એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની… (દયાનંદ)
એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚ પટોળી આ પ્રેમની… દયો – પટોળી – હેમંત ચૌહાણ
એ જી રે એનો વણનારો વિશંભર નાથ‚
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
સત જુગમાં વણ વાવિયાં‚ ઊગ્યા ત્રેતા માં ય‚
દ્વાપરમાં એને ફળ લાગ્યાં‚ એ જી રે એમાં કળિયુગમાં ઊતર્યો કપાસ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
સતના ચરખે લોઢાવિયાં‚ પ્રેમની પિંજણે પિંજાય‚
સરખી સાહેલી કાંતવાને બેઠી ; એ જી રે એનો તાર ગયો આસમાન…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
બ્રહ્માજીએ તાર એના તાણિયા‚ શંકર જેવા વણનાર
તેત્રીસ કોટિ દેવ વણવા લાગ્યા‚ એ જી રે એમાં થઈ છે ઠાઠમ ઠાઠ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…
આ પટોળી ઓઢીને ધ્રુવ પરમ પદ પામ્યા‚ વળી ઓઢી છે મીરાંબાઈ‚
જૂનાગઢમાં નાગર નરસૈયે ઓઢી‚ એ જી રે પછી આવી દયાને હાથ…
પટોળી આ પ્રેમની… હાં હાં રે પટોળી પ્રેમની…