જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે…
October 13th, 2010
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે… નરસિંહ – શક્તિદાન ગઢવી
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે
આવડી ધૂન મચાવે વ્રજમાં નહિ કોઈ પૂછણહાર રે…
જશોદા…
શીકું તોડયું ગોરસ ઢોળ્યું‚ ઉઘાડીને બાર રે ;
માખણ નો ખાદ્યું ઢોળી નાંખ્યું‚ માંકડાં હારોહાર રે…
જશોદા…
ખાંખા ખોળા કરતો હીંડે‚ બીવે નહીં લગાર રે‚
મહી મથવાની ગોળી ફોડી‚ એવા તે શું બાડ રે…
જશોદા…
વારે વારે કહું છું તમને‚ હવે નો રાખું ભાર રે‚
નત નત ઊઠી અમે કેમ સહીએ‚ વસીએ નગર મોજાર રે…
જશોદા…
મારો કાનજી ઘરમાં પોઢયો‚ ક્યાંય દીઠો નૈં બાર રે‚
દહીં દૂધનાં મારે માર ભર્યા છે‚ બીજે ન ચાખે લગાર રે…
જશોદા…
શાને કાજે મળીને આવી‚ ટોળે વળી દશ બાર રે ;
નરસૈયાનો સ્વામી સાચો‚ જૂઠી વ્રજની નાર તે…
જશોદા…