દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર પ્યાલો મેં… (દાસી જીવણ)
દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર પ્યાલો મેં… દાસી જીવણ – રામ ભગત‚ પોરબંદર
દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર‚
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
નુરત સુરતની સાન ઠેરાણી‚ બાજત ગગનાંમેં તૂર રે‚
રોમે રોમે રંગ લાગી રિયો તો‚ નખ શીખ પ્રગટયા નૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો‚ ઘટમાં ચંદા ને સૂર રે‚
ઘટોઘટ માંહી રામ રમતા બિરાજે‚ દિલ હીણાંથી રિયો દૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટયા વરસત નિરમળ નૂર રે‚
જે સમજ્યા ગુરુની સાનમાં ભર્યા રિયા ભરપૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
ભીમ ભેટયા ને મારી ભ્રમણા ભાંગી હરદમ હાલ હજૂર રે‚
દાસી જીવણ સત ભીમના શરણાં‚ પીતાં થઈ ચકચૂર…
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
મને ખૂબ ગમતું ભજન.
શ્રી હેમંત ચૌહાણના કંઠે તલગાજરડા પ્રથમ વખત આ સાંભળેલ, જો કે આપના વિશાળ સંગ્રહમાંથી આ સાંભળવાનો આનંદ અલગ જ છે. પોસ્ટ કરવા બદલ આભાર.