કહું – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
August 16th, 2011
સાનમાં સાન એક ગુરુજીની કહું – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
સાનમાં સાન એક ગુરુજીની કહું, જેથી ઉપજે આનંદના ઓઘ રે
સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે, તેને મટી જાય માયા કેરો ક્ષોભ રે.
સાનમાં સાન એક ગુરુજીની કહું…
ચૌદલોકથી વચન છે ન્યારું, તમે તેની કરી લ્યો ઓળખાણ રે
જથારથ વચનુંનો બોધ જોતાં, મટી જાય મનની તાણાતાણ રે…
સાનમાં સાન એક ગુરુજીની કહું…
ભાઈ રે ! વચન થકી ચૌદ લોક રચાણા, વચન થકી ચંદા ને સૂર રે
વચન થકી માયા ને મેદની, વચન થકી વરસે સાચાં નૂર રે…
સાનમાં સાન એક ગુરુજીની કહું…
વચન જાણ્યું તેણે સરવે જાણ્યું, તેને કરવું પડે નહિ બીજું કાંઈ રે
ગંગાસતી એમ બોલિયાં રે, તેને નડે નહિ માયા કેરી છાંય રે…
સાનમાં સાન એક ગુરુજીની કહું…