સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
August 16th, 2011
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે – ગંગાસતી – શ્રી રાજેન્દ્રપ્રસાદજી
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે, સમજવી સદ્દગુરુની સાન ;
વિપત્તિ આવે પણ વૃત્તિ ન ડગાવવી ને, મેલી દેવું અંતરનું માન રે…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે…
પ્રખ્યાતિ પાનબાઈ ! એવાની થઈ રે, જેણે શીશ તો કર્યાં કુરબાન રે ;
વિપત્તિપણું એના ઉરમાં ન આવે ને, જેને મા’રાજ થયા છે મે’રબાન રે…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે…
ભાઈ રે ! શીશ પડે પણ એનાં ધડ લડે ને, જેણે સાચો માંડયો સંગ્રામ રે ;
પોતાનું શરીર જેણે વહાલું નવ કીધું રે, ત્યારે રીઝે રે પાનબાઈ ! રામ…
ભક્તિ વિનાના ભગવાન રિઝાય નહિ રે, ભલે કોટિ કરે ઉપાય ;
ગંગાસતી એમ બોલિયાં રે, આપદા ભક્તિ વિના નવ જાય રે…
સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે રે…