નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… (દેવાયત પંડિત)
નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે… દેવાયત પંડિત – કરસન સાગઠીયા
નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે‚
એક મન કરો ને આરાધ જીવે રામ…
પ્રેહલાદ રે રાજાની વા’લે મારે‚ પોતે પત પાળી રે‚ જઈને હોળીમાં હોમાણાં રે‚ જીવે રામ‚
નહોર વધારી વા’લે‚ હરણકંસ માર્યો‚ ઉગાર્યો ભગત પ્રહલાદ‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
બળી રે રાજાને વા’લે મારે બાંયે બળ દીધાં ને‚ સોનાની થાળીમાં જમાડયાં રે‚ જીવે રામ‚
સાડા ત્રણ ડગલાં વા’લે મારે પૃથ્વી માગી ને‚ સોપ્યાં એને પાતાળુંના રાજ‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
હરિશ્ચંદ્ર રાજા તારાદેને વેચવાને ચાલ્યા રે‚ કુંવરને ડસિયેલો નાગ રે‚ જીવે રામ‚
હરિશ્ચંદ્રે તારાને માથે ખડગ તોળ્યાં ને‚ હરિએ ઝાલ્યા એના હાથ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
પાંચ પાંચ પાંડવ માતા કુંતાના કેવાણા રે‚ છઠ્ઠાં હતાં દ્રોપદીજી નાર રે‚ જીવે રામ‚
વૈરાટ નગરમાં વા’લે મારે મજૂરી મંડાવી રે‚ હતાં જેને હસ્તિનાપુર જેવાં રાજ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦
વિના રે પારખ આપણે વણજું ના કરીએ‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚
પાતર પરખ્યા વિના સંગડો ના કરીએ રે‚ પત એમાં પોતાની જાય રે જીવે રામ‚
દેવાયત પંડિત કહે તમે સૂણો રે દેવળદે રે‚ ધૂનો‚ જૂનો ધરમ સંભાળ રે‚ જીવે રામ…
એવા નૂરિજન સતવાદી ! આજ મારા ભાઈલા આરાધો રે…૦