પ્રીતમ વરની ચૂંદડી રે મહાસંતો વોરવાને મળિયા રે… (મૂળદાસ)
પ્રીતમ વરની ચૂંદડી રે મહાસંતો વોરવાને મળિયા રે… મુળદાસ – ભીખારામ બાપુ
પ્રીતમ વરની ચૂંદડી રે‚ મહાસંતો વોરવાને મળિયા રે ;
જે રે ઓઢે તે અમ્મર રે’વે‚ અકળ કળામાં જઈ ભળિયા રે…
પ્રીતમ વરની..૦
પવન સરુપી મેહુલા ઊઠિયા‚ વરસે વેરાગની વાદળિયું રે ;
ગગન ગરજે ને ઘોર્યું દિયે‚ ચોઈ દશ ચમકી વીજીળયું રે…
પ્રીતમ વરની..૦
વિચાર કરીને વણ વાવિયું‚ વણ તો મુનિવરનું ઠરિયું રે ;
આનંદ સ્વરૂપી ઊગિયું‚ ફાલી ફૂલડે બહુ ફળિયું રે…
પ્રીતમ વરની..૦
વિગતેથી વણ ને વીણિયું‚ સીતારામ ચરખે જઈ ચડિયું રે ;
જ્ઞાન ધ્યાનના એમાં બૂટા ભર્યા‚ વણનારા વેધુએ વણિયું રે…
પ્રીતમ વરની..૦
સોય લીધી સતગુરુ સાનની‚ દશનામ દોરા એમાં ભરિયા રે ;
સમદ્રષ્ટિથી ખીલાવી ચૂંદડી‚ રંગ નિત સવાયા ચડિયા રે…
પ્રીતમ વરની..૦
મનનો માંડવડો નાંખિયો‚ ગીતડાં ગાયાં છે સાહેલિયું રે ;
માયાનો માણેકથંભ રોપિયો‚ ઉમંગની ખારેકું વેચાણિયું રે…
પ્રીતમ વરની..૦
શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં‚ સરતી સમરતી જાનડિયું રે ;
ગમના ગણેશ બેસાડિયા‚ સાબદી થઈ છે વેલડિયું રે…
પ્રીતમ વરની..૦
હાકેમ રથ લઈને હાલિયા‚ જાનું અહોનિશ ચડિયું રે ;
ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા‚ ઈ મારગે વૈંકુંઠ મળિયું રે…
પ્રીતમ વરની..૦